વર્ષો પહેલાં `ટાઇટેનિક’ નામની ફિલ્મ આવી હતી. `ટાઇટેનિક’ સમુદ્રનું વિશાળ ઉતારુ જહાજ હતું. તે યુદ્ધજહાજ નહોતું, પરંતુ સમુદ્રમાં એક હિમશિલા સાથે અથડાવાના કારણે અંદર રહેલા સેંકડો ઉતારુઓ મોતને ભેટે છે. અહીં પ્રસ્તુત સત્યઘટના પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન દરિયામાં ડૂબી ગયેલી `લુસિતાનિયા’ નામની એ સમયની સૌથી મોટી સ્ટીમરની છે.તા. ૧ મે, ૧૯૧૫ પ્રથમ વિશ્વયુદ્ધના એ દિવસો હતા. એક તરફ જર્મનીની આગેવાની હેઠળ કેટલાક દેશ હતા. સામે બ્રિટનના નેતૃત્વ હેઠળ સાથી રાષ્ટ્રો હતાં. કેટલાયે દેશોએ સાથે મળીને સામસામો મોરચો માંડ્યો હતો. એ દિવસોમાં દરિયામાં કે વિમાનમાં મુસાફરી કરવી અત્યંત જોખમી હતી. દરિયામાં દુશ્મન દેશોની સબમરીનો અને આકાશમાં વિમાનો ઉડાડી દેવા શસ્ત્રો ગોઠવાયેલાં હતાં. `ઓશન ટ્રાવેલ’ નામના અખબારમાં જર્મન એલચી કચેરીએ જાહેરખબર દ્વારા આખી દુનિયાને નોટિસ પાઠવી હતી કે, જર્મની અને બ્રિટન વચ્ચે યુદ્ધ ચાલતું હોઈ એટલાન્ટિક મહાસાગરમાં મુસાફરી કરવા માંગતા ઉતારુઓને ચેતવણી આપવામાં આવે છે કે દરિયામાં તેમનાં જહાજો કે દરિયાની ઉપર ઊડતાં વિમાનોનો સંહાર થવાની સંભાવના છે. જે કોઈ જહાજો આ વોર ઝોનમાંથી પસાર થશે તેઓ તેમના જોખમે પસાર થતાં હશે અને તેમના વિનાશ માટે જર્મન સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં.’
આવી સ્પષ્ટ ચેતવણી છતાં એ જમાનાની અત્યંત લક્ઝુરિયસ ગણાતી `લુસિતાનિયા’ નામની આગબોટ તા. ૧ મે, ૧૯૧૫ના રોજ અમેરિકાના ન્યૂયોર્ક બંદરેથી લીવરપુલ (ઈંગ્લેન્ડ) જવા ઊપડી. `લુસિતાનિયા’ વરાળથી ચાલતી સ્ટીમર હોવા છતાં વિશ્વની મોટી અને ઝડપી ઉતારુ આગબોટ હતી. એ દિવસે એમાં ૧૨૬૫ ઉતારુઓ ચડ્યા હતા. ઈંગ્લેન્ડનું ગૌરવ ગણાતી `લુસિતાનિયા’નાં રાક્ષસી ટર્બો એન્જિન આ મહાકાય સ્ટીમરને કલાકના ૨૫ (નોટિકલ્સ) દરિયાઈ માઈલની ઝડપથી આગળ ધપાવી શકતાં હતાં. `લુસિતાનિયા’ના માલિકો એને તરતો મહેલ કહેતા હતા. `લુસિતાનિયા’માં પ્રવાસ કરવો તે ગૌરવ ગણાતું.
આવી ભવ્ય `લુસિતાનિયા’ને જર્મનો કેટલાક દિવસથી શંકાની નજરે જોઈ રહ્યા હતા. તેમને એવો વહેમ હતો કે બ્રિટન આ ઉતારુ આગબોટના વિશાળ ભંડકિયાંઓમાં શસ્ત્રો અને દારૂગોળો અમેરિકાથી લાવતું હતું. ન્યૂયોર્કથી ઊપડેલી આ સ્ટીમરને પહેલા છ દિવસ તો કોઈ જ અડચણ આવી નહીં, પરંતુ એ જ્યારે સેલ્ટિક સમુદ્રમાં પ્રવેશી ત્યારે કેટલાક અંતરે દૂર એક જર્મન `સબમરીન ૨૦’ ત્યાંથી પસાર થઈ રહી હતી. જર્મન સબમરીનના કમાન્ડર તરીકે ૩૦ વર્ષની વયનો વોલ્ટર સ્વીગર હતો. સબમરીનના રડાર પર સ્ટીમર દેખાઈ. કમાન્ડરે જોયું તો ખબર પડી કે `લુસિતાનિયા’ આયર્લેન્ડના દક્ષિણ કિનારા તરફ ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહી હતી. કમાન્ડરે એ પણ જોયું કે હવે થોડીક વાર માટે જ `લુસિતાનિયા’ પોતાની પ્રહાર રેન્જમાં છે. લુસિતાનિયા હવે ૭૫૦ વાર જ દૂર હતી. તા. ૭ મે, ૧૯૧૫ના રોજ બપોરે ૨-૧૦ વાગ્યે કમાન્ડરે ટોર્પિડો છોડી અને એ સીધી લુસિતાનિયા પર ત્રાટકી. ટોર્પિડો અથડાતાં જ લુસિતાનિયા ધ્રૂજી ઊઠી.
આ પહેલાં લેસ્લી મોર્ટન નામના એક યુવકે સ્ટીમરના તૂતક પરથી ધુમાડા કાઢતું કંઈક સ્ટીમર તરફ આવતાં જોયું હતું. એણે મેગાફોન પર ચેતવણી ઉચ્ચારી પરંતુ એ પહેલાં તો લાખ્ખો ટનની હથોડી કોઈએ સ્ટીમર સાથે અફળાવી હોય એમ લાગ્યું. ટોર્પિડો સીધી સ્ટીમરનાં બોઈલરો પર ત્રાટકી. જેઓ ખુરશીમાં બેઠેલાં હતાં તેઓ ઊથલી પડ્યાં. બર્થ પર સૂતેલાં ઉતારુઓ નીચે ગબડી પડ્યા. લોકો બેબાકળા બનીને કંઈ વિચારે એ પહેલાં કાન ફાડી નાંખે એવો બીજો ધડાકો થયો. આ ધડાકો પહેલા ધડાકા કરતાં વધુ શક્તિશાળી હતો. પાણીની ઊંચી છોળોમાં કોલસા અને સ્ટીમરનો ભંગાર પણ ઊછળ્યો. બીજી વખત થયેલો ધડાકો સ્ટીમરને ભારે નુકસાન કરી ગયો. સ્ટીમર એક તરફ નમી ગઈ અને ડૂબવા લાગી. સ્ટીમરના કેપ્ટને લાઈફ બોટો દરિયામાં ઉતારી દીધી. કેટલાક ઉતારુઓ લાઇફ બોટોમાં ચડી ગયા, પરંતુ કેટલાક ડૂબવા લાગ્યા. કેટલાક લાકડાના પાટિયાના સહારે દરિયામાં તરી રહ્યા. કેટલીક લાઇફબોટોમાં જરૂર કરતાં વધુ ઉતારુઓ ચડી જવાથી લાઇફબોટ જ ડૂબી ગઈ. `હેલ્પ-હેલ્પ’ની ચીસો દરિયામાંથી ઊઠી અને ખોવાઈ પણ ગઈ. આલ્ફ્રેડ નામનો એક અબજપતિ કે જે આ સ્ટીમરનો ઉતારુ હતો તેની પાસે એક લાઇફ જેકેટ હતું. તે એણે એક યુવાનને બચાવવા આપી દીધું અને પોતે ડૂબી જવાનું પસંદ કર્યું.
માત્ર અઢાર જ મિનિટમાં એ મહાકાય સ્ટીમર ડૂબી ગઈ. દરિયાની સપાટી પર હવે કેટલાંક મડદાં જ તરતાં હતાં. થોડીક ખુરશીઓ અને થોડોક ભંગાર પણ. જર્મન સબમરીનના કમાન્ડરે પણ પોતાની સબમરીનમાંથી આ દૃશ્ય જોયું તો એણે નોંધ્યું કે આવું ભયાનક દૃશ્ય મેં કદી જોયું નથી.
આ હોનારતના સમાચાર સાંભળી વિશ્વ આખું સ્તબ્ધ થઈ ગયું. ખાસ કરીને એટલાન્ટિક કિનારાના દેશો માટે મોટો આઘાત હતો. બ્રિટન પણ `લુસિતાનિયા’ ડૂબી જતાં વિક્ષુબ્ધ થઈ ગયું. `ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સહિત અનેક અખબારોએ પહેલા પાના પર `લુસિતાનિયા ડૂબી ગઈ’ એવા મથાળા હેઠળ સમાચારો પ્રગટ કર્યા.
ઉતારુઓ અને ખલાસીઓ સહિત કુલ ૧૯૫૯ વ્યક્તિઓ પૈકી માત્ર ૭૬૪ માણસોને બચાવી શકાયા હતા. બાકીના જે મૃત્યુ પામ્યા તેમાં ૯૪ જેટલાં બાળકો હતાં.
બ્રિટન, બોસ્ટન અને અમેરિકાનાં અખબારોએ હોબાળો મચાવ્યો. કેટલાકે એ પ્રશ્ન કર્યો કે માત્ર એક જ ટોર્પિડો આવડી મોટી સ્ટીમરને કેવી રીતે ડુબાડી શકે? વળી, માત્ર અઢાર જ મિનિટમાં આખી સ્ટીમર કેવી રીતે ડૂબી ગઈ?
મૃત્યુ પામેલા ઉતારુઓમાં ૧૨૬ જેટલા અમેરિકન હતા. અખબારોએ જર્મની પર આક્ષેપ કર્યો કે જર્મનીએ નિર્દોષ નાગરિકોની ઈરાદાપૂર્વક હત્યા કરી છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રુઝવેલ્ટે જર્મનીને સબક શીખવવાની માંગણી કરી. જોકે, કેટલાક એમ પણ માનતા હતા કે અમેરિકાને આ યુદ્ધમાં ખેંચી લાવવા માટે જ `લુસિતાનિયા’ને જર્મનીએ ડુબાડી દીધી હતી. અમેરિકન નાગરિકો મરે તો જ અમેરિકાને યુદ્ધમાં સામેલ થવું પડે.
લુસિતાનિયાની જળસમાધિ પછી તરત જ એની આસપાસનો વિવાદ ઊભો થયો. બ્રિટિશ ન્યાયમૂર્તિએ બધી જવાબદારી જર્મની પર જ નાંખી. જર્મન સરકારે બ્રિટિશ શાસકો તરફ આંગળી ચીંધીને કહ્યું કે, જાણીજોઈને આ ઉતારુ સ્ટીમરનો ઉપયોગ મિલિટરી હેતુસર કરવામાં આવતો હતો. કેટલાકે આ બધાની પાછળ વિન્સ્ટન ચર્ચિલનું ભેજું હોવાનું જણાવ્યું. કેટલાકે બ્રિટનના પ્રથમ લૉર્ડ ઑફ એડમીરલીટીને આ યોજનાના કેન્દ્રબિંદુ તરીકે ગણાવ્યા.
આ ઘટનાને વર્ષો વીતી ગયાં, પરંતુ `લુસિતાનિયા’ એક રહસ્યકથા બની ગઈ. જર્મન પ્રશાસકો હંમેશાં કહેતા રહ્યા કે લુસિતાનિયાના ભંડકિયામાં દારૂગોળો હતો, પણ વર્ષો સુધી બ્રિટન આ આક્ષેપનો ઈન્કાર કરતું રહ્યું.
૨૧મી સદીની પરોઢમાં પ્રવેશી રહેલા દુનિયાના વૈજ્ઞાનિકોને `લુસિતાનિયા’ એ ખોજ કરવા જેવી બાબત લાગી. લુસિતાનિયા આજેય દરિયાના પેટમાં સૂતેલી જ છે. વૈજ્ઞાનિકોએ સૌથી પહેલાં તો લુસિતાનિયાનો ૧૯૧૫નો રૂટ શોધી કાઢી કેલ્ટિક સમુદ્રમાં એ કયા સ્થળે ડૂબેલી છે તે જગ્યા નક્કી કરી લીધી. વુડ્સ હોલ ઓસનોગ્રાફી ઈન્સ્ટિટ્યૂશને વર્ષો જૂનું આ રહસ્ય ઉકેલવા એક તૈયાર કરી દીધો.
વોટરપ્રૂફ કેમેરા વડે યાંત્રિક મરજીવાઓ દરિયાના પેટાળમાં પહોંચી ગયા અને વર્ષોથી આડી પડેલી `લુસિતાનિયા’ની તસવીરો લીધી. લુસિતાનિયા એક ભંગારના જેકયાર્ડ જેવી લાગતી હતી. તે દરિયાની સપાટીથી ૨૯૫ ફૂટ નીચે હતી. આટલે નીચે માનવી પહોંચી શકે તેમ ન હોઈ `જેસન’ નામના રોબોટ વિહિકલને પાણીના તળિયે મોકલવામાં આવ્યું હતું. જેસને પ્રાથમિક તસવીરો લીધી, પરંતુ વધુ ઝીણવટભરી તપાસ માટે હાબેર બ્રાન્ચ ઓસનોગ્રાફિક ઈન્સ્ટિટ્યૂશન તરફથી `ડેલ્ટા’ નામની વધુ ઊંડે જઈ શકે તેવી નાનકડી સબમરીન `લુસિતાનિયા’ની નજીક મોકલવામાં આવી. અગાઉ `જેસન’ના વીડિયો કેમેરાએ `લુસિતાનિયા’ની વીડિયો ઈમેજ મોકલી આપી હતી, જેનું દરિયા પરના જહાજમાં મૂકેલાં કમ્પ્યૂટર્સ અર્થઘટન કરી આપતાં હતાં. જેસને ક્યાં જવું અને કોના ફોટા લેવા તે રિમોટ કંટ્રોલ ઉપરથી થતું હતું. કમ્પ્યૂટર્સે મોકલેલાં થ્રી ડાયમેન્શન ચિત્રો પરથી એ નક્કી કરાયું કે આગબોટની ત્રીજી અને ચોથી ફનેલ વચ્ચે ભારે નુકસાન થયું હતું. આગબોટનું નામ કે જે અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું તેના `એલ’ અને `ટી’ શબ્દો ગુમ હતા માત્ર `ITAN’ દેખી શકાતા હતા.
`જેસન’ રોબોટ વિહિકલની સૌથી મોટી શોધ તો એ હતી કે જર્મનીનો બ્રિટન પરનો આક્ષેપ સાચો હતો. જર્મની હંમેશાં કહેતું રહ્યું કે `લુસિતાનિયા’ના ભંડકિયામાં લશ્કરને ઉપયોગી સામગ્રી હતી. એના ભંડકિયામાં મોટર સાઇકલોના પાર્ટ્સ, મેટલ્સ, કોટન ગુડ્સ ઉપરાંત ૪૨૦૦ જેટલાં રાયફલ એમ્યુનેશન્સના કેસ, ૧૮ બૉક્સ ભરેલા ફ્યૂઝ વગેરે હતા. અલબત્ત, સંશોધક વૈજ્ઞાનિકોએ એ સ્પષ્ટતા પણ કરી કે ટોર્પિડો અથડાયા પછી સ્ટીમરમાં જે બીજો ધડાકો થયો તે આ લશ્કરી સામગ્રીના કારણે નહોતો. તો એ બીજો ધડાકો કયા કારણે થયો? એક થિયરી પ્રમાણે ટોર્પિડો જ્યારે સ્ટીમર સાથે અથડાઈ ત્યારે તેનાં રાક્ષસી બોઇલરો ફાટી ગયાં હોવાં જોઈએ. સખત ઉષ્ણતામાન ધરાવતાં બોઇલરોમાં દરિયાનું ઠંડું પાણી પ્રવશેતાં બોઈલરો ફાટ્યાં હોવાં જોઈએ.
બીજી થિયરી પ્રમાણે ટોર્પિડો આગબોટના નીચેના ભાગે અથડાઈ હતી અને કોલસો ભરેલા ભંડારને આગ લાગતાં એ બળતણ સળગી ઊઠતાં ધડાકો થયો હોવો જોઈએ.
`લુસિતાનિયા’ના એક ભાગમાં છિદ્ર પાડીને `હોમર’ નામનો નાનો રોબોટ આગબોટના અંદરના ભાગમાં મોકલવામાં આવ્યો હતો. લુસિતાનિયાની અંદર હીરા-માણેક અને સોનું તથા બીજું ઝવેરાત પણ છે. એવી અફવાઓથી પ્રેરાઈને ઘણાએ ડૂબકીઓ મારી હતી, પરંતુ તેમને એવો કોઈ ખજાનો પ્રાપ્ત થયો નહોતો. અલબત્ત, ઓસનોગ્રાફીના સંશોધકોને એ જમાનાના ચિનાઈ માટીનાં કીમતી વાસણો અને બે લંગર મળી આવ્યાં હતાં.
આજે બ્રિટન-જર્મની કે અમેરિકા અને જર્મની વચ્ચેના સંબંધોમાં રૂઝ આવી છે, પરંતુ જેમણે દરિયાની આ ભયાનક ટ્રેજેડી નજરોનજર જોઈ છે તેઓ ૭મી મે, ૧૯૧૫ના દિવસને ભૂલી શકતા નથી. ઓસનોગ્રાફ્ટ રોબર્ટ બેલાર્ડ દ્વારા ભૂતકાળની આ ઘટનાની હાઈટેક ખોજ પછી પણ લુસિતાનિયાને ડુબાડી દેનાર બીજો ધડાકો શાના કારણે થયો એ રહસ્ય હજી દરિયાના પેટાળમાં ભંડારાયેલું જ રહ્યું છે, કારણ કે જર્મનોએ એક જ ટોર્પિડો છોડી હતી અને એક ટોર્પિડોથી લુસિતાનિયા ડૂબે તેમ નહોતી. આયર્લૅન્ડમાં `લુસિતાનિયા’ની ટ્રેજેડીમાં મૃત્યુ પામનારાઓ તથા બચી ગયેલાઓની યાદમાં એક મોન્ટુમેન્ટ ઊભું કરેલું છે. બીજા વિશ્વયુદ્ધના સંભારણારૂપે ડી-૩ ઉજવાયો ત્યારે લોકોએ પ્રથમ વિશ્વયુદ્ધની આ ટ્રેજેડીને પણ યાદ કરી લીધી.
માનવ જાત પેદા થઈ ત્યારથી આજ સુધી વિશ્વના કોઈ ને કોઈ ખૂણે નાનાં-મોટાં યુદ્ધો ચાલ્યા જ કરે છે. પહેલાં પહેલું વિશ્વયુદ્ધ થયું. તે પછી બીજું વિશ્વયુદ્ધ થયું. ભવિષ્યમાં યુદ્ધો ન થાય તે માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ, પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘ આજ સુધી એક પણ નવું યુદ્ધ રોકી શક્યું નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘનું હેડક્વાર્ટર અમેરિકામાં છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘ માત્ર પ્રવચનો કરવા માટેનું જ પ્લેટફોર્મ બનીને રહ્યું છે. આ પૂર્વે પણ વિશ્વમાં યુદ્ધો ચાલતાં જ રહ્યાં છે.
હવે રશિયાના યુક્રેન સાથેના અને અમેરિકા-ઈઝરાયેલના ઈરાન સાથેના યુદ્ધનો અંત હજુ નજીકમાં દેખાતો જ નથી. આ બધાં યુદ્ધો દરમિયાન અનેક નિર્દોષ નાગરિકો પણ માર્યા જાય છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આપખુદશાહી વલણના કારણે ઈરાન સાથેનું યુદ્ધ લંબાતું જ જાય છે. અમેરિકા અને ઈરાનના સંઘર્ષના કારણે હોર્મુઝની ખાડીમાં હજારો દરિયાઈ જહાજો ફસાયેલાં છે. કેટલાકને ભારે નુકસાન પણ પહોંચ્યું છે. આ યુદ્ધના કારણે વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલની તંગીનું સંકટ ઊભું થયું છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે વિશ્વની અર્થવ્યવસ્થઆને છિન્નભિન્ન કરી નાંખી છે.
તે ક્યારે અટકશે તેની કોઈ આગાહી કરી શકાય તેમ નથી.
—————————— —————————— —————————— —



