Close

ફિરોઝ ગાંધીએ પ્રતિસ્પર્ધીની ડિપોઝિટ ભરવા ઓફર કરી

ચીની કમ | Comments Off on ફિરોઝ ગાંધીએ પ્રતિસ્પર્ધીની ડિપોઝિટ ભરવા ઓફર કરી

firoz ghandhiહવે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે તમામ પક્ષો તરફથી પ્રવચનોનું સ્તર પણ નીચે જતું જાય છે. થોડા દિવસ બાદ પાંચ રાજ્યોમાં પણ ચૂંટણીઓ છે. તમામ પક્ષો તરફથી એકબીજા સામે આક્ષેપબાજી, કોમી ઉશ્કેરણી કરનારાં પ્રવચનો વધુ જણાય છે અને પ્રતિસ્પર્ધી ઉમેદવારોને એકબીજા માટે માન-સન્માન પણ હવે રહ્યાં નથી.

ગૌરવપૂર્ણ વિરોધ

દેશને આઝાદી મળી તે પછી વર્ષો સુધી જવાહરલાલ નહેરુની ભૂરકી આખા દેશ પર છવાયેલી હતી ત્યારે લોકસભામાં નહેરુ પરિવારના સૌથી મોટા વિરોધી ડો. રામમનોહર લોહિયા હતા. તેઓ નહેરુની નીતિઓ સાથે સંમત નહોતા, પરંતુ કોંગ્રેસ પર નહેરુનો અને દેશ પર કોંગ્રેસનો દબદબો યથાવત્ હતો ત્યારે ચૂંટણી વખતે લોહિયા અત્યંત ગૌરવપૂર્ણ ભાષામાં જ નહેરુનો વિરોધ કરતા. વ્યક્તિગત આક્ષેપો કે એલફેલ ભાષાનો પ્રયોગ ના તો નહેરુ કરતા કે ના તો લોહિયા.

નહેરુ પછી ઈન્દિરા ગાંધીના સૌથી મોટા વિરોધી મોરારજી દેસાઈ હતા. આ વિરોધ એટલો બધો હતો કે, કોંગ્રેસના ભાગલા થઈ ગયા. તે પછી ચૂંટણીઓ આવી. સુરતમાં તો ઈન્દિરા ગાંધીની અને મોરારજી દેસાઈની સમાંતર સભા થઈ, પરંતુ બંને પ્રતિસ્પર્ધી નેતાઓએ નીતિઓ પર જ પ્રવચનો કર્યાં. એકબીજાને ઉતારી પાડવાનો કોઈ જ પ્રયાસ થયો નહીં.

ફિરોઝ ગાંધી

ચૂંટણીમાં પારદર્શક ખેલદિલીનો બેનમૂનો દાખલો રાહુલ ગાંધીના દાદાજી સદ્ગત ફિરોઝ ગાંધીએ પૂરો પાડયો હતો. ૧૯૫૭ની લોકસભાની ચૂંટણીમાં તેઓ રાયબરેલી મત વિસ્તારમાંથી ચૂંટણી લડતા હતા.

ફિરોઝ ગાંધી સામે ડો. રામમનોહર લોહિયાના સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે નંદકિશોર નામના નવયુવાને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. દિલ્હીની કેમ્પ કોલેજમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી મેળવીને નંદકિશોર કોલેજમાંથી બહાર આવ્યો કે તરત જ ડો. લોહિયાના સંપર્કમાં આવ્યો. ડો. લોહિયા અને નંદકિશોર એકબીજાથી પ્રભાવિત થયા હતા. ડો. લોહિયાની સમજાવટથી નવયુવાન નંદકિશોરે રાયબરેલી મતવિસ્તારમાં પૂર્વ વડાંપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી સામે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.

નંદકિશોર અત્યંત ગરીબ ઘરમાં જન્મ્યા હતા. ૧૯૫૭માં લોકસભાની ડિપોઝિટ જમા કરાવવી પડતી હતી. ફિરોઝ ગાંધી ફોર્મ ભરવાના હતા તે જ દિવસે ફોર્મ ભરવાનું નંદકિશોરે નક્કી કર્યું હતું, પરંતુ તેમની પાસે માત્ર ત્રણસો રૂપિયા જ એકત્રિત થયા હતા. નંદકિશોરના સાથીઓને ખબર પડી કે તેમની પાસે ડિપોઝિટ જમા કરાવવા માટે પૂરતા રૂપિયા નથી. તેમણે રાયબરેલીમાં કચેરીમાં ટહેલ નાખીને ફાળો એકત્રિત કરવાનું શરૂ કર્યું અને માત્ર એકસો રૂપિયા જ એકત્રિત કરી શક્યા.

પ્રતિસ્પર્ધીની પડખે

ફિરોઝ ગાંધીને ખબર પડી કે, તેમના પ્રતિસ્પર્ધી નંદકિશોર પાસે ડિપોઝિટ જમા કરાવવા માટે પૂરતા રૂપિયા નથી. તેઓ રાયબરેલીની કચેરી ખાતે દોડી ગયા. નંદકિશોરની પડખે ઊભા રહ્યા અને ડિપોઝિટ માટે રૂપિયા આપવાની ખેલદિલીભરી ઓફર કરી. નંદકિશોરે પણ એટલી જ ખેલદિલી બતાવી. ફિરોઝ ગાંધી સામે ચૂંટણી લડતા હોવાથી તેમણે રૂપિયા લેવાનો ખેલદિલીપૂર્વક ઈનકાર કર્યો. ફોર્મ ભરવાનો અડધો કલાક બાકી હતો ત્યારે અને ડિપોઝિટ મૂકવાના પાંચસો રૂપિયા એકત્રિત થયા ત્યાં સુધી ફિરોઝ ગાંધી તેમના પ્રતિસ્પર્ધી નંદકિશોર સાથે ખડેપગે ઊભા રહ્યા હતા.

ફિરોઝ ગાંધી અને નંદકિશોર ચૂંટણી પ્રચારમાં એકબીજાની નીતિવિષયક ટીકા કરતા, પરંતુ દરરોજ સાંજે એકસાથે ચા પીતાં પીતાં ગપ્પાં મારતા. નંદકિશોર ફિરોઝ ગાંધીને કહેતા કે તેમણે કોંગ્રેસનો એક કિલ્લો તોડી પાડયો છે. ફિરોઝ ગાંધી કહેતા કે તેમણે સમાજવાદી પક્ષના બે કિલ્લા તોડી પાડયા છે.

જીપમાં બેસાડયા

ફિરોઝ ગાંધી મોટી જીપમાં બેસીને પ્રચાર કરતા, જ્યારે નંદકિશોર પગપાળા પ્રચાર કરતા. નંદકિશોર પગપાળા પ્રચાર કરે ત્યારે રસ્તામાં ફિરોઝ ગાંધી મળી જાય તો તેમની જીપમાં આગ્રહપૂર્વક બેસાડતા હતા.

ચૂંટણીનું પરિણામ જાહેર થયું. ફિરોઝ ગાંધી જીત્યા અને નંદકિશોરની સન્માનભરી હાર થઈ. વિજયને વધાવતી જાહેર સભાને સંબોધન કરતાં ફિરોઝ ગાંધીએ એકરાર કર્યો કે, ”હું વડાપ્રધાનનો જમાઈ ન હોત તો નંદકિશોર સામે જીતી શક્યો ન હોત.” એ જ સાંજે નંદકિશોરના પરાજયનો ઘા રુઝવવા માટે ફિરોઝ ગાંધીએ તેમને ચા પીવા તેડાવ્યા. ફિરોઝ ગાંધી જીવતા હતા ત્યાં સુધી તેમની ચા પીવાની પ્રણાલિકા ચાલુ રહી. ફિરોઝ ગાંધી હળવી મજાક કરતાં કરતાં કહેતા, ”અસલી સમાજવાદી તો હું અને નંદકિશોર છીએ. અમે બંને જાતિના બળ પર નહીં, પરંતુ સિદ્ધાંતોના જોર પર લડીએ છીએ.”

કડવાશ નહીં, પણ આદર

અત્યારે ફિરોઝ ગાંધી અને ઈન્દિરા ગાંધી હયાત નથી. આમ છતાં, નંદકિશોર ફિરોઝ ગાંધી પર ખેલદિલી અને પ્રશંસાનાં પુષ્પો વેરતાં થાકતા નહોતા. નંદકિશોરે ડો. લોહિયાના અંગત મંત્રી તરીકે પણ સેવા બજાવી હતી. ફિરોઝ ગાંધી સામે તેમનો પરાજય પણ થોડાક હજાર મતે યશસ્વી રહ્યો હતો.

નંદકિશોર કહેતાઃ ”ફિરોઝ ગાંધી સાહેબના વ્યક્તિત્વનો પ્રભાવ એવો હતો કે એમના પ્રત્યે કડવાશને બદલે મારું મન સ્નેહ અને આદરથી એટલું બધું ભરાઈ ગયું છે કે હજુ પણ કોઈ દિવસ તેમને યાદ કર્યા વિનાનો જતો નથી. ફિરોઝ ગાંધીએ મારી નીતિ પ્રત્યે કોઈ પણ પ્રકારનો આકરો કટાક્ષ કર્યો ન હતો.”

પ્રજાસત્તાક ભારતમાં સૌ પ્રથમ લોકસભાની ચૂંટણી ૧૯૫૨માં થઈ હતી. શરૂઆતની ચૂંટણીઓમાં મતદારો અને ઉમેદવારોમાં જે ખેલદિલી અને પરિપક્વતા હતી તેનું સમય જતાં હવે બાષ્પીભવન થઈ ગયું છે.

Be Sociable, Share!