Close

મને તો માત્ર સવા રૂપિયો ને નાળિયેરમાં જ પતાવી દીધો !

ચીની કમ | Comments Off on મને તો માત્ર સવા રૂપિયો ને નાળિયેરમાં જ પતાવી દીધો !

સુપ્રસિદ્ધ કવિ અને શિક્ષણકાર ઝીણાભાઇ દેસાઇ ‘સ્નેહરશ્મિ’ એક જમાનામાં ગાંધીજીના રંગે રંગાઇ ગયા હતા. ગાંધીજીનો પ્રભાવ જીવન પર્યંત તેમની પર રહ્યો. ઝીણાભાઇ દેસાઇએ આઝાદી માટે જેલવાસ પણ ભોગવ્યો હતો. ગાંધીજી સાથેના તેમના કેટલાક અનુભવો તેમની જ ભાષામાં વાંચો :

‘૧૯૨૦-૨૧ના દિવસોની સ્મૃતિઓને હું તાજી કરી રહ્યો છું.

ગાંધીજી એમની ભારતવ્યાપી ઝંઝા જેવી યાત્રામાં ચીખલીને પણ ભૂલ્યા ન હતા. અમારા ગામના સુકાઇ ગયેલા તળાવના વિશાળ પટમાં ૧૯૨૧ના એપ્રિલમાં એક પ્રચંડ સભા યોજવામાં આવી હતી. હું પણ એ આયોજનમાં એક કાર્યકર્તા હતો. મારાં માસીબા (કાશીબાનાં મોટા બહેન) એ સભા માટે વલસાડથી આવ્યાં હતાં. એ આવ્યા હતા ગાંધીજીને નામે લીધેલી બાધા ઉતારવા. એ વાત એમણે મને કહીને ગાંધીજી પાસે એમને લઇ જવાનું કામ મને સોંપ્યું. મારી મૂંઝવણનો પાર રહ્યો નહીં. બાધા એ મતલબની હતી કે એમની દીકરી- મારી માસિયાઇ નાની બહેનનો કાન સખત દુખતો હતો. તે કેમે કરીને મટતો ન હતો ત્યારે માસીબાએ ગાંધીજીની માનતા રાખી ને કાન સાજો થઇ ગયો ! મારી ગમે તેવી ઘેલછાભરી ગાંધીભક્તિ છતાં કેમે કરીને આ વાત ગળે ઊતરે નહીં ને મેં આવા બધા વહેમોમાં નહીં માનવાનું માસીબાને કહ્યું. ત્યારે તેમણે ‘બધા ભણેલા તો નાસ્તિક છો. તમને આમાં સમજણ નહીં પડે.’ એમ કહી મારી સાથે ચર્ચા કરવાની ના પાડી. હું તેમને ગાંધીજી પાસે લઇ જાઉં એ વાત તેમણે જિદપૂર્વક પકડી રાખી.

માસીબાને હું ગાંધીજી પાસે લઇ ગયો. ગાંધીજીને પગે લાગી માસીબાએ સવા રૂપિયો ને નાળિયેર તેમની આગળ ધર્યાં. એ શા માટે છે એવા સહજ પ્રશ્નના જવાબમાં બાધાનો ઉલ્લેખ થયો. સ્મિત કરતાં ગાંધીજીએ પૂછયું, ‘તમે બાધા રાખીને મટી ગયું ?’

માસીબા : હા, બાપુજી.

ગાંધીજીઃ મારામાં એવી બધી શક્તિ છે?

માસીબાઃ કેમ ન હોય? તમે તો ભગવાન છો.

ગાંધીજીઃ તો પછી ભગવાન આ દેશને માટે સ્વરાજ કેમ નથી લાવતા?

માસીબાઃ એ તો ભગવાન વરસમાં અપાવવાના જ છે ને!

ગાંધીજીએ પણ આ જવાબ નહીં કલ્પ્યો હોય. ‘એક વર્ષમાં સ્વરાજ’ શબ્દોએ જાણે કે મંત્રશક્તિ પ્રાપ્ત કરી હતી ને તેણે લોકમાનસ ઉપર જે અજબ ભૂરકી નાખી હતી તેનું આ ઉદાહરણ હતું. ગાંધીજીએ વાતને બહેલાવી. મારી બહેનના કાન માટે માસીબાએ કયા કયા ઉપચાર કર્યા હતા તેની ઝીણી ઝીણી વિગતો તેમણે પૂછી. પહેલાં વલસાડના મિશન દવાખાનામાં, પછી મુંબઇ, એમ જે જુદી જુદી જગ્યાએ ઉપચાર થયા હતા. તેની કડીબદ્ધ વિગતો એકઠી કરી એમાં જે રૂપિયા ખર્ચાયા હતા તેની માસીબાને મોંએ જ વાત કહેવડાવી. ગાંધીજીએ હસતાં હસતાં કહ્યું: ‘ડોક્ટરોને ખોબા ભરીને રૂપિયા આપ્યા ને મને તો તમે સવા રૂપિયો ને નાળિયેરમાં જ પતાવી દીધો !’

માસીબા : ભગવાન તો ભાવનાના ભૂખ્યા હોય છે- તેમને થોડી જ નાણાંની ભૂખ હોય ?

ગાંધીજી : તો બધેબધ હું ફાળો ઉઘરાવતો શાથી ફરું છું? આજની સભામાં તમે હતાં ને ?

માસીબા : હા, મેં મારી વીંટી તરત જ કાઢી આપી હતી.

એ વખતે ગાંધીજી દરેક સભામાં સ્વરાજફાળો એકઠો કરતા ને લોકો પાસેથી નાણાં ઉપરાંત ઘરેણાંને કીમતી વસ્તુઓનાં દાન માગતા. દરેક સભામાં ઘરેણાંનો જાણે વરસાદ વરસતો. માસીબાનો ઉત્તર સાંભળી ગાંધીજી ફરીથી મલક્યા-

ગાંધીજી : સભામાં પણ તમે મને છેતર્યો.

માસીબા : એવું કેમ કહો છો, બાપુજી ?

ગાંધીજી : જુઓ ને, જે વધુ મોંઘા છે એ તો તમે તમારી પાસે રાખ્યાં અને સ્વરાજ માટે એક નાનકડી વીંટી ?

ગાંધીજી વધુ બોલે તે પહેલાં તો માસીબાએ પોતાના હાથ પરની બંગડી ઉતારી ગાંધીજી આગળ ધરી દીધી. ને ગળામાંની સોનાની સેર કાઢવા માંડયા. એટલા ગાંધીજીએ કહ્યુ : ‘બહેન, તમે વીંટી આપી તે ઘણું છે. તમારી બંગડી ને બીજાં ઘરેણાં મને ખૂબ કામમાં આવે એમ છે, પણ તમે મને ભગવાન સમજીને એ આપો ને હું લઉં તો ભગવાનનો ગુનેગાર થાઉં. હું ભગવાન નથી, તમારા જેવો માણસ છું.’

ગાંધીજીને પોતાની મહત્તાની કેટલી મોટી કિંમત ચૂકવવી પડી હશે તેનાં અનેક ઉદાહરણો આપી શકાય. એક પ્રસંગ છે બીજી રાઉન્ડ ટેબલ પરિષદમાં ગાંધીજી ગયા. તે વખતનો સ્ટીમર મારફતે વિલાયત જવા ગાંધીજી જે ગાડીમાં મુંબઇ જવા નીકળ્યા તે સુરત સ્ટેશનેથી રાતે લગભગ ત્રણ અરસામાં પસાર થવાની હતી. એ વખતે હું સુરતની સિટી કોંગ્રેસ કમિટીનો પ્રમુખ હતો. અમે બધા એમને સફળ સફર ઇચ્છવા સ્ટેશને ગયા. સ્ટેશન પર તો માણસોની પ્રચંડ મેદની જમા થઇ હતી, ને ગાંધીજીની જયઘોષણાથી આખું સ્ટેશન ધમધમી ઊઠયું હતું. ગાડી સ્ટેશનમાં પ્રવેશતાં તો જયઘોષણાનો ઘોંઘાટ માઝા વટાવી ગયો. ગાંધીજી જે ડબ્બામાં હતા તેની બારીઓ બંધ હતી, પણ પાસેના કંપાર્ટમેન્ટમાંથી મહાદેવભાઇ બહાર ડોકું કાઢી લોકોને અવાજ ન કરવા વીનવતા હતા. બાપુ ઊંઘી નથી શક્યા એવું બહુ આર્દ્ર સ્વરે લોકોને સમજાવવા તેમણે ઘણી મથામણ કરી, પણ ગાંડા લોકોએ ગાંધીજીના કંપાર્ટમેન્ટની બારી હચમચાવી દીધી. બારી ખોલી ગાંધીજીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દાખવ્યું, ‘કેવો અવિનય ! પરોઢે ભગવાનનું નામ હોય કે ગાંધીજીની જય ?’ને એટલામાં મારા પર નજર પડતાં તેમનો અવાજ વધુ સખત બન્યો, ‘તમે પણ આવ્યા છો? તમારે તે આવવાનું હોય કે અહીં આવતા લોકોને રોકવાનું હોય? આ રીતે તમે સ્વરાજ લાવવાના છો !’ અમારી લજ્જા ને ગ્લાનિની સીમા રહી નહીં. શુભેચ્છા માટે આણેલા સૂતરના હાર હાથમાં રહ્યા ને ધરતી માર્ગ આપે તો સમાઇ જઇ આમાંથી છુટકારો મેળવીએ એવી મનની સ્થિતિ થઇ. આ તો એક સ્ટેશન પરના અત્યાચારની વાત થઇ. આવું ભરૂચ, વડોદરા આદિ સ્ટેશનોએ તો થયું જ હતું, પણ જે જે સ્ટેશને એ ગાડી ઊભી રહી તે દરેક સ્ટેશને આ હેરાનગતિ વેઠવી પડી હતી.’

– ગાંધીજીના ૧૫૦મી જન્મજયંતી વર્ષ નિમિતે ઝીણાભાઇ દેસાઇ ‘સ્નેહરશ્મિ’ની વાત અહીં પૂરી થાય છે

Be Sociable, Share!