Close

ગાંધીજી માત્ર એક જ ચૂંટણી લડયા અને હારી ગયા હતા

ચીની કમ | Comments Off on ગાંધીજી માત્ર એક જ ચૂંટણી લડયા અને હારી ગયા હતા

દેશમાં લોકસભાની ચૂંટણીઓનાં નગારાં બાજી રહ્યાં છે. ચારે તરફ શોરબકોર છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપો છે. ન્યૂઝ ચેનલ્સ પર રાજકીય પ્રવક્તાઓનું વરવું વાક્યુદ્ધ નિહાળી શકાય છે. ટિકિટો માટેની ખેંચતાણ જોઈ શકાય છે ત્યારે એક યાદગાર પ્રસંગ અત્રે પ્રસ્તુત છે. આ દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજી જિંદગીમાં એક જ વાર ચૂંટણી લડયા હતા અને હારી ગયા હતા અને એ ચૂંટણી હતી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની.

કેટલાક વર્ષો પહેલાં હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતી સાહિત્યકારોના એક સંમેલનમાં અતિથિવિશેષ તરીકે આવ્યા હતા. તેમણે સાહિત્યકારોની અંદરોઅંદર ચાલતા રાજકારણ પર મીઠો કટાક્ષ કરતાં કહ્યું હતું કે, હું લિમિટેડ પોલિટિક્સનો માણસ છું.

સાહિત્યકારોનું રાજકારણ

ગુજરાતી ભાષાના સાહિત્યકારોનું પોલિટિક્સ ગાંધીજીને પણ આભડી ગયું હતું.

એક સમયે ગાંધીજીને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થઈ ગુજરાતી ભાષાની સેવા કરવાનું મન થયું, પરંતુ ૧૯૨૦માં ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં હરગોવિંદદાસ કાંટાવાલાની સામે ગાંધીજી ચૂંટણી હારી ગયા હતા. આ પરાજયથી તેઓ દુઃખી પણ થયા હતા. એ સમયના સાહિત્યકાર-રમણભાઈ નીલકંઠે તો ગાંધીજી પ્રમુખપદ માટે ચૂંટણી લડે તેનો જ વિરોધ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, આ માણસને ગુજરાતી જ લખતાં આવડતું નથી. એમનું એક અનુવાદિત પુસ્તક મેં જોયું છે. જે જોતાં મને લાગ્યું કે એમના કરતાં આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી આના કરતાં વધુ સારું ગુજરાતી લખી શકતો હોય છે.

મહાત્મા બન્યા પછી

પરંતુ ૧૯૩૬માં આ જ મોહનલાલ કરમચંદ ગાંધી મટીને મહાત્મા તરીકે ઓળખાયા બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખ બનવાની તેમને તક આપવામાં આવી. ૧૯૩૬માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદનું ૧૨મું અધિવેશન તેમના પ્રમુખપદે યોજાયું હતું.

નોંધપાત્ર વાત એ છે કે, ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખ પદની ચૂંટણી હારી જનાર ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ આજે સૌથી વધુ વંચાતું અને સૌથી વધુ દેશ-વિદેશની ભાષાઓમાં અનુવાદિત થયેલું ગુજરાતી પુસ્તક છે.

લોકશિક્ષણના માધ્યમ તરીકે ગાંધીજીએ આજીવન લખતા રહીને વિપુલ ગદ્યલેખન કર્યું છે. તેમાં ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’, ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’, ‘મંગળ પ્રભાત’, ‘હિંદ સ્વરાજ’, ‘પાયાની કેળવણી’ જેવાં જીવનનાં વિવિધ પાસાંને સ્પર્શતા એમનાં પુસ્તકો વિશેષ ઉલ્લેખનીય છે. સ્પષ્ટ અને સીધું તાકતા વિચારને એવી જ સાફ અને સરળ ભાષામાં વ્યક્ત કરવાનું કૌશલ્ય એમની આત્મકથામાં જોઈ શકાય છે. સાદગી અને સરળતાના મૂલ્યોને ઝીલનારા ગાંધી પ્રભાવિત સાહિત્ય યુગને આથી જ ‘ગાંધીયુગ’ નામ અપાયું છે.

જોડણીકોશ

ગાંધીજીની ઈચ્છાથી ગુજરાતી ભાષાનો સાર્થ જોડણીકોશ તૈયાર થયો તે પછી ગાંધીજીએ તેની પર લખેલું એક જ વાક્ય હજારો શબ્દોની ગરજ સારે છે. ગાંધીજીએ આ જોડણીકોશ માટે લખ્યું : ”હવે કોઈને પણ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી- ગાંધીજી.” ગાંધીજીએ લખ્યું છે : ”હું મહાત્મા ગણાઉં તેથી મારું વચન સાચું જ છે તેમ માની કોઈ ના વર્તે.” ‘મહાત્મા’ કોણ તે આપણે જાણતા નથી. સારો માર્ગ એ છે કે ‘મહાત્મા’ના વચનને પણ બુદ્ધિની કસોટીએ ચડાવવું ને તેમાંથી કસ ના ઊતરે તો તે વચનનો ત્યાગ કરવો. આપ્ત-વાક્યની અંધપૂજા એ મનની નબળાઈનું ચિહ્ન છે !

– આવું કોણ લખી શકે ?   

તેમણે એમ પણ લખ્યું કે, ”સૌ પોતપોતાની શક્તિનું માપ કાઢીને જેમ રહેવાય તેમ રહો, જે ઘાટ ઘડવવા હોય તે જ કરાય અને શક્ય હોય તે કરતાં જ્યાં પહોંચીશું તે યથાર્થ હશે. મારી ગેરહાજરીમાં જે વિચાર તમે બધા કરશો તે વધારે સ્વતંત્ર હશે.”

પોતાના લખાણો વિશે

તા. ૩૦-૪-૧૯૩૩ના રોજ ગાંધીજીએ પોતાના જ લખાણો અંગે લોકોને સાવધાની રાખવાની સલાહ આપી હતી. તેમણે સ્પષ્ટ લખ્યું હતું : ”મારા લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમજ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઈચ્છું છું કે, મને સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણાં વિચારોનો ત્યાગ કર્યો છે અને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં પરંતુ તેથી મારો આંતરિક વિકાસ અટક્યો છે કે મારો દેહ પણ પછી તે અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે અને તેથી કોઈને મારાં એ લખાણો વિરોધાભાસી લાગે તો જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલા (છેલ્લા) લખાણને જ પ્રમાણભૂત માને.”

ગાંધીજીનો અક્ષરદેહ

ગાંધીજી લખે છે : ”પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે, કેમ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. પણ હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે, બીજું બધું મિથ્યા છે.”

ગુજરાતી ભાષામાં લખાયેલા અને સૌથી વધારે વંચાતા પુસ્તક ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં જ ગાંધીજીએ લખ્યું છે કે, ”મારે તો આત્મકથાના બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કર્યા છે તેની જ કથા લખવી છે. એ પ્રયોગોના મારફતે મને ‘મહાત્મા’નું પદ મળ્યું છે. એની કિંમત જૂજ છે. કેટલીક વેળા તો એ વિશેષણે મને અતિશય દુઃખ દીધું છે. એ વિશેષણથી હું ફૂલાઈ ગયો હોઉં એવી એક પણ ક્ષણ મને યાદ નથી. મારાં લખાણોને કોઈ પ્રમાણભૂત ના ગણો એમ હું ઈચ્છું છું. તેમાં દર્શાવાયેલા પ્રયોગોને દૃષ્ટાંતરૂપ ગણીને સૌ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતિ કરે એટલી મારી ઈચ્છા છે. હું મારા દોષોનું ભાન વાંચનારને પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. મારે તો સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની મારી તલમાત્ર ઈચ્છા નથી.”

આવા હતા ગાંધીજી અને આવો હતો તેમનો અક્ષરદેહ.

ગાંધીજીએ કદીયે ના તો વિધાનસભાની ચૂંટણી લડી કે ના તો લોકસભાની, ના તો તેમના પરિવારના સભ્યોને ટિકિટ આપી.

—-devendra patel

Be Sociable, Share!