Close

એક ટીનએજ છોકરીની આંખના મીંચકારાથી દેશ આખો પાગલ !

ચીની કમ | Comments Off on એક ટીનએજ છોકરીની આંખના મીંચકારાથી દેશ આખો પાગલ !

વેલેન્ટાઈન ડે’ ગયો.

 શિયાળો પણ હવે વિદાય લઈ રહ્યો છે. વસંત ઋતુ એ બધી જ ઋતુઓની શિરમોર હોઈ વસંતને ઋતુરાજ વસંત કહેવામાં આવે છે. મહાકવિ કાલિદાસે  ‘કુમારસંભવમ’ માં  ઋતુરાજ વસંતનું હૃદયંગમ વર્ણન કરેલું છે. વસંત ઋતુના માનવજીવન પર પ્રભાવનું પણ તેમાં વર્ણન છે. વસંત માનવીને રોમાંચિત કરી દે છે. મહાકવિ કાલિદાસે કામદેવને વસંતનો સખા કહ્યો છે. હિમાલય પર તપ કરતા-ધ્યાનમાં બેઠેલા મહાદેવનો ધ્યાનભંગ કરવા ઋતુરાજ વસંત કામદેવની સહાય લે છે જેથી શિવનું ધ્યાન ભગ્ન થાય અને તેમની દિવ્ય દૃષ્ટિ પૂજા કરતી હિમાલયની પુત્રી ઉમા પર પડે. શિવ ઉમા સાથે પરણે અને તેથી જે પુત્ર થાય તે જ રાક્ષસોને હણે એવું ભગવાનનું સૂચન હતું.

એમ જ થયું.

વસંતના પ્રભાવ હેઠળ અને કામદેવના તીરના કારણે શિવ ધ્યાનભગ્ન થયા. ઉમા તરફ તેમનું ધ્યાન ગયું. પહેલાં તો આ કૃત્ય બદલ શિવે કામદેવને બાળીને ખાખ કરી નાખ્યો, પરંતુ તેની પત્ની રતિની વિનંતીથી તેને શરતી જીવતો કર્યો. છેવટે મહાદેવે ઉમા સાથે લગ્ન કર્યા અને તેમના જે પુત્ર પેદા થયો તે કાર્તિકેય, જેણે દેવોને રંજાડતા રાક્ષસને હણ્યો.

વેલેન્ટાઈનનો વિરોધ

પરંતુ વાત છે વસંતના પ્રભાવની. વેલેન્ટાઈન ડેનો વિરોધ કરનારાઓને ક્યાં તો મહાકવિ કાલિદાસના મહાકાવ્યનું જ્ઞાન નથી, અગર તો જીવનમાં પ્રેમનું શું મહત્ત્વ છે તેની સમજ નથી. સારું છે કે, વેલેન્ટાઈન ડેનો વિરોધ કરવાવાળા એ યુગમાં જન્મ્યા નહોતા. એ વખતે જન્મ્યા હોત તો ગોકુળમાં ગોપીઓને અને ગોવાળિયાઓને રાસલીલા પણ રમવા દીધી ના હોત.

ગુજરાતનાં કેટલાંક શહેરોમાં બાગ-બગીચામાં બેઠેલા યુવક-યુવતીઓ પર કેટલાક લોકોએ જે રીતે દંડાબાજી કરી અને પોલીસ નિઃસહાય થઈને કાયદો હાથમાં લેનાર તત્ત્વોને જોઈ રહી તે જોતાં તો એમ જ લાગે છે કે, દેશમાં કાનૂનનું રાજ અદૃશ્ય થઈ રહ્યું છે. બગીચામાં દંડો લઈને ફરનારા બહાદુરોને કાશ્મીર  મોકલવા જોઈએ જ્યાં દેશ વિરોધી સૂત્રો પોકારાય છે અને આઈએસઆઈના ઝંડા લહેરાવવામાં આવે છે. તો જ ખબર પડે કે અમદાવાદના બગીચાઓમાં બેઠેલા નિર્દોષ યુવક-યુવતીઓ અને રાષ્ટ્ર વિરોધી તત્ત્વો સામે દંડા ઊંચકવામાં શું ફરક છે.

અખિયોં સે ગોલી

ચાલો, એક વાત પૂરી થઈ. હવે બીજી જ એક મસ્ત વાત. વર્ષો પહેલાં એક ફિલ્મનું ગીત ખૂબ લોકપ્રિય થયું હતું : ”અખિયોં સે ગોલી મારે.”

આજકાલ દેશની કોઈ પણ હિંદી ફિલ્મોની હીરોઈન કરતાં દક્ષિણ ભારતની એક નવોદિત અભિનેત્રી પ્રિયા પ્રકાશ વરિયર બહુ ચર્ચામાં છે. તેણે એક આંખ મારીને વસંત ઋતુને વધુ મોહક અને વેલેન્ટાઈન ડેના દિવસે કરોડો યુવાનોને રોમાંચિત કરી દીધા છે.

ગયા રવિવારની સવાર સુધી પ્રિયા પ્રકાશ નામની છોકરીને કોઈ ઓળખતું નહોતું ,પરંતુ બીજા જ દિવસે તે સમાચારનું કેન્દ્રબિંદુ બની ગઈ, રાતોરાત તેને જે લોકપ્રિયતા મળી છે તેવી લોકપ્રિયતા ભાગ્યે જ કોઈને મળે છે. એમાં વિવાદ પણ થયો છે અને કેટલાક લોકોની લાગણી દુભાતાં પોલીસ ફરિયાદ પણ થઈ છે, પરંતુ તેનું કારણ અલગ છે.

૧૮ વર્ષની વયે જ

પ્રિયા પ્રકાશ હજી ૧૮ જ વર્ષની છે. તે મલયાલમ એક્ટ્રેસ છે. બસ, તેની એક આંખ મારવાની અદા પર આખો દેશ તેનો ફેન બની ગયો છે. મજાની વાત એ છે કે, તેની પહેલી ફિલ્મની એક નાનકડી ઝલક જ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી અને રાતોરાત વાઈરલ થઈ ગઈ. એક જ રાતમાં તે સુપરસ્ટાર બની ગઈ છે. પ્રિયા પ્રકાશને એક જ રાતમાં છ લાખથી વધુ ફોલોઅર્સ મળ્યા છે. એ આંકડો હવે ૧૩ લાખને પણ વટાવી ગયો છે. આજ સુધીમાં પ્રિયાને ઈન્સ્ટાગ્રામ પર ૧.૭ મિલિયન ફોલોઅર્સ છે. આ પ્રકારનો રેકોર્ડ બનાવવાવાળી પ્રિયા વિશ્વની એવી બીજી સેલિબ્રિટી બની ગઈ છે જેણે એક જ દિવસમાં આટલા બધા ફોલોઅર્સ હાંસલ કર્યા હોય. આ અગાઉ અમેરિકન મોડલ અને ટી.વી. પર્સનાલિટી કેલી જેનર અને પ્રસિદ્ધ ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જ ઈન્સ્ટાગ્રામ પર આવી કમાલ બતાવી શક્યા છે.

પ્રિયા પ્રકાશનો જે વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે તે મલયાલમ ફિલ્મ ‘ઉરુ અદાર લવ’નો છે. તે ફિલ્મમાં પ્રિયાએ આંખોના એક્સ્પ્રેશનથી લોકોને પાગલ કરી દીધા છે.

૧૭ મિલિયન વખત

કહેવાય છે કે, માત્ર એક જ અઠવાડિયામાં સોશિયલ મીડિયા પર દર્શાવાયેલા પ્રિયાના વીડિયો દ્વારા તેણે  ૧૭ મિલિયન વખત આંખ મીંચકારી છે. આ યૂ-ટયૂબની ગણતરી છે .યૂ-ટયૂબ પર આ માત્ર ૨૫ સેકન્ડની ક્લિપ છે. પ્રિયા પ્રકાશ મૂળ ત્રિશૂર-કેરાલાની છે. તે હજુ બી.કો.મના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની છે. તે વિમલા કોલજમાં ભણે છે.

પ્રિયાની માતા કહે છે : ”આમ થશે તેવું અમે કદી વિચાર્યું નહોતું. પ્રિયાને અભિનયનો શોખ હોઈ અમે એને ઓડિશનમાં લઈ ગયા હતા. એ વખતે તે ૧૨મા ધોરણમાં હતી. એ વખતે જ તે સિલેક્ટ થઈ ગઈ હતી. તેને રાતોરાત મળેલી પ્રસિદ્ધિના કારણે પ્રિયાને હોસ્ટેલમાં મોકલી દેવામાં આવી છે.”

મધુબાલાનો અભિનય

યાદ રહે કે આંખોથી અભિનય કરનાર અભિનેત્રીઓમાં મધુબાલા આજે પણ શિરમોર છે. ફિલ્મ ‘મોગલે આઝમ’માં મધુબાલાએ ‘પ્યાર કિયા તો ડરના ક્યા?’ ગીત વખતે આંખોથી આપેલા હાવભાવ આજે પણ બેમિસાલ છે. મધુબાલા પછી આંખોથી અભિનય કરનાર અભિનેત્રીઓમાં વિદ્યા બાલન આવે છે. રાજનીતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને હોલિવૂડમાં આંખોના અભિનય માટે ‘મિ. બીન’ જાણીતા છે.

અને હવે પ્રિયા પ્રકાશ વરિયર.

એક ટીનએજ છોકરીના આંખના મીંચકારા પર દેશના કરોડો યુવાનો પાગલ થઈ જતા હોય તો પછી… ???

Be Sociable, Share!