ઈઝરાયેલે સૌ પ્રથમવાર ઈરાન સામેનું યુદ્ધ શરૂ કર્યું, તેમાં કારણ વગર અમેરિકાને જોડી દેવાનું કૃત્ય પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું. ઈઝરાયેલના પ્રેસિડેન્ટ નેતાન્યાહુ મુત્સદ્દી સાબિત થયા અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પરિસ્થિતિ હવે `મા મને કોઠીમાંથી બહાર કાઢ’ જેવી પેદા થઈ છે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એક સાઈકિક અને સૌથી વધુ અનપ્રેડિક્ટેબલ પર્સનાલિટી છે. સવારે શું બોલે છે તે તેમને બપોરે યાદ હોતું નથી અને બપોરે શું બોલે છે તે તેમને સાંજે યાદ રહેતું નથી. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને ખોરવી નાંખી છે. ઈરાન પાસે હુકમનું પત્તું હોર્મુઝની ખાડી છે, જ્યાં થઈને રોજ સેંકડો ઓઈલ જહાજો અને ગેસથી ભરેલાં જહાજો પસાર થાય છે. ઈરાને હુકમના આ પત્તાનો ઉપયોગ કરીને અમેરિકા અને તેના સાથી દેશોની સાન ઠેકાણે લાવી દીધી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું વ્યક્તિત્વ યુદ્ધખોર છે. રોજ એમને કોઈ ને કોઈ દેશ સાથે યુદ્ધ જોઈએ છે. વિશ્વભરમાં ઓઈલની કટોકટી સર્જનાર અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ અમેરિકામાં કટોકટી સર્જી દીધી છે અને અમેરિકામાં જ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે આવી ગયો છે. આજે ચૂંટણી થાય તો ડોનાલ્ડ ટ્રમ્પ હારી જાય તેવી પરિસ્થિતિ છે.હવે ખાડી દેશોમાં પાછલા દાયકાઓમાં ખેલાયેલાં યુદ્ધોની પશ્ચાદ્ભૂમિકા જોઈએ. આ અગાઉ પણ વર્ષો પહેલાં અમેરિકા ઈરાક સાથે યુદ્ધ ખેલી ચૂક્યું છે.
યુદ્ધ એક ઉન્માદ છે અને એ જ્યારે માનવીના દિમાગ પર સવાર હોય છે ત્યારે કોઈ એને રોકી શકતું નથી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ નવેસરથી યુદ્ધ ન થાય તે હેતુથી એકઠાં થયેલાં રાષ્ટ્રોનો સંઘ તૂટી પડ્યો હતો અને બીજું વિશ્વયુદ્ધ થઈને જ રહ્યું. હવે ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એટલા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ છે ત્યારે ત્રીજા વિશ્વયુદ્ધની રાહ જોતી પૃથ્વી પર અનેક સ્થળે આજે પણ નાનાં-મોટાં રાષ્ટ્રો રોજ નાનાં-નાનાં યુદ્ધોમાં વ્યસ્ત છે.
પાછલા દાયકામાં જે કોઈ યુદ્ધો ખેલાયાં છે, તે પૈકી સૌથી નોંધનીય યુદ્ધ ૧૯૯૧ની સાલનું `ગલ્ફવોર’ રહ્યું છે. તા. ૨-૮-૯૦ના ઈરાકે કુવૈત પર હુમલો કરી કુવૈત પર કબજો જમાવી દીધો હતો. આ અણધાર્યા હુમલાથી સમગ્ર વિશ્વ ચોંકી ઊઠ્યું હતું અને કુવૈતના રાજા ભાગી ગયા હતા. કુવૈતની શેરીઓ અને તેલના કૂવાઓનો કબજો ઈરાકે લઈ લીધો હતો.
ઈરાકના આ અણધાર્યા પગલાથી છંછેડાયેલા અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રસંઘના નામે ઈરાકને કુવૈત ખાલી કરી દેવા ચીમકી આપી હતી. અમેરિકાના એ વખતના પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશની આ ચેતવણીને ઈરાકના પ્રમુખ સદ્દામ હુસૈને ગણકારી નહોતી. ફરી અમેરિકાએ ઈરાકને ચોક્કસ ડેડલાઈન આપી હતી. સદ્દામ હુસૈન ટસના મસ થયા ન હતા. ડેડલાઈન જેમ નજીક આવતી જતી હતી તેમ તેમ અમેરિકાએ યુદ્ધની તૈયારીઓ કરી લીધી હતી. અમેરિકા માટે આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોવા છતાં તે એકલું ઈરાક સામે લડતું નથી એવો દેખાડો કરવા માટે એણે બ્રિટન, ફ્રાન્સ અને પાકિસ્તાન જેવા ઈસ્લામી રાષ્ટ્ર સહિત અનેક રાષ્ટ્રનો સહકાર લીધો હતો. ઈરાક સામે યુદ્ધમાં ઊતરવા અમેરિકા એકલું કાફી હોવા છતાં તે એકલું પડી ન જાય એટલા માટે જ એણે બહુરાષ્ટ્રીય દળો એવું નામ આપ્યું હતું. ઇસ્લામી જગતમાં ભાગલા પડાવી સાઉદી અરેબિયાને જ એણે પોતાનું બેઝ સ્ટેશન બનાવ્યું હતું.
છેલ્લી ઘડી સુધી યદ્ધ ટાળવા અમેરિકાના અને ઈરાકના વિદેશમંત્રીઓ વચ્ચે વાટાઘાટો જારી રહી હતી, પરંતુ ઈરાકે કોઈ પણ સંજોગોમાં કુવૈત છોડવાની વાત ન સ્વીકારતાં વાટાઘાટોનો દુ:ખદ અંત આવ્યો હતો. આ દરમિયાન અમેરિકાએ અઢળક દારૂગોળો સાઉદી અરેબિયામાં ધરબી દીધો હતો. દરિયો અને આકાશ પણ વિશ્વના સૌપ્રથમ હાઈટેક વૉર માટે એણે સજ્જ કરી દીધાં હતાં. વિશ્વભરના પત્રકારો પણ એક તરફ બગદાદમાં અને બીજી તરફ સાઉદી અરેબિયાના બેઝ સ્ટેશન પર ગોઠવાઈ ગયા હતા.
અમેરિકાનું અલ્ટિમેટમ પૂરું થતાં તા. ૧૭મી જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ બહુરાષ્ટ્રીય દળોએ ઇરાક પર હુમલો કર્યો હતો. એકસાથે સેંકડો હવાઈ જહાજોએ બગદાદ પર ભારે બોમ્બમારો કર્યો હતો. પ્રેસિડન્ટ સદ્દામ હુસૈન આ અસાધારણ હુમલાથી બચવા અંડરગ્રાઉન્ડ ચાલ્યા ગયા હતા. બહુરાષ્ટ્રીય દળોનાં લેટેસ્ટ વિમાનો એકદમ ચોક્કસ લક્ષ્ય પર હુમલો કરી શકતાં હતાં. થયેલા વિનાશની તસવીરો અને વીડિયો પણ લઈ શકતાં હતાં. આ દરમિયાન ઇરાકના વહીવટીતંત્રે સીએનએન નામની અમેરિકાની ટેલિવિઝન સંસ્થાના પત્રકાર પીટર આર્નેટ સિવાય વિશ્વના તમામ પત્રકારોને ઈરાકની બહાર હાંકી કાઢ્યા હતા.
અમેરિકાને સૌથી મોટો ડર ઈરાકનાં રાસાયણિક શસ્ત્રોનો હતો. બહુરાષ્ટ્રીય દળોનાં વિમાનોએ શંકાસ્પદ એવાં ઈરાકનાં મોટાભાગનાં થાણાં ઉડાવી દીધાં હતાં. લશ્કરી થાણાંના નામે ક્રૂડ ફેક્ટરીઓ પણ ઉડાવી દીધી હતી. બગદાદની મસ્જિદોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
ઈરાક પાસે રશિયન બનાવટની સ્કડ મિસાઈલો હતી. આ યુદ્ધદરમિયાન સંયમ જાળવીને બેઠેલા ઇઝરાયેલ પર સ્કડ મિસાઈલ છોડીને પ્રેસિડેન્ટ સદ્દામ હુસૈને હજી જીવે છે એવી ખાતરી કરાવી હતી અને બીજી તરફ ઈઝરાયેલ પર હુમલા દ્વારા સદ્દામ હુસૈને ઇસ્લામી રાષ્ટ્રોનો સાથ લેવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ૧૯૮૦ના ગાળામાં સ્ટાર વોર્સ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલી અમેરિકાની પેટ્રીએટ મિસાઈલો અમેરિકાએ ઈઝરાયેલ અને સાઉદી અરેબિયામાં ગોઠવી આપી હતી. આ મિસાઈલો ઈરાકની સ્કડ મિસાઈલોને આકાશમાં જ તોડી નાખવા એકંદરે સક્ષમ રહી હતી.
ઈરાકના આકાશ પર સર્વોપરિતા સાબિત કરી લીધા બાદ બહુરાષ્ટ્રીય દળોએ દરિયામાં ગોઠવેલાં યુદ્ધજહાજો પરથી ક્રૂઝ મિસાઈલોનો મારો પણ ચલાવ્યો હતો.
સૌથી છેલ્લે ભૂમિદળ મેદાનમાં આવ્યું હતું. અમેરિકાએ માત્ર `વિશ્વના પોલીસમૅન’ બનવાની ખેવનાથી આરંભેલા અને સદ્દામ હુસૈનની કુવૈત ખાલી ન કરવાની અવળચંડાઈને કારણે ખેલાયેલા આ યુદ્ધમાં ૧૦ લાખ જેટલા નાગરિકો અને સૈનિકો માર્યા ગયા હતા. ઈરાકના સૈનિકોના તો સૌથી બૂરા હાલ થયા હતા.
તા. ૨૭મી ફેબ્રુઆરી, ૧૯૯૧ના રોજ બહુ રાષ્ટ્રીય દળોએ કુવૈતને આઝાદ કરાવ્યું હતું અને તા. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૯૧ના રોજ ઈરાકે શરણાગતિ સ્વીકારી હતી.
એ સમયે અમેરિકાના પ્રેસિડેન્ટ બુશની લોકપ્રિયતાની ટોચ પર હતા, જ્યારે સદ્દામ હુસૈનની પરિરિસ્થતિ ખરેખર લાચારીભરી હતી. વિધિની વક્રતા એ હતી કે, ઈરાક સાથે યુદ્ધ જીતી બતાવનાર પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ યુદ્ધ પછીના થોડાક સમયના ગાળામાં ઘર આંગણે ચૂંટણી હારી ગયા અને પ્રેસિડેન્ટ તરીકે મટી ગયા. ઈરાકના લાખો નિર્દોષ લોકોના જાન ગયા હતા. માલ-મિલકતને કરોડોનું નુકસાન થયું હતું. લેબેનોનની ભવ્ય સંસ્કૃતિ ધરાવતી ઈરાકની અમૂલ્ય ઈમારતોને પણ હાનિ પહોંચી હતી. આ યુદ્ધ માટે બુશ કે સદ્દામ હુસૈન બેઉમાંથી કોઈનેય શાબાશી આપી શકાય તેમ નહોતી. ૨૧મી સદીના આરંભમાં ૧૧મી સપ્ટેમ્બરે અમેરિકાના ન્યૂયોર્ક ખાતે આવેલાં બે વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વોશિંગ્ટનમાં આવેલા પેન્ટાગોનના બિલ્ડિંગ પર ત્રાસવાદી દળોએ હુમલો કર્યો. અમેરિકાની શાન સમા વર્લ્ડ ટ્રેક સેન્ટરનાં બંને ટાવર્સ આત્મયાતી ટુકડીઓએ વિમાનો ટકરાવીને તોડી નાંખ્યાં ત્યારે વિશ્વ ચોંકી ગયું. અમેરિકા હતપ્રભ થઈ ગયું. ૫૦૦૦ નાગરિકો મૃત્યુ પામ્યાં. અમેરિકાની અભેદ્ય ગણાતી સલામતી વ્યવસ્થા બોદી સાબિત થઈ. સીઆઈએ, એફબીઆઈ અને મિલિટરી ઇન્ટેલિજન્સ ઊંઘતા જ ઝડપાયા. અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યુ બુશ અને તેમનું મંત્રીમંડળ થોડીક ક્ષણો માટે તો આઘાતમાં સરી પડ્યું.
આ ત્રાસવાદી હુમલો અલ-કાયદા નામના ત્રાસવાદી જૂથે કર્યો હોવાનું અમેરિકાએ તારવ્યું. જોકે, ખરી વાત એ છે કે વિશ્વના એક પણ ત્રાસવાદી જૂથે એ કૃત્યની જવાબદારી સ્વીકારી નહોતી. આ બધાંનું મૂળ એ વખતે અફઘાનિસ્તાનમાં રહેતો ઓસામા બિન લાદેન જ છે તેવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું. તાલિબાનોના નેતા ઓસામા બિન લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પરના હુમલાને વાજબી ગણાવ્યો, પરંતુ તેમાં એનો હાથ નથી તેવું પણ સ્પષ્ટપણે કહ્યું. પરંતુ અમેરિકાએ નક્કી જ કરી નાંખ્યું કે અસલી ખલનાયક ઓસામા બિન લાદેન જ છે. અમેરિકાએ બીજી વાત પણ નક્કી કરી નાંખી કે ઓસામા બિન લાદેનના અલ-કાયદા નેટવર્કને ઈરાકના શાસક સદ્દામ હુસૈનનો સાથ છે.
વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા બાદ ધૂળમાં મળી ગયેલી પોતાની શાન ફરીથી ઊંચી છે તેવું બતાવવા અમેરિકાના પ્રેસિડેન્ટ બુશ પાસે દુનિયા દેખે તેવું કોઈ પગલું તો લેવું જરૂરી જ હતું, કારણ કે નાઈન ઈલેવનની ઘટના બાદ અમેરિકન પ્રેસિડેન્ટ મહાસત્તાના ગાલ પર કોઈ લાફો મારી ગયું છે એવી શરમ અનુભવતા હતા.
પોતાની આબરૂ ઊંચી કરવા એમણે બે ટાર્ગેટ નક્કી કર્યા. ઓસામા બિન લાદેન અને સદ્દામ હુસૈન.
પહેલું ઑપરેશન અફઘાનિસ્તાનમાં કર્યું. અફઘાનિસ્તાનમાંથી તાલિબાનોની રૂઢિચુસ્ત સરકારને ઉથલાવી દેવા યુદ્ધ કર્યું. યુદ્ધમાં સફળતા મળી અને ઓસામા બિન લાદેન અદૃશ્ય થઈ ગયો. તે મૃત્યુ પામ્યો છે કે ક્યાંક છુપાયો છે એ વાત હજી અમેરિકા સહિત કોઈ નક્કી કરી શકતું નથી. ઓસામાના ગયા પછી પણ અમેરિકા હજી વેરની વસૂલાત માટે તડપતું હતું. કહેવાય છે કે અમેરિકા હંમેશાં યુદ્ધને ચાહે છે. તેને યુદ્ધ કરવું ગમે છે. તે હંમેશાં બીજાની ભૂમિ પર જ યુદ્ધ કરે છે. તે હંમેશાં નાનાં, પછાત અને અર્ધતાલીમ પામેલા સૈનિકોવાળાં રાષ્ટ્રો સામે જ લડે છે. બીજા વિશ્વયુદ્ધ પછી તેણે ફ્રાન્સ, જર્મની, રશિયા, ચીન કે જાપાન જેવી તાકાતો સામે લડવા પ્રયાસ કર્યો જ નથી.
હવે તેણે ઈરાક પસંદ કર્યું. બહાનું જૂનું જ હતું: `સદ્દામ હુસૈન પાસે સામૂહિક વિનાશનાં શસ્ત્રો છે.’ અમેરિકા દૃઢપણે માનતું હતું કે, `સદ્દામ હુસૈન પાસે કિરણોત્સર્ગ ફેલાવે તેવો દેશી ન્યુક્લિઅર બૉમ્બ જેને તે `ડર્ટી બૉમ્બ’ કહે છે તે રાસાયણિક શસ્ત્રો અને જૈવિક શસ્ત્રો છે.’
ઈરાકે ઈન્કાર કર્યો કે અમારી પાસે કોઈ જ શસ્ત્રો નથી, પરંતુ અમેરિકા માનવા તૈયાર નહોતું.
ઈરાકના કહેવાતા માસ ડિસ્ટ્રક્શનનાં વેપન્સ અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ચર્ચા થઈ. બધાં રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્રસંઘના વેપન્સ ઇન્સ્પેક્ટરોની ટુકડી મોકલવા નિર્ણય કર્યો. મિ. બ્લિક્સની આગેવાની હેઠળ એક ટુકડી ઈરાક ગઈ. આખું ઈરાક ખૂંદી વળ્યા, પરંતુ ક્યાંયથીયે સામૂહિક વિનાશનાં શસ્ત્રો ન મળ્યાં. મિ. બ્લિક્સે પોતાનો અહેવાલ સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિને આપ્યો, પરંતુ અમેરિકાએ પોતાની વાત ચાલુ જ રાખી કે ઈરાક પાસે સર્વનાશનાં શસ્ત્રો છે. યુનોને વિશ્વ બે ભાગમાં વહેંચાતું જણાયું. ફ્રાન્સ, જર્મની અને રશિયાએ યુદ્ધ કરવાનો વિરોધ કર્યો અને રાજકીય પ્રયાસો હાથ ધરવા સલાહ આપી. યુદ્ધ કરવું જ હોય તો સલામતી સમિતિમાં ઠરાવ મૂકવાની વાત કહી.
યુદ્ધની પરવાનગી માટે પ્રસ્તાવ મુકાયો, પરંતુ અમેરિકાને ખ્યાલ આવી ગયો કે ફ્રાન્સ, જર્મની કે રશિયા વીટો વાપરી યુદ્ધનો પ્રસ્તાવ પસાર નહીં થવા દે. અમેરિકાએ ઠરાવ જ પાછો ખેંચી લીધો અને સંયુક્ત રાષ્ટ્રસંઘની પરવા કર્યા વિના મનસ્વી રીતે જ યુદ્ધ કરવાનું એલાન કરી દીધું. બ્રિટને એના કાયમી બગલબચ્ચાની જેમ ટેકો જાહેર કરી દીધો. બ્રિટનના વડાપ્રધાન ટોની બ્લેર સામેથી દોડીને વૉશિંગ્ટન પહોંચી ગયા અને તેમનું સૈન્ય પણ યુદ્ધમાં જોડાશે એવી ખાતરી આપી. ઑસ્ટ્રેલિયાએ પણ યુદ્ધમાં જોડાવા અમેરિકાને ટેકો જાહેર કર્યો. ભારતે સંદિગ્ધ વલણ યુદ્ધના નિવેદન કરીને વિરોધ કર્યો, પરંતુ અમેરિકા નારાજ ન થઈ જાય એ રીતે. ૧૭મી માર્ચની આખરી ડેડલાઈન નક્કી કરવામાં આવી.
અમેરિકાએ કહ્યું: `સદ્દામ હુસૈન સત્તા છોડી દે, બીજા કોઈ દેશમાં રાજ્યાશ્રય લઈ લે તો આ યુદ્ધ ટળી શકે તેમ છે.’
સદ્દામ હુસૈને એવી શરણાગતિ સ્વીકારવાની ના પાડી દીધી. અમેરિકા જેવી મહાસત્તાને `ના’ કહેવાની હિંમત બધાં જ મુસ્લિમ રાષ્ટ્રો પૈકી એકમાત્ર સદ્દામ પાસે હતી. સદ્દામના ઈન્કાર પછી અમેરિકાએ યુદ્ધની તૈયારીઓ કરવા માંડી. મહાસાગરોમાં ઍરક્રાફ્ટ કેરિયર્સ મોકલવામાં આવ્યાં. પડોસી રાષ્ટ્રોમાં અમેરિકાએ પોતાના સૈનિકો ઉતાર્યા. સાઉદી અરેબિયાથી માંડીને કતાર અને કુવૈતે પણ અમેરિકાને સાથ આપ્યો. આરબ રાષ્ટ્રો પાસે બીજો વિકલ્પ જ નહોતો.
છેવટે યુદ્ધ થયું.
ત્રણ અઠવાડિયાં દરમિયાન અમેરિકા-બ્રિટનનાં વિમાનોએ હજારો ઉડ્ડયનો ભર્યાં. હજારો બૉમ્બ ફેંક્યા. ટોમા હોક ક્રૂઝ મિસાઇલો ફેંકી. બગદાદ, બસરા, નસિરિયા અને નજફ સહિત આખા ઈરાકને ધમરોળી નાંખ્યું. હજારો નિર્દોષ નાગરિકો, બાળકો, સ્ત્રીઓ ઘવાયાં. માતાઓ પોતાનાં બાળકોને હોસ્પિટલોમાં છોડીને ભાગી ગઈ. વિશ્વભરમાં યુદ્ધ સામે વિરોધ થતો રહ્યો, પરંતુ બુશ અને બ્લેરે કોઈનીયે પરવા કર્યા વિના ઈરાકનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો.
સદ્દામ હુસૈનની સરકારનું પતન થયું.



