તેઓ ગઈ સદીના વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક હતા. થિયરી ઓફ રિલેટિવિટી અર્થાત્ સાપેક્ષતાવાદનો સિદ્ધાંત શોધનાર આ મહાન વિજ્ઞાનીની થિયરી પર જ અન્ય વિજ્ઞાનીઓએ અણુબોમ્બ બનાવ્યો. અલબત્ત, આઈન્સ્ટાઈન ખુદ અત્યંત શાંતિપ્રિય માનવી હતા. તેમને ખુદને ખબર નહોતી કે, તેમણે શોધેલી થિયરીનો ઉપયોગ માનવસંહાર કરવા અણુબોમ્બ બનાવવા માટે થશે.
આલ્બર્ટ આઈન્સ્ટાઈન યહૂદી પરિવારમાં તા. ૧૪ માર્ચ, ૧૮૭૯ના રોજ જર્મનીમાં જન્મ્યા હતા. વિશ્વમાં આઈન્સ્ટાઈન જેવો કોઈ તીવ્ર બુદ્ધિશાળી વૈજ્ઞાનિક શોધવો મુશ્કેલ છે ત્યારે જાણવા જેવી વાત એ છે કે, તેઓ ત્રણથી ચાર વર્ષના થયા ત્યાં સુધી બોલી શકતા નહોતા. તેઓ સાત વર્ષના થયા ત્યાં સુધી તેમને વાંચતાં આવડતું નહોતું. તેઓ નીચું મોં રાખીને એક આળસુની જેમ સ્કૂલમાં જતા હતા. સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને તેમના ઘરનું સરનામું પણ યાદ રહેતું નહોતું.
આ જ આઈન્સ્ટાઇન એક દિવસ વિશ્વના સૌથી વિખ્યાત ભૌતિકશાસ્ત્રી તરીકે નામના પામ્યા. ૧૯૯૮માં તેઓ મિલેવા મેરિક નામની યુવતીના પ્રેમમાં પડ્યા. તેઓ લિસલ નામની દીકરીના પિતા બન્યા. ૧૯૦૨માં તેમણે સ્વિસ પેટન્ટ ઓફિસમાં કામ શરૂ કર્યું. ૧૯૦૫માં તેમની થિયરી ઓફ રિલેટિવિટી પ્રગટ થઈ. ૧૯૧૪માં જર્મનીની યુનિવર્સિટી ઓફ બર્લિનમાં પ્રોફેસર બન્યા. પત્ની મિલેવા સાથેના લગ્નજીવનનો અંત આવ્યો. ૧૯૧૫માં તેમની થિયરી ઓફ રિલેટિવિટી પૂર્ણ કરી.
૧૯૧૭માં આઈન્સ્ટાઈન અચાનક મૂર્છિત થઈ પડી ગયા. તેઓ મૃત્યુની નજીક હતા. એ વખતે તેમની કઝીન એલ્સાએ તેમની દેખરેખ રાખી અને તેમને સ્વસ્થ કર્યા. ૧૯૧૯માં તેઓ એલ્સા સાથે પરણ્યા. ૧૯૨૨માં આઈન્સ્ટાઈનને ફિઝિક્સમાં તેમના સંશોધન માટે નોબેલ પ્રાઈઝ મળ્યું. એ સમયે જર્મનીમાં નાઝીઓ દ્વારા યહૂદીઓને ભારે સતામણી થતી હતી. એ કારણે ૧૯૩૩માં તેઓ પત્ની એલ્સા સાથે અમેરિકા હિજરત કરી ગયા. અમેરિકામાં ન્યૂજર્સીના પ્રિન્સ્ટન વિસ્તારમાં તેઓ રહેવા લાગ્યા. ૧૯૩૬માં એલ્સાનું મૃત્યુ થયું. ૧૯૩૯માં તેમણે એ વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ ફ્રેંક્લિન ડી. રુઝવેલ્ટને પત્ર લખી ચેતવણી આપી કે જર્મની અણુબોમ્બ બનાવી રહ્યું છે. તેઓ અમેરિકામાં રહેતા હતા, પરંતુ તેમનું સ્વિસ નાગરિકત્વ જાળવી રાખ્યું.
કહેવાય છે કે આ વિશ્વવિખ્યાત માનવી એબ્સન્ટ માઈન્ડેડ પણ હતા. તેમના જીવનની કેટલીક વાતો અજીબોગરીબ છે. તેઓ ચાર વર્ષની વય સુધી બોલતા જ નહોતા અને એ કારણે તેમનાં માતા-પિતાને ચિંતા થતી હતી, પરંતુ એક સાંજે બધા જમવા બેઠા હતા ત્યારે આલ્બર્ટે પહેલી જ વાર પોતાની જીભ ઉઘાડતાં કહ્યું: `સૂપ બહુ જ ગરમ છે.’
આ પહેલાં તેઓ એક શબ્દ બોલ્યા નહોતા. પુત્રને પહેલી જ વાર બોલતો જોઈ માતા-પિતાને રાહત થઈ હતી. અલબત્ત એ વખતે તેમના માતા-પિતાએ પુત્રને પૂછ્યું: `બેટા, અત્યાર સુધી તું કેમ બોલતો નહોતો?’
નાનકડા આલ્બર્ટે જવાબ આપ્યો હતો : `કારણ કે અત્યાર સુધી બધું વ્યવસ્થિત હતું.’
આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશેની અનેક રસપ્રદ વાતો છે. ૧૯૬૫માં તેઓ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ગયા. કોઈએ તેમને પૂછ્યું: `તમને અભ્યાસ માટે કોઈ ચીજવસ્તુની જરૂર છે?’
આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું: `એક ટેબલ, થોડાંક પેડ, એક પેન્સિલ અને બહુ મોટી કચરાપેટી, જેથી હું મારી ઘણી બધી ભૂલો તેમાં નાંખી શકું.’
એક વાર એક પંદર વર્ષની વિદ્યાર્થિનીએ ગણિતમાં મદદરૂપ થવા તેમને વિનંતી કરતો પત્ર લખ્યો. આઈન્સ્ટાઈને તે વિદ્યાર્થિનીને એક આખું પાનું ડાયાગ્રામથી ભરીને મોકલ્યું અને જણાવ્યું કે, `ગણિતમાં તને જે મુશ્કેલીઓ પડે છે તેની ચિંતા કરીશ નહીં. ગણિતમાં તારા કરતાં મને વધુ મુશ્કેલીઓ પડે છે.’
ન્યૂયોર્કના મેનહટન વિસ્તારમાં આવેલા એક ચર્ચમાં એ વખતના વિદ્વાન આઠ મોટા વિજ્ઞાનીઓની પ્રતિમાઓ મૂકવાનો નિર્ણય થયો. તેમાં આઈન્સ્ટાઈનની પ્રતિમા પણ મૂકવામાં આવી હતી. આ અંગે આઈન્સ્ટાઈનને પૂછવામાં આવ્યું કે, `તમે હવે અમર થઈ જશો. આ અંગે તમારી શું પ્રતિક્રિયા છે?’
આઈન્સ્ટાઈને કહ્યું: `હવે આજથી હું જીવું ત્યાં સુધી હું કોઈ કૌભાંડ ન કરું તેની મારે કાળજી રાખવી પડશે.’
એકવાર સોરબોર્ન ખાતે પ્રવચન આપતાં આઈન્સ્ટાઈને કહ્યું કે, `જો મારી રિલેટિવિટીની થિયરી સાચી ઠરશે તો જર્મની મને `જર્મન’ જાહેર કરશે અને ફ્રાન્સ મને `વિશ્વ નાગરિક’ કહેશે, પરંતુ મારી આ થિયરી ખોટી સાબિત થશે તો તેઓ મને `જર્મન’ કહેશે અને જર્મની કહેશે કે હું યહૂદી છું.’
એક મેળાવડા દરમિયાન તેમની હોસ્ટેસે આઈન્સ્ટાઈનને તેમની થિયરી ઓફ રિલેટિવિટી સમજાવવા કહ્યું. એ પછી તેમણે કહ્યુંઃ `મેડમ! એક વાર કોઇ એક દેશમાં હું મારા એક અંધ મિત્ર સાથે ગરમીમાં ચાલવા નીકળ્યો હતો. મેં મારા મિત્રને કહ્યું: મારે દૂધનું પીણું પણ પીવું છે.’
મારા મિત્રએ કહ્યું: `પીણું એ તો હું સમજ્યો, પણ દૂધ શું છે?’
મેં કહ્યું: `સફેદ પ્રવાહી.’
એણે પૂછ્યું: `પ્રવાહી હું જાણું છું, પરંતુ સફેદ શું છે?’
મેં કહ્યું: `બગલાની પાંખોનો જે રંગ હોય છે તે.’
મિત્રએ કહ્યું: `પાંખો હું જાણું છું, પણ બગલો શું છે?’
મેં કહ્યું: `જે પક્ષીને ખંધી ડોક હોય છે તે.’
મિત્રએ પૂછ્યું: `ડોક હું જાણું છું, પણ ખંધું એટલે શું?’
આટલું સાંભળ્યા બાદ મેં મારી ધીરજ ગુમાવી. મેં એનો હાથ પકડી મચકોડી નાંખ્યો તે પછી સીધો કર્યો. એટલું કર્યા પછી મેં કહ્યું: `આનું નામ ખંધું.’
તે પછી મારો પ્રજ્ઞાચક્ષુ મિત્ર બોલ્યો: `ઓહ! હવે મને સમજાયું કે દૂધ એટલે શું?’
આલ્બર્ટ આઇન્સ્ટાઇન પ્રિન્સ્ટનમાં પ્રોફેસર હતા તે દરમિયાન પરીક્ષા બાદ એક વિદ્યાર્થી તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, `પ્રોફેસર, આ વખતની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નો ગયા વર્ષની પરીક્ષાની જેમ જ સાવ સરળ હતા.’
આઈન્સ્ટાઈને કહ્યું: `હા, સાચી વાત છે, પણ આ વર્ષે બધા જ જવાબો મુશ્કેલ હશે.’
એક વાર કોઇએ આઇન્સ્ટાઇનનાં પત્નીને પૂછ્યું, `શું તમને તમારા પતિની થિયરી ઓફ રિલેટિવિટિયા સમજ પડે છે?’
પત્નીએ કહ્યું: `ના, પરંતુ હું મારા પતિને બરાબર જાણું છું. તમે તેમની પર વિશ્વાસ મૂકી શકો છો.’
૧૯૩૧માં ચાર્લી ચેપ્લિન અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોલિવૂડમાં ચેપ્લિનની નવી ફિલ્મ `સિટી લાઇટ્સ’ના પ્રાઇવેટ સ્ક્રીનિંગમાં હાજરી આપવા સાથે ગયા અને સાથે ચાલતા હતા. તેમને જે જે લોકો જોતા હતા તેઓ ચિચિયારીઓ પાડીને તેમનું અભિવાદન કરતા હતા. આ દૃશ્ય જોયા પછી આઈન્સ્ટાઈને પૂછ્યું, `આ બધા લોકો આપણને જોઇને આટલી બધી તાળીઓ કેમ પાડે છે?’
ચાર્લી ચેપ્લિને આલ્બર્ટ આઈન્સ્ટાઈનને કહ્યું: `લોકો તમને જોઈને તાળીઓ એટલા માટે પાડે છે કે કોઈ તમારી થિયરીને સમજી શકતું નથી અને મને જોઈને તાળીઓ એટલા માટે પાડે છે કે એ બધા મને સમજી શકે છે.’
આ બધી સુંદર કથાઓ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના જીવનની છે. સૌથી મોટી જાણવા જેવી વાત એ છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન જ્યારે નાના હતા અને જર્મનીની મ્યુનિક ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લેવા ગયા ત્યારે ઇન્સ્ટિટ્યૂટે તેમને એડમિશન આપવાનો ઈન્કાર કરતાં કહ્યું હતું: `એક વિદ્યાર્થી તરીકે તમે આશાસ્પદ કે તેજસ્વી નથી.’
એ જ આલ્બર્ટ આઇન્સ્ટાઇને ૧૯૦૫માં વિશ્વને થિયરી ઓફ રિલેટિવિટી આપી અને નોબેલ પ્રાઈઝના હકદાર પણ બન્યા.
સ્કૂલો-કોલેજો શરૂ થઈ રહી છે ત્યારે તમારું બાળક શરૂઆતમાં સ્કૂલમાં તેજસ્વી ન જણાય તો તેને હડધૂત કરશો નહીં. કોઈવાર આવાં જ બાળકો વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક પણ બની શકે છે. દેશના ટોચના ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી પણ શરૂઆતમાં કેટલીક બાબતોમાં નિષ્ફળ નીવડ્યા હતા.
દેશના પૂર્વ મહામહિમ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. કલામ પાઇલટના ઈન્ટરવ્યૂમાં નિષ્ફળ નીવડ્યા હતા. અમિતાભ બચ્ચન પણ તેમના ભારે અવાજના કારણે ઑલ ઈન્ડિયા રેડિયોમાં જોબ મેળવી શક્યા નહોતા. સુપ્રસિદ્ધ ક્રિકેટર સચિન તેંડુલકર પણ આઠમા ધોરણની પરીક્ષામાં નાપાસ થયા હતા. સુપ્રસિદ્ધ કવિ અને નોબેલ પ્રાઈઝ વિજેતા રવીન્દ્રનાથ ટાગોર સ્કૂલમાંથી ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થી હતા. માઈકલ જોર્ડન પણ સ્કૂલની બાસ્કેટ બોલ ટીમમાંથી પડતા મુકાયા હતા. બિલ ગેટ્સ પણ યુનિવર્સિટીનું શિક્ષણ પૂરું કરી શક્યા નહોતા. લિયોનીલ મેસ્સી પણ ફૂટબોલ તાલીમ દરમિયાન ચાની દુકાનમાં નોકરી કરતા હતા.
સ્ટિવ જોબ પણ તેમના એક મિત્રના રૂમમાં નીચે સૂઈ જતા હતા અને ખાવાનું મળે તે માટે કૉકની ખાલી બોટલ્સ વેચતા હતા. તેઓ એક ચર્ચમાં મળતું મફત ભોજન લેવા મજબૂર બન્યા હતા. ટોની બ્લેરને તેમના મિત્રો `ફેલ્યર’ કહીને ચીડવતા હતા. થિયરી ઓફ રિલેટિવિટીના શોધક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળ્યું નહોતું અને તેમના શિક્ષકો તેમને મેન્ટલી હેન્ડિકેપ’ કહેતા હતા. હેરી પોટરનાં લેખિકા જે. કે. રોલિંગને તેમનાં પુસ્તકો છાપવા ૧૨ જેટલા પ્રકાશકોએ ઈન્કાર કરી દીધો હતો.
સુપ્રસિદ્ધ એક્ટર સિલ્વેસ્ટર સ્ટેલોનને શરૂઆતમાં ૧૫૦૦ વખત નિષ્ફળતા સાંપડી હતી.
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ છઠ્ઠા ધોરણમાં નાપાસ થયા હતા અને સ્કૂલ ટીચરે તેમના પિતાને કહ્યું હતું કે, તમારા છોકરાને કોઈ ફેક્ટરીમાં મજદૂર બનાવી દો. શરૂઆતની ચૂંટણીઓમાં અનેક વાર હાર્યા બાદ એક દિવસ તેઓ બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા.
સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિનને હોલિવૂડના નિર્માતાઓએ અનેક વાર રિજેક્ટ કરી દીધા હતા.
જાણીતા વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યુટન શરૂઆતમાં નિષ્ફળ જતાં તેમને ખેતરમાં મોકલી દેવાયા હતા. સ્ટિફન કિંગને તેમની પ્રથમ નવલકથા છાપવા માટે ૩૦ જેટલા પ્રકાશકોએ ઈન્કાર કરી દીધો હતો.
– www.devendra patel.com
—————————— —————————— —————————— —




