Close

વિશ્વના બે પ્રખર સામ્યવાદી નેતાઓ લેનિન અને માઓનાં શબ આજે પણ જાળવી રાખવામાં આવ્યાં છે

રેડ રોઝ | Comments Off on વિશ્વના બે પ્રખર સામ્યવાદી નેતાઓ લેનિન અને માઓનાં શબ આજે પણ જાળવી રાખવામાં આવ્યાં છે
આજથી ૩૦૦૦ વર્ષ પૂર્વે ઈજિપ્ત(એ વખતનું નામ મિસર)ના ફેરોઝ(રાજાઓ)ના મૃતદેહમાં મસાલા ભરીને જાળવી રાખવામાં આવતા હતા અને વિશાળ પિરામિડોના ભોંયરામાં તેમને સલામત રાખવામાં આવતા હતા. એ મૃતદેહો `મમી’ના નામે ઓળખાતા હતા. ઈજિપ્તના એ વખતના ફેરોઝ એવું માનતા હતા કે એક દિવસ તેઓ ફરી પુનર્જીવિત થશે અને આ જ શરીર ફરી કામ આવશે. પિરામિડોના ભોંયરામાં કીમતી ખજાનાને પણ સુરક્ષિત રાખવામાં આવતા હતા. આ વિષય પર `લેન્ડ ઓફ ફેરોઝ’ જેવી અનેક ફિલ્મો પણ બની છે, પરંતુ આજે વિશ્વના બે સામ્યવાદી નેતાઓની વાત કરવી છે, જેમનાં શબ આધુનિક વૈજ્ઞાનિક ખંડમાં જેમનાં તેમ જાળવી રાખવામાં આવ્યાં છે.
વિશ્વના બે પ્રખર સામ્યવાદી નેતાઓ લેનિન અને માઓત્સે તુંગનાં શબ આજે પણ વિશ્વની લેટેસ્ટ ટેક્નોલૉજીની મદદથી જેમનાં તેમ જાળવી રાખવામાં આવ્યાં છે.
લેનિનનું મમી
સોવિયેત રશિયાના ભૂતપૂર્વ નેતા વ્લાદીમીર લેનિન તા. ૨૧ જાન્યુઆરી, ૧૯૨૪ના રોજ મૃત્યુ પામ્યા હતા. યુદ્ધકાળમાં જ તેમનું મૃત્યુ થતાં એ વખતે આખા રશિયામાંથી સરકાર પર ૧૦ હજાર જેટલા ટેલિગ્રામ આવ્યા હતા. તે ટેલિગ્રામ દ્વારા લોકોએ લેનિનના શબને જાળવી રાખવા માંગણી કરી હતી, જેથી ભવિષ્યની પેઢી તેમને જોઈ શકે.
લોકોની આવી પ્રચંડ માંગણી બાદ તા. ૨૩ જાન્યુઆરીના રોજ પ્રો. એલેક્સી ઇવાનોવિચ એબ્રીકોસોવેને લેનિનના શબને કાયમ માટે જાળવી રાખવાની સૂચના આપવામાં આવી હતી. એ પછી લેનિનના કોફિનને મોસ્કોના રેડ સ્ક્વેરમાં જાહેર જનતાનાં દર્શન માટે મૂકવામાં આવ્યું હતું. એક લાખ લોકોએ લેનિનના કોફિનનાં દર્શન કર્યાં હતાં.
લેનિન માટે બનાવાયેલી કબરની દર અઠવાડિયે વૈજ્ઞાનિકોની એક ખાસ ટીમ મુલાકાત લેતી હતી. લેનિનને કાચની કબરમાં રાખવામાં આવ્યા હતા. આ વૈજ્ઞાનિકોએ તેમના શરીરમાંથી અવયવો કાઢી લઈને તેની અંદર કેટલાંક પ્રવાહી ભરી દીધાં હતાં.
એ પછી લેનિનના મૃતદેહને જાળવી રાખવા માટે ખાસ મુસોલિયમ ડિઝાઇન કરવામાં આવ્યું હતું. અલબત્ત, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના નામી સૈનિકો રશિયા પર આક્રમણ કરી લેનિનના મકબરાને ઉડાવી દેશે તેવા ભયથી લેનિનનો મૃતદેહ ખસેડીને ૧૯૪૧માં સાઇબેરિયા ખાતે લઈ જવામાં આવ્યો હતો. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ ફરી તેમના શબને મૂળ મોસ્કોના મુસોલિયમ ખાતે પાછું લાવવામાં આવ્યું હતું. લેનિનના શબને જ્યાં રાખવામાં આવ્યું છે ત્યાં રશિયન સૈનિકો દ્વારા ગાર્ડ ઑફ ઓનર અપાતું રહ્યું છે.
લેનિનના મૃત્યુ બાદ ૧૯૨૪થી ૧૯૭૨ સુધીમાં ૧૦ મિલિયન લોકોએ લેનિનના મૃતદેહને નિહાળવા એ સ્થળની મુલાકાત લીધી હતી. આજે આ આંકડો ડબલ થઈ ગયો છે.
લેનિનનો મૃતદેહ જાળવી રાખવાનું કામ કરી રહેલી વૈજ્ઞાનિકોની ટુકડીએ એવી કમાલની કેમિકલ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે કે લેનિનનો ચહેરો એવો ને એવો જ તાજો લાગે છે. જાણે કે તમારી નજર સમક્ષ જ લેનિન ઊંઘી ગયા છે અને હમણાં જ જાગશે. આ માટે વૈજ્ઞાનિકો અને તબીબોની એક ટીમ રોજ લેનિનના મૃતદેહની એક દર્દીની જેમ ચકાસણી કરે છે. ગ્લાસની ભીતરનું ટેમ્પરેચર ૧૬ ડિગ્રી સેલ્સિયસ જાળવી રાખવામાં આવે છે. ભેજનું પ્રમાણ ૫૦થી ૬૦ ટકા જાળવી રાખવામાં આવે છે. મૃતદેહને કોઈ બૅક્ટેરિયા લાગી ન જાય તેની કાળજી રાખવામાં આવે છે. એ માટે જે કેમિકલનો ઉપયોગ થયો છે તેને `બાલ્સમ’ કહે છે. તેમાં ગ્લિસરીન અને પોટેશિયમ ઍસિટેડ છે.
દર ૧૮ મહિને લેનિનના મૃતદેહને ગ્લાસના કૉફિનમાંથી બહાર કાઢી ખાસ પ્રકારના કેમિકલ દ્વારા તેને સ્નાન કરાવવામાં આવે છે. આ કેમિકલ્સ રશિયાએ અત્યાર સુધી ગુપ્ત રાખ્યાં હતાં, પરંતુ સોવિયેત રશિયાના પતન પછી દુનિયાને એ રહસ્યમય કેમિકલ્સ અંગે હવે જાણકારી પ્રાપ્ત થઈ છે. તેમાં પોટેશિયમ ઍસિટેડ, ગ્લિસરીન, આલ્કોહોલ, ડિસ્ટીલ્ડ વૉટર અને જંતુનાશક તરીકે ક્વિનાઈનનો ઉપયોગ થાય છે. લેનિનનો આ કેમિકલ બાથ છે. આજે પણ આ પ્રક્રિયા ચાલુ જ છે.
કેટલાક સમય પહેલાં એક પ્રશ્ન ઊભો થયો હતો. લેનિનના ચહેરા અને હાથ પર કેટલાક કાળા ડાઘ જોવા મળ્યા હતા, પરંતુ રશિયનોએ હવે એ પ્રશ્ન પણ હલ કરી દીધો છે. હ્યુમન બોડીના કેટલાક ટિશ્યૂઝ રિસ્ટોર કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થયો છે.
મોસ્કોમાં લેનિનનો મૃતદેહ જ્યાં જાળવી રાખવામાં આવ્યો છે તે મુસોલિયમ સોમવાર અને મંગળવાર સિવાયના તમામ દિવસોએ રોજ સવારે દસથી બપોરના એક વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહે છે. આજે પણ આ `મૉડર્ન મમી’ જોવા માટે રોજ સવારે મુસોલિયમ ખૂલે તે પહેલાં દુનિયાભરના લોકો લાંબી કતારો લગાવી દે છે. મુલાકાતીઓએ લેનિનનો મૃતદેહ નિહાળતી વખતે અદબ જાળવવી પડે છે. તસવીરો લેવાની કે વીડિયોગ્રાફીની મનાઈ છે. અંદર ગયા પછી વાતો કરવાની કે ધ્રુમપાનની પણ મનાઈ છે. ખિસ્સામાં હાથ રાખવાની કે માથા પર હેટ પહેરવાની પણ મનાઈ છે. મુસોલિયમનું રક્ષણ સશસ્ત્ર સૈનિકો કરે છે.
જોકે, હવે લેનિનના મૃતદેહને આ રીતે જાળવી રાખવો કે તેમને કાયમ માટે દફન કરી દેવો તે અંગે રશિયામાં ચર્ચા પણ શરૂ થઈ છે.
માઓત્સે તુંગનું મમી
સામ્યવાદી ચીનના ભૂતપૂર્વ વડા માઓત્સે તુંગ ચીન માટે એક દંતકથા જેવા છે. તેઓ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન હતા. છેક ૧૯૫૩થી પાર્ટીના સર્વેસર્વા રહી ચૂકેલા. ચેરમેન માઓનું અવસાન તા. ૯ સપ્ટેમ્બર, ૧૯૭૬ના રોજ થયું હતું.
માઓ પોતે તેમના મૃતદેહને અગ્નિસંસ્કાર અપાય તેવી ઇચ્છા ધરાવતા હતા, પરંતુ તેમના મૃત્યુ બાદ પાર્ટીએ તેમના મૃતદેહને લેનિનના મૃતદેહની જેમ જ જાળવી રાખવા નિર્ણય કર્યો હતો.
માઓ મૃત્યુ પામ્યા ત્યારે મૃતદેહને કાયમ માટે જાળવી રાખવાની ટેક્નોલૉજી ચીન પાસે નહોતી. વળી, સોવિયેત રશિયા સાથે તેના સંબંધો એ વખતે બગડેલા હોઈ રશિયા પાસેથી એ ટેક્નૉલૉજી મેળવવી મુશ્કેલ હતી. એટલે ચીને વિયેતનામની મદદ માંગી, કારણ કે વિયેતનામે તેમના વડા હોચી મીન્હના મૃતદેહને જાળવી રાખવા માટે રશિયા પાસેથી ટેક્નોલૉજી મેળવી હતી. વળી, એ વખતે વિયેતનામમાં યુદ્ધ ચાલતું હતું. અમેરિકનોના હુમલા સામે ચીન વિયેતનામને મદદ કરતું હોઈ વિયેતનામે બહુ સરળતાથી મૃતદેહ જાળવી રાખવાની રશિયા પાસેથી મેળવેલી ટેક્નોલૉજી ચીનને આપી દીધી.
પરંતુ મુશ્કેલી એ ઊભી થઈ કે શબને જાળવી રાખવાની કેમિકલ ટેક્નોલૉજી મળી, પરંતુ તે માટેનું ખાસ પ્રકારનું વૈજ્ઞાનિક કોફિન બનાવવાની ટેક્નોલૉજી ખુદ વિયેતનામ પાસે પણ નહોતી. ક્રિસ્ટલ કૉફિન રશિયાએ જ વિયેતનામને મોકલી આપ્યું હતું. પરિણામે ચીને પોતે જ ચેરમેન માઓને રાખવા માટે પોતાની જ ટેક્નોલૉજી વિકસાવી ઘરઆંગણે જ વૈજ્ઞાનિક કોફિન બનાવવું પડ્યું અને ચીન માટે એ એક મુશ્કેલ કામ સાબિત થયું.
માઓનું ક્રિસ્ટલ કોફિન બનાવવા માટેના પ્રોજેક્ટને ચીનમાં વિવિધ કંપનીઓને કામ સોંપવામાં આવ્યું.
આ પ્રોજેક્ટને `ટાસ્ક-૧’ એવું ગુપ્ત સાંકેતિક નામ આપવામાં આવ્યું. ચીનમાં એ વખતે કેટલીક ફેક્ટરીઓ માત્ર નંબરથી જ ઓળખાતી હતી. આ કામ ૬૦૮મી ફેક્ટરીને સોંપવામાં આવ્યું. હકીકતમાં તે સ્પેક્ટેકલ્સ ફેક્ટરી હતી. તે આંખનાં ચશ્માંના ગ્લાસ બનાવતી હતી. આ ફેક્ટરીના લેન્સીસ જર્મની સુધી જતા, પરંતુ તેનો લશ્કરી હેતુ માટે ઉપયોગ શરૂ થતાં ફેક્ટરીને `૬૦૮ ફેક્ટરી’ એવું નામ આપવામાં આવ્યું. માઓના ચહેરા પર રાખવાનાં ચશ્માં પણ આ ફેક્ટરીએ જ બનાવ્યા હતા. ફેક્ટરીના મેનેજર પાસે ચીનમાં આવેલી રશિયન એમ્બેસીમાં લટકાવેલી લેનિનના કોફિનની તસવીર સિવાય બીજું કંઈ જ નહોતું. છતાં ફેક્ટરીએ માઓ માટે ક્રિસ્ટલ કોફિન તૈયાર કરવા માંડ્યું, પરંતુ ચીન પાસે જરૂરી ક્વાર્ટ્ઝ ગ્લાસ નહોતા. બીજી ફેક્ટરીઓ પાસે ક્વાર્ટ્ઝ ગ્લાસ નહોતા. બીજી ફેક્ટરીઓને ક્વાર્ટ્ઝ પાઉડર તૈયાર કરવાનું સોંપાયું. પાઉડરને ૨૦૦૦ ડિગ્રી સેલ્સિયસની ગરમીથી પીગળાવી ક્વાર્ટ્ઝ ગ્લાસ તૈયાર કરવામાં આવ્યા. વેલ્ડિંગ માટે હાઈડ્રોજન ઓક્સિજન ફ્લેન ગનનો ઉપયોગ થયો અને એ રીતે ક્વાર્ટ્ઝની પ્યોરિટી ૯૯.૯૯૯૯ ટકા હાંસલ કરવામાં આવી, જે આજે પણ એક વિશ્વરેકર્ડ છે. અનેક અટપટી ટેક્નોલૉજીની મદદથી ક્રિસ્ટલ કોફિન તૈયાર થયું.
મૃતદેહની ચામડીના રંગથી માડીને બીજી અનેક બાબતો જાળવી રાખવાનું કામ બીજિંગ મેડિકલ યુનિવર્સિટીએ કર્યું. કોફિનની અંદર ઝેનોન લેમ્પ્સ ગોઠવવામાં આવ્યા, જેથી મૃતદેહ તાજો જ લાગે. તેમાં ફાઇબર ઓપ્ટિક ટેક્નોલૉજીની મદદ લેવામાં આવી, જેથી મુલાકાતીને પ્રકાશ ક્યાંથી આવે છે તે દેખાય જ નહીં.
તા. ૨૭ નવેમ્બર, ૧૯૭૭ના રોજ ૬૦૮ ફેક્ટરી દ્વારા તૈયાર થઈ ગયેલા આ કોફિનને ભૂકંપપ્રૂફ છે કે નહીં તેની ચકાસણી માટે મોકલવામાં આવ્યું. બીજી કંપનીઓએ પણ આવાં જ ક્રિસ્ટલ કોફિન સ્પર્ધા માટે મોકલ્યાં હતાં, પરંતુ ૬૦૮ ફેક્ટરીનું કોફિન સ્પર્ધા જીતી ગયું. માઓના કોફિનની તૈયારીને ચીને ગુપ્ત રાખી હતી.
મૃતદેહની જાળવણી માટે તો ચીને વિયેતનામ પાસેથી મેળવેલી રશિયન ટેક્નોલૉજીનો જ ઉપયોગ કર્યો છે.
ચેરમેન માઓના મૃતદેહને જે મુસોલિયમમાં રાખવામાં આવ્યો છે તે `મુસોલિયમ ઓફ માઓ ઝેડાંગ’ તરીકે ઓળખાય છે. આજે પણ બીજિંગના પ્રખ્યાત તાઈનામેન સ્ક્વેર ખાતે આ મુસોલિયમ વિશ્વના લાખ્ખો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. માઓના શબને નિહાળવા રોજ સવારે લોકો કતારો લગાવી દે છે.
માઓના પરિવારના સભ્યો (તેમનાં જેલમાં રહેલાં વિધવા પત્ની સિવાય) વર્ષે એક વાર માઓના જન્મદિવસે અહીં આવે છે, પરંતુ કહેવાય છે કે માઓની કોન્ગ ડોન્ગેની નામની પૌત્રીને આ મુસોલિયમમાં પ્રવેશવા દેવામાં આવતી નહોતી. ચીન સરકાર એનું કારણ પણ આપતી નથી, પરંતુ અનેક વિનંતીઓ બાદ માઓની પૌત્રીને વર્ષમાં એક જ વખત સશસ્ત્ર પહેરા સાથે જ મુસોલિયામાં પ્રવેશવા દેવામાં આવે છે અને તે પણ ખાનગીમાં. પૌત્રીએ અહીં આવીને રડવું નહીં તેવો પ્રતિબંધ પણ છે.
અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ લોકોએ આ મુસોલિયમની મુલાકાત લીધી છે. માઓના આ મકબરાના બાંધકામ, તેમાં વપરાયેલાં નાણાં અને મજૂરોના શોષણ અંગે ચીનનો જ નાનકડો પણ સુધારાવાદી વર્ગ વિરોધ કરી રહ્યો છે. એક બેકાર મહિલાએ મુસોલિયમમાં જઈ ક્રિસ્ટલ કોફિન પર પથ્થર ફેંકવા કોશિશ કરી હતી, પરંતુ તેને પકડી લેવામાં આવી હતી. એ જ રીતે માઓના મુસોલિયમને ઉડાડી દેવા આવેલા બે મુલાકાતીઓને બહારની કતારમાંથી જ વિસ્ફોટકો સાથે પકડી લેવામાં આવ્યા હતા.
આવી છે બે સામ્યવાદી નેતાઓના `મોડર્ન મમી’ની કથા.
——————————————————————-

Be Sociable, Share!