Close

૧૯૦૭માં કોંગ્રેસમાં બે જૂથ ગરમ દળ ને નરમ દળ હતાં

ચીની કમ | Comments Off on ૧૯૦૭માં કોંગ્રેસમાં બે જૂથ ગરમ દળ ને નરમ દળ હતાં

વર્ષો બાદ દિલ્હીમાં કોંગ્રેસનું મહાસમિતિનું અધિવેશન મળ્યું.

 કોંગ્રેસની સ્થાપના જ એક અંગ્રેજે કરી હતી. ‘ કોંગ્રેસ’નો મતલબ છે- ભેગા થવું. આઝાદી પહેલાં કોંગ્રેસની સ્થાપના અંગ્રેજ હકૂમતની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવવા માટે થઈ હતી. તે પછી અવારનવાર કોંગ્રેસનાં ઐતિહાસિક અધિવેશનો મળતાં રહ્યાં છે. આઝાદી પહેલાં દક્ષિણ ગુજરાતમાં હરીપુરા ખાતે કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. અમદાવાદમાં વા. સા. હોસ્પિટલવાળી જગાએ કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું જેમાં ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુએ હાજરી આપી હતી. આઝાદી પછી ગુજરાતમાં ભાવનગર ખાતે કોંગ્રેસનું અધિવેશન  મળ્યું હતું, જેમાં બપોરના સમયે ગાદી-તકિયા પર ઊંઘતા કોંગ્રેસીઓ પર ગોળ તકિયા ફેંકી જવાહરલાલ નહેરુએ એ બધાને જગાડયા હતા.

ગાંધીનગરમાં અધિવેશન

ઈંદિરા ગાંધી અને મોરારજી દેસાઈ વચ્ચે મતભેદ થયા અને કોંગ્રેસ વિભાજિત થઈ તે પછી સંસ્થા કોંગ્રેસનું વિશાળ અધિવેશન ગાંધીનગર ખાતે મળ્યું હતું. ગાંધીનગર જવા મોટેરાવાળો એક જ રસ્તો ઉપલબ્ધ હોઈ ટ્રાફિક જામ થઈ ગયો હતો. એ વખતે ગુજરાત સંસ્થા કોંગ્રેસના પ્રમુખ તરીકે વજુભાઈ શાહ અને શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જમનાશંકર પંડયા હતા.  આખા દેશમાંથી કોંગ્રેસી કાર્યકરો આવ્યા હતા. તામિલનાડુથી કામરાજ નાદરની તસવીરો સાથે ૫૦થી વધુ બસો ગાંધીનગર આવી હતી. મહારાષ્ટ્રથી આવેલા કોંગ્રેસી ભાઈ-બહેનો માટે મહારાષ્ટ્રીયન શૈલીનું ભોજન અને દક્ષિણ ભારતથી આવેલા કાર્યકરો માટે દક્ષિણ ભારતીય ભોજન પીરસવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રથી આવેલા કોંગ્રેસી ભાઈ-બહેનો સમક્ષ મોરારજી દેસાઈએ મરાઠીમાં પ્રવચન કર્યું હતું. કોંગ્રેસના અધિવેશનોનો ઈતિહાસ એક જમાનાના સુવર્ણકાળ જેવો લાગે છે.

કહેણી ને કરણી

સને ૧૯૫૧ની સાલ હતી. મે માસની છઠ્ઠી તારીખ હતી. દિલ્હીમાં કોંગ્રેસની મહાસમિતિની બેઠક મળી. સારાય દેશમાંથી નાના-મોટા કોંગ્રેસ નેતાઓ ત્યાં આવી પહોંચ્યા હતા. વિશાળ મંડપમાં મહાસમિતિની બેઠક મળી. એક પછી એક પ્રવચનો થવા માંડયા. અગત્યના મુદ્દાઓની નોંધ થવા માંડી. ક્રમ પ્રમાણે જવાહરલાલ નહેરુ ભાષણ કરવા ઊભા થયા. મુખ ઉપર આછું સ્મિત ફરકી રહ્યું હતું. આંખોમાં નરી નિર્દોષતા રમતી હતી. આખી મેદની ઉપર તેમણે નજર ફેરવી લીધી અને સભાને ઉદ્દેશીને બોલવાનું શરૂ કર્યું. જવાહરલાલ નહેરુની તેજદાર ભાષાએ એકેએક હૃદયને કબજે કરી લીધું હતું. ભાષણ આટોપીને નહેરુ પોતાના સ્થાન ઉપર બેસી ગયા. નહેરુના ભાષણ પછી પણ લોકોના દિલમાં એની એ જ વાત રમી રહી. ભાષણો સમાપ્ત થયાં. નાસ્તાનો સમય થયો. ત્યારે સારાયે દેશમાં અનાજની ભારે અછત હતી. એટલે નાસ્તામાં મુખ્યત્વે કેળાં અને ફળફળાદિ હતાં. સૌ કોઈ નાસ્તાને ન્યાય આપવા બેસી ગયા. આગળ થઈ ગયેલાં ભાષણોની સારાય મંડપમાં ચર્ચાઓ ચાલી રહી હતી. હવે વાત એમ બની કે, નાસ્તામાં જે કેળાં હતાં તે ખાઈ ખાઈને કેટલાક કાર્યકર્તાઓએ કેળાંના છોતરાં મંડપમાં જ્યાં ત્યાં નાખવા માંડયા. થોડી જ વારમાં તો આખોય મંડપ કેળાંના છોતરાંથી પથરાઈ ગયો. જવાહરલાલ નહેરુથી આ ગંદકી સહન ન થઈ. કોઈને પણ કહ્યા વિના નાસ્તો કરતાં કરતાં તેઓ ઊભા થયા. મંડપમાં પડેલાં કેળાંના છોતરાં જાતે જ એકઠા કરવા મંડી પડયા. લોકોને પોતાની ભૂલ સમજાઈ ગઈ. સૌ કોઈ શરમાયા.

રસપ્રદ ઇતિહાસ

કોંગ્રેસની સ્થાપનાનો ઇતિહાસ રસપ્રદ છે. તા. ૨૮ ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. કુલ ૭૪ ડેલિગેટ્સે આ બેઠકમાં હાજરી આપી હતી. આ સભ્યો થિયોસોફિકલ સોસાયટીના પ્રતિનિધિઓ હતા. તેના સ્થાપકો પૈકીના એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એ. ઓ. હ્યુમ પણ હતા. તેમનું આખું નામ એલન ઓક્ટેવિયન હ્યુમ હતું. આ બેઠકમાં ઉદ્યોગપતિ દાદાભાઈ નવરોજજી પણ હાજર હતા. ૧૯૪૭ બાદ તે ભારતની મુખ્ય રાજકીય પાર્ટી બની. પહેલી બેઠકમાં કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજીને કોંગ્રેસના પ્રથમ પ્રમુખ બનાવાયા. શરૂઆતમાં તે કુલીન વર્ગની સંસ્થા હતી, પરંતુ કોંગ્રેસનો હેતુ આઝાદી લાવવાનો પ્રથમ ખ્યાલ બાલ ગંગાધર ટિળકે આપ્યો.

કોંગ્રેસમાં બે જૂથ

૧૯૦૭માં કોંગ્રેસમાં બે દળ બન્યાં. એક ગરમ દળ અને બીજું નરમ દળ. ગરમ દળનું નેતૃત્વ બાળ ગંગાધર ટિળક, લાલા લજપતરાય અને બિપીનચંદ્ર પાલ પાસે હતું. નરમ દળનું નેતૃત્વ ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજશાહ મહેતા અને દાદાભાઈ નવરોજજી પાસે હતું. ગરમ દળ પૂર્ણ સ્વરાજની માગણી કરી રહ્યું હતું જ્યારે નરમ દળ બ્રિટિશ રાજમાં સ્વશાસન ચાહતું હતું. ૧૯૧૬ની લખનઉ બેઠકમાં બંને દળ ફરી એક થઈ ગયા અને હોમરૂલના આંદોલનની શરૂઆત થઈ, પરંતુ ૧૯૧૫માં ગાંધીજીના આગમન બાદ કોંગ્રેસમાં પરિવર્તન આવ્યું. ચંપારણ અને ખેડામાં ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જનસમર્થનથી તેને પહેલી સફળતા મળી. ૧૯૧૯માં જલિયાનવાલા બાગ હત્યાકાંડ બાદ ગાંધીજી કોંગ્રેસના મહામંત્રી બન્યા. તેમના નેતૃત્વથી કોંગ્રેસ ઉચ્ચ કુલીન વર્ગની સંસ્થાના બદલે આમ જનસમુદાયની સંસ્થા બની ગઈ. તે પછી નેતાઓની નવી પેઢી આવી. જેમાં સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ સામેલ થયા. અંગ્રેજો સામે રાષ્ટ્રવાદી આંદોલન શરૂ કરવા કોંગ્રેસ પાસે પૈસા નહોતા. ગાંધીજીએ લોકો સમક્ષ ટહેલ નાખી અને એક કરોડ રૂપિયા ભેગા કરી આપ્યા. તેને ‘બાળ ગંગાધર ટિળક સ્વરાજ કોષ’ એવું નામ આપવામાં આવ્યું. એ વખતે કોંગ્રેસના સભ્ય બનવાની ફી ચાર આના હતી.

કોંગ્રેસ પ્રમુખો

૧૮૮૫માં વ્યોમેશચંદ્ર બેનરજી પક્ષના પ્રમુખ બન્યા. તે પછી રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રમુખપદ દાદાભાઈ નવરોજજી  (૧૮૮૬), બદરુદ્દીન તૈયબજી (૧૮૮૭), જ્યોર્જ પુલ (૧૮૮૮) ઉપરાંત ગોપાલકૃષ્ણ ગોખલે (૧૯૦૫), મદનમોહન માલવિયા (૧૯૦૯), એની બેસન્ટ (૧૯૧૭), મોતીલાલ નહેરુ (૧૯૧૯), લાલા લજપતરાય (૧૯૨૦), દેશબંધુ ચિત્તરંજનદાસ (૧૯૨૦), મોહનદાસ ગાંધી (૧૯૨૪), સરોજિની નાયડુ (૧૯૨૫), જવાહરલાલ નહેરુ (૧૯૨૯-૩૦), વલ્લભભાઈ પટેલ (૧૯૩૧), રાજેન્દ્ર પ્રસાદ (૧૯૩૪-૩૫), સુભાષચંદ્ર બોઝ (૧૯૩૮), આચાર્ય કૃપલાણી (૧૯૪૭), યુ. એન. ઢેબર (૧૯૫૫-૬૦), ઈંદિરા ગાંધી (૧૯૫૯),  નીલમ સંજીવ રેડ્ડી (૧૯૬૦), કામરાજ (૧૯૬૪), સોનિયા ગાંધી (૧૯૯૮-૨૦૧૭) જેવાઓએ આ પદ સંભાળ્યું. હવે રાહુલ ગાંધી રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા છે.

આવો ભવ્ય ઇતિહાસ ધરાવતી કોંગ્રેસ આજે તેના અસ્તિત્વની લડાઈ લડી રહી છે.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે                                                   Devendra Patel

Be Sociable, Share!