Close

આ વિશ્વમાં કશું કાયમી નથી, તમારી મુશ્કેલીઓ પણ નહીં

ચીની કમ | Comments Off on આ વિશ્વમાં કશું કાયમી નથી, તમારી મુશ્કેલીઓ પણ નહીં

કોરોના વાઇરસના નવા સ્વરૂપ ‘કોવિડ-૧૯’ નામની ખતરનાક બીમારીએ સમગ્ર વિશ્વને એક નવા જ મોડ પર લાવીને મૂકી દીધું છે.

આખા વિશ્વમાં લોકોની લાઇફસ્ટાઇલ બદલાઇ ગઈ છે. પિકનિક અને પાર્ટીઓ બંધ થઈ ગઈ છે. પશ્ચિમના દેશોમાં બાર પર બહુ ઓછા લોકો જોવા મળે છે. દરિયાના બીચ પર ઓછા લોકો જોવા મળે છે. યુરોપમાં સહેલાણીઓ છે જ નહીં. હોટલો ખાલી છે. રેસ્ટોરાં ખાલી છે. ભારત જેવા દેશોમાં જાહેર સભાઓ, સામાજિક મેળાવડા, પરિસંવાદો બંધ છે. વિશ્વની સ્કૂલોનાં ૯૦ ટકા બાળકો સ્કૂલ કે કોલેજોમાં જઈ શકતાં નથી. પરીક્ષાઓ પણ ઓનલાઇન થઈ ગઈ છે. ભણવાનું પણ ઓનલાઇન થઈ ગયું છે. કેટલાય લોકો ઘરે બેસીને જ લેપટોપ પર જ કામ કરે છે. ઓફિસમાં જઈ કામ કરવાનો કન્સેપ્ટ જ બંધ થઈ ગયો છે.

વેબિનાર

હવે તો મોટા મોટા હોલમાં યોજાતા પરિસંવાદો બંધ થઈ જતાં તેનું સ્થાન ‘વેબિનાર’એ લીધું છે. તાજેતરમાં ગુજરાતની ચિલ્ડ્રન યુનિવર્સિટીએ જુદા જુદા વિષયો પર ‘વેબિનાર’નું આયોજન કર્યું. ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હર્ષદભાઈ શાહે જુદા જુદા વિષયોના તજજ્ઞોની પસંદગી કરીને જે તે વક્તાઓ પોતાના ઘરેથી જ પોતાના સ્માર્ટ  ફેનથી વેબિનારમાં જોડાયા અને માત્ર મોબાઇલ કે લેપટોપ પર જ ૨૦ હજારથી વધુ શિક્ષણવિદો, અધ્યાપકો, વિદ્યાર્થીઓએ એ પ્રવચનો સાંભળ્યા અને ઉત્તર પ્રતિભાવો પણ આપ્યા. આ ‘વેબિનાર’માં ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સચિવ અંજુ શર્મા પણ પૂરા બે કલાક સુધી હાજર રહ્યાં. શ્રોતાઓ માટે ઘરે બેઠાં આ ‘વેબિનાર ‘ એક અદ્વિતીય અનુભવ રહ્યો. બની શકે કે આવનારા દિવસોમાં આ નવો કન્સેપ્ટ લોકોને હોલમાં જવાના બદલે ઘરે બેસીને કાર્યક્રમ માણવાનો નવો શિરસ્તો બની છે.

સ્ક્રીન પર દુનિયા

હવે સ્કૂલમાં બાળકોની વાત. વેબિનાર એક અલગ વાત છે. આજે ઓનલાઇન શિક્ષણ એક અલગ વાત છે. સ્કૂલમાં જે બાળકો છે તે મોબાઇલ પર કે લેપટોપ પર જ બધું શિક્ષણ મેળવી શકે નહીં. બાળક માત્ર પુસ્તકોથી જ નહીં, પરંતુ આસપાસના વાતાવરણથી પણ શીખે છે. સ્કૂલમાં લાઇબ્રેરી હોય છે, રમતગમતનું મેદાન પણ હોય છે. નૃત્ય કે નાટક શીખવા માટે રંગમંચ પણ હોય છે અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે પ્રયોગશાળા પણ હોય છે. એ બધું મોબાઇલ કે લેપટોપના સ્ક્રીન પર શક્ય નથી. બાળકોને વાતો કરવા મિત્રો જોઈએ છે. છોકરીઓને સહેલીઓ પણ જોઈએ. કોલેજના વિદ્યાર્થીઓને કેન્ટિન પણ જોઈએ છે. ક્રિકેટ રમવા માટે મેદાન પણ જોઈએ છે. એ બધું ઓનલાઇન શક્ય નથી. સ્કૂલો-કોલેજો બંધ રહેતાં બાળકોની દુનિયા ત્રણ સ્ક્રીન પર સીમિત થઈ ગઈ છે. એક છે મોબાઇલની સ્ક્રીન, બીજી લેપટોપની સ્ક્રીન અને ત્રીજી છે ટેલિવિઝનનો સ્ક્રીન. આમ બાળકોની આંખનો અને દિમાગનો કબજો આ ત્રણ સ્ક્રીને લઈ લીધો છે. જે સ્વાસ્થ્ય માટે સાનુકૂળ નથી. તબીબો કહે છે કે, મોબાઇલ સ્ક્રીન પર કલાકો સુધી નજર રાખવાથી તેમાંથી નીકળતી ગ્લેરના કારણે બાળકોની આંખને નુકસાન કરે છે. બાળકોને માથું દુખવાની ફ્રિયાદ પણ ઊઠે છે. આંખના નંબર પણ વધી શકે છે. ત્રણ સ્ક્રીન પર સ્થિર થયેલી મનોસ્થિતિ બાળકોને ચીડિયો પણ બનાવી શકે છે. વર્ગખંડમાં શિક્ષકો સાથેનું આદાનપ્રદાન એક આગવો અને પ્રાકૃતિક અનુભવ છે. વર્ગખંડ એક આગવી વ્યવસ્થા છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે તો બાળકો પ્રાકૃતિક વાતાવરણમાં ભણી શકે તે માટે શાંતિ નિકેતનનં સર્જન કર્યું હતું. તેમાંથી પ્રેરણા લઈને લીનાબહેન મંગળદાસે અમદાવાદમાં ‘શ્રેયસ’  સ્કૂલનું નિર્માણ કર્યું હતું. શ્રેયસમાં શાંતિ નિકેતનની જેમ બધાં જ બાળકોએ શાળાની સફઈ જાતે કરવાની રહેતી. સ્કૂલમાં એક સભાખંડ હોય જ્યાં રોજ સવારે એક નાનકડું પ્રેરક પ્રવચન પણ હોય. ‘શ્રેયસ’માં વિદ્યાર્થીઓ માટે નાટક, સંગીત, સ્વિમિંગના પણ ક્લાસ હોય. વિર્દ્યાિથનીઓ માટે શાસ્ત્રીય નૃત્યની તાલીમ હોય- આ બધું ઓનલાઇન અશક્ય છે. બાળકો ફ્રી એક વાર સ્કૂલમાં જવા વિહવળ છે.

સમસ્યાઓ વધી

એ જ રીતે સતત ઓફ્સિે જઈ કામ કરતા ટેવાયેલા લોકો ઘરમાં કંટાળો અને હતાશા અનુભવે છે. પતિ-પત્ની વચ્ચે ઘરેલુ હિંસાના બનાવો પણ વધે છે. ઘણાંને માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. અમેરિકા જેવા દેશોમાં વસતી ગોરી પ્રજામાં હસબન્ડ અને વાઇફ સતત દસ દિવસ સુધી એક સાથે ઘરમાં રહેવા ટેવાયેલા હોતાં નથી. ભારત કરતાં પશ્ચિમના દેશોમાં ડોમેસ્ટિક વાયોલન્સના કિસ્સા વધ્યા છે. ત્યાં લોકો ખુલ્લેઆમ લોકડાઉનનો ભંગ કરીને રોડ પર દેખાવો કરતા જણાય છે.

કોરોનાએ માનવજીવનને તો ઠીક પણ વિશ્વની અર્થવ્યવસ્થાને પણ બરબાદ કરી નાખી છે. ફેક્ટરીઓ બંધ છે. ફેક્ટરીઓ ચાલુ કરવી હોય ત્યાં કામદારો નથી. મોટરકારો કે ટુ વ્હિલરનું વેચાણ સ્થગિત થઈ ગયું  છે. હોટેલો ખાલી છે. રેસ્ટોરાં બંધ છે. મોલ બંધ છે. હિલ સ્ટેશનો બંધ છે. વિશ્વની આર્થિક પ્રવૃત્તિ સ્થગિત થઈ ગઈ છે. હા, ભારત જેવા દેશમાં ભીડ દેખાય છે પાનના ગલ્લા પર. બીડી, સિગારેટ કે તમાકુ ખરાબ ચીજ છે  પરંતુ તે બંધ કરી શકાય તેમ નથી, કારણ કે લોકો ટેસમાં હોય તો પણ કસ ખેંચે છે અને તનાવમાં હોય તો પણ બીડી કે સિગારેટનો સહારો લે છે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ લોકડાઉનના કારણે બુટલેગરોએ દારૂના ભાવ ત્રણ ગણા કરી દીધા છે.

જ્યાં સુધી હોસ્પિટલોને લાગેવળગે છે ત્યાં સુધી તબીબો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફ્ના સભ્યો કોરોનાથી પીડાતા દર્દીઓ માટે દેવદૂતો બનીને કામ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓ અને અન્ય પોલીસ કર્મીઓ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. આ બધા જ કોરોના વોરિયર્સ છે.

આ બહિષ્કાર કેવો ?

સૌથી દુઃખદ પરિસ્થિતિ તો એ છે કે, આપણો સમાજ કોરોના વોરિયર્સને જે માન-સન્માન આપવું જોઈએ તે પૂરતું આપતા નથી. કોઈ તબીબ કોઈ હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર કરતો હોય અને તે ઘરે આવે તો કેટલાક સભ્યો તો તે તબીબ પર સ્થાનિક રહીશો દ્વારા હુમલાના પ્રયાસો થયા છે જે નિંદનીય છે. ખરેખર તો તેમને સલામ કરવી જોઈએ. એ જ રીતે કોઈ સોસાયટીમાં કોઈ વ્યક્તિને કોરોના પોઝિટિવ છે એવો ખ્યાલ આવે તો લોકો તેનો અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરતા હોય તેવું લાગે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ એક વાત છે અને સામાજિક બહિષ્કાર એ અલગ બાબત છે. વર્ષો પહેલાં બનેલી ‘બેનહર’ ફ્લ્મિ તો કોઈએ જોઈ હોય તો ખ્યાલ આવશે કે આજથી અઢી હજાર વર્ષ પૂર્વે કોઈને રક્તપિત્ત થયો હોય તો તેમને નગરની બહાર એક ઊંડી ખીણમાં બહિષ્કૃત કરી દેવાતા હતા. તે પછી તો પ્લેગ આવ્યો, સ્પેનિશ ફ્લૂ આવ્યો, ઇબોલા આવ્યો, સાર્સ આવ્યો અને ગ્રેટ ઇન્ફ્લુએન્ઝા પણ આવ્યો. કોરોના પણ ફ્લૂ જેવો જ એક રોગ છે. તેનાથી સાવચેત રહેવાની જરૂર છે પણ ડરી જવાની જરૂર નથી. એક સમયે સ્પેનિશ ફ્લૂથી આપણા દેશમાં પાંચ કરોડથી વધુ લોકો મોતને ભેટયા હતા. આજે સ્પેનિશ ફ્લૂ દેખાતો નથી. એ જ રીતે એક દિવસ કોરોના પણ બિનઅસરકારક થઈ જશે. હા, તેની દવા અને વેક્સિન આવતાં સમય લાગી શકે છે, પરંતુ કોરોનાના ખૌફ કરતાં એના ભયથી વધુ ડરી જવાની જરૂર નથી. આ પૃથ્વીએ અનેક યુદ્ધો જોયાં છે. અનેક સંહાર જોયા છે. અનેક મહામારીઓ જોઈ છે.

આ સમય પસાર થઈ જશે

હવે આજની પેઢી કોરોના નામની મહામારીને નિહાળી રહી છે. એ પણ એક દિવસ ચાલી જશે અને દુનિયા પૂર્વવત્ પહેલાંના જેવી જ થઈ જશે. શહેરો ફ્રી ધમધમતાં થઈ જશે. બાળકો મેદાનમાં ક્રિકેટ રમતાં હશે, છબીઘરોમાં પ્રેક્ષકો ફ્લ્મિો જોતા હશે. હિલ સ્ટેશનો સહેલાણીઓથી ફ્રી ઊભરાશે. મોલ ધમધમતા થઈ જશે. શહેરોમાં ફ્રી ટ્રાફ્કિ જામનાં ગ્શ્યો હશે. બગીચાઓ ફ્રી ઊભરાશે. સ્કૂલોમાં બાળકોની કિલકારીઓ ફ્રી સંભળાશે.

વિશ્વ વિખ્યાત અભિનેતા ચાર્લી ચેપ્લિને કહ્યું છે કે, `Nothing is Permanent in this wicked world, not even your troubles.’ અર્થાત્ આ કપટી દુનિયામાં કશું જ કાયમી નથી, તમારી મુશ્કેલીઓ પણ નહીં.

આખા વિશ્વને હસાવનાર બ્રિટિશ કોમેડિયન-એક્ટર ચાર્લી ચેપ્લિનના આ વિધાનમાં ઘણાં જ હકારાત્મક સંદેશો છે. તેઓ કહેતા : ‘વરસાદ વખતે હું છત્રી ખોલતો નથી જેથી લોકો મારાં આંસુ જોઈ ન શકે.’

DEVENDDRA PATEL

Be Sociable, Share!