Close

મોરારજી ક્યા સમજતે હૈં મોરલ્સ કા ઠેકા લિયા હૈં

ચીની કમ | Comments Off on મોરારજી ક્યા સમજતે હૈં મોરલ્સ કા ઠેકા લિયા હૈં

દેશની રાજનીતિમાં એક જ  પક્ષના કે એક જ જૂથના નેતાઓ  વચ્ચે ક્યારેક ક્યારેક કેવી ગેરસમજ થાય છે,  ગેરસમજ કેવી રીતે દૂર થાય છે અને ગેરસમજ બાદ પણ બે રાષ્ટ્રીય નેતાઓ એકબીજાનો કેવી રીતે આદર કરતા હતા તેનું  સુંદર ઉદાહરણ પૂર્વ સ્વાતંત્ર્ય  સેનાની  બ્રહ્મકુમાર ભટ્ટે તેમના પુસ્તક ‘ત્યારે અને અત્યારે’માં  જણાવ્યું છે. વાંચો  બ્રહ્મકુમાર ભટ્ટના જ શબ્દોમાં :

જનતા પાર્ટીની સરકાર

૧૯૭૭ની શરૂઆતમાં ઇંદિરા ગાંધીએ દેશમાં લાદેલી કટોકટી બાદ ચૂંટણીઓ આવી, એવી આશાએ કે લોકસભામાં તેમને જંગી બહુમતી મળશે. જયપ્રકાશ નારાયણના માર્ગદર્શન નીચે દેશમાં જનતા પાર્ટીની સ્થાપના થઇ. ઇંદિરાજીની બધી જ ગણતરીઓ ઊંધી વળી ગઇ. એ પોતે ચૂંટણી હારી ગયાં એટલું જ નહીં, ઉત્તર પ્રદેશની ૮૫ બેઠકોમાંથી કોંગ્રેસને એક પણ બેઠક મળી નહીં, દેશની જનતા વિફરી અને જનતા પાર્ટીને ભારે બહુમતી મળી.

ચૂંટણી પછી વડા પ્રધાન પદની હોડમાં મોરારજીભાઇ ઉપરાંત જગજીવનરામ પણ હતા. ચંદ્રશેખર પણ દેખીતી રીતે જ વિચારે. થોડીક અનિર્ણાયક સ્થિતિ પણ પછી બધું જયપ્રકાશ નારાયણને સોંપાયું. જયપ્રકાશ નારાયણને મોરારજીનું નામ જરા કઠે ખરું, પરંતુ આખરે મોરારજીભાઈ વડા પ્રધાન બને અને ચંદ્રશેખર જનતા પાર્ટીનું પ્રમુખપદ સંભાળે તેમ જયપ્રકાશ નારાયણએ નક્કી કર્યું. સૌએ સ્વીકારી લીધું.

ચંદ્રશેખરનો ઇંતેજાર

મોરારજીભાઈ પ્રણાલિકા, રીતભાત અને પક્ષના વડાને આદર જેવી વાતમાં માને એટલું નહીં તેના ખૂબ આગ્રહી. અમદાવાદમાં જનતા પાર્ટીના ડેલિગેટ અને પ્રદેશ કારોબારીની આ સભા રાખેલી. ભદ્રના કોંગ્રેસ હાઉસનો ઉપરનો શહીદખંડ પૂરેપૂરો ભરાઇ ગયેલો. ઘણાં સીડી તરફના ભાગમાં અને રોડ ઉપર પડતી ગેલેરીમાં ઊભા રહેલા. બધાં ઘડિયાળ જુએ કે બે વાગી ગયા પણ પક્ષના પ્રમુખ ચંદ્રશેખર હજુ આવ્યા નથી. ચંદ્રશેખરની રાહ જોવાતી હતી. ચંદ્રશેખર વાતોમાં  પડી જાય ત્યારે થઇ રહ્યું. સમયસર હાજર થનારાની જેમ તેઓ ‘ઘડિયાળના ગુલામ’ નહીં.

મોરારજી ઊભા થયા

આઠ કે દસ મિનિટ રાહ જોવડાવ્યા પછી ચંદ્રશેખરે શહીદખંડમાં  પ્રવેશ કર્યો. બધા ડેલિગેટ, આગેવાનો, તેમને હોલમાં ગાદી તરફ જતા જોઇ રહેલા, પરંતુ વડા પ્રધાન  મોરારજીભાઈ ઝટ દઇને પ્રમુખને આદરપૂર્વક આવકારવા ઊભા થઇ ગયા. મોરારજીભાઇ ઊભા થયા એટલે એકેએક વ્યક્તિ ઊભી થઇ ગઇ અને તાળીઓના ગડગડાટથી પક્ષ પ્રમુખને આવકાર મળ્યો, મોરારજીભાઇ ઊભા ન થયા હોત તો કદાચ કોઇ ઊભું ન થયું  હોત. જૂની પેઢીના મોરારજી પક્ષ પ્રમુખ મોટો છે અને તેને આદરપૂર્વક  આવકારવા ઊભા થવું જોઇએ તેવું માનનારા હતા, ભલે ચંદ્રશેખર બીજી પેઢીના હોય કે જુનિયર હોય.

ક્યા સમજતા હૈં ?

બ્રહ્મકુમાર ભટ્ટ લખે છે : ”હું ઇફકોનો ચેરમેન હતો  તેથી મારે અવારનવાર દિલ્હી જવું પડે. ચંદ્રશેખર ૩, સાઉથ એવન્યૂ લેનમાં રહે. હું તેમને મળવા ગયો- હું કંઇક વાત કરું તે પહેલાં જ એકદમ ઊકળી ઊઠયા. ”મોરારજી ક્યા સમજતે  હૈં અપને આપ કો? વો મોરલ્સ કી મોનોપોલી લે કે બૈઠે હૈં?” મેં શાંતિથી પૂછયું કે, ”ક્યા હુઆ નેતાજી, ક્યોં ઇતને ગરમ હો ગયે હો?” ફરી ચંદ્રશેખર તાડૂક્યા, ”તુમ્હારા મોરારજી અપને કો સમજતે હૈં ક્યા ?  વો બોલતા હૈં ચંદ્રશેખર શરાબ પીતા હૈં, ઉન્હોને મુઝે કહાં શરાબ પીલાયા? રખતા હું ઘર મેં ? દેખા હૈ મુજે શરાબ પીતે ?”  હું તો ચંદ્રશેખરના હુમલાથી એકદમ વિચારમાં પડી ગયો કે ખરેખર મોરારજીભાઇ આવું બોલ્યા હશે. વળી બોલ્યા હોય તો તેમાં કાંઇ તથ્ય હશે? મેં ફરી શાંતિથી ચંદ્રશેખરને કહ્યું, ”મૈં મોરારજીભાઇ સે બાત કર લુંગા ર પૂછ લુંગા કી આપને કિસી કો ઐસા કહા હૈં?” પછી ચંદ્રશેખર કાંઇક શાંત થયા.

હું સીધો ઊપડયો મોરારજીભાઈને ત્યાં. સાંજે જમીને તેમના અભ્યાસ રૂમમાં બેઠેલા. મેં તેમને કહ્યું  કે, આજે ચંદ્રશેખરખૂબ ગુસ્સામાં હતા. તમે કોઇને કહેલું કે ચંદ્રશેખર દારૂ પીએ છે? મોરારજીભાઇએ તો મને ધડાક દઇને  જવાબ આપ્યો કે, ”હા મેં કહેલું કે ચંદ્રશેખર પણ દારૂ પીએ છે.” મેં પણ જરાક  અકળાઇને તેમને પૂછયું કે તમારા દેખતાં પીધેલો ? મોરારજીભાઇએ નિખાલસપણે કહ્યું કે મને કોઇએ એવી વાત કરેલી કે ચંદ્રશેખર પીએ છે એટલે મેં સહજ ભાવે વાત વાતમાં કોઇને કહેલું ખરું.

મેં ચંદ્રશેખરના ગુસ્સાનું વર્ણન કર્યું અને કહ્યું કે કોઇની સાંભળેલી વાત ઉપરથી તમારે આવું ના બોલવું જોઇએ. ચંદ્રશેખર પક્ષના પ્રમુખ છે.

મારી ભૂલ થઇ ગઇ

આ  ગાંધીવાદી વડા પ્રધાને મોરારજીભાઇએ મને તરત જ કહ્યું કે ”મારી ભૂલ થઇ છે. હું ચંદ્રશેખરની માફી માગી લઇશ.” પછી મેં ર્દાિજલિંગમાં નેપાળી સ્કૂલ કરવાની વાત પણ પૂછી. મોરારજી એટલે મોરારજી. મને કહે એ ખરી વાત છે કે ચંદ્રશેખર નેપાળી સ્કૂલ અપાવતા હોય તો લઇ લો. મેં ફરી કહ્યું મોરારજીભાઇ ચંદ્રશેખર પક્ષના પ્રમુખ છે તે ભૂલો નહીં. તમારા બંનેની વચ્ચે પૂરેપૂરો તાલમેલ હોવો જોઇએ. તમે કહી શક્યા હોત કે હું ચંદ્રશેખર જોડે વાત કરી લઇશ પણ પક્ષના પ્રમુખનો મોભો નીચો દેખાય તેવું તમારે બોલવાની શી જરૂર ? આ સહૃદયી માણસે તરત જ કહ્યું કે વળતો પ્રત્યાઘાત આપવા બોલી ગયો પણ તેમાં મારો ચંદ્રશેખરની કોઇ અવહેલના કરવાનો ઇરાદો નહીં. હું આ અંગે પણ વાત કરી લઇશ. મોરારજીભાઇ વડીલ, ચંદ્રશેખર મિત્ર. બંને વચ્ચે પૂરો સુમેળ હોય અને પરસ્પર સન્માનની ભાવના હોય તો જ કામ આગળ ચાલે.

મેં ચંદ્રશેખરની આ વાત તરત જ ફોનથી કરી લીધી. તે ખૂબ જ હસી પડયા. બંને વચ્ચેના સંબંધો એટલા બધા આત્મીય બની ગયા હતા કે જ્યારે જ્યોર્જ ફર્નાન્ડિઝ જેવા ગુલાંટ મારીને મોરારજી સામે અવિશ્વાસની વાતમાં સામેલ થઇ ગયા ત્યારે મારી હાજરીમાં ચંદ્રશેખરે તેમના નિવાસસ્થાને કેટલાક લોકોની વચમાં જ કહ્યું કે, ”આઇ વિલ નોટ ડેઝર્ટ મોરારજી, આઇ વિલ પ્રીફર ટુ બી ધ ઓન્લી એન્ડ ધ લાસ્ટ મેન ટુ સિંક વિથ હિમ.”

એપ્રિલ, ૧૯૯૯માં મોરારજીભાઇ દેસાઇની પૂરા કદની પ્રતિમાનું વલસાડમાં ચંદ્રશેખરે જ અનાવરણ કર્યું.  એક ગાંધીવાદી, બીજા સમાજવાદી પણ સંબંધો ગાઢ, પરસ્પર સન્માનના.

પૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખર નખશિખ પ્રામાણિક નેતા હતા અને તેમણે જિંદગીમાં કદીયે દારૂને સ્પર્શ કર્યો નહોતો. એવું જ મોરારજી દેસાઇનું  હતું.

—–devendra patel

Be Sociable, Share!