Close

ગાંધીજીના સાચા અનુયાયીઓ સરકાર અને વિપક્ષમાં પણ હતા

ચીની કમ | Comments Off on ગાંધીજીના સાચા અનુયાયીઓ સરકાર અને વિપક્ષમાં પણ હતા

આજે ગાંધી વિચારધારા ધરાવતા વ્યક્તિઓ, નિષ્ણાતો અને ચાહકોને શોધવા મુશ્કેલ છે. ગાંધીજીની સાથે રહેલાઓ ‘અંતેવાસી’ તરીકે ઓળખાતા. હવે એવા અંતેવાસીઓ રહ્યા નથી. બાપુની મોટામાં મોટી ખૂબી એ હતી કે દેશને આઝાદી મળી ત્યારે તેમની લોકપ્રિયતા એટલી પ્રચંડ  હતી કે તેમણે ધાર્યું હોત તો તેઓ વડા પ્રધાન થઇ શક્યા હોત પરંતુ જે દિવસે આઝાદી મળી એ ૧૫મી ઓગસ્ટે દિલ્હીમાં અને દેશમાં લોકો જશ્ન મનાવતા હતા ત્યારે ગાંધીજી કોલકાતામાં ફાટી નીકળેલા કોમી રમખાણોની આગ ઠારવા ઉપવાસ કરી રહ્યા હતા. આઝાદી પછી તેમણે તેમના પરિવારના કોઇ પણ સભ્યને ના તો ચૂંટણી  લડવાની ટિકિટ અપાવી કે ના તો કોઇના નામની ભલામણ કરી.

નહેરુ અને સરદાર
હા, ગાંધીજીની વિરાસતને આગળ લાવવાનું કામ જેમણે કર્યું તેમને જાણી લેવા નવી પેઢી માટે જરૂરી છે.

સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ગાંધી વિચારોના જે વારસદારોને નોંધે  છે તેમાં એક હતા જવાહરલાલ નહેરુ. તેઓ લખે છે કે કેટલાક વર્ષો પૂર્વે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીમાં કામ કરતી વખતે એક અજ્ઞા।ત તામિલ પત્ર જે મળ્યો તે ચક્રવર્તી રાજગોપાલાચારી ઉર્ફે રાજાજીને લખવામાં આવ્યો હતો. ૧૯૫૦ના દશકમાં લખવામાં આવેલા એ પત્રમાં જવાહરલાલને નહેરુને ગાંધીજીનું હૃદય, વલ્લભભાઇ પટેલને ગાંધીજીના હાથ અને રાજાજીને ગાંધીજીના મસ્તક તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

એ વાત  સાચી કે કેટલાક મુદ્દાઓ પર જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઇ પટેલ વચ્ચે મતભેદો હતા પરંતુ વાસ્તવમાં તેઓ એક સાથે કામ કરવાવાળા પુખ્ત નેતાઓ હતા. બંને નેતાઓ વચ્ચે વ્યક્તિગત અને રાજનૈતિક મુદ્દાઓ પર અસહમતી હતી છતાં દેશને એક કરવામાં અને આઝાદી હાંસલ કરવા માટે એક સાથે કામ કર્યું.

આ ઇતિહાસકાર નોંધે છે કે ૧૯૪૮ની શરૂઆતમાં નહેરુ અને પટેલે પોતાના મતભેદો ખતમ કર્યા ના હોત તો આજે દેશમાં લોકતંત્ર ના હોત, ભારતના ભાગલાથી બધા આઘાતમાં હતા.કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. પાકિસ્તાનથી આવતા લાખો શરણાર્થીઓને વસાવવાની સમસ્યા ઘણી મોટી હતી. દેશમાં કટ્ટરતા ઊભરી રહી હતી. ચોમાસું સાથ આપતું નહોતું. વિદેશી હૂંડિયામણ ઘટી ગયું હતું. કેટલાક વિદેશી નિષ્ણાતો સવાલ કરી રહ્યા હતા કે ભારતમાં લોકશાહી સફળ થશે?

પરંતુ એક ચમત્કાર થયો. આ ચમત્કારનો યશ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઇ પટેલ અને ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આર. આંબેડકર સહિત કંઇ કેટલાયે અન્ય સ્ત્રી-પુરુષોના ફાળે જાય છે.

રાજેન્દ્રબાબુ ને કૃપલાણીજી

એવું જ બીજું મહત્ત્વપૂર્ણ પ્રદાન દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને મૌલાના અબ્દુલ કલામ આઝાદનું છે. રાજેન્દ્રપ્રસાદે ભારતની સંવિધાન સભાના અધ્યક્ષ તરીકે ઉત્કૃષ્ટ કામ કર્યું. મૌલાના અબ્દુલ કલામ આઝાદ ગાંધીજીના કરીબી મુસ્લિમ સાથીદાર હતા.

આઝાદી પછી કેટલાક સાચુકલા ગાંધીવાદી સરકારમાં પણ હતા અને વિપક્ષમાં પણ હતા. તેમાં એક આચાર્ય જે.બી. કૃપલાણી હતા. તેઓ ગાંધીજીને નહેરુ, સરકાર કે રાજાજી કરતાં પણ વધુ નિકટથી જાણતા હતા. નહેરુ અને સરદારની જેમ આચાર્ય કૃપલાણીએ પણ આઝાદી માટે કેટલાંયે  વર્ષો જેલમાં ગાળ્યા. નહેરુ અને સરદારથી વિપરીત આઝાદી બાદ તેમણે સત્તારૂઢ કોંગ્રેસ છોડી દીધી હતી અને તેમણે સંસદમાં વિપક્ષનો  અવાજ બનવાનું પસંદ કર્યું હતું. ચીનના કારણે દેશમાં ઊભા થયેલા સંકટની બાબતમાં  તેમને એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુના સખત આલોચક બન્યા. તેમણે તે વખતના દેશના સંરક્ષણ પ્રધાન વી. કે. કૃષ્ણમેનનની નિષ્ફળતાઓને પણ ઉજાગર કરી.

રાજાજી

એવી જ રીતે એવા જ મહાન ગાંધીવાદી સી. રાજગોપાલાચારી પહેલાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં રહ્યા અને તે પછી તેઓ વિપક્ષના સભ્ય તરીકે સંસદમાં બેઠા. ચક્રવર્તી રાજગોપાલાચારી ઉર્ફે રાજાજી દેશના પહેલા ગવર્નર જનરલ અને તે પછી તત્કાલીન કેન્દ્રીય મંત્રી બન્યા. તે પછી મદ્રાસ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. પરંતુ તેઓ એમ માનવા પ્રેરાયા કે આવડા મોટા દેશમાં કોઇ એક જ પક્ષનું આધિપત્ય દેશની લોકશાહી માટે ખતરો છે. આ માન્યતાના આધાર પણ તેમણે ૮૦ વર્ષની વયે  ૧૯૫૬માં તેમણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી અને ‘સ્વતંત્ર પાર્ટી’ નામની  એક નવી પોલિટિક્લ્સ પાર્ટી ઊભી કરી. ગાંધીજીના બીજા ઉલ્લેખનીય અનુયાયીઓમાં એવા જ એક હતા  કમલાદેવી ચટ્ટોપાધ્યાય. આઝાદી પછી નહેરુએ તેમના મંત્રીમંડળમાં પદ આપવાની કે પેશકશ કરી પરંતુ તેમણે રાજનીતિમાં જવાના બદલે  સીધા જ સામાન્ય લોકોની સેવા કરવાનું પસંદ કર્યું. એમણે શરણાર્થીઓના પુનર્વસનનું કામ સંભાળી લીધું.

મૃદુલા સારાભાઈ

આવા જ બીજાં  પ્રખર ગાંધીવાદી મહિલા હતા મૃદુલા સારાભાઇ. મૃદુલા અમદાવાદની કેલિકો મિલના માલિક અંબાલાલ સારાભાઇના પુત્રી હતા અને અમદાવાદના સાબરમતી આશ્રમના બાંધકામ વખતે માથે રેતીના તગારાં ઊંચક્યા હતા. આઝાદી બાદ મૃદુલા સારાભાઇએ વિખૂટી પડી ગયેલી મહિલાઓનો તેમના પરિવારો સાથે મેળાપ કરાવી આપવાનું કામ કર્યું.  તે પછી તેમણે કાશ્મીરી લોકોના અધિકારો માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી.

જયપ્રકાશ નારાયણ

આવા જ બીજા એક નેતા હતા જયપ્રકાશ નારાયણ. આઝાદી પહેલાં જયપ્રકાશ નારાયણના પત્ની અમદાવાદના સાબરમતી આશ્રમમાં રહેતા હતા પરંતુ જયપ્રકાશ નારાયણ કટ્ટર સમાજવાદી હતા. તેઓ શરૂઆતમાં ગાંધીજીને ડરપોક પ્રતિક્રિયાવાદી માનતા હતા પરંતુ ગાંધીજીના મૃત્યુ બાદ તેઓ ખુદ ગાંધીના રસ્તે ચાલ્યા. ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી ત્યારે તેમણે સખત વિરોધ કર્યો.

ગાંધીજીના અન્ય અનુયાયીઓમાં એક હતા જે.જી. કુમારપ્પા અને મીરાંબહેન. બંને ૧૯૨૦ના  દાયકામાં સાબરમતી આશ્રમમાં દાખલ થયા. બંને ગાંધીજીના નિકટના સાથી રહ્યા. કુમારપ્પા અર્થશાસ્ત્રી હતા અને તેમણે ગ્રામીણ જીવન ટકાઉ બને તે માટે કામ કર્યું. જ્યારે મીરાંબહેને ગઢવાલ (હિમાલય) રહી ગ્રામીણ સ્થિરતા માટે કામ કર્યું.

અબ્દુલ ગફાર ખાન

આ સિવાય ગાંધીજીના એક નિકટના સાથી ખાન અબ્દુલ ગફારખાન હતા. તેઓ પાકિસ્તાન વિસ્તારમાંથી આવતા હતા. તેઓ ચુસ્ત ગાંધીવાદી હતા અને બાદશાહખાન તરીકે તથા સરહદના ગાંધી તરીકે પણ જાણીતા બન્યા. તેમણે દાયકાઓ સુધી પઠાણોને ન્યાય અને સ્વતંત્રતા માટે કામ કર્યું. તેઓ ગાંધીજીના સત્ય, અહિંસા અને પ્રેમના સિદ્ધાંતોમાં માનતા હતા. એ જ સિદ્ધાંતો સાથે તેમણે વર્ષો સુધી પાકિસ્તાની શાસકો અને પાકિસ્તાની લશ્કર સામે સંઘર્ષ કર્યો. વર્ષો સુધી  જેલમાં રહ્યા.

 

Be Sociable, Share!