Close

ગુમાવેલી મિલકત ફરી કમાઈ શકશો, ગુમાવેલી જિંદગી નહીં

ચીની કમ | Comments Off on ગુમાવેલી મિલકત ફરી કમાઈ શકશો, ગુમાવેલી જિંદગી નહીં

બીજા વિશ્વયુદ્ધ પછી આખું જગત એક નાજુક અને કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. કુદરતી આપત્તિઓ તો આવે છે અને જાય છે, પરંતુ કોરોના વાઇરસના આક્રમણથી વિશ્વ આખું હતપ્રભ છે. એક અદૃશ્ય દુશ્મન આખી દુનિયા પર કાળો કેર વર્તાવી રહ્યો છે. બીમાર અને મોતને ભેટતા માનવીઓના આંકડા લખાય અને છપાય તે સુધીમાં તો એ આંકડો ક્યાંયનો ક્યાંય સુધી પહોંચી જતો હોય છે. યુરોપ, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા સમૃદ્ધ દેશો ભયભીત છે. પ્રજા હજી ઘરોમાં કેદ છે. ઇટાલી, સ્પેન, ફ્રાન્સ કે જર્મની જેવા દેશોમાં તો કબ્રસ્તાનોમાં પણ હવે જગા નથી. હજારો પરિવારોએ તેમનાં સ્વજનો ગુમાવ્યાં છે. ઠેરઠેર આક્રંદ છે. કોણ કોને છાનું રાખે ? કોણ કોને સાંત્વના આપે ? બીજા વિશ્વયુદ્ધ પછી માનવજાતે આવી આપદા જોઈ નથી. સ્વાઇન ફ્લૂ, સ્પેનિશ ફ્લૂ, ડેન્ગ્યૂ, પ્લેગ, નોવાહ વાઇરસ, ઇબોલા, બર્ડ ફ્લૂ, કોરોના વાઇરસ કે મેલેરિયા જેવી બીમારીઓ માટે ચામાચીડિયા, ભૂંડ, માખી, મચ્છર, સાપ કે ઉંદરને જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે, આ પ્રાણીઓ, પક્ષીઓ કે ચામાચીડિયા ખુદ આ બીમારીઓના સર્જક નથી. તેઓ તો માત્ર ભયાનક રોગ ફેલાવનાર વાઇરસ કે બેક્ટેરિયાના માત્ર વાહક જ છે. એક ચામાચીડિયું હજારો વિષાણુઓનો ભંડાર છે. હવે એ જ ચામાચીડિયાઓનો ઉપયોગ કોરોનાની રસી બનાવવાના બદલે જીવાણુ શસ્ત્ર બનાવવાનો ઉપયોગ કરવામાં આવે તો જવાબદાર કોણ ? માનવી જ ગંદકી ફેલાવીને ભૂંડને ચરવાનું આદર્શ સ્થળ બનાવી દે તો જવાબદારી કોની ? માનવી જ ગંદા ખાબોચિયાં ભરી દઈ મચ્છરો માટે આદર્શ વાતાવરણ  પેદા કરે તો જવાબદારી કોની ? આ બધી જ આપત્તિઓ કુદરતી નહીં પરંતુ માનવર્સિજત છે. ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે ભીષણ ગરમી એ કુદરતી આપત્તિઓ છે, બીમારી નહીં. પાછલાં વર્ષોનો ઇતિહાસ જોતાં લાગે છે કે માનવી જ પોતાના વિનાશની વ્યવસ્થા ગોઠવી રહ્યો છે. કુદરતે અપાર ધનધાન્ય અને શાકભાજી કે ફળો આપેલાં છે છતાં ચીનાઓ ચામાચીડિયા ખાવા માટે ચામાચીડિયા ઉછેરે તો તેમાં વાંક કોનો ?

દુનિયા બદલાઈ જશે

એ જે હોય તે પણ કોરોનાની મહામારી પૂરી થયા બાદ દુનિયા જેવી હતી તેવી હવે નહીં હોય. ૨૦૨૦ એ પૃથ્વીવાસીઓ માટે મોટામાં મોટા સબકનું વર્ષ હશે. ૨૦૨૧ સુધીમાં કોરોના ખતમ થઈ જાય તો પણ હવે દુનિયા પહેલાંના જેવી નહીં હોય. આવનારા સમયમાં વિશ્વની સોચ બદલાઈ ગયેલી હશે. ડાહ્યા અને સમજદાર દેશો હવે માનવ સંહારના શસ્ત્રોના બદલે માનવીનો જીવ બચાવવાના ષધો પર વધુ ધ્યાન આપશે. સમજદાર દેશો સંરક્ષણ બજેટની સાથેસાથે લોકોના સ્વાસ્થ્યના બજેટ પાછળ વધુ નાણાં ફાળવશે. નવા સૈનિકોની ભરતીની સાથે તેમના દેશમાં વધુ તબીબો અને નર્સો તૈયાર થાય તે તરફ વધુ ધ્યાન આપશે. નવાં નવાં શસ્ત્રોના સંશોધનની સાથે પ્રયોગશાળાઓમાં નવા નવા રોગોના પ્રતિકાર માટેની વેક્સિનના સંશોધન પાછળ વધુ ધ્યાન આપશે. મંગળ પર પહોંચવાની હોડ ચાલુ રહેશે, પરંતુ માનવીના શરીરમાં પ્રવેશી તેમાં ભટકી રહેલા કોરોના વાઇરસ જેવા અદૃશ્ય શત્રુને ભેદવાના તબીબી ષધો પર વધુ ધ્યાન આપશે. પોતાના જ દેશને બચાવવા માટે સૈનિકો કરતાં તબીબોની જરૂર વધુ હશે. પેન્ટેગોન કરતાં હોસ્પિટલોનું મહત્ત્વ  વધી જશે.

સમીકરણો બદલાશે

કોરોના મહામારી બાદ આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને સમીકરણોમાં મૂળભૂત બદલાવ આવશે. દુશ્મનો મિત્ર બની જશે. મિત્ર દુશ્મન બની જશે. ચીન જેવા દેશ પર કોઈ ભરોસો નહીં મૂકે. ચીનના નાગરિકોને બીજા દેશોમાં પ્રવેશ મેળવવામાં તકલીફો ઊભી થશે. વિઝા નિયંત્રણો વધુ કડક થશે. ભારત, અમેરિકા, બ્રિટન, જર્મની, ઇટાલી, સ્વિત્ઝરર્ર્લેેન્ડ, બલ્ગેરિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશો વચ્ચેના સંબંધો વધુ પ્રગાઢ બનશે. એમાં રશિયા કમ્યુનિસ્ટ દેશ હોવા છતાં પણ સમૂહમાં જોડાઈ શકે છે.

વિશ્વના અર્થતંત્રમાં પણ નવાં પરિવર્તનો જોવા મળી શકે છે. સમજદાર દેશો ચીન સાથેનો વેપાર-ધંધો ઘટાડી નાખશે. કેટલાક દેશો ચીનથી સસ્તો માલ મગાવવાના બદલે આત્મનિર્ભર થવા પ્રયાસ કરશે. છાશવારે વેપાર કરવા ચીન જતા અન્ય દેશોના વેપારીઓ હવે ચીન જતાં બે વાર વિચારશે. જો આમ થાય તો આવનારા દાયકામાં ચીનનું અર્થતંત્ર ખોરવાઈ શકે છે.

પ્રવાસન ખોટકાશે

કોરોનાની મહા- મારીના કારણે માત્ર ચીનનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ખોટકાઈ જશે. વિશ્વમાંથી કોરોના વાઇરસનો ઉપદ્રવ મટી જાય તો પણ બીજા એક કે બે વર્ષ સુધી સહેલાણીઓ ઇટાલી, ફ્રાન્સ, બ્રિટન, જર્મની, બલ્ગેરિયા કે અમેરિકા જવાનું ટાળશે. એ કારણે વિશ્વનો ટૂરિઝમ બિઝનેસ ભાંગી પડશે. સ્વિત્ઝરર્લેન્ડથી માંડીને યુરોપના દેશોની બધી જ હોટેલો ખાલીખમ હશે. હોટેલોના સ્ટાફને ચૂકવાતા પૈસા હોટેલ માલિકો પાસે નહીં હોય. પરિણામે એ કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. વિદેશ આવ-જા કરતી એરલાઈન્સ ઉતારુઓના અભાવે વિમાનોને ગ્રાઉન્ડેડ કરી દેશે અને હજારો વિમાની કર્મચારીઓ નોકરીઓ ગુમાવશે. મોટી ફેક્ટરીઓમાં બનતો માલ ખરીદવાના લોકો પાસે પૈસા જ નહીં હોય. છબીઘરો ચાલુ થશે તો પણ સામાજિક અંતર જાળવવા લોકો મહિનાઓ સુધી છબીઘરમાં જશે જ નહીં.

બેકારી અને બેરોજગારી વિશ્વમાં ભૂખમરો અને હતાશા લાવશે. બેકારીના કારણે આપઘાતની સંખ્યા વધી શકે છે. ડિપ્રેશનના કેસો પણ વધી શકે છે. લોકો એ મનોચિકિત્સકો અને માનસિક રોગોના નિષ્ણાત તબીબોની સલાહ અને સારવાર લેતા થઈ જશે.

પોતાની નજર સમક્ષ જ લોકોને મોતને ભેટતા જોઈ લોકો ઈશ્વરનું શરણ લેતા થઈ જશે. નાસ્તિકો પણ આસ્તિક બની જશે. લોકોની ઈશ્વરમાં શ્રદ્ધા વધશે. મંદિર, ચર્ચ, ગુરુદ્વારા કે મસ્જિદમાં જનારાઓની સંખ્યા વધશે. લોકો ધર્મભીરુ બનશે અને ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા થઈ જશે.

નેતાઓ માટે

કોરોના વાઇરસ વિવિધ દેશોની આંતરિક રાજનીતિમાં ઘણાં પરિવર્તનો લાવશે. જે જે દેશોના નેતાઓએ પોતાના દેશની પ્રજાને કોરોનાથી બચાવવા સમયસર કડક પગલાં લીધાં અને ઓછા મોત થયાં તે તે નેતાઓની લોકપ્રિયતા અને સ્વીકાર્યતા વધશે. દા.ત. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમયસર ૧૩૦ કરોડની વસતીવાળા આવડા મોટા દેશને એકસાથે લોકડાઉન કરી પ્રજાને ઘરમાં જ સુરક્ષિત રહેવાનું જે સમયસરનું સખત કદમ ઉઠાવ્યું તે પગલું તેમની લોકપ્રિયતા વધારી શકે છે. બીજી બાજુ માત્ર ૪૦ કરોડની વસતીવાળા અમેરિકા જેવા દેશમાં સમયસરના સખત પગલાં લેવામાં વિલંબ કરનાર અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી શકે છે. આવી રહેલી ચૂંટણીમાં તેની અસર પડી શકે છે.

હવે તો ભગવાન જ વિશ્વને બચાવી શકે. આવનારા સમયની દુનિયા બદલાઈ ગયેલી હશે.

યાદ રાખો કે કોરોના હજુ ગયો નથી. લોકડાઉન ખૂલ્યું છે, પરંતુ વાઇરસ હજુ યથાવત્ છે. લોકો માસ્ક વગર બિન્દાસ ફરવા લાગ્યા છે. ર્ધાિમક ઉત્સવોમાં સેંકડો લોકો ઘરની બહાર નીકળી રસ્તા પર ભીડ જમા કરી દે છે. આ અતિ વિશ્વાસ ભારે પડી શકે છે. ગુમાવેલી મિલકત તમે ફરી કમાઈ શકો છો, પરંતુ ગુમાવેલી જિંદગી નહીં. એક સ્વજન ઘરમાંથી વિદાય લે છે તો તેની ખોટ કદી ભરપાઈ કરી શકાતી નથી.

કોરોના કોઈને છોડતો નથી, ધનવાન હોય કે ગરીબ, સેલિબ્રિટી હોય કે સામાન્ય વ્યક્તિ, મહેલમાં રહેતો હોય કે ઝૂંપડપટ્ટીમાં, ધર્મગુરુ હોય કે નાસ્તિક.      DEVENDRA PATEL

Be Sociable, Share!