Close

પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે સરદારે અમદાવાદ છોડવા ઇનકાર કર્યો

ચીની કમ | Comments Off on પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે સરદારે અમદાવાદ છોડવા ઇનકાર કર્યો

સમગ્ર વિશ્વની સાથે ભારત પણ કોરોના ભરડામાં ત્રસ્ત છે.

દેશમાં સૌથી વધુ કોરોનાના કેસો મહારાષ્ટ્રમાં છે. તે પછી બીજા નંબરે ગુજરાત હોટસ્પોટ છે. અમદાવાદના નેતાઓ અગ્શ્ય છે, અધિકારીઓ ટીવી પર છે અને તબીબો- પેરામેડિકલ્સ સ્ટાફ યુદ્ધના મોરચે છે. કોરોના વાઇરસની મહામારી ફેલાયા બાદ ત્રીજું વિશ્વયુદ્ધ  હવે તબીબો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓ લડી રહ્યા છે ત્યારે હોસ્પિટલો એ જ દેવમંદિરોનું સ્થાન લીધું છે. તબીબોએ ઇશ્વરનું  સ્થાન લીધું છે અને નર્સો  એન્જલ્સ છે.  ગુજરાત વિષાદમાં ડૂબેલું છે અને પ્રજા ભયભીત છે ત્યારે આજથી ૧૦૦ વર્ષ પહેલાં પ્લેગની મહામારી વખતે સરદાર સાહેબે અમદાવાદમાં રહીને કરેલી આ કામગીરીનો  આ ફ્લેશ બેક છે.

ભ્રષ્ટ અધિકારીને કાઢયો

અમદાવાદ શહેરની વા.સા. હોસ્પિટલ ઊભી કરાવવા પાછળ સરદાર સાહેબ એક મોટું પ્રેરક બળ હતા. સરદાર સાહેબ ૧૯૧૬માં અમદાવાદ આવ્યા હતા. પછી ૧૯૧૭થી ૧૯૨૮ના ૧૨ વર્ષના ગાળામાં તેમણે અમદાવાદ શહેરને ઘણું આપ્યું છે. આમ તો તેઓ વકીલાત કરવા આવ્યા હતા, પરંતુ ૧૯૧૭માં તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં જોડાયા હતા. એ વખતે શીલડી નામનો એક અંગ્રેજ મ્યુનિ. કમિશનર હતો. તે તુંડમિજાજી હતો. તેને સીધો કરવા લોકોના દબાણથી સરદાર સાહેબે અંગ્રેજોના રાજમાં આ અંગ્રેજ મ્યુનિ. કમિશનરનો ભ્રષ્ટાચાર પકડી તેની સામે ઠરાવ કરી શીલડીને મ્યુનિસિપાલિટીમાંથી કાઢી મૂક્યો હતો.

૧૯૨૪ની સાલમાં સરદાર સાહેબ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. ૧૯૨૮ સુધી તેઓ પ્રમુખ તરીકે રહ્યા. સરદાર સાહેબે અમદાવાદ મ્યુનિસિપાલિટીની બાગડોર સંભાળી ત્યારે અમદાવાદ ‘ધૂળેટાબાદ’ તરીકે જાણીતું હતું. શહેર એક મોટું ગામડું જ હતું. મકાનોની પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી. દરેક પોળમાં સાપ પકડવા ૭થી ૮ ફૂટ  લાંબા સાણસા રાખવા પડતા. વાંદરાઓના ભારે ત્રાસથી બચવા લોકો પોતાના મકાન પર ચાડિયા ઊભા કરતા. હડકાયાં કૂતરાંનો ભારે ત્રાસ હતો અને અનેક લોકો હડકવાથી મરી જતાં. શહેરમાં ગટર નહોતી. પાણીના નળ નહોતા. શહેરની ચારે બાજુ કોટ હતો. રાતના નવના ટકોરે નગરના દરવાજા બંધ કરી દેવાતાં. રાત્રે કોઈ વ્યક્તિ મોડી પહોંચે તો દરવાજાની નાની બારીથી સાંકળ ખખડાવવી પડતી. દરવાજાની અંદર ખાટલો નાખી એક માણસ પડયો રહેતો. કાંકરિયા વિસ્તારમાં તો કોઈ એકલદોકલને લૂંટી લેવાતો. પાણીમાં ભયાનક મગરો હતો. શહેરમાં હજી મોટરોની શરૂઆત થઈ નહોતી. ભદ્ર વર્ગના લોકો ઘોડા જોડેલી બગીઓમાં ફરતા. સાંકડી ગલીઓમાં બગીઓ ઊભી  રાખતા એ કારણે પોળો ગંદી રહેતી. ઉંદરોનો પણ ત્રાસ હતો. ગંદકીના કારણે શહેરમાં પ્લેગ પણ ફાટી નીકળ્યો હતો.

પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે

અમદાવાદ શહેરમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે  શહેરની શાળા, કચેરીઓ બંધ કરી દેવામાં આવી હતી. સંખ્યાબંધ લોકો પોતાનો જીવ બચાવવા અમદાવાદ છોડી બહાર જતા રહ્યા હતા પરંતુ વલ્લભભાઈ પટેલ ભદ્ર ખાતેના તેમના મકાનમાં જ રહ્યા. તેમના કેટલાક મિત્રોએ એમને અમદાવાદ છોડી અન્યત્ર ચાલ્યા જવા સલાહ આપી પરંતુ સરદાર વલ્લભભાઈએ અમદાવાદ છોડવા ઇનકાર કરી દીધો. પ્લેગના ઉપદ્રવ વખતે તેઓ શહેરની શેરીઓમાં ફરવા લાગ્યા. સ્વચ્છતા જાળવવા  અને ગટરો સાફ કરાવવા જાતે જ ઊભા રહી સૂચનાઓ આપતા રહ્યા. પ્લેગવાળા વિસ્તારોમાં જંતુનાશક દવાઓ છંટાવવા લાગ્યા. મિત્રો દલીલ કરે તો તેમની સામે ટગર ટગર જોઈ રહેતા. કોઈ વધુ પડતી દલીલ કરે તો તેઓ કહેતા : ‘મેં મ્યુનિસિપાલિટીની સફાઈ કમિટીનું અધ્યક્ષપદ સ્વીકાર્યું છે તો હવે હું મારી જવાબદારીમાંથી કેવી રીતે છટકી શકું? મારી ફરજ છોડીને ભાગવું તે જનતાનો દ્રોહ છે. મારા હાથ નીચેના કાર્યકરો પ્લેગનું જોખમ ઉઠાવે છે તો હું જીવ બચાવવા  કેવી રીતે ભાગું?’

એ વખતે અમદાવાદનો પ્લેગ છેક ખેડા જિલ્લા સુધી ફેલાયો હતો. અને ખેડા જિલ્લામાં પ્લેગથી ૧૮ હજાર માણસોનાં મોત નીપજ્યાં હતા. છતાં  સરદાર સાહેબે  અમદાવાદ છોડવા ઇનકાર કરી દીધો હતો.

નગરનો ચહેરો બદલ્યો

આવા ગંદા નગરનું સ્વરૂપ બદલવાનું કામ સરદાર સાહેબે ઉપાડી લીધું. એમને લાગ્યું  કે આ શહેર બંધિયાર છે. તેનું ટાઉન પ્લાનિંગ કરવું જરૂરી છે. કિલ્લો તોડવો જરૂરી છે. કેટલાંકે વાંધો ઉઠાવ્યો. ‘કિલ્લો ઐતિહાસિક સ્મારક છે માટે તોડી ના શકાય.’

એ પછી જમાલપુર, મણિનગર વિકસાવવામાં આવ્યા. કાંકરિયાને વિકસાવવામાં આવ્યું. એક અંગ્રેજ આર્કિટેક્ટ મિરામ્સની મદદથી નદીની પેલે પાર એલિસબ્રિજ વિકસાવવામાં આવ્યું. સરદાર સાહેબે પૈસાદારોને અને રાવબહાદુરોને તેમની બગીઓ પોળોની બહાર ઊભી રાખવા ફરજ પાડી. શહેરમાં રખડતાં કૂતરાઓના ત્રાસને દૂર કરવા રખડતાં કૂતરાં મારી નાખવા આદેશ આપ્યો ત્યારે  કેટલાક લોકોએ વિરોધ કર્યો : ‘અરે ! આ શું કરો છો?’

સરદાર સાહેબે કહ્યું: ‘રખડતાં કૂતરાં બહુ વહાલાં લાગતાં હોય તો તમારા ઘરમાં  રાખો.’ પ્લેગના કારણે શહેરમાં લોકો ટપોટપ મરતાં હતાં. સ્મશાનમાં મૃતદેહોનો ભરાવો થઈ જતાં લોકો શેરીઓમાં જ મરેલી  વ્યક્તિના અગ્નિસંસ્કાર કરતાં એવી આ શહેરની હાલત હતી. સરદાર સાહેબે  કેટલાક જીવદયાપ્રેમીના પ્રચંડ વિરોધ છતાં પ્લેગ માટે જવાબદાર ઉંદરોને મારવાનાં પગલાં ભરવા સૂચના આપી.

વા.સા. હોસ્પિટલ

૧૯૨૭માં પ્રીતમરાય વ્રજરાય દેસાઈએ પ્રીતમનગરની સ્થાપના કરી, જેને સરદાર સાહેબનો ટેકો મળ્યો. અહીં ૧૯૨૬માં કોંગ્રેસનું અધિવેશન મળ્યું. તે પછી સરદાર સાહેબના પ્રયાસથી આ જ ખુલ્લી જગ્યા પર વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ઊભી થઈ. વી.એસ.ના એક ફુવારા પર આજે પણ એક તકતી છે, તેમાં લખવામાં આવ્યું છે કે, ‘અહીં કોંગ્રેસનું  અધિવેશન મળ્યું હતું.’ વા.સા. હોસ્પિટલ જોયા પછી ગાંધીજીએ લખ્યું હતું કે, ‘સરદાર વલ્લભભાઈ પટેલનો જય હો. આ હોસ્પિટલ જોઈ હું રાજી  થયો છું.’

પાણીના નળ લાવ્યા

અમદાવાદ શહેર છોડતાં પહેલાં તેમણે અમદાવાદ શહેરને આપેલા ઉપહારો અનેક છે. દૂધેશ્વરની ટાંકી અને મોટું વોટર વર્કસ પણ સરદાર સાહેબે જ ઊભું કરાવ્યું હતું. અમદાવાદમાં ગટરો નહોતી. પાણીના નળ નહોતા. લોકો દૂષિત પાણી પીને બીમાર પડતા. સરદાર સાહેબ નળ લાવ્યા ત્યારે કેટલાક રૂઢિચુસ્તોએ વિરોધ કર્યો : ‘ભગવાનને નળનું પાણી ના ચડાવાય.’ સરદાર સાહેબ આવા લોકોના વિરોધની પરવા કરતા નહોતા.

પબ્લિક ટોઇલેટ

અમદાવાદ શહેરમાં એ વખતે મિલો ધમધમતી શરૂ થઈ હતી. મિલના મજૂરોને સુધરાઈની વ્યવસ્થાનાં ફળ મળતાં નહોતાં. સરદાર સાહેબે જોયું કે, મિલોના મજૂરોની સ્ત્રીઓને ખુલ્લામાં ખાટલાની આડશ મૂકીને નહાવું પડે છે. સરદાર સાહેબે એ જમાનામાં સુધરાઇના ખર્ચે મજૂરોની સ્ત્રીઓ માટે નાવણિયા (બાથરૂમ) તૈયાર કરાવડાવ્યા. જેને આપણે પબ્લિક ટોઇલેટ સિસ્ટમ કહીએ છીએ એની પહેલ સરદાર સાહેબે અમદાવાદમાં કરી હતી. મ્યુનિસિપાલિટીએ શાળાઓ શરૂ કરવી જોઈએ તેવો ખ્યાલ સરદારને જ પહેલો આવ્યો. પ્રાથમિક શિક્ષણ મફત હોવું જોઈએ તે વાતનો અમલ પણ તેમણે જ કરાવ્યો.

વિક્ટોરિયા ગાર્ડન પણ સરદાર સાહેબની જ ભેટ છે. અમદાવાદ શહેરમાં મનોરંજનની કોઈ વ્યવસ્થા નહોતી. સરદાર સાહેબના પ્રયાસોથી જ ૧૯૨૭માં અમદાવાદ શહેરમાં રેડિયો સ્ટેશન સ્થાપિત થયું.

DEVENDRA PATEL

Be Sociable, Share!