Close

ફિલ્મમાં ‘રાજા’ બનવું સહેલું છે પ્રજાના ‘મસીહા’ બનવું મુશ્કેલ !

ચીની કમ | Comments Off on ફિલ્મમાં ‘રાજા’ બનવું સહેલું છે પ્રજાના ‘મસીહા’ બનવું મુશ્કેલ !

નેતાઓમાં ક્યારેક અભિનેતાનાં લક્ષણો દેખાય છે. તો ક્યારેક અભિનેતાઓને પણ નેતા થવાની ચાહત હોય છે. અભિનેતામાંથી નેતા બનેલા કેટલાક દક્ષિણ ભારતમાં મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે, પરંતુ બીજા કેટલાક માત્રનામના જ નેતા રહ્યા છે. ફિલ્મી લોકપ્રિયતાથી ધારાસભા કે સંસદમાં તો જઈ શકાય છે, પરંતુ પ્રજાના પ્રશ્નો ઉકેલવાની આવડત અને એક્ટિંગ બે અલગ વસ્તુ છે. માત્ર અભિનેતામાંથી નેતા બનવાથી લોકોના મસીહા બની શકાય છે કે કેમ તે   પ્રશ્ન છે.

ગુજરાતની રાજનીતિમાં અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી પહેલાં ધારાસભ્ય બન્યા અને તે પછી ગુજરાતમાં મંત્રી પણ. તેઓ ગાંધીનગરના તેમના બંગલે એક રજવાડી હુક્કો રાખતા. ફિલ્મ ‘જેસલ તોરલ’ જેવી ફિલ્મથી બીજી અનેક ફિલ્મોમાં અભિનય કરનાર ઉપેન્દ્ર ત્રિવેદી મૂળ તો સ્ટેજ એક્ટર હતા. પરંતુ ધારાસભ્ય થયા બાદ તેઓ પોતાના મત વિસ્તારનો બરાબર ખ્યાલ રાખતા.

ઉપેન્દ્ર ત્રિવેદીના ભાઈ અરવિંદ ત્રિવેદી પણ લોકસભામાં ગયા. મહેશ કનોડિયા પણ ધારાસભામાં ચૂંટાયા. હવે હિતેશ કનોડિયા પણ ધારાસભામાં છે. હિન્દી ફિલ્મોના ગુજરાતી એક્ટર પરેશ રાવલ પણ લોકસભામાં અમદાવાદનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે, અમદાવાદ શહેર માટે તેમનું કોઈ નોંધપાત્ર પ્રદાન નથી. ફિલ્મની ભાષામાં અમદાવાદ શહેર માટે તેઓ એક અતિથિ કલાકાર જેવા લાગે છે. ‘રામાયણ’ ટી.વી. સિરિયલમાં સીતાનો રોલ ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા પણ લોકસભામાં ચૂંટાયાં હતાં. તેમનું પણ કોઈ નોંધપાત્ર પ્રદાન નહોતું. સંસદની ડિબેટમાં આ બધાંને ગુજરાતના પ્રશ્નો પર પ્રકાશ પાડતાં કે બોલતાં કોઈએ સાંભળ્યાં નથી. આ ઉપરાંત બીજા જે ફિલ્મી ચહેરાઓ રાજનીતિમાં આવ્યાં તેમાં વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, રાજ બબ્બર, શત્રુઘ્ન સિંહા, હેમા માલિની, રેખા, રૂપા ગાંગુલીનો પણ સમાવેશ થાય છે.

રાજનીતિથી દૂર

ગુજરાતે આ સિવાય પણ ઘણાં કલાકારો બોલિવૂડને આપ્યા છે, પણ એ બધાં જ રાજનીતિમાં આવ્યા નથી. સુરતના હરીભાઈ જરીવાલા ઉર્ફે સંજીવ કુમાર એક શ્રેષ્ઠ એક્ટર હતા. ‘શોલે’માં ઠાકુરના રોલ દ્વારા તેમણે અમિતાભ બચ્ચન અને અમજદ ખાનને અભિનયની બાબતમાં જબરદસ્ત ટક્કર આપી હતી. તેઓ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ આખા દેશમાં લોકપ્રિય હતા છતાં તેમણે કદીયે રાજનીતિમાં આવવાની ખેવના કરી નહીં. લોકો તેમનું ‘ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે’ ગીત હજુયે યાદ કરે છે. ફિલ્મ ‘આંધી’માં તેમણે તથાકથિત ઈંદિરા ગાંધીના જીવન પર આધારિત બનેલી ફિલ્મમાં ઈંદિરાજીના પતિનો રોલ કર્યો હતો. કહેવાય છે કે, એ વખતનાં વડાં પ્રધાન ઈંદિરા ગાંધીએ ‘આંધી’ ફિલ્મની પ્રિન્ટ મગાવી એક પ્રાઈવેટ શોમાં એ ફિલ્મ નિહાળી હતી. એ ફિલ્મમાં ઈંદિરા ગાંધીના પાત્ર જેવો રોલ સુચિત્રા સેને ભજવ્યો હતો. એ એક લાજવાબ ફિલ્મ હતી. તેના સર્જક ગુલઝાર હતા.

ગુજરાતી કલાકારો

સંજીવ કુમારના આગમન પહેલાં ગુજરાતે જે કલાકારો બોલિવૂડને આપેલાં છે તેમાં નિરુપા રોય અને આશા પારેખનો પણ સમાવેશ થાય છે. વિખ્યાત ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસ પણ ગુજરાતી હતા. મનહર રસકપૂર પણ ગુજરાતી હતા. સોહરાબ મોદી પણ ગુજરાતી પારસી હતા. ‘પાકિઝા’ના સર્જક કમલ અમરોહી પણ મૂળ ગુજરાતના હતા. હિન્દી ફિલ્મ જગતને ૧૦૦ જેટલી ફિલ્મો આપનાર એ. કે. નડિયાદવાલા, ગફારભાઈ નડિયાદવાલા,  ઈબ્રાહિમ નડિયાદવાલા તથા હવે ફિરોઝ નડિયાદવાલા પણ ગુજરાતી જ છે. પાર્શ્વગાયિકા કમલ બારોટ પણ ગુજરાતી હતાં. ફિલ્મ અને સ્ટેજ પર અભિનય કરનાર પ્રવીણ જોશી, અરવિંદ જોશી, પદ્મારાણી, સરિતાબહેન પણ ગુજરાતી કલાકારો રહ્યાં. એ બધા જ લોકપ્રિય હોવા છતાં કદીયે રાજનીતિમાં ના આવ્યાં. હા, આશા પારેખ ક્યારેક ક્યારેક ગુજરાત આવતાં અને ગુજરાતના કેટલાંક મંત્રીઓને મળતાં, પરંતુ ચૂંટણી કદીયે લડયાં નહીં. તેમણે ‘અખંડ સૌભાગ્યવતી’ નામની ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું.

અમિતાભ સંસદમાં

અભિનય સમ્રાટ અમિતાભ બચ્ચન પણ એક તબક્કે રાજનીતિમાં આવી ગયા હતા. ઘણાં ઓછા લોકોને એ વાતની ખબર છે કે, બચપણથી જ અમિતાભ બચ્ચનને રાજીવ ગાંધી અને સંજય ગાંધી સાથે મૈત્રી હતી. અમિતાભ બચ્ચનનાં માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશરાય બચ્ચનને પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે ઘનિષ્ઠ મૈત્રી હતી. એ વખતે રાષ્ટ્રપતિ ભવનના પ્રાઈવેટ થિયેટરમાં કેટલીક વિદેશી ફિલ્મોનું સ્ક્રીનિંગ થતું. વડા પ્રધાનના સંતાન રાજીવ ગાંધી અને સંજીવ ગાંધીની સાથે નાનકડા અમિતાભ પણ રાષ્ટ્રપતિ ભવનમાં ફિલ્મો જોવા જતા. યાદ રહે કે ફિલ્મો સાથે અમિતાભને પહેલો પરિચય કરાવનાર નહેરુ પરિવાર હતો. ઈંદિરા ગાંધીના અવસાન બાદ અકસ્માતે જ રાજીવ ગાંધી ભારતના વડા પ્રધાન બન્યા. પુરાણી દોસ્તીના નામે રાજીવ ગાંધી અમિતાભ બચ્ચનને પણ રાજનીતિમાં લઈ આવ્યા. તેમને અલ્હાબાદ મત વિસ્તારમાંથી કોંગ્રેસની ટિકિટ આપી. બહુગુણા સામે અમિતાભ બચ્ચન જીતીને લોકસભામાં ગયા. પાછળથી એ દોસ્તી તૂટી ગઈ. અમિતાભે ગાંધી પરિવાર સાથેનો નાતો તોડી અમરસિંહ અને મુલાયમસિંહ સાથે દોસ્તી કરી. અમિતાભ બચ્ચનને લાગ્યું કે રાજનીતિમાં પ્રવેશ એક ભૂલ હતી છતાં  તેમણે તેમનાં પત્ની જયા બચ્ચનને મુલાયમસિંહની પાર્ટી તરફથી રાજ્યસભામાં જવા દીધાં. જયા બચ્ચન ચોક્કસ પણ ગૃહમાં સ્ત્રીઓના પ્રશ્ને બોલે છે, પરંતુ અમિતાભ બચ્ચન અને ગાંધી પરિવાર વચ્ચે અબોલા છે.

એમ.જી.આર.-જયલલિતા

હવે તામિલનાડુના લોકપ્રિય એક્ટર રજનીકાંત રાજનીતિમાં પ્રવેશી રહ્યા છે. દક્ષિણનાં રાજ્યોમાં ફિલ્મ કલાકારો અને રાજનીતિને જૂનો સંબંધ છે. કોઈ જમાનામાં એમ. ડી. રામચંદ્રન તામિલ ફિલ્મોના મશહૂર એક્ટર હતા. તે પછી તેઓ મુખ્યમંત્રી બન્યા. તેઓ મૃત્યુ પામ્યા ત્યારે એક ડઝનથી વધુ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિ પણ એક જમાનામાં તામિલ ફિલ્મોના જાણીતા પટકથા લેખક હતા. સાથે સાથે દ્રવિડ આંદોલનના તેઓ મહત્ત્વના સ્તંભ હતા. અલબત્ત, સત્તા સુધી પહોંચવા માટે તેમની ફિલ્મી લોકપ્રિયતા પણ એક મહત્ત્વનું કારણ હતી. તે પછી એમજીઆરનાં કરીબી અને અભિનેત્રી જયલલિતા પણ રાજનીતિમાં આવ્યાં અને એમ.જી.આર.નો રાજકીય વારસો મળતાં તેઓ પણ મુખ્યમંત્રી બન્યાં. આંધ્રમાં એન.ટી. રામારાવ કદીક તેલુગુ ફિલ્મોમાં રામનો રોલ કરતા હતા. તેઓ પણ ફિલ્મી લોકપ્રિયતાના સહારે આંધ્રના મુખ્યમંત્રી બની ગયા. તે પછી પણ લોકો તેમને ભગવાન રામ જ સમજી પગે લાગતા હતા.

હવે રજનીકાંત

હવે એક્ટર રજનીકાંત મેદાનમાં આવ્યા છે. તેઓ આધ્યાત્મિક રાજનીતિ કરવાનો ઈરાદો ધરાવે છે. એટલે કે સિસ્ટમમાં ફેલાયેલા ભ્રષ્ટાચારની સાફસૂફી તેઓ કરવા માગે છે. રજનીકાંત તામિલ, કન્નડ ઉપરાંત મરાઠી પણ સરસ રીતે બોલી શકે છે. તેઓ મૂળતઃ મરાઠી છે. તેમનું અસલી નામ શિવાજીરાવ ગાયકવાડ છે. તેમના પિતા રામોજીરાવ ગાયકવાડ પોલીસ કોન્સ્ટેબલ હતા અને છત્રપતિ શિવાજીના જબરદસ્ત ફેન હતા. આ કારણે જ તેમના ત્રણ પુત્રો પૈકી એકનું નામ શિવાજી રાખ્યું. પાછળથી તે પરિવાર બેંગલુરુ જઈ સ્થાયી થયું. પરિવારે ગરીબીમાં સમય વીતાવ્યો. શિવાજીએ કુલી અને કારપેન્ટરનું કામ પણ કર્યું. રામકૃષ્ણ આશ્રમની વિવેકાનંદ સ્કૂલમાં ભણ્યા. ભણતાં ભણતાં સ્કૂલમાં જ અભિનય કર્યો. બસ કંડક્ટરની નોકરી પણ કરી. એ વખતે ટિકિટ આપવાની કે પૈસા  પાછા આપવાની તેમની મનોરંજક અદા જોઈ ઉતારુઓ બીજી બસ છોડી તેમની જ બસમાં બેસવા આવી જતા. મિત્રો અને બસ કંડક્ટરોની આર્િથક મદદ લઈ તેઓ ચેન્નાઈની ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં દાખલ થયા. તે પછી ફિલ્મ જગતમાં આવ્યા. એક દિવસ ‘રજનીકાંત’ બની ગયા. તેમની ચશ્મા પહેરવાની અદા પર લોકો આફરીન છે.

હવે તેઓ જિંદગીની બીજી પારી રાજનીતિમાં ખેલવા માગે છે.

લેટ્સ, વેઈટ એન્ડ વોચ

Be Sociable, Share!