Close

ગર્ભપાત કરાવતાં પહેલાં `ધ સાઇલન્ટ સ્ક્રીમ’ ફિલ્મ નિહાળો: અજન્મુ બાળક પૂછે છે : `મને બચાવો, મારો શું વાંક?’

`ધ સાઇલન્ટ સ્ક્રીમ’ અર્થાત્ `મૂક ચીસ’ એ અદ્‌ભુત અને હૃદયને દ્રવિત કરી દે તેવી વૈજ્ઞાનિક ફિલ્મ છે. આ ફિલ્મ કોઈ ફિચર ફિલ્મ નથી, પરંતુ માતાના ઉદરમાં રહેલું નવજાત શિશુ જ્યારે ગર્ભાવસ્થામાં હોય છે અને તેનો જ્યારે ગર્ભપાત કરવામાં આવે છે ત્યારે એ બાળક પર શું ગુજરે છે તેની હૃદય કંપાવી દે તેવી ધ્રુજારીપૂર્ણ વ્યથા પ્રગટ થાય છે. આ ફિલ્મની સીડી ઉપલબ્ધ છે, પણ તે સામાન્ય વ્યક્તિની પહોંચની બહાર છે. આ ફિલ્મને જોયા બાદ વિદેશોમાં ગર્ભપાતના વિરોધમાં અનેક આંદોલનો થયાં છે. આ ફિલ્મ અમેરિકન ડો. બેનાર્ડ નાથેન્સન દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમની વાત તેમના જ શબ્દોમાં વાંચો.
`મારું નામ ડો. બેનાર્ડ નાથેન્સન છે. હું સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિશેષ તબીબ છું. ૧૯૪૯ માં હું તબીબી ક્ષેત્રનો વિદ્યાર્થી હતો ત્યારે ગર્ભવિજ્ઞાન નહોતું, પરંતુ ૧૯૭૦ બાદ અલ્ટ્રાસાઉન્ટ ટેક્નીક આવતાં બધી જ ધારણાઓ બદલાઈ ગઈ.
એક ગર્ભવતી સ્ત્રી જ્યારે ગર્ભપાત કરાવવા જાય છે અને તેને ઓપરેશન ટેબલ પર સુવડાવી ગર્ભપાત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારે ગર્ભપાત કરવાવાળા ડોક્ટર લોખંડ-સ્ટીલથી બનેલા ઓજારોથી એક અજન્મા બાળકને કેટલી બહેરમ રીતે નષ્ટ અને છિન્નભિન્ન કરે છે, તે દૃશ્યો કંપાવનારાં છે.
એક અજન્મ્યું બાળક જ્યારે ૧૪ અઠવાડિયાંનું થાય છે ત્યારે તે એક પૂર્ણ વિકસિત અને ઓળખવાલાયક હોય છે. એનું મસ્તિષ્ક કમ સે કમ છ અઠવાડિયાંથી કામ કરતું હોય છે. એનું હૃદય આઠ સપ્તાહથી ધડકવા માંડ્યું હોય છે. ૧૪ સપ્તાહનું ન જન્મેલું બાળક ગર્ભાશયની માંસપેશીઓમાં લપેટાયેલું હોય છે. ડોક્ટર ગર્ભવતી સ્ત્રી પર જ્યારે ગર્ભપાતની પ્રક્રિયા શરૂ કરે છે ત્યારે સૌથી પહેલાં સ્પેકુલમ નામનું ઓજાર મહિલાની યોનિના દ્વાર પર મૂકે છે. તે પછી તે ઉપકરણ એ રીતે ખોલે છે કે જેથી તેમને ગર્ભાશયનું મુખ દેખાય. ગર્ભાશયનું મુખ દેખાયા બાદ ડોક્ટર એનાકુલમ નામનું ઓજાર લે છે અને તેને સ્પેકુલમની મદદથી ગર્ભાશયના મુખ પર તેને સુરક્ષાત્મક રીતે કસી લે છે, જેથી એનાકુલમનો શિકંજો ગર્ભાશયના દ્વાર પર મજબૂત બની જાય. તે પછી તે ધ્વનિયંત્રની મદદ લે છે. આ ઉપકરણ ગર્ભાશયમાં લગાવવામાં આવે છે. તેના દ્વારા ડોક્ટર નક્કી કરી લે છે કે ગર્ભાશય વાસ્તવમાં કેટલું ઊંડું અને મોટું છે. તે પછી તેને હટાવી લેવામાં આવે છે. તે પછી ડોક્ટર એક પાતળું ઉપકરણ ગર્ભાશયમાં નાંખી ગર્ભાશયનું મુખ ખોલે છે. ત્યારબાદ તે સકશન ટ્યૂબ નામનું ઉપકરણ લે છે. તેને ગર્ભાશયની ભીતર નાખવામાં આવે છે અને તે પછી બાળકની ચારે બાજુ સ્થિત થેલીને છેદવાની હોય છે જેથી એમ્બિએટિક નામનો તરલ પદાર્થ બહાર કાઢવામાં આવે. આ ઉપકરણ બાળકના સીધા સંપર્કમાં આવે છે, જેથી બાળકના માથામાં પ૫ કે ૬૦ મિ.મી.ના પારાનું દબાણ કરી શકાય.
તે પછી સક્શન ટ્યૂબની નળી બાળકના ટુકડા કરવાનો આરંભ કરે છે. આ ટુકડા વારાફરતી અલગ કરવામાં આવે છે. એ ટુકડા એ ઉપકરણ દ્વારા બહાર ખેંચવામાં આવે છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી શિશુના થોડાક ટુકડા કે માથું જ બાકાત રહી જાય.
આ ઉપકરણ બાળકના આખા મસ્તિષ્કને બહાર કાઢી શકતું નથી, કારણ કે તે સક્શન ટ્યૂબની નળીથી મોટું હોય છે, તેથી બીજું એક ઓજાર ગર્ભાશયના મુખ દ્વારા અંદર નાખવામાં આવે છે.
હવે ડોક્ટર ગર્ભાશયની અંદર તરતા એ મસ્તિષ્કને વિવિધ ઉપકરણો દ્વારા પકડે છે. તે પછી બાળકના માથાને નાના નાના ટુકડાઓમાં તોડવામાં આવે છે, જેથી એ નાના ટુકડાઓ ગર્ભાશયમાંથી બહાર કાઢી શકાય. એ પછી બાળકનાં હાડકાંઓને પણ એ જ રીતે તોડી બહાર કાઢવામાં આવે છે.
આ દૃશ્યો સાથે `ધ સાઈલન્ટ સ્ક્રીમ’ નામની ફિલ્મ પૂરી થાય છે. જીવતા જાગતા ૧૪ સપ્તાહના બાળકના ગર્ભપાતનાં દૃશ્યો હૃદયદ્રાવક છે. આ ફિલ્મ અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફીની મદદથી બનાવવામાં આવી છે. અમેરિકામાં પ્રતિદિન ૪૦૦૦ ગર્ભપાત થાય છે. તે પૈકીના આ એક જ ગર્ભપાતની ફિલ્મ હતી. ફિલ્મ પણ ગર્ભપાત ક્લિનિકમાં જ તૈયાર કરાઈ છે. ડો. બેનાર્ડ નાથેન્સન કહે છે: જેણે આ ગર્ભપાત કર્યો તે નવજુવાન ડોક્ટર હતો અને તે અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ ગર્ભપાત કરી ચૂક્યો હતો. તે ડોક્ટરે જ જ્યારે આ ફિલ્મ જોઈ ત્યારે તે સ્તબ્ધ થઈ ગયા. શૂન્યમનસ્ક થઈ ગયો. રૂમની બહાર નીકળી ગયો અને ફિલ્મનું એડિટિંગ પણ તેણે જ કર્યું. તે પછી એણે કોઈ પણ યુવતીનો ગર્ભપાત ન કર્યો.
અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી દ્વારા જે ગર્ભસ્થ શિશુનું ચિત્રીકરણ થયું છે, તે ૧૪સપ્તાહના ભ્રૂણમાં બાળકના હાથ તેના મોઢામાં છે. તેની આંખો, નાક, મોં, દિમાગની રેખાઓ સ્પષ્ટ જોઈ શકાય છે. ગર્ભપાત પૂર્વે તે બાળકના હૃદયના ધબકારા પ્રતિમિનિટ ૧૪૦ના હોય છે. બાળકને કુદરતી રીતે પોતાની મેળે જ મોઢામાં નાખેલો અંગૂઠો જોઈ શકાય છે. ડોક્ટર સળિયા જેવું ઉપકરણ અંદર નાંખે છે ત્યારે બાળક તેનાથી દૂર જવાનો પ્રયત્ન કરતું હોય તેવું દેખાય છે. બાળક બચવા પ્રયાસ કરતું હોય તેમ લાગે છે. અજન્મા બાળકની તીવ્ર જિજીવિષા નિહાળી શકાય છે. સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટથી ઈજા પામ્યા બાદ ભ્રૂણ તરફડિયાં મારે છે. ડોક્ટર ધીમે ધીમે તેનું નાક, આંખ, કાન, હૃદય, હાથ, પગ, શીરા, પેટનું અંગ વિચ્છેદન કરે છે. પાષાણ હૃદયના માનવીને પણ વ્યથીત કરી દે તેવી આ ફિલ્મ છે.
ગર્ભપાત કરાવનાર સ્ત્રી, તેના પતિ, તેના સંબંધીઓ તથા ગર્ભપાત કરનાર તબીબોએ પણ આ ફિલ્મ નિહાળવાની જરૂર છે.
ગાયત્રી શક્તિપીઠ, ભૂજ દ્વારા ભ્રૂણહત્યા રોકવાના આશયથી `ધ સાઇલન્ટ સ્ક્રીમ’ ફિલ્મની હિન્દી ચિત્રકથાનું પુસ્તક નજીવી કિંમતે લોકો સમક્ષ મૂક્યું હતું.
અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગને ગર્ભપાત પર બનેલી આ ફિલ્મ નિહાળી ત્યારે તે અત્યંત દ્રવિત થયા અને અમેરિકાના તમામ સાંસદોને આ ફિલ્મ નિહાળવા અનુરોધ કર્યો હતો. તેમણે ગર્ભપાત કાનૂન બદલવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. મધર ટેરેસાએ કહ્યું હતું. આ સંસારમાં શાંતિને નષ્ટ કરવાનું મોટામાં મોટું કારણ એબોર્શન છે. નામદાર પોપ જોન પોલે કહ્યું હતું: ગર્ભપાત એ વસ્તી ઘટાડવા માટેની સહુથી વધુ નૃશંસ અને પાશવી પદ્ધતિ છે.
સ્વામી શ્રી રામસુખદાસજી કહે છે: `કોઈ જીવને જન્મ લેતાં રોકવાનો મનુષ્યને અધિકાર નથી, બલ્કી એ મહાપાપ છે.’
તેઓ કહે છે: `જે માતા-પિતા પોતાના સંતાનનું પાલન અને રક્ષણ કરવાવાળાં હોય છે તે જ પોતાના ગર્ભસ્થ બાળકની હત્યા કરી દે તો કોની પાસેથી રક્ષણની આશા રાખવી.’ ગર્ભમાં સ્થિત શિશુ પોતાનો બચાવ કરી શકતું નથી. પ્રતિકાર પણ કરી શકતું નથી. તે પોતાના બચાવ માટે ચીસ પણ પાડી શકતું નથી, તેનો કોઈ અપરાધ કે કસૂર પણ નથી. આવી નિ:સહાય અવસ્થામાં રહેલ નિર્બળ, નિરપરાધ, નિર્દોષ મૂક શિશુની હત્યા કરી દેવી તે મહાપાપ છે. ગર્ભમાં આવેલા જીવને અનેક જન્મોનું જ્ઞાન હોય છે, તેથી ભાગવતમાં તેને (ઋષિ) જ્ઞાની કહેવામાં આવેલ છે. અત: ગર્ભપાત કરવાથી એક ઋષિની હત્યા થઈ જાય છે.
પ્રહ્‌લાદ બ્રહ્મચારીજી કહે છે: ઈશ્વરની દૃષ્ટિમાં સ્ત્રી-પુરુષમાં કોઈ ભેદ નથી. તેમાં સ્ત્રીને ઈશ્વરે વિશેષરૂપે પ્રેમમયી, સેવામયી અને કરુણામયી બનાવીને મોકલી છે. સ્ત્રી જાતિ સંપૂર્ણ જગતમાં સૃષ્ટિની ઉત્પત્તિ તથા પાલનની વિશેષ ભૂમિકા નિભાવવાવાળી છે, પરંતુ વર્તમાન સમયમાં સ્ત્રીઓ પર જેટલો અત્યાચાર થઈ રહ્યો છે, તેટલો અન્ય પર થતો નથી. વાસ્તવિકતા તો એ છે કે કોમળ ભાવનાવાળી તે દેવી મૂક મૂર્તિને અત્યાચારો સહન કરીને જીવન જીવવા માટે વિવશ કરી દેવામાં આવી છે. વર્તમાન સમયમાં ભૂણ-પરીક્ષણ કન્યાઓ માટે અભિશાપ બની ગયો છે. તેમને ગર્ભાવસ્થામાં જ મારી નાંખવામાં આવે છે. તેના પરિણામે કન્યાઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને એ કારણે સંપૂર્ણ માનવ જાતિ માટે ખતરો પેદા થયો છે. ગર્ભસ્થ કન્યાઓની હત્યાના કારણે મનુષ્ય અસ્તિત્વ માટે સંકટ પેદા થઈ જશે.
જનકલ્યાણ સંસ્થાના ગોપીનાથ અગ્રવાલ કહે છે: `ગર્ભપાત માનવતાના નામ પર કલંક છે. આ એક પ્રકારની સોચી સમજી સુનિયોજિત ક્રૂર નૃશંસ હત્યા છે, જેમાં માતા-પિતા પોતાના જીવતા-જગતા શિશુને નિર્મમપૂર્વક તેના ટુકડેટુકડા કરાવી દે છે. ગર્ભપાત એક હૃદયદ્વાવક હત્યાકાંડ છે. એકમાત્ર ભારતમાં જ દર વર્ષે આશરે પાંચ લાખ સ્ત્રીઓ ગેરકાયદે ગર્ભપાત કરાવવાના કારણે થતી બીમારીઓથી મૃત્યુ પામે છે.’
બ્રિટિશ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી, ઈગ્લેંન્ડના ડો. શ્યામસુંદર સોની કહે છે: `ભ્રૂણહત્યા, માનવ હત્યા જ છે. એક નિરપરાધ ગર્ભસ્થ શિશુના ચાકુઓથી ટુકડેટુકડા કરીને તેનાં માંસ, હાડકાં અને નળીઓને હોસ્પિટલની ગટરમાં વહેવડાવી દેવું તે કયા પ્રકારનું માતૃત્વ છે?’
`સોસાયટી ફોર પ્રોટેક્શન ઓફ અનબોર્ન ચાઈલ્ડ’ નવી દિલ્હીના ડો. સુરાણા કહે છે: `ગર્ભપાતની સમસ્યાથી આખા વિશ્વમાં હાહાકાર છે. ભારતવર્ષમાં પણ આ ઘૃણિત હિંસાનું તાંડવ નૃત્ય રોજેરોજ વધતું જાય છે. ગર્ભપાતનાં અનેક કારણોમાં આજકાલનાં યુવક-યુવતીઓ સંતાનને તેમના આનંદ-પ્રમોદમાં બાધક સમજે છે.’
પ્રો. બી. એમ. ટંડન કહે છે: `ભૌતિક અને આધ્યાત્મિક બંને દૃષ્ટિકોણથી ગર્ભપાત માનવતા પર કલંક છે. હિંસા આધારિત કોઈ પણ સમાજ ના તો પ્રગતિશીલ થયો છે કે ના પ્રગતિશીલ થઈ શકે છે. ગર્ભપાતના પાપમાંથી બચો.’
પંચખંડ પીઠાધીશ્વર આચાર્ય સ્વામી શ્રી ધર્મેન્દ્રજી મહારાજ કહે છે: `માનવતાની શ્રેષ્ઠતા તો પિતૃત્વ અને માતૃત્વમાં છે, પરંતુ વિષયભોગની સુવિધાના સ્વાર્થમાં આંધળા બનીને અજન્મા બાળકને ગર્ભમાં જ મારી નંખાવનાર માતા-પિતા સાક્ષાત્ પિશાચ અને પ્રેત છે.’ આ કેવો સમાજ! એક તરફ લોકો નવરાત્રિના પવિત્ર દિવસોમાં નારીની-માની પૂજા કરે છે અને બીજી બાજુ કેટલાક ગર્ભમાં જ રહેલી કન્યાઓની ક્રૂર રીતે હત્યા કરાવી દે છે. આ ઘોર પાપ તો ગંગાજળથી પણ ધોઈ શકાય નહીં. કન્યા-ભ્રૂણના હત્યારાઓ તો કસાઈઓથી પણ ક્રૂર છે. ગર્ભમાંની કન્યાઓની હત્યા ચાલુ રહેશે તો સૃષ્ટિનો સર્વનાશ થઈ જશે.

Be Sociable, Share!