Close

જ્યારે હાઈકોર્ટના વિદ્વાન જજે અરજદારને કહ્યું ‘સોરી સર’

ચીની કમ | Comments Off on જ્યારે હાઈકોર્ટના વિદ્વાન જજે અરજદારને કહ્યું ‘સોરી સર’

લોકશાહીના ચાર સ્તંભોમાં ન્યાયતંત્ર એક મહત્ત્વપૂર્ણ સ્તંભ છે.

 ભારતીય ન્યાયતંત્ર કેટલું ગરીમાપૂર્ણ છે તેના કેટલાક દૃષ્ટાંતો મોજૂદ છે. વર્ષો પહેલાં ગુજરાત હાઈકોર્ટના વડા ન્યાયાધીશ તરીકે બી.જે. દીવાન હતા. ૧૯૬૦ના દાયકામાં અમદાવાદમાં શહેરમાં સાઈકલનું ચલણ હતું. અધ્યાપકો પણ સાઈકલ પર બેસી કોલેજમાં ભણાવવા આવતા. એ વર્ષોમાં રાત્રે સાઈકલ પર લાઈટ રાખવી ફરજિયાત હતી. મિલ મજૂરોથી માંડીને બેન્કના અધિકારીઓ સાઇકલ વાપરતા હતા, પત્રકારો પણ. સાઈકલ પર બંધ કાચવાળો કોડિયા જેવો દીવો આવતો જેનો પ્રકાશ ખાસ પડતો નહીં પરંતુ કાયદો હોઈ દરેક સાઈકલ સવારે સાંજે સાઈકલની આગળ એ પ્રકારનો દીવો કે લાઈટ રાખવી પડતી.

એક વાર બી.જે. દીવાન સાહેબ તેમના કોઈ મિત્રને મળવા સાઈકલ પર બેસી દિલ્હી દરવાજા તરફ ગયા. સાંજે મોડું થઈ ગયું. તેમની સાઈકલ પર દીવો નહોતો. પોલીસે સીટી મારી તેમને રોક્યા. લાઈટ ના હોવા બદલ દંડ ભરવાનું ચલણ આપ્યું. બી.જે. દીવાન સાહેબે ચૂપચાપ એ કાગળ લઈ દીધો. બીજા દિવસે દંડ ભરી દીધો પરંતુ તેઓ પોતે હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિ છે તેવું પોલીસને કહ્યું નહીં. તેમણે પોતાની ઓળખ આપી હોત તો પોલીસવાળો જ ગભરાઈ જાત પરંતુ દીવાન સાહેબે પોતાની ઓળખ આપવાના બદલે અનાયાસે થયેલી ભૂલ બદલ દંડ ભરી દેવાનું પસંદ કર્યું.

દેશના કેટલાક ન્યાયાધીશો કેવું સુંદર કાર્ય કરે છે તેનો બીજો એક દાખલો. તાજેતરમાં જ ગઈ તા. ૨૬મી જાન્યુઆરીના રોજ ઊજવાયેલો ૬૯મો પ્રજાસત્તાક દિન ચેન્નાઈમાં રહેતા ૮૯ વર્ષના વી. ગાંધી નામના પૂર્વ ઇન્ડિયન નેશનલ આર્મી સૈનિક માટે લાંબા સમય બાદ ખુશીનો દિવસ થઈને આવ્યો. ૮૯ વર્ષના વી. ગાંધી અત્યંત ગરીબ પરિસ્થિતિમાં એક ગરીબ વસ્તીમાં પસાર કરી રહ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે આ સ્વાતંત્ર્ય સેનાનીને કહ્યું : ‘સોરી, સર !’

કારણ જાણવા જેવું છે

વી. ગાંધી એક સ્વાતંત્ર્ય સેનાની છે. ૧૯૪૫ના સમયગાળામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા અંગ્રેજો સામે લડયા, સૈનિક ગ્રૂપ આઝાદ હિંદ ફોજનો તેઓ એક હિસ્સો હતા. એ કારણસર અંગ્રેજોએ વી. ગાંધીને જેલમાં પણ પૂર્યા હતા. ૧૯૪૭માં ભારત આઝાદ થયું. તે પછી વી. ગાંધી કોઈ રાજકીય પક્ષમાં જોડાયા નહીં. તેમને લાગ્યું કે ભારતને આઝાદી અપાવવાનું તેમનું કામ પૂરું થઈ ગયું છે.

એ પછી તેમની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ. સરકારને તેમની સારસંભાળ રાખવામાં કોઈ જ રસ નહોતો. કોઈએ તેમને કહ્યું કે તમે તો ફ્રીડમ ફાઈટર છો, તમે જેલમાં પણ જઈ આવેલા છે. તમને સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું પેન્શન મળી શકે છે. તમે એ માટે અરજી કરો તો આમ ભૂખ્યા રહેવું નહીં પડે.

વી. ગાંધીએ ૧૯૮૦માં સ્વાતંત્ર્ય સેનાની મળતા પેન્શન માટે અરજી કરી. સંબંધીત વિભાગે તેમની પાસેથી પુરાવા માંગ્યા. નેતાજીનાં સાથી કેપ્ટન લક્ષ્મી વગેરેએ લખી આપેલા કાગળો વી. ગાંધીએ સરકારને આપ્યા. ઓલ ઈન્ડિયા ફ્રીડમ ફાઈટર્સ એસોસિયેશનના પ્રમુખ કે. ગુરુમૂર્તિએ પણ તામિલનાડુની સરકારને પત્ર લખી વી. ગાંધીને પેન્શન આપવા ભલામણ કરી અને તેમાં તેમની ગરીબીનો ઉલ્લેખ કર્યો.

કોઈ પ્રતિભાવ નહીં

પરંતુ તામિલનાડુની સરકાર તરફથી કોઈ જ પ્રતિભાવ આવ્યો નહીં.

છેવટે ભૂખમરામાં જીવતા વી. ગાંધીએ ૨૦૧૭માં મદ્રાસ હાઈકોર્ટમાં દાદ માંગી. એમની અરજી વાંચી હાઈકોર્ટના નામદાર ન્યાયાધીશ કે. રવીચંદ્રબાબુનું હૃદય દ્રવી ઊઠયું. તેમણે સ્વાતંત્ર્ય સેનાનીને સરકાર તરફથી પડેલી મુશ્કેલીઓ બદલ માફી માગી અને કહ્યું: ‘સોરી સર, આપને આપણા જ માણસો દ્વારા ભારે તકલીફ વેઠવી પડી છે. આ એક કમનસીબ વાત છે કે આપણી અમલદારશાહી કેવી રીતે લોકો સાથે વર્તે છે અને તે પણ આપના જેવા સ્વાતંત્ર્ય સેનાની સાથે કે જેમણે દેશને આઝાદી અપાવવા સંઘર્ષ કર્યો હતો ?

આટલું ઓબ્ઝર્વેશન કર્યા બાદ જસ્ટિસ રવિચંદ્રબાબુએ તામિલનાડુની સરકારને અરજદાર સ્વાતંત્ર્ય સેનાનીનું પેન્શન બે સપ્તાહમાં જ મંજૂર કરી દેવા અને ચાર અઠવાડિયામાં અત્યાર સુધીની તમામ રકમ ચૂકવી દેવા- અને તે પણ તેમના ઘેર જઈને-તેવો હુકમ કર્યો.

હેટ્સ ઓફ ટુ ઇન્ડિયન જ્યુડિશિયરી એન્ડ ફ્રીડમ ફાઈટર એઝ વેલ.

એક બીજી ઘટના

આ ઘટના તો વર્ષો પહેલાંની છે, આવી જ બીજી ઘટના પણ વાંચો. અંગ્રેજ હકુમતના દેશમાં ડંકા વાગતા હતા. કોલકતા શહેરમાં બનેલી આ સાચેસાચી બીના છે. એવી વ્યક્તિની આ વાત છે, જે આ શહેરની ત્યારની હાઈકોર્ટના વડા ન્યાયાધીશ અને ત્યાંના વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ પણ હતા.નોંધી રાખવા જેવી વાત છે, કે એ જમાનામાં આવો હોદ્દો અંગ્રેજ સિવાય બીજા કોઈને જવલ્લે જ સાંપડતો હતો. એ પણ ભૂલવા જેવી વાત નથી, કે આજના જેવી લાગવગશાહીને ત્યારે સ્થાન નહોતું. કેવળ લાયકાતને જ લક્ષમાં લેવાતી હતી. સવારના અગિયાર વાગ્યાનો સુમાર હતો. વાદી, પ્રતિવાદી, વકીલો તથા પ્રેક્ષકોથી આખોય હોલ ચિક્કાર હતો. કોઈ અગત્યનો કેસ આજે ચાલવાનો હતો. ઉપરોક્ત ન્યાયાધીશ પણ સમયસર આવીને આસન પર બીરાજ્યા હતા. વકીલ પોતાની વાત ન્યાયાધીશના ભેજામાં ઠસાવવાનો જોરદાર પ્રયાસ કરી રહ્યા હતા. પોતાના પેટનું પાણી ય ન હાલતું હોય એવી અદાથી, ન્યાયાધીશ મહાશય મુદ્દાઓની યોગ્ય નોંધ લઈ રહ્યા હતા. ત્યાં જ શાંતિનો ભંગ થયો.

ખંડના પ્રવેશદ્વાર આગળ કો’ક વૃદ્ધા આવી ચડયા. વાત એમ હતી કે આ વૃદ્ધા ગંગાજીમાં સ્નાન કરીને સીધાં જ અહીં આવ્યા હતા. કપડાં પણ ભીના હતા બોલવા-ચાલવાની રીતભાત પણ ગાંડીઘેલી હતી. આવીને તેણે દ્વારપાળને કહ્યું : ‘મારે ન્યાયાધીશને મળવું છે.’

દ્વારપાળને લાગ્યું કે આ વૃદ્ધાની ડાગળી ચસકી ગઈ લાગે છે. એટલે એણે દાદ ન દીધી પરંતુ વૃદ્ધા  એમ કંઈ પાછા જાય એવા નહોતા. પરિણામ એ આવ્યું કે બધાનું ધ્યાન એકી સાથે તે તરફ દોરાયું આથી સ્વાભાવિક રીતે જ ન્યાયાધીશનું ધ્યાન પણ ત્યાં ખેંચાયું. તેઓ હોશિયાર હતા, અને સાથે સજાગ પણ હતા. તેમણે અનુમાન કર્યું કે વાતમાં કંઈક રહસ્ય હોય એમ લાગે છે. એટલે, તેઓ ખુરશી પરથી જાતે ઊભા થયા અને બહાર આવ્યા. સાહેબને જોતાં જ ચપરાશીઓએ સલામ ભરી રસ્તો કરી આપ્યો.

ન્યાયાધીશ ઊભા થઈ અભણ વૃદ્ધાના પગમાં પડી ગયા. ન્યાયાધીશને પગ પાસેથી ઉઠાડી છાતી સરસા ચાંપી, માથે મીઠો હાથ મૂકી, વૃદ્ધાએ ઓવારણાં લીધા : ‘સો વરસનો થજે, બેટા !’

હર્ષાવેશમાં બીજાં કંઈ તે બોલી શક્યા નહીં. જે કંઈ કહેવા જેવું હતું તે તો આંસુની ધારાઓ જ કહી રહી હતી. સૌના કુતૂહલનો પાર ન રહ્યા. સૌને મનમાં પ્રશ્ન થયો કે, ખુદ સરકારને પણ નમતું ન જોખનાર આ સાહેબ આ વૃદ્ધાને કેમ નમી પડયા ?

બે-ત્રણ નિકટના મિત્રોએ તો સાહેબને જ સીધો આ સવાલ પૂછી નાખ્યો.

સાહેબે ગદ્ગદ કંઠે કહ્યું: ‘ભાઈઓ, આ વૃદ્ધા અમારે ત્યાં આયા તરીકે કામ કરતાં હતાં. પરંતુ તેમની મારા પ્રત્યેની એટલી બધી મમતા હતી કે અમે તેમને કુટુંબના સભ્ય તરીકે ગણતા. તેમના વિના મને ને મારા વિના એમને જરાય ચેન પડતું નહીં. દૂધ પાઈ એમણે જ મને નાનેથી મોટો કર્યો છે. એમના ખોળામાં હું મન મૂકીને ખેલ્યો છું. ઘણાં વર્ષથી તે વતનમાં ગયા હતા. આજે તેમનાં દર્શન કરી કૃતાર્થ થયો. હું આ સ્થાન શોભાવી રહ્યો છું તે પણ તેમના સંસ્કારનો જ પ્રતાપ છે. એમના જેટલા ગુણ ગાઉં એટલા ઓછા છે.’

એક સામાન્ય આયામાં પણ માતૃભાવનાં દર્શન કરી બહુમાન કરનાર આ વ્યક્તિ પોતાની સગી માતાનું કેટલું સન્માન કરતા હશે એની કલ્પના આ પ્રસંગ પરથી આવી શકે છે. ‘વિદ્યા વિનયેન શોભતે’ એ આનું જ નામ.

આ મહાપુરુષનું નામ હતું સર ગુરુદાસ વન્દોપાધ્યાય

Be Sociable, Share!