‘કુમારસંભવમ્’ એ મહાકવિ કાલિદાસની પ્રથમ કૃતિ હતી. એમાં રાક્ષસને હણનાર કુમાર એટલે કે ર્કાતિકેયના જન્મની રસપ્રદ કથા છે.
તારકાસુર નામનો રાક્ષસ દેવોને પીડા આપતો હતો. તારકાસુરની પરેશાનીથી બચવા દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ જ તારકાસુરને વરદાન આપી શક્તિશાળી બનાવ્યો હતો. નિરૂપાય બ્રહ્માએ કહ્યું, ‘શંકરના તેજથી પાર્વતીની કૂખે જન્મેલો પુત્ર જ તારકાસુરને હણી શકે.’
પરંતુ, આ ઘટના અગાઉ દક્ષનાં પુત્રી તો પિતાના ઘરે પતિ શંકરનું અપમાન થતાં જ દક્ષના રાજમહેલમાં જ અગ્નિકુંડમાં પોતાની જાતને સમાવી દઈ મૃત્યુ પામ્યાં હતાં, પરંતુ હવે પર્વતરાજ હિમાલય અને તેમનાં પત્ની મેનાના ઘરે તેઓ પાર્વતીરૂપે પુત્રી બની ફ્રી અવતર્યાં હતાં. પત્નીના મૃત્યુ બાદ શંકર પણ હિમાલયના એક શિખર પર જ તપ કરતાં હતા. દેવોના દેવ ઇન્દ્ર ચતુર હતા. એણે તપસ્વી શંકર અદ્વિતીય સૌંદર્ય ધરાવતી પાર્વતી તરફ્ આકર્ષાય તેવું કાંઈક કરવાનું કામ કામદેવને સોંપ્યું. કામદેવે તેના પ્રિય મિત્ર વસંતની સહાય લીધી.
હિમાલયનાં બફ્ર્ીલાં શિખર પર તપ કરતાં શંકરને વિચલિત કરવા વસંતે અચાનક જ તપોભૂમિમાં વસંતઋતું જેવું વાતાવરણ સર્જી દીધંુ. આમ્રમંજરીઓ મહેકવા લાગી. ફ્ૂલો ખીલી ઊઠયાં, પરંતુ શંકર અચલ હતા. કામદેવ નિરાશ થયો, પરંતુ અચાનક તેને ખ્યાલ આવ્યો કે હિમાલયની સ્વરૂવાન પુત્રી રોજ અહીં પૂજા કરવા આવે છે. એક દિવસ પાર્વતીએ મહાદેવને પ્રણામ કર્યાં. એ જ વખતે કામદેવ શંકર પર સંમોહન નામનું બાણ છોડવાની તૈયારી કરવા લાગ્યો. શંકર વસંતની મહેક અને કામદેવના સજ્જ થયેલા બાણથી એક ક્ષણે વિચલિત થઈ ગયા, પરંતુ બીજી જ ક્ષણે વૃત્તિઓને કાબૂમાં લેતા ફ્રી ધ્યાનસ્થ થઈને જોયું તો ખબર પડી કે કામદેવ પોતાને એક કુંવારિકા તરફ્ આર્કિષત કરવા તૈયારી કરી રહ્યો છે. શંકર ક્રોધે ભરાયા અને ત્રીજું નેત્ર ખોલી એમણે કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો. આ દૃશ્ય જોઈને કામદેવની પત્ની રતિ ર્મૂછિત થઈ ગઈ. હવે રતિ પણ પોતાના માટે ચિતા તૈયાર કરાવી બળી જવા તૈયાર થઈ, પરંતુ દેવવાણી થઈ કે ‘કામદેવનો પુનર્જન્મ થશે અને શંકર-પાર્વતીનાં લગ્ન થશે ત્યારે તેનું તેના પતિ સાથે પુર્નિમલન થશે.’
કામદેવને પોતાની હાજરીમાં જ ભસ્મીભૂત થતા જોઈ પાર્વતી મનમાં ને મનમાં પોતાના સૌંદર્યને તુચ્છકારવા લાગી. પાર્વતી મનથી જ શંકરને પામવા કૃતનિૃયી હતી. પાર્વતીએ હવે પોતાના તપોબળથી શંકરને પામવા નિર્ણય કર્યો. માતા-પિતાની રજા લઈ પાર્વતી બે સખીઓ સાથે તપ કરવા હિમાલયના એક શિખર પર ગઈ, જે શિખર પાછળથી ગૌરીશિખર તરીકે ઓળખાયું. અહીં પાર્વતીએ અતિ કઠોર તપ અને વ્રત શરૂ કર્યાં. સ્નાન કરીને પવિત્ર બનેલી પાર્વતી હવે વલ્કલ ધારણ કરી અગ્નિમાં હોમ આપવા લાગી. વેદોનું અધ્યયન કરવા લાગી. ઋષિઓ પણ તેનું તપ જોવા આવ્યા. પાર્વતીનું તપ જોઈ હિંસક પ્રાણીઓ પણ અંદરોઅંદરનું વેર ભૂલી શાંત થઈ ગયાં. વૃક્ષો ઇચ્છા પ્રમાણે ફ્ળ આપવા લાગ્યાં. પોતાના દેહની નાજુકતાને ગણકાર્યા વિના પાર્વતીએ કઠોર તપનો આરંભ કર્યો. ગ્રીષ્મમાં તે પાણી અને ચાંદની પર જીવતી રહી. વર્ષાઋતુમાં ચાંદનીના દેખાતાં માત્ર મેઘજળ પર નિર્વાહ ચલાવ્યો. હેમંતઋતુમાં માત્ર પાંદડાં જ ખાતી રહી. સમય જતાં એણે ખરેલાં પાંદડાં પણ ખાવાનું બંધ કર્યું. ઋષિઓના તપને પણ એક દિવસ ઝાંખું પાડી દીધું.
એક દિવસ પાર્વતીના તપોવનમાં મૃગચર્મ અને પલાશદંડ ધારણ કરેલો એક જટાધારી બ્રહ્મચારી આવ્યો. પાર્વતીએ બ્રહ્મચારીનો સત્કાર કર્યો. કેટલાક પ્રશ્નો પૂછયા બાદ બ્રહ્મચારીએ પાર્વતીને સહજતાથી પૂછયું, ‘તમે આદિ પ્રભુ બ્રહ્માના કુળમાં જન્મેલાં છો. ત્રણેય લોકમાં જોવા ન મળે તેવું અદ્વિતીય સૌંદર્ય ધરાવો છો. ઐશ્વર્ય તો તમારી પાસે છે જ, વળી યુવાન પણ છો. આ બધું જ હોવા છતાં આટલું કઠોર તપ કયા ફ્ળ માટે કરો છો? વરપ્રાપ્તિ માટે તમારે કોઈ તપ કરવાની જરૂર નથી, કારણ કે વર તો તમને શોધતો આવશે.’
વરપ્રાપ્તિની વાત સાંભળી પાર્વતીએ નિસાસો નાખ્યો. પાર્વતીના નિસાસા પરથી બ્રહ્મચારી કળી ગયો કે પાર્વતીનું તપ વરપ્રાપ્તિ માટે જ છે. બ્રહ્મચારીએ પાર્વતીની માનસિક સ્થિતિ પામી ગયા બાદ કહ્યું, ‘તમને જે યુવક ગમે છે તે તેના રૂપથી છકી ગયો લાગે છે.’
પાર્વતી તો કાંઈ બોલી નહીં, પરંતુ તેની સખીએ કહ્યું, ‘કામદેવ ભસ્મીભૂત થતાં અમારી સ્વમાની પાર્વતી સૌંદર્યથી નહીં જીતી શકાતા શંકરને પતિ તરીકે પ્રાપ્ત કરવા તપ કરી રહી છે.’
બ્રહ્મચારીએ કહ્યું, ‘મહાદેવ તો મને પરિચિત છે. તમે એવી વ્યક્તિને વર તરીકે પ્રાપ્ત કરવા કેમ ઉત્સુક થયાં છો? મીંઢળ બાંધેલો તમારો હાથ શંકરના સાપથી વીંટળાયેલા હાથથી પાણિગ્રહણ કેવી રીતે સ્વીકારી શકશે? તમારું સુંદર પાનેતર અને લોહી નીંગળતું શંકરનું હસ્તિચર્મ કેવી રીતે સાથે રહી શકશે? લગ્નમંડપમાં પુષ્પો પર પડનારા તમારા સુકોમળ પગ પતિગૃહે સ્મશાનમાં વીખરાયેલા વાળ પર કેવી રીતે પડશે? તમને મહાદેવનું વક્ષઃસ્થળ આલિંગન વખતે સુલભ થાય તોપણ હરિચંદનનો લેપ કરવાને લાયક તમારાં વક્ષઃસ્થળ પર ચિતાની રાખોડી લાગશે તે કેવું અયોગ્ય હશે? તમે શ્રોષ્ઠ હાથી પર બેસવાને લાયક છો ત્યારે મહાદેવ વૃદ્ધ પોઠિયા પર બેસાડીને તમને લઈ જશે ત્યારે લોકો તમારો કેવો ઉપહાસ કરશે? વળી શંકરની આંખો વિકૃત છે. તેમનાં માતા-પિતા વિશે કોઈ કાંઈ જાણતું નથી. શરીર ઢાંકવા તેમની પાસે પૂરતું વસ્ત્ર નથી.’
બ્રહ્મચારી બ્રાહ્મણની વાત સાંભળતાં મૃગનયની પાર્વતીએ લાલઘૂમ થઈ ગયેલી આંખોની તીખી નજર બ્રહ્મચારી પર નાખી. તેના હોઠ ક્રોધથી ધ્રૂજવા લાગ્યા. પાર્વતીએ બ્રહ્મચારીની દલીલોનું ખંડન કરતાં કહ્યું, ‘ખરેખર, તમે મહાદેવને તાત્ત્વિક રીતે ઓળખતા જ નથી. સામાન્ય માનવીઓ આપત્તિ ટાળવા માટે અથવા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે માંગલિક પદાર્થોનું સેવન કરે છે, પરંતુ આ જગતના મહાદેવ તો એ બધાથી પર છે. મહાદેવ દરિદ્ર છે પણ સંપત્તિના કારણરૂપ છે. તેઓ સ્મશાનમાં વસે છે પણ ત્રણેય લોકના સ્વામી છે. બિહામણા દેખાતા હોવા છતાં તેઓ ‘શિવ’ એટલે કે કલ્યાણકારી કહેવાય છે. મહાદેવ નિરાકાર અને સ્થળકાળથી પર હોઈ તેમનું સાચું સ્વરૂપ ઓળખી શકાતું નથી. ચિતાની ભસ્મ તો તેમના શરીરના સ્પર્શથી પવિત્ર બની જાય છે. તાંડવનૃત્ય વખતે તેમના શરીર પરથી ખરેલી ભસ્મ તો દેવતાઓ પણ પોતાના માથે ચડાવે છે. મહાદેવ તેમના વૃદ્ધ પોઠિયા પર બેસીને પસાર થતા હોય ત્યારે ઐરાવત હાથી પર સવાર થઈને જતો ઇન્દ્ર પણ શંકરનાં ચરણોમાં પોતાનું મસ્તક નમાવે છે. વળી,મહાદેવ તો સ્વયં બ્રહ્માની ઉત્પત્તિનું કારણ છે ત્યારે તેમના જન્મ વિશે કેવી રીતે જાણી શકાય? તમે શિવની કરેલી નિંદા તમારી દુષ્ટતાનું પ્રદર્શન કરે છે.’
પાર્વતી એકીશ્વાસે બોલી ગઈ અને છેલ્લે કહ્યું, ‘તમે કહો છો તેવા શંકર ભલે હોય પરંતુ મારું પ્રણયથી ભીંજાયેલું મન તો તેમના પર જ ઠર્યું છે.’
એટલું બોલ્યા બાદ પાર્વતીએ એની સખીને કહ્યું, ‘અલી, કાઢી મૂક આ વાચાળ બ્રહ્મચારીને. એની વાત સાંભળતાં પણ પાપ લાગે. અગર તો હું જ અહીંથી ચાલી જાઉં છું.’
પાર્વતીએ ચાલવા માંંડયું. એવામાં એક અલૌકિક ઘટના ઘટી. બ્રહ્મચારી અલોપ થઈ ગયા અને એમના સ્થાને સ્વયં મહાદેવ પ્રગટ થયા. સાક્ષાત્ શંકરને સામે ઊભેલા જોઈ પાર્વતી કાંઈ બોલી શકી નહીં. મહાદેવે સસ્મિત થઈને કહ્યું, ‘હે નાજુક સ્ત્રી! તારાં તપથી ખરીદાયેલો હું આજથી તારો દાસ થઈ ગયો.’
આનંદના અતિરેકમાં પાર્વતીનો કઠોર તપશ્ચર્યાનો બધો જ થાક ઊતરી ગયો.
એ પછી પિતા હિમાલય અને માતા મેનાની સંમતિથી શંકર અને પાર્વતીનાં લગ્નનું નક્કી થયું. હિમાલયે પોતાના નગરને સુંદર રીતે શણગાર્યું. શંકર વર બની નંદી પર સવાર થઈ જાનૈયાઓ સાથે ઔષધિપ્રસ્થમાં આવ્યા. શંકરના મોહક રૂપને જોઈ નગરની સ્ત્રીઓનાં મુખમાંથી પ્રશસ્તિના ઉદ્ગાર સરી પડયા. લગ્નવિધિ બાદ સરસ્વતીએ આશીર્વાદ આપ્યા. તે પછી શંકર પાર્વતી સાથે મેરૂ, મંદાર, કૈલાસ અને નંદનવન વગેરે સ્થળે વિચર્યા. છેવટે ગન્ધમાદન પર્વત પર તેમણે નિવાસ કર્યો. ચાંદની રાત્રે પ્રસન્ન દાંપત્યસુખ માણ્યું. અહીં પચીસ વર્ષ પસાર કર્યાં.
પરંતુ, હવે દેવોને શિવ-પાર્વતીના પુત્રનો ઇન્તજાર હતો. અગ્નિદેવ હોલાના સ્વરૂપે શંકર પાસે ગયા અને તારકાસુરથી દેવોને થતી પીડાની યાદ અપાવી. શંકરે પોતાનું તેજ અગ્નિમાં ફ્ેંક્યું. અગ્નિથી તે જીરવી ન શકાતાં એણે એ તેજ ગંગામાં નાખ્યું. ગંગાએ તેને છ કૃતિકાઓમાં સંક્રાત કર્યું. એથી છ મુખવાળા બાળકનો ઉદ્ભવ થયો. શિવ-પાર્વતીના બાળક તરીકે ઓળખાતાં આ સંતાનને પાર્વતી કૈલાસ લઈ ગયાં. તેને ર્કાતિકેય એવું નામ આપવામાં આવ્યું અને ઇન્દ્રદેવની વિનંતીથી શંકરે ર્કાતિકેયને તારકાસુર સામેના યુદ્ધમાં દેવોના સેનાપતિ બનવા કહ્યું. ર્કાતિકેયે શંકરની આજ્ઞાા પાળી અને દેવો અને તારકાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. દેવોના સૈન્યના સેનાપતિ બનેલા ર્કાતિકેયે તારકાસુરનો વધ કર્યો.
આવી રસપ્રચુર કથા એક મહાકાવ્ય રૂપે મહાકવિ કાલિદાસે લખી છે. મહાકવિ કાલિદાસ પાસે આગવી પ્રતિભા, ભવ્ય કલ્પનાશક્તિ, અવલોકન, જીવનના પ્રત્યેક પાસાનું સૂક્ષ્મ નિરીક્ષણ, ઉચ્ચ સંવેદનશીલતા, ભાષા પરનું પ્રભુત્વ અને બધું જ છે. શંકરે કામદેવને ભસ્મીભૂત કર્યો એ કથા પુરાણોમાં પણ આવે છે. મહાકવિ કાલિદાસ રચિત ‘કુમારસંભવમ્’ કુલ આઠ સર્ગમાં લખાયેલું છે. બધા જ સર્ગ જુદા જુદા છંદોમાં લખાયેલા છે. મહાકવિ કાલિદાસને પ્રાચીન કાળથી આજ સુધીના ભારત સહિત પાશ્ચાત્ય દેશોના વિવેચકોએ મુક્ત કંઠે વખાણ કર્યાં છે. કવિ જયદેવે ‘કવિકુલગુરુ’ તરીકે બિરદાવી કવિતા કામિનીના વિલાસ કહ્યા છે. ઉપમા આપવામાં કવિ બેજોડ હોઈ ‘ઉપમા કાલિદાસસ્ય’ ઉક્તિ સાહિત્યજગતમાં સુપ્રસિદ્ધ છે. ‘કુમારસંભવમ્’માં કવિએ શૃંગારરસનો ભરપૂર ઉપયોગ કર્યો છે. ‘, પરંતુ મહાકવિ કાલિદાસ માને છે કે દેહનો સ્થૂળ પ્રેમ ભૌતિક વાસનાઓથી સભર હોય છે. સાચો પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ પરસ્પરના અંતર્ગત સાથે સંબંધ ધરાવે છે અને પરસ્પરનાં અધ્યાત્મ સ્વરૂપ પ્રગટ કરે છે. આ પ્રકારનો પ્રેમ ઝંખતાં દંપતીના હૃદયમાં પ્રેમનું અદ્વૈત હોય છે. અલબત્ત, આવા પ્રેમમાં શારીરિક પ્રેમ, ભૌતિક સમાગમને કોઈ સ્થાન જ નથી એમ કવિ માનતા નથી. ઉચ્ચતમ પ્રેમના દોરથી સંકળાયેલું યુગલ નિષ્કામ વાસનાથી શારીરિક કામને લાલન આપે છે. કવિએ આ મહાકાવ્યમાં ભૌતિક અને અધ્યાત્મના મિલનનું શ્રોષ્ઠ સંમિશ્રાણ ઉદાત્ત રીતે રજૂ કર્યું છે. કવિએ અહીં કામદેવને નિષ્ફ્ળ બતાવ્યો છે જ્યારે તપ, પૂજા અને એક નિષ્ઠાને સફ્ળ બતાવ્યાં છે.
– દેવેન્દ્ર પટેલ




