Close

કેશુબાપાને ભજિયાં, બાબુભાઈને ખાદી અને માધવસિંહને લાઈબ્રેરી પ્રિય રહ્યાં

ચીની કમ | Comments Off on કેશુબાપાને ભજિયાં, બાબુભાઈને ખાદી અને માધવસિંહને લાઈબ્રેરી પ્રિય રહ્યાં

ગુજરાતની ૧૪મી નવી રાજ્ય સરકારનો આરંભ થઈ રહ્યો છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલની પસંદગી થતાં તે સસ્પેન્સનો હવે અંત આવી ગયો છે. અલબત્ત, ગુજરાતે અત્યાર સુધીમાં જે મુખ્યમંત્રીઓ આપ્યા તેમની વિશિષ્ટતાઓ અને લાક્ષણિક્તાઓ જાણવા જેવી છે.

ડો. જીવરાજ મહેતા

ગુજરાતના અલગ રાજ્યની સ્થાપના તા. ૧લી મે, ૧૯૬૦ના રોજ થઈ. તેના પહેલાં મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા હતા. એ વખતે દિલ્હીમાં ગુજરાતના સર્વોચ્ચ ગણાતા મોરારજી દેસાઈની ઈચ્છા વિરુદ્ધ એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ડો. જીવરાજ મહેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા. ડો. જીવરાજ મહેતા મૂળ અમરેલીના હતા. તેઓ મ્યુનિસિપલ બત્તી નીચે ભણી ડોક્ટર થયા હતા, પાછળથી મોરારજી દેસાઈએ ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોમાં ભેદભાવ ઊભા કરી ડો. જીવરાજ મહેતા જેવા બુદ્ધિશાળી અને વિકાસ પુરુષ એવા ડો. જીવરાજ મહેતાને અધવચ્ચેથી જ હટાવી દીધા હતા.

બળવંતરાય મહેતા

ડો. જીવરાજ મહેતાને ઉથલાવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના જ બળવંતરાય મહેતાને મૂકવામાં આવ્યા હતા. ૧૯૬૫ના ભારત- પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ નાના વિમાન દ્વારા કચ્છની સરહદે નિરીક્ષણ કરવા ગયા હતા. એ વખતે કરાંચીના રડાર મથકેથી દેખાયેલા આ વિમાનને પાકિસ્તાની યુદ્ધ વિમાને આકાશમાં જ તોડી પાડયું હતું અને તા. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ના રોજ તેમનું અવસાન થયું.

હિતેન્દ્ર દેસાઈ

દક્ષિણ ગુજરાતમાંથી જ આવતા અને મોરારજી દેસાઈના વફાદાર એવા હિતેન્દ્ર દેસાઈની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તા. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ના રોજ શપથગ્રહણ વિધિ થઈ હતી. સાથીઓ તેમને ‘હિતુભાઈ’ કહેતા. તેઓ જ્યારે, પણ બહાર જાય કે કોંગ્રેસ ભવનમાં આવે ત્યારે તેમનાં ધર્મપત્ની સગુણાબહેનને હંમેશા સાથે રાખતા. સુંદર અને શ્વેત વસ્ત્રો પહેરતા હિતેન્દ્રભાઈ સ્વચ્છ વહીવટ માટે જાણીતા હતા. કોંગ્રેસના ભાગલા વખતે તેઓ મોરારજી દેસાઈની સંસ્થા કોંગ્રેસ સાથે રહ્યા હતા. પાછળથી તેઓ ઇંદિરા ગાંધીની કોંગ્રેસમાં જોડાઈ ગયા.

ઘનશ્યામ ઓઝા

સૌરાષ્ટ્રમાંથી આવતા ઘનશ્યામ ઓઝા તા. ૧૭ માર્ચ ૧૯૭૨ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ઇંદિરા ગાંધીની છાવણીના માણસ હતા પરંતુ ચીમનભાઈ પટેલે તેમની સામે બળવો પોકાર્યો હતો અને અમદાવાદની નજીક આવેલા પંચવટી ફાર્મમાં બળવાખોર ધારાસભ્યોને રાખ્યા હતા. વિરોધીઓએ તેને પ્રપંચવટી પણ કહી હતી. અલબત્ત, ઘનશ્યામ ઓઝાની સરકાર ઊથલી ગઈ હતી.

ચીમનભાઈ પટેલ

ચીમનભાઈ પટેલ એક જમાનામાં સેંટ ઝેવિયર્સ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક હતા. તેઓ સાઈકલ લઈને કોલેજમાં ભણાવવા જતા. તે પછી રાજનીતિમાં આવ્યા હતા. એ વખતના વડા પ્રધાન ઇંદિરા ગાંધીની સામે થવાની તેમણે હિંમત કરી હતી. ઘનશ્યામ ઓઝાને ઉથલાવી દીધા બાદ ચીમનભાઈ પટેલ તા. ૧૮, જુલાઈ ૧૯૭૩ના રોજ મુખ્યમંત્રી બની ગયા હતા પરંતુ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના ફૂડબિલથી શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન ‘નવનિર્માણ આંદોલન’માં ફેરવાઈ ગયું હતું. પોલીસ ગોળીબારમાં ૧૦૦ જેટલા લોકોના મોત નીપજ્યા હતા. તા. ૯, ફેબ્રુઆરી, ૧૯૭૪ના રોજ તેમણે સત્તા છોડવી પડી હતી. તેઓે વહીવટીતંત્ર પર જબરદસ્ત પકડ ધરાવતા હતા.નવનિર્માણ વખતે તેમની સામે આંદોલન કરનારા કેટલાંક યુવા નેતાઓને તેઓ જ્યારે બીજીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હતું. તેઓ અત્યંત વ્યવહારુ હતા.

બાબુભાઈ જ. પટેલ

મોરારજી દેસાઈના નિકટના સાથીદાર અને ચુસ્ત ગાંધીવાદી બાબુભાઈ જશભાઈ પટેલ સાદગીના પર્યાય હતા. ઈસ્ત્રી કર્યા વગરનો જભ્ભો અને ધોતિયું પહેરતા. મુખ્યમંત્રી થયા પછી હાથમાં લીલા રંગની થેલી રાખતા, મૂળ નડિયાદના વતની બાબુભાઈ પટેલને બહુ ઓછા લોકો મળવા જતા કારણ કે તેમની પાસે બદલી કે ટેન્ડર પાસ કરાવવાના કામો લઈને જવાની કોઈ હિંમત કરી શકતું નહીં. કોઈ લગ્નની કંકોત્રી લઈને આવે તો બાબુભાઈ પટેલની પહેલી શરત એ હતી કે ‘વર અને કન્યા આજીવન ખાદી પહેરવાનો સંકલ્પ કરતાં હોય તો જ લગ્નમાં આવું.’ પરિણામે તેમને ભાગ્યે જ કોઈ લગ્નમાં જવાનું થતું.

માધવસિંહ સોલંકી

એક જમાનામાં પત્રકાર રહેલા અને વ્યવસાયે ધારાશાસ્ત્રી એવા માધવસિંહ સોલંકી તા. ૨૪ ડિસેમ્બર, ૧૯૭૬ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. સુંદર વક્તા, વાત કરવામાં વિચક્ષણ અને વહીવટીતંત્ર પર જબરદસ્ત પકડ ધરાવતા માધવસિંહ સોલંકી ‘ખામ’ થિયરી માટે જાણીતા છે. તેઓ એટલા જ જાણીતા તેમની અબ્રાહમ લિંકન વિષેની જોક્સના કારણે છે. ૧૯૮૪-૮૫માં તેમની સરકાર સામે અનામત વિરોધી આંદોલન આવ્યું. આંદોલનને કચડી નાખવાના સરકારના સખત પ્રયાસને કારણે પોલીસે ગોળીબારો કરવા પડયા. કેટલાંય મોત નીપજ્યા. દિવસોથી સુધી ગુજરાત કરફ્યૂમાં કેદ રહ્યું. પાટીદારો- નારાજ થઈ ભાજપ તરફ વળ્યા પરંતુ ઓબીસી વર્ગ માટે માધવસિંહ ‘મસીહા’ તરીકે જ જાણીતા રહ્યા. તેઓ વાંચનના શોખીન અને વિદ્વાન છે. તેમની પાસે કોઈ મુખ્યમંત્રી પાસે નહીં હોય તેવી વિશાળ અંગત લાઈબ્રેરી છે.

અમરસિંહ ચૌધરી

તા.૬ જુલાઈ, ૧૯૮૫ના રોજ કોંગ્રેસના જ અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી પદે આવ્યા. તેઓ આદિવાસી પરિવારમાંથી આવતા હોવા છતાં સમાજના તમામ વર્ગોમાં લોકપ્રિય હતા. સમાધાન વૃત્તિના અમરસિંહ ચૌઘરી મૂળ એન્જિનિયર હતા, ગુજરાતના ખેડૂતો પર તેમના મોટો ઉપકાર છે. ગુજરાતમાં સિંચાઈ માટે ખેડૂતોને મોટરના હોર્સ પાવર આધારિત વાર્ષિક ચાર્જ લેવાની યોજના અમરસિંહ ચૌધરીની હતી. ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરવામાંથી બચી ગયા હોય તો અમરસિંહ ચૌધરીના કારણે છે. તેઓ એક લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે જાણીતા બન્યા.

શંકરસિંહ વાઘેલા

ગુજરાતના બીજા જે નોંધપાત્ર મુખ્યમંત્રીઓ આવ્યા તેમાં એક શંકરસિંહ વાઘેલા છે. મૂળ ભાજપના પરંતુ ભાજપ સામે જ બળવો કરીને તેમણે વાસણીયા ગામમાં બળવાખોર ધારાસભ્યોનો કેમ્પ કર્યો. તે પછી તે ધારાસભ્યોને ચાર્ટર્ડ વિમાન દ્વારા તેઓ ખજૂરાહો લઈ ગયા અને કોંગ્રેસના ટેકાથી રાજપાના નેજા હેઠળ સરકાર રચી. તેઓ ‘ટનાટન સરકાર’ ના શબ્દથી જાણીતા હતા. એક તબક્કે તેમણે કોંગ્રેસને માંદી મિલ કહી અને પાછળથી તે જ કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા. બાપુના હુલામણા નામથી જાણીતા શંકરસિંહ વાઘેલા તેમના વ્યવહારુ સ્વભાવ માટે જાણીતા રહ્યા. તેમને મળવું કોઈ પણ વ્યક્તિ માટે આસાન રહ્યું. આજે પણ નાનામાં… નાના માણસ કે કાર્યકર્તાના ઘેર શુભ કે અશુભ પ્રસંગમાં તેઓ અચૂક હાજરી આપે છે. તેમના પછી તેમના જ નિકટના સાથી દિલીપ પરીખ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. હાઈ સોસાયટીમાંથી આવતા દિલીપ પરીખ તેમના સૌમ્ય અને શાલીનતાથી ભરેલા મૃદુ સ્વભાવ માટે જાણીતા છે.

કેશુભાઈ પટેલ

મૂળ આરએસએસમાંથી આવતા કેશુભાઈ પટેલ ૧૯૯૮માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેઓ પણ તેમની સાદગી માટે જાણીતા રહ્યા. તેઓ અસલ ગ્રામ્ય- કિસાનની ભાષા વાપરતા. કેશુબાપાએ એક વાર પ્રવચન કરતાં કહ્યું હતું : ‘કોઈએ મને પૂછયું કે ડીઝલના ભાવો વધે છે અને બીજી બાજુ તમે એસ.ટી.ના ભાડા ઘટાડો છો તો પૈસા ક્યાંથી લાવશો? ત્યારે મેં એ પ્રશ્ન કર્તાને જવાબ આપ્યો કે તારા બાપના તબેલામાંથી ?’- કેશુબાપાનું આ વકતવ્ય સાંભળી લોકો ખડખડાટ હસ્યા હતા. આ વાત લાંબા સમય સુધી મીડિયા માટે રમૂજનો વિષય રહી. લોકો તેમને ‘કેશુબાપા’ પણ કહે છે. તેઓ ખાવાના શોખીન રહ્યા. એક વાર અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આવેલી જેલના કેદીઓ દ્વારા ચાલતી ભજિયાની દુકાનમાં ભજિયા ખાવા તેમણે મુખ્યમંત્રીનો કાફલો થોભાવી દીધો હતો.

નરેન્દ્ર મોદી

કેશુબાપાને હટાવીને તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ગુજરાતમાં અવારનવાર વાઈબ્રન્ટ સમિટ યોજીને તેઓ ગુજરાતના વિકાસપુરુષ તરીકે જાણીતા બન્યા. ગુજરાતને તેઓ વિશ્વના નકશા પર લઈ ગયા. આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને પણ તેઓ ગુજરાત લાવ્યા. રતન તાતાથી માંડીને અનેક ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા તેમણે આર્કિષત કર્યા. તેમણે ગુજરાતના ગામડાંઓને ચોવીસે કલાક વીજળી આપનારું દેશનું પહેલું રાજ્ય બનાવ્યું. સુજલામ્ સુફલામ્ યોજનાથી તેમણે ઉત્તર ગુજરાતને સિંચાઈથી નવપલ્લવીત કર્યું. તેમના શાસન દરમિયાન ગુજરાત કરફ્યૂ અને તોફાનોની મુક્ત થયું. ટેગ વિહોણા અને આઉટઓફ બોક્સ વિચારનારા નેતા તરીકે તેમની છાપ ઊપસી. તેમની સફળતા રાજકીય પંડિતો માટે એક રહસ્ય રહ્યું. યુવાનો અને મહિલાઓમાં તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે.

આનંદીબહેન પટેલ

એક જમાનામાં અમદાવાદની જ એક જાણીતી સ્કૂલના આચાર્યા એવા આનંદીબહેન પટેલ તા. ૨૪ મે, ૨૦૧૪ના રોજ ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા. તેમના શાસનકાળ દરમિયાન રેવન્યૂમાં અનેક વહીવટી સુધારાઓ થયા. સ્ત્રી સશક્તિકરણની અનેક યોજનાઓ શરૂ થઈ. મક્કમ અને કડક સ્વભાવ ધરાવતા આનંદીબહેન પટેલ સચિવાલયના વર્તુળોમાં ‘બેન’ તરીકે જ સંબોધાયા. મહેસૂલ વિભાગના ૪૨ જેટલા નકામા કાયદા રદ કર્યા. રાજ્યના તમામ કલેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓને નિયત મર્યાદામાં કામ પૂરું કરવા ફરજ પાડી. તેમણે અધિકારીઓને કામગીરી પ્રત્યે જવાબદાર બનાવ્યા. ગરીબોને અસાધ્ય રોગોમાં મફત સારવાર આપવાની તેમની મુખ્યમંત્રી અમૃતમ્-‘મા’યોજના, રસ્તાઓને ટોલ ફ્રી કરવાનો આદેશ તથા સાતમા પગાર પંચ અંગેના તેમના નિર્ણયો લોકપ્રિય રહ્યા.

વિજય રૂપાણી

તેમના પછી વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવ્યા. સ્વભાવથી મૃદુ એવા વિજય રૂપાણી એકંદરે બિન વિવાદાસ્પદ અને લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે જાણીતા બન્યા. તેઓ સખ્ત પરિશ્રમ માટે જાણીતા છે. તેમની સામે અનેક પડકારો છતાં ૫૦ હજાર કરતાં વધુ અને જંગી બહુમતીથી રાજકોટનો ચૂંટણી જંગ જીતી ગયા. વિજય રૂપાણીને બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બનવાની તક સાંપડી છે. ગુજરાતમાં વિકાસના કામો આગળ ધપાવવાની જવાબદારી હવે તેમના શિરે ફરી સોંપવામાં આવી છે. વિજય રૂપાણીએ આર.એસ.એસ.ના પ્રચારક અને તે પછી મ્યુનિસિપલ કોર્પોરેટરથી શરૂ કરેલી કારકિર્દી હવે ગુજરાતના ઉચ્ચ પદ સુધી પહોંચી છે. કટોકટી દરમિયાન તેઓ જેલમાં પણ રહ્યા છે. તેઓ સ્વભાવે લો પ્રોફાઈલ હોઈ લોકપ્રિય બન્યા છે.

DEVENDRA PATEL

Be Sociable, Share!