Close

ગુજરાતનાં સૌ પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ વિદ્યાગૌરી નીલકંઠ

ચીની કમ | Comments Off on ગુજરાતનાં સૌ પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ વિદ્યાગૌરી નીલકંઠ

અમદાવાદના પહેલાં તેજસ્વી વિદ્યાર્થી મગનલાલ શેઠ હતા તો ગુજરાતમાં ગ્રેજ્યુએટ થનારાં પહેલાં મહિલા વિદ્યાગૌરી નીલકંઠ હતા. વિદ્યાગૌરી નીલકંઠનો જન્મ તા. ૧ જૂન ૧૮૭૬ના રોજ અમદાવાદમાં થયો હતો.

વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ : ગુજરાતી નિબંધકાર અને અનુવાદક હતા. તેઓ ગુજરાતમાં સૌપ્રથમ બી.એ.ની પદવી મેળવનાર સ્ત્રીઓમાંના એક હતા.

કેળવણીનો આરંભ રા. બા. મગનભાઈ કન્યાશાળામાં કર્યા બાદ તેમણે માધ્યમિક શિક્ષણ મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાં મેળવ્યું. પિતાની નોકરીમાં વારંવાર બદલીને કારણે તેમનું શિક્ષણ તેમનાં મામા નરસિંહરાવ દિવેટિયાને ત્યાં થયેલું. ૧૮૯૧માં મેટ્રિક થયા. એમનાં નાના બહેન શારદાબહેન સાથે ગુજરાત કોલેજમાંથી ૧૯૦૧માં બી.એ. ગુજરાતીમાં બી.એ.ની પદવી પ્રાપ્ત કરનાર સૌ પ્રથમ આ બે બહેનો હતા. ૧૮૮૯માં એમનું લગ્ન  રમણભાઈ નીલકંઠ સાથે થયું હતું.

તેઓ અમદાવાદની સંખ્યાબંધ જાહેર સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં રહ્યાં. ગુજરાત વિદ્યાસભાનાં મંત્રી અને ૧૯૪૬માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫માં સંમેલનમાં પ્રમુખ હતા. ૧૯૪૭ થી ગુજરાત સાહિત્ય સભાનાં પ્રમુખ. પ્રાર્થનાસમાજ અને અનાથાશ્રમમાં પણ સક્રિય. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કેટલાક સમય સરકાર નિયુક્ત સભાસદ.  ૧૯૨૬માં તેમને ‘કૈસરે હિંદ’ નો ઈલકાબ મળ્યો હતો.

એમણે રોજિંદા જીવનના પ્રસંગો લઈ નિર્દોષ હાસ્ય પ્રગટ કરતા નિબંધો આપ્યાં છે; તો ચરિત્રાત્મક લેખો પણ આપ્યાં છે. એમની સ્વસ્થ અને શિષ્ટમિષ્ટ શૈલી આકર્ષક હતી. ‘ફેરમ’ (૧૯૫૫)માં પોતાને માર્ગદર્શક બનેલા સ્વજનો, સ્નેહીઓ અને સંબંધીઓનાં સ્મૃતિચિત્રો આલેખી એમણે સ્વ-અતીતને સજીવ કર્યો છે. એમણે ‘ગૃહદીપિકા’ (૧૯૩૧), ‘નારીકુંજ’ (૧૯૫૬) અને ‘જ્ઞાનસુધા’  જેવા લેખસંગ્રહો પ્રકટ કર્યા છે. એમણે ‘પ્રો. ઘોંડો કેશવ ર્ક્વે’ (૧૯૧૬) ચરિત્ર પણ લખ્યું છે. એમના છૂટક લેખોનો સમાવેશ ‘હાસ્યમંદિર’ નાં થયો છે. એમણે રમેશ દત્તની વાર્તા ‘લેક ઓવ ધ સામ્સ’ નો ‘સુધાહાસિની’ (૧૯૦૭) નામે તથા વડોદરામાં મહારાણીશ્રીએ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘પોઝિશન ઓવ વિમેન ઈન ઈન્ડિયા’ નો ‘હિંદુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન’ (૧૯૧૫) નામે અનુવાદ આપ્યા છે.

હવે તેમના પતિ રમણભાઈ નીલકંઠની વાત.

ગુજરાતી ભાષાની ભદ્રંભદ્ર જેવી અમર હાસ્ય કૃતિના સર્જક અને અગ્રણી સમાજસેવક હતા. રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક તેમના સન્માનમાં હાસ્યલેખકોને અપાય છે.

તેમનો જન્મ ૧૮૬૮નાં રોજ અમદાવાદ ખાતે રૂપકુંવરબા અને મહિપતરામ નીલકંઠને  ત્યાં થયો હતો. પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે પૂર્ણ કર્યા બાદ, તેઓ પંદર વર્ષે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ, અમદાવાદ તથા એલ્ફ્ન્સ્ટિન કોલેજ, મુંબઇમાં આગળ અભ્યાસ કર્યો હતો. ઇ. સ. ૧૮૮૭ના વર્ષમાં તેમણે બી.એ. ની પદવી મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે એલ.એલ.બી. સુધીની પદવી પણ પ્રાપ્ત કરી. તેમણે પ્રથમ હંસવદન સાથે લગ્ન કર્યા, પરંતુ નાની ઉંમરે મૃત્યુ થવાને કારણે તેમણે બીજા લગ્ન જાણીતા સાહિત્યકાર વિદ્યાગૌરી સાથે ઇ.સ. ૧૮૮૭ના વર્ષમાં કર્યાં હતા.

૬, માર્ચ ૧૯૨૮ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું. તેમની દીકરીઓ વિનોદિની નીલકંઠ અને સરોજિની નીલકંઠ પણ જાણીતાં સામાજિક કાર્યકર તેમજ સાહિત્યકાર થયા હતા. બ્રિટિશ પ્રવાસ લેખક પિકો ઐયર તેમના પ્રપૌત્ર છે.

લેખક હોવાની સાથે સાથે, શરૂઆતના વર્ષોમાં તેઓ સરકારી નોકરીમાં કારકુન તરીકે જોડાયા અને ત્યાર બાદ શિરસ્તેદાર અને આગળ વધતા ખાતે જજ તરીકે સેવા બજાવી હતી. બ્રિટિશ સરકાર દ્વારા તેમને પહેલાં રાય બહાદુર અને પછી સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે અમદાવાદના મેયર તરીકે પણ ફ્રજ બજાવી હતી. ૧૯૨૩માં અમદાવાદ રેડ ક્રોસની સ્થાપના થયા પછી તેઓ તેના પ્રથમ સેક્રેટરી બન્યા હતા. ૧૯૨૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા.

તેમની મુખ્ય કૃતિઓમાં ‘ભદ્રંભદ્ર’, ‘શોધમાં’ જેવી નવલકથાઓ, ‘રાઇના પર્વત’ નામે નાટક, સરસ્વતીચંદ્રનું અવલોકન, હૃદયવીણાનું અવલોકન જેવા વિવેચનો, વાર્તાઓ, કાવ્યો, હાસ્ય નિબંધો, ધર્મ અને સમાજ જેવા ચિંતન ગ્રંથો ગુજરાતી ભાષાને આપ્યા છે. કવિતા અને સાહિત્ય (૧૯૨૬) ચાર ગ્રંથોનો સંગ્રહ છે. ૧૯૨૭માં તેમને નાઇટ હુડ મળતાં તેમને રાય બહાદુર સરનો ઇલકાબ મળ્યો હતો.

હવે તેમના પિતા મહીપતરામ રૂપરામ નીલકંઠની વાત. તેઓ ગુજરાતી કેળવણીકાર, સુધારક, નવલકથાકાર અને ચરિત્રકાર હતા. તેમનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૨૯ના રોજ ખાતે વડનગરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં રૂપરામ નીલકંઠ અને ગિરજાગૌરીને ત્યાં થયો હતો. તેઓ દોઢ વર્ષના હતા ત્યારે તેમની માતાનું નિધન થયું હતું. જ્યારે તેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમનું સગપણ ત્રણ વર્ષની કન્યા પાર્વતીકુંવર સાથે થયું. તેમણે પ્રાથમિક શિક્ષણ સ્થાનિક ‘ગામઠી શાળા’ માં ગોપીપુરા, સુરતમાં પૂર્ણ કર્યું જે પ્રાણશંકર મહેતાની શાળા તરીકે ઓળખાતી હતી. પાછળથી તેઓ સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ થયા.

પાછળથી તેઓ તેમની માતૃસંસ્થા સાથે ૧૮૫૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. ૧૮૫૨માં તેઓ એલ્ફ્ન્સ્ટિન ઇન્સ્ટિટયૂટ, બોમ્બેના માધ્યમિક શિક્ષણ વિભાગમાં જોડાયા અને ૧૮૫૪માં મદદનીશ શિક્ષક તરીકેનો હોદ્દો મેળવ્યો. તેઓ સુધારાવાદી સંસ્થાઓ, જ્ઞાન પ્રસારક સભા અને બુદ્ધિવર્ધક સભા, મુંબઈ સાથે સંકળાયેલા હતા. ૧૮૫૭માં તેમની નિમણૂક કાર્યકારી આચાર્ય તરીકે અમદાવાદ હાઇસ્કૂલ ખાતે થઇ અને પછીથી તેઓ નાયબ શિક્ષણ નિરીક્ષક તરીકે નિમણૂક પામ્યા. ૧૮૫૯માં તેમની નિમણૂક ‘હોપ વાચનમાળા’ સમિતિમાં શાળા પાઠયપુસ્તક સમિતિના સભ્ય તરીકે કરવામાં આવી હતી. તેમને ૨૭ માર્ચ ૧૮૬૦ના રોજ કોલેજના શિક્ષણનો અભ્યાસ કરવા માટે ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. ૧૩ એપ્રિલ ૧૮૬૦ના રોજ ઈંગ્લેન્ડથી પરત આવ્યા પછી  તેમણે તેમની નિવૃત્તિ સુધી પી. આર. ટ્રેનિંગ કોલેજ, અમદાવાદના પિન્સિપાલ તરીકે સેવા આપી હતી.

૧૮૫૦માં તેમણે પરહેજદાર સામયિકનું સંપાદન કર્યું હતું અને શૈક્ષણિક માસિક ગુજરાત શાળા પત્ર (૧૮૬૨-૭૮, ૧૮૮૭-૯૧)નું પણ સંપાદન કાર્ય કર્યું હતું. ૧૮૫૭માં દસ મહિના માટે તેમણે સુધારાવાદી સાપ્તાહિક સત્યપ્રકાશનું સંપાદન કાર્ય સંભાળ્યું હતું. ૧૮૫૫માં તેમને રાવ સાહેબ અને કમ્પેનિયન ઓફ્ ધ ઓર્ડર ઓફ્ ધ ઇન્ડિયન એમ્પાયર (CIE) ખિતાબ બ્રિટિશ સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ અમદાવાદ પ્રાર્થના સમાજ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તેમજ અન્ય ઘણી સુધારાવાદી સંસ્થાઓ જે વિધવા પુનઃલગ્ન, બાળલગ્ન પ્રતિબંધ વગેરેમાં કામ કરતી હતી તેમની સાથે સંકળાયેલા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને ચેરમેન પણ રહ્યા હતા.

તેઓ ૩૦ મે, ૧૮૯૧ના રોજ અવસાન પામ્યા. તેમના પત્ની પાર્વતીકુંવરે તેમને સામાજિક અને સુધારણા પ્રવૃત્તિઓમાં સાથ આપ્યો હતો. તેમના પુત્ર રમણભાઇ નીલકંઠ પણ લેખક હતા અને અમદાવાદના મેયર પદે રહ્યા હતા. ૧૭ ડિસેમ્બર ૧૮૯૨ના મહીપતરામ રૂપરામ આશ્રમ નામના અનાથાશ્રમની સ્થાપના રાયપુર, અમદાવાદમાં તેમની યાદમાં કરવામાં આવી હતી.

તેમણે ગુજરાતી સાહિત્યનું પ્રથમ પ્રવાસ વર્ણન ઇંગ્લેન્ડની મુસાફ્રીનું વર્ણન (૧૮૬૨) લખ્યું હતું, જેમાં તેમણે ઈંગ્લેન્ડની રાજકીય, સામાજિક, શૈક્ષણિક સ્થિતિનું વર્ણન તેમજ ઈંગ્લેન્ડના કેટલાક લોકપ્રિય સ્થળોનું વર્ણન કર્યું હતું. ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર (૧૮૭૭) તેમના મિત્ર અને જાણીતા વ્યક્તિ કરસનદાસ મૂળજીનું જીવનચરિત્ર છે. મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર (૧૮૭૯) દુર્ગારામ મહેતાની રોજનીશી પર આધારિત જીવનચરિત્ર છે. પાર્વતીકુંવર આખ્યાન (૧૮૮૧, બીજી આવૃત્તિ) તેમના પત્નીનું જીવનચરિત્ર છે. અકબરચરિત્ર (૧૮૮૭, બીજી આવૃત્તિ) અકબરનું ઐતહાસિક જીવનચરિત્ર છે, જે મોટે ભાગે અકબરનામાના ગુજરાતી અનુવાદ પર આધારિત છે. તેમની પ્રારંભિક, મૂળભૂત અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ગુજરાતી સાહિત્યની ત્રણ નવલકથાઓ આ મુજબ છેઃ સાસુવહુની લડાઇ (૧૮૬૬) કુટુંબ જીવન વિશેની હળવો વિનોદ ધરાવતી નવલકથા છે, જે ગુજરાતી સાહિત્યની પ્રથમ સામાજિક નવલકથા ગણાય છે.. સધરા જેસંગ (૧૮૮૦) અને વનરાજ ચાવડો (૧૮૮૧) અનુક્રમે  સિદ્ધરાજ જયસિંહ અને વનરાજ ચાવડા  પર આધારિત ઐતિહાસિક નવલકથાઓ છે. તે મુખ્યત્વે લોકકથાઓ અને સાંસ્કૃતિક ઇતિહાસ પર આધારિત છે.

૧૮૫૬ પછી તેમણે કોલંબસ, ગેલીલિયો ગેલિલી, આઇઝેક ન્યૂટન વગેરેના જીવન વૃત્તાંતો લખ્યા હતા. તેમણે ચેમ્બરના સર્જનનો નાનાભાઇ હરિદાસની સાથે અનુવાદ કર્યો હતો. તેમણે શાળાના પાઠયપુસ્તકો, ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ (૧૮૮૩) અને વ્યુત્પત્તિપ્રકાશ(૧૮૮૯) લખ્યા હતા. તેમણે શિક્ષણ, ભૂગોળ, ભૂસ્તરવિજ્ઞા।ન, વિજ્ઞા।ન, વૈદકશાસ્ત્ર વગેરે વિષયો પર પણ પુસ્તકો લખ્યા હતા, જે મોટે ભાગે વિદ્યાર્થીઓ માટેના અનુવાદ હતા..

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!