Close

કેબિનેટ મંત્રી બન્યા પછી પણ તેઓ પોળમાં જ રહ્યા

ચીની કમ | Comments Off on કેબિનેટ મંત્રી બન્યા પછી પણ તેઓ પોળમાં જ રહ્યા

જેઓ ગુજરાતના રાજકારણને જાણે છે તેમના માટે અશોક ભટ્ટનું નામ સુપરિચિત હશે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરથી માંડીને ગુજરાતના આરોગ્ય પ્રધાન અને ગુજરાત વિધાનસભાના સ્પીકર સુધીની કામગીરી બજાવનાર અશોક ભટ્ટે જ્યાં પણ ફરજ બજાવી ત્યાં એક અમીટ છાપ મૂકી ગયા.

તા. ૨૯મી સપ્ટેમ્બરે તેમની પુણ્યતિથિ હતી. તેઓ ગમે તે પદે રહ્યા પરંતુ તેઓ રાયપુરની કામેશ્વરની પોળમાં જ રહ્યા. પોળના મકાનને કદી ના છોડયું. મંત્રી તરીકે તેમના પર અહંકારને કદી હાવી થવા ના દીધો. આરોગ્ય મંત્રી બન્યા પછી પણ તેઓ પોળના ઓટલે બેસી નાના-મોટા સૌ કોઇને મળતા રહ્યા. એક નાનકડા કાર્યકર્તાથી પોતાની કારકિર્દી શરૂ કરનાર અશોક ભટ્ટનું જાહેરજીવન અનેક આરોહ-અવરોહમાંથી પસાર થયું.

ખાડિયાના અશોક ભટ્ટ

તેઓ હંમેશા ખાડિયાના અશોક ભટ્ટ તરીકે જ ઓળખાયા. અત્રે એ નોંધવું જરૂરી છે કે ગુજરાતની રાજનીતિનું એપીસેન્ટર અમદાવાદ રહ્યું અને અમદાવાદની રાજનીતિનું એપીસેન્ટર ખાડિયા રહ્યું. સ્વતંત્રતા સંગ્રામથી માંડીને તે પછીના બધાં જ આંદોલનોની અનાવરી ખાડિયામાંથી પ્રગટી. ૧૯૬૦-૬૧ પછીના વર્ષમાં દિનેશ વક્તા, જયંતીલાલ પરમાર વગેરે મિત્રો  એક રેસ્ટોરન્ટમાં મળતા. તેમાં રાજકીય ચર્ચાઓ થતી. એ બેઠક ‘હેવમોર કેબિનેટ’ તરીકે જાણીતી બની હતી. તેમાં સાણંદના પૂર્વ ધારાસભ્ય સ્વ. શાંતિલાલ પટેલ પણ આવતા. આ બેઠકમાં રાજકીય  ચર્ચા માટે અશોક ભટ્ટ પણ આવતા.અશોક ભટ્ટ એક સમયે પ્રજા સમાજવાદી પક્ષમાં હતાં. ખાડિયા વોર્ડના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાંકરિયા ખાતે આવેલ દૂધની ડેરીની કમિટીના ચેરમેન મધુભાઇ ભટ્ટનું અવસાન થતાં તે જગ્યાની પેટા ચૂંટણીમાં અશોકભાઇ ભટ્ટના માતૃશ્રી શારદાબહેન ભટ્ટે પણ ઉમેદવારી કરી હતી પણ હાર થઇ. પછી યોજાયેલ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં અશોકભાઇ પ્રજા સમાજવાદી પક્ષની ટિકિટ પર ચૂંટણી લડયા અને જીત્યા.

 

વિધાનસભામાં

સને ૧૯૭૫માં ગુજરાતમાં જનતા મોરચાનું ગઠન થયું. જેમાં કોંગ્રેસ પક્ષ, જનસંઘ, પ્રજા સમાજવાદી પક્ષ, લોકદળ તેમજ કેટલાક બુદ્ધિજીવીઓ તેમાં જોડાયા. જનતા મોરચામાં ખાડિયા વિધાનસભાની બેઠક ઉપરથી સૌ પ્રથમ વાર અશોક ભટ્ટ વિધાનસભામાં ચૂંટાયા. સને ૧૯૮૦માં જનતા મોરચામાંથી બનેલી જનતા પાર્ટીનું વિભાજન થતાં બનેલી ભારતીય જનતા પાર્ટી સાથએ અશોક ભટ્ટ રહ્યા અને મરણપર્યંત ખાડિયા વોર્ડમાંથી ધારાસભામાં ભાજપમાંથી ૮ ટર્મ ધારાસભ્ય રહ્યા.

અશોકભાઇમાં એક અજબની આવડત અને હૈયા સૂઝ હતી. તેઓ હંમેશાં કાંઇક નવું જ કરવાનું વિચારતાં પરિણામે તેઓ કાયમ અખબારોમાં ચમકતા રહેતા હતા. પ્રથમવાર તેઓ ગુજરાત સરકારના ‘સ્લમ્સ ક્લિયરન્સ બોર્ડના ચેરમેન બન્યાં ત્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોમાં જે સાંસ્કૃતિક વિરાસત હતી તેમાં જે લોકગાયક કે અન્ય કલા ધરાવતા હતા તેને ઉજાગર કરવાની તક અશોકભાઇએ આપી. ટાગોર હોલમાં આ ઝૂંપડપટ્ટીના કલાકારોનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખતાં.

સ્પીકર બન્યા

આરોગ્ય મંત્રી તરીકે પણ નવી અનેક વાતો કરતાં. સૌથી મહત્ત્વની વાત એ હતી કે, વિધાનસભાના અધ્યક્ષ તરીકે વિધાનસભાના પૂર્વ ધારાસભ્યો પણ વિધાનસભા ગૃહની નજદીકની લોબીમાં જઇને બેસી શકે ચા-પાણી કરી શકે. ધારાસભ્યોને મળી શકે તેવી વ્યવસ્થા કરી આપી. આથી વિશેષ  ગુજરાત વિધાનસભાના ૫૦ વર્ષની ઉજવણી ભવ્ય રીતે કરી. પહેલ વિધાનસભા સને ૧૯૬૦થી લઇને  તત્ક્ષણ સુધી ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, ગુજરાતમાંથી ચૂંટાયેલા લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને પૂર્વ સાંસદસભ્યોને સમારંભ કરીને બોલાવ્યા. તેમનો સમૂહ ફોટોગ્રાફ લેવડાવ્યો અને વિધાનસભા સંકુલમાં  ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓની તસવીરોનું અનાવરણ કરાવ્યું.

ખાડિયા માટે ગૌરવ

તેમને ખાડિયાના રહેવાસી હોવાનું કાયમ ગૌરવ  રહ્યું. ખાડિયા માટે અપાર પ્રેમ રહ્યો. આસુતોષ ભટ્ટ વગરે મારફતે ખાડિયાના ઇતિહાસને ઉજાગર કર્યો છે. ખાડિયા મોગલ સમયમાં, અંગ્રેજોના સમયમાં આઝાદીની સંગ્રામમાં અને આઝાદી બાદ પણ અનેક આંદોલનમાં અગ્રેસર રહ્યો છે. મહાગુજરાતનું આંદોલન હોય, સીંગતેલનો ભાવવધારો હોય, નવનિર્માણનું આંદોલન હોય. આ તમામ બાબતોને સાંકળીને ખાડિયાના ઇતિહાસને સંગ્રહિત કરવા પ્રયાસ કર્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જયંતીલાલ પરમાર આ સંસ્મરણો વાગોળતા કહે છે કે સને ૨૦૦૩-૦૪માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો ત્યારે કોંગ્રેસના  રાજ્યસભાના  સભ્ય ખાડિયાના જ પૂર્વ ધારાસભ્ય, મહાગુજરાત આંદોલનના અગ્રણી એવા બ્રહ્મકુમાર ભટ્ટ અને અશોક ભટ્ટ દ્વારા રજૂઆત થઇ હતી કે આઝાદીની લડતમાં ખાડિયા વૈકુંઠ વાડીમાં નારાયણ સ્વામીએ રહીને આઝાદીની લડત ચલાવી હતી તેની યાદમાં ‘નારાયણ સ્વામી ચોક’નું નામ આપવાની વાત  સ્વીકારીને ત્યાં તે બંને, મેયર અનીશાબહેન મીરજા અને જયંતીલાલ પરમાર તેમજ તત્કાલ રાજ્યપાલશ્રીની હાજરીમાં ચોકનું નામાભિધાન કરવામાં આવ્યું હતું.

સને ૨૦૦૪માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સોલિડ વેસ્ટની કામગીરી જોવા આખી સ્ટેન્ડિંગ કમિટી સાથે અમેરિકા ગયા હતા.  મંત્રી બન્યા પછી પણ  સેંકડો કાર્યકર્તાઓને, સાથીઓને, મિત્રોને તેઓ વ્યક્તિગત રીતે ઓળખતા અને નામથી બોલાવતાં. તા. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ તેમનું દુઃખદ અવસાન થયું પરંતુ ખાડિયાની જ નહીં પરંતુ આખા શહેરની સામાન્ય પ્રજા તેમને આજે પણ યાદ કરે છે

Be Sociable, Share!