Close

જીજાજી, આજે પણ હું તમારી સાથે છું, કાલે પણ સાથે હોઈશ

શાલિની. એનું આખું નામ શાલિની સિંહ છે. ઉંમર ૨૨ વર્ષની છે. તે મોતીસિંહ નામના એક શ્રાીમંત ખેડૂત પરિવારની પુત્રી છે. મોતીસિંહને ત્રણ દીકરીઓ છે. સૌથી મોટી યશોદા, બીજી શાલિની અને ત્રીજી મંજુ.
મોટી દીકરી યશોદાને હરદોઈનિવાસી ઈન્દ્રપાલના પુત્ર દિલીપ  સાથે પરણાવેલી છે. યશોદા અને દિલીપ લખનૌમાં રહે છે. દિલીપની યશોદા સાથે શાદી થઈ ત્યારે તેની નાની બહેન શાલિની ૧૦ વર્ષની હતી. લગ્ન પછી યશોદા શાલિનીને પણ પોતાની સાથે લખનૌ લઈ આવી હતી અને લખનૌની જ સ્કૂલમાં દાખલ કરાવી દીધી હતી. સમયાન્તરે યશોદા ત્રણ બાળકોની માતા બની હતી.
ક્રમશઃ શાલિની પણ મોટી થતી ગઈ હતી. દિલીપને એની સાળી શાલિની માટે અત્યંત પ્રેમ હતો. ગોરી, દૂબળી, પાતળી અને મોટી મોટી આંખોવાળી બાળકી હવે યુવતી બની ગઈ હતી. દિલીપ એના નજાકતભર્યા દેહ સાથે કદીક છેડછાડ પણ કરી લેતો હતો. શહેરમાં રહેતી શાલિની પણ ચંચલ બની ગઈ હતી. એને પણ જીજાજીની છેડછાડ ગમતી હતી. જીજાજીના સ્પર્શનો એ કોઈ વિરોધ કરતી નહોતી.
દિલીપની પત્ની યશોદા ત્રણ બાળકોની માતા હોવાથી ઘરકામમાંથી નવરી પડતી નહોતી. એ દિલીપ પ્રત્યે પૂરતું ધ્યાન પણ આપી શકતી નહોતી. આ પરિસ્થિતિમાં હવે વયસ્ક બની ગયેલી શાલિની સાથે દિલીપ વધુ છૂટછાટ લેવા માંડયો હતો. અંદરના ખંડમાં તે એકલો હોય ત્યારે કોઈ ને કોઈ બહાને શાલિની અંદર જતી અને દિલીપ તેનો હાથ પકડી લેતો. શાલિની તેનો વિરોધ કરતી નહીં. કદીક તેને બાહુપાશમાં જકડી લે તો શાલિની ઈન્કાર કરતી નહીં. દિલીપનો સ્પર્શ શાલિનીની ભીતર રહેલી સ્ત્રીને જગાવી રહ્યો હતો.
એકવાર એની મોટી બહેન યશોદાને પિયર જવાનું થયું. આમ તો શાલિનીને પણ સાથે જ જવાનું હતું. પરંતુ શાલિનીએ કહ્યું ઃ ‘બહેન, તું જ જઈ આવને…. આટલા દિવસ છોકરાઓને રસોઈ કોણ બનાવી આપશે ? હું નથી આવતી.’
ભોળી યશોદા માની ગઈ તે શાલિનીને ઘેર જ રહેવા દઈ એકલી જ પિયર ગઈ.
એ સાંજે ઘરમાં બધાએ જમી લીધા પછી શાલિની બહેનના ત્રણેય બાળકો સાથે એક જ રૂમમાં સૂઈ ગઈ. પરંતુ એની આંખોમાં ઊંઘ નહોતી. રાત આગળ ધપી અને છોકરાં ઊંધી ગયાં. થોડી જ વારમાં દિલીપ આવ્યો અને એણે ધીમેથી શાલિનીને ઉઠાડી. શાલિની કોઈ પણ જાતના વિરોધ વિના ઊભી થઈ અને ચૂપચાપ દિલીપની પાછળ પાછળ એના રૂમમાં ગઈ. દિલીપે ધીમેથી પોતાના રૂમનું બારણું બંધ કરી દીધું- શાલિનીએ કોઈ જ વિરોધ કર્યો નહીં. મર્યાદાઓ તૂટી ગઈ. રિશ્તાઓની દીવાલ તૂટી ગઈ.
યશોદા પાછી આવી.
દિલીપ અને શાલિનીની હસી-મજાકને યશોદા સાળી-બનેવીના નિર્દોષ સંબંધ સમજતી હતી. અલબત્ત, જયારે પણ એકાંત મળે ત્યારે દિલીપ અને શાલિની તેનો ભરપૂર ફયદો ઉઠાવી લેતાં હતાં. દિલીપે શાલિનીને હવે તરુણીમાંથી યુવતી બનાવી દીધી હતી.
જોકે હવે બન્યું એવું કે શાલિનીનું ભણવાનું પૂરું થઈ જતાં એના પિતા મોતીસિંહે એને પોતાના ગામ બોલાવી લીધી. શાલિની હવે પુખ્ત બની ગઈ હોવાથી મોતીસિંહ એના વિવાહ માટે યોગ્ય મુરતિયો શોધવા લાગ્યા હતા. શાલિની એના ગામ જતી રહેતાં દિલીપ હવે પરેશાન રહેવા લાગ્યો હતો. શાલિની પણ હવે મજબૂર હતી. ત્રણેક મહિને એકાદ જ વાર એને બહેનના ઘેર જવા મળતું હતું.
શાલિની જે ગામમાં રહેતી હતી તે ગામમાં નાની બહેન મંજુની એક સહેલી સોનિયા   પણ હતી. એક વાર તે મંજુની સાથે સોનિયાના ઘેર પહોંચી. ચા-નાસ્તા વખતે સોનિયાનો ભાઈ ધર્મેન્દ્ર પણ હાજર હતો. ધર્મેન્દ્રએ પહેલી જ વાર શાલિનીને જોઈ. મંજુએ તેનો પરિચય કરાવતાં કહ્યું, ‘ભાઈ સાહેબ, આ મારી બહેન શાલિની છે. તે લખનૌ રહેતી હતી પરંતુ પિતાજી એના માટે છોકરો શોધવા ઘેર લઈ આવ્યા છે.’
‘અગર કોઈ છોકરો ન મળે તો હું પણ કુંવારો છું.’ ધર્મેન્દ્રએ હસતાં હસતાં ગમ્મત કરી.
શાલિની શરમાઈ ગઈ. શાલિની ધર્મેન્દ્રના વ્યક્તિત્વથી અને હસી-મજાકથી કાફ્ી પ્રભાવિત થઈ હતી. ધર્મેન્દ્રને પણ પહેલી જ નજરે શાલિની ગમી ગઈ હતી.
એક દિવસ ધર્મેન્દ્ર કોઈ જ પૂર્વસૂચના વિના શાલિનીના ઘેર પહોંચી ગયો. શાલિની પણ ધર્મેન્દ્રની આ સરપ્રાઈઝ વિઝિટથી ખુશ થઈ ગઈ. શાલિનીએ ધર્મેન્દ્રનો એનાં માતાપિતા સાથે પરિચય કરાવ્યો.
દિલીપની સરખામણીમાં ધર્મેન્દ્ર વધુ આકર્ષક હતો. વળી, આમેય જીજાજીને મળ્યે શાલિનીને ઘણો સમય થઈ ગયો હતો. એની જગા ભરવા માટે ધર્મેન્દ્ર વધુ યોગ્ય હતો. એમ લાગતાં શાલિનીએ ધીમે ધીમે ધર્મેન્દ્રને બહાર મળવાનું શરૂ કરી દીધું. બંને સાથે જ નજીકના શહેરમાં પિક્ચર જોવા જવા લાગ્યાં, ફ્રવા જતાં. શાલિની અને ધર્મેન્દ્રની મિત્રતાની એના પિતા મોતીસિંહને ખબર પડતાં એમણે શાલિનીને ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવું હોય તો તેમ કરવાની હા પાડી. જોકે આ વાતની ખબર પડતાં જીજાજી દિલીપે તેનો વિરોધ કર્યો, પરંતુ શાલિનીએ એને મનાવી લેતાં કહ્યું ઃ ‘જીજાજી ! આ લગ્ન તો હું દેખાવ ખાતર જ કરી રહી છું. હું અવિવાહિત છું તેથી તમને મળી શકતી નથી. એકવાર લગ્ન થઈ જાય પછી મારી પર કોઈ રોકટોક નહીં હોય. એકવાર મને લગ્ન કરાવી આપો. આજે પણ હું તમારી સાથે છું અને કાલે પણ તમારી સાથે હોઈશ.’
છેવટે દિલીપની મદદથી શાલિની અને ધર્મેન્દ્રએ કોર્ટમાં સિવિલ મેરેજ કરી લીધા. શાલિની એના સાસરે ગઈ. એણે હવે ધમેન્દ્ર સાથે ગૃહસ્થ જીવન શરૂ કર્યું. શરૂઆતમાં તો ઠીક ચાલ્યુ પરંતુ ધીમે ધીમે શાલિનીને લાગ્યું કે અહીં તો કોઈ આઝાદી જ નથી. એની ઉપર જવાબદારીઓનો બોજ આવી પડયો હતો. સાસુ-સસરા તરફ્થી વિવિધ મર્યાદાઓ બાંધી દેવામાં આવી હતી. આખો દિવસ રસોઈ બનાવો અને ઘરકામ કરો. થોડાક જ સમયમાં તે કંટાળી ગઈ. એને હવે જીજાજી યાદ આવવા લાગ્યા હતા. પતિ ધર્મેન્દ્ર એની બધી જ જરૂરિયાતોનો ખ્યાલ રાખતો હતો, પરંતુ શાલિનીને તો એના પહેલા પ્યારની જ તલાશ હતી. એ દરમિયાન નોકરી શોધવા માટે ધર્મેન્દ્ર દિલ્હી જતો રહ્યો. શાલિની હવે એકલી થઈ ગઈ. એણે જીજાજીને પત્ર લખી થોડા દિવસ માટે અહીંથી લઈ જવા વિનંતી કરી. પત્ર મળતાં જ દિલીપ આવ્યો અને પત્ની યશોદાની તબિયત સારી નથી એવું બહાનું કાઢી થોડા દિવસ માટે શાલિનીને લઈ જવી પડશે એમ કહ્યું. સાસરિયાંઓએ કહ્યું, ‘ધર્મેન્દ્ર દિલ્હી ગયો છે, એના આવી ગયા બાદ તમે શાલિનીને લઈ જજો.’
પરંતુ શાલિની તો જવા તૈયાર જ થઈ ગઈ. સાસુ-સસરા સમજાવતાં રહ્યાં અને શાલિની તો દિલીપની સાથે રવાના જ થઈ ગઈ.
ચાર દિવસ સુધી તે જીજાજીને ઘેર જ લખનૌમાં રહી અને પાછી સાસરીમાં ના પહોંચી એટલે એનાં સાસુ-સસરા શાલિનીને લેવા દિલીપના ઘેર પહોંચ્યાં. દિલીપે કહ્યું કે, ‘હમણાં શાલિની તમારી સાથે નહીં આવે, કારણ કે તમે એને હેરાન કરો છો.’
ખૂબ માથાકૂટ કર્યા પછી શાલિનીને લીધા વગર જ એનાં સાસુ-સસરા પાછાં ગયાં. ધીમે ધીમે એમને પણ ખબર પડી કે વહુ શાલિનીને એના જીજાજી સાથે આડા સંબંધો છે, એટલે ધર્મેન્દ્રને પત્ર લખી પાછા આવી વહુ વિષે જાતે જ નિર્ણય લેવા જણાવ્યું. પત્ર મળતાં જ ધર્મેન્દ્ર દિલ્હીથી પાછો આવી ગયો. ઘેર આવ્યા પછી આખી વાત જાણ્યા બાદ તે દિલીપના ઘેર ગયેલી શાલિનીને તેડવા સાંજની જ બસમાં લખનૌ જવા રવાના થયો. લખનૌ પહોંચતાં જ તે દિલીપના ઘેર ગયો. તે ગુસ્સામાં હતો.
શાલિનીએ ધર્મેન્દ્રને જોતાં જ એકદમ આનંદ વ્યક્ત કર્યો. એણે કહ્યું ઃ ‘સારું થયું, ધર્મેન્દ્ર, તું આવી ગયો. હું તારી જ રાહ જોતી હતી. ચાલ, મને લઈ જા હવે.’
ધર્મેન્દ્ર તો વિચારમાં જ પડીગયો- શાલિની એકાએક ધર્મેન્દ્રને વળગી પડી. શાલિનીએ આંખમાંથી પાણી કાઢી નાંખતાં કહ્યું ઃ ‘આટલા દિવસથી તું નહોતો મળ્યો એટલે હું કંટાળી ગઈ હતી. ચાર દિવસ હું અહીં રહેવા આવી એટલામાં તો મમ્મી-પપ્પાએ…’
ધર્મેન્દ્ર પણ શાલિનીની આંખમાં આંસુ જોઈ ઓગળી ગયો. એને લાગ્યું કે મારાં માતા-પિતા જ ખોટાં છે. તેમણે નાહક શાલિની પર આરોપ મૂક્યો છે. દિલીપે પણ ધર્મેન્દ્રની આગતાસ્વાગતા કરી.
દિલીપે કહ્યું ઃ ‘હવે તમે આવ્યા છો તો રાત રોકાઈ જાવ. કાલે જમીને જોે.’
ખૂબ આગ્રહને વશ થઈ ધર્મેન્દ્ર રાત્રે દિલીપના ઘેર જ રોકાયો. બીજા દિવસે શાલિનીએ જાતે જ ધર્મેન્દ્રને ભાવતી રસોઈ બનાવી. બધાં સાથે જ જમવા બેઠાં. શાલિની પીરસતી રહી. જમીને સૌ ઉઠયા. શાલિની પણ હવે સાસરિયે જવા તૈયાર થઈ ગઈ. બેઉને વિદાય આપવામાં આવી.
શાલિની અને ધર્મેન્દ્ર બસ-સ્ટેન્ડે પહોંચે તે પહેલાં જ ધર્મેન્દ્રને ચક્કર આવવા લાગ્યાં. તેને લાગ્યું કે આખા શરીરમાં પરસેવો થઈ રહ્યો છે. એણે કહ્યું ઃ ‘શાલિની.! મને કંઈક થાય છે.’
અને વધુ બોલે તે પહેલાં તો એની આંખો ફટી ગઈ. એ રસ્તામાં જ ઢળી પડયો. આસપાસના લોકો ભેગા થઈ ગયા. પાણી પીવરાવવા કોશિશ કરી પરંતુ ધર્મેન્દ્રનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ધર્મેન્દ્રની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે ધર્મેન્દ્રનું મોત ઝેરથી થયું હતું. એની હોજરીમાંથી મળી આવેલ ખોરાકમાં ઝેર હતું.
ઝેર આપનાર ખુદ શાલિની હતી. રસોઈમાં ઝેર મિલાવનાર ખુદ શાલિની હતી. પતિને મોતબક્ષનાર ખુદ પત્ની હતી, એકમાત્ર એના અવૈધ સંબંધોની આડો આવતો કાંટો દૂર કરવા માટે. શાલિની અને એના જીજાજીને જેલભેગાં કરવામાં આવ્યાં. યશોદા તો આ બધું જાણીને અવાક જ થઈ ગઈ. એને તો છેક હવે ખબર પડી કે ‘મારી બહેન અને મારો પતિ… આવાં હતાં !’
એક જ માતાની કૂખે જન્મેલી બે બહેનોનાં ચારિત્ર્ય ભિન્ન પણ હોઈ શકે છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!