Close

૧૬૯ વર્ષ પહેલાં `સેન્ટ્રલ અમેરિકા’ સ્ટીમર સાથે દરિયામાં ડૂબી ગયેલું ત્રણ ટન સોનું શોધવા હાઇટેક સર્ચ

રહસ્ય અને રોમાંચકભરી એક ટ્રેજિક કથાની શરૂઆત આમ તો ઈ.સ. ૧૮૫૭ની સાલના સપ્ટેમ્બર માસથી થાય છે.
ઘટનાની પાર્શ્વભૂમિ અમેરિકા છે. એ જમાનામાં આજના જેટલી અદ્યતન સ્ટીમરો નહોતી. અલબત્ત, મહાકાય વહાણો તો હતાં જ, પરંતુ તેમની પાસે રડાર કે વાયરલેસ સિસ્ટમ નહોતી. કોલસાથી ચાલતી યંત્ર નૌકાઓ માટે કદીક સઢનો પણ ઉપયોગ કરી લેવામાં આવતો હતો.
આજથી લગભગ ૧૬૯ વર્ષ પહેલાંના આ વાતાવરણમાં `એસ. એસ સેન્ટ્રલ અમેરિકા’ નામ ધરાવતી એક સ્ટીમર કેલિફોર્નિયાથી ન્યૂયોર્ક જવા માટે ઊપડી હતી. આ સ્ટીમરની એ ૪૪મી ટ્રિપ હતી. વહાણમાં ત્રણ ટનથી વધુ સોનું ભરેલું હતું. આ સોનું ન્યૂયોર્કની બેંકને પહોંચાડવાનું હતું. સ્ટીમરમાં ૫૦૦ જેટલા ઉતારુઓ પણ હતા. વહાણનો કપ્તાન વિલિયમ લુઇસ એટલાન્ટિક મહાસાગરના જળમાં શાંતિથી ગુજરી રહેલા આ નૌકાજહાજમાં બેફિકર બની વહાણને દોરતો હતો.
અચાનક એટલાન્ટિક મહાસાગરનું સ્વરૂપ બદલાવા માંડવું. એનાં શાત જળ પ્રશાંત બનવા લાગ્યાં. ધીમે ધીમે પવને જોર પકડવા માંડ્યું. જોતજોતાંમાં તો સાગરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. મહાકાય મોજાંઓની થપાટોથી વહાણ ડોલવા માંડ્યું. અનેક ભોંયરાં ધરાવતા આ જહાજમાં કંઈક ગરબડ છે એવું જણાતાં ઈજનેર જ્યોર્જ એશ્બીએ શોધી કાઢ્યું કે નીચેના એક ભંડકિયામાં છિદ્ર પડી ગયું છે. ધીમે ધીમે એમાં ઘૂંટણિયા સુધી પાણી ભરાઈ ગયું. બાજુના ભંડકિયામા કોલસો હતો. કોલસો ભીંજાઈ ન જાય એટલા માટે એણે એ જથ્થો અન્યત્ર ખસેડવા ખલાસીઓને હુકમ કર્યો. જો વરાળ ઉત્પન્ન કરવાનું બંધ થઈ જાય તો જહાજ સ્થિર ઊભા રહેવાની પણ ક્ષમતા ગુમાવી બેસે. ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી આ ભયાનક વાવાઝોડું ચાલુ જ રહ્યું.
૧૮૫૭ની ૧૧મી સપ્ટેમ્બરે શુક્રવારની રાત્રે ૩-૦૦ વાગ્યે કુદરતી આપત્તિ સામે લડતાં લડતાં જહાજનાં બોઇલરો થાકી ગયાં. બોઈલરો બંધ થઈ જતાં વહાણ ફંગોળાવા માંડ્યું. સતત ત્રણ રાતના ઉજાગરા છતાં કેપ્ટન વોલિયમ સ્થિર અને સાબૂત હતો. એણે તમામ પુરુષોને વહાણમાં ભરાઈ રહેલા પાણીને ઉલેચવા હુકમ કર્યો. શનિવારની બપોર સુધી તોફાન હજી શમ્યું નહોતું. કપ્તાનને હવે ખાતરી થઈ ગઈ હતી કે વાવાઝોડું બંધ નહીં થાય તો સ્ટીમરે ડૂબવું જ રહ્યું. બપોર બાદ પવન સહેજ શાત પડ્યો અને દૂર ક્ષિતિજમાં એક આશાનું કિરણ દેખાયું. `મરીન’ નામની એક સ્ટીમર દૂરથી પસાર થઈ રહી હતી. આ તરફ `સેન્ટ્રલ અમેરિકા’ સ્ટીમરમાં વધુ ને વધુ પાણી ભરાઈ રહ્યું હતું. એને સ્ટોર્મથી ઘણું નુકસાન પહોંચ્યું હતું. કપ્તાને મદદની માંગણી માટેનાં સિગ્નલો મોકલ્યાં. `મરીન’ના કપ્તાને જોયું તો દૂર ડૂબી રહેલું જહાજ મદદની માંગણી કરી રહ્યું હતું. ખુદ `મરીન’ને પણ વાવાઝોડાથી ભારે નુકસાન પહોંચ્યું હતું. છતાં `મરીન’ના કપ્તાને ડૂબતી `સેન્ટ્રલ અમેરિકા’ સ્ટીમરને મદદ કરવાની હિંમત કરી. `મરીન’ જહાજમાંથી બચાવ માટેની નાનકડી બોટ મોકલવામાં આવી. એક લાઈફ બોટ તૂટી ગઈ. બીજી ડૂબી ગઈ. ત્રીજી `સેન્ટ્રલ અમેરિકા’ સ્ટીમર સુધી પહોંચી. `સેન્ટ્રલ અમેરિકા’ના કપ્તાને સૌ પ્રથમ સ્ત્રીઓ અને બાળકોને `મરીન’ સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો. ઊંચાં ઊછળતાં મોજાં વચ્ચે પણ લગભગ ઘણી બધી સ્ત્રીઓ અને બાળકોને `મરીન’ પર ચડાવી દેવાયાં.
ડૂબી રહેલા જહાજમાં મિ. ઈસ્ટન અને તેમનાં પત્ની મિસિસ એન્સલ ઈસ્ટન પણ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહ્યાં હતાં. આ યુગલ કેલિફોર્નિયાનું ગર્ભશ્રીમંત યુગલ હતું. મિસિસ એન્સલ તો બેંક ઓફ કેલિફોર્નિયા સ્થાપક મિ. ડેરીયસ મીલ્સનાં બહેન હતાં. તોફાનમાં સપડાયેલા જહાજમાંથી જ્યારે સ્ત્રીઓને જ બચાવવાનો નિર્ણય થયો ત્યારે શ્રીમતી એન્સલે ભારે હૈયે એમના પતિ પાસેથી વિદાય લઈ લાઇફ બોટમાં બેસી તેઓ `મરીન’ પર પહોંચ્યાં હતાં. શ્રીમતી એન્સલે મરીન પર પહોંચતાં જ જોયું તો `સેન્ટ્રલ અમેરિકા’ સ્ટીમર ડૂબી રહી હતી. જેમાં બીજા અનેક પુરુષોની સાથે તેમના પતિ પણ હતા. જહાજ ડૂબવા માંડ્યું એટલે બીજા સેંકડો પુરુષો પોતાની જાતને બચાવવા દરિયામાં કૂદી પડ્યા. જેના હાથમાં જે આવ્યું તે લઈને તરવા માંડ્યાં. જેને કંઈ જ ન મળ્યું તેઓ ડૂબી ગયા. આ ખોફનાક વાવાઝોડાની ભયાનકતા અને જીવ બચાવવાની જિજીવિષામાં પેલું ૫૦ ટન સોનું તો સાવ ભૂલી જ જવાયું હતું.
`સેન્ટ્રલ અમેરિકા’ જાણે કે હવે અંતિમ શ્વાસ લઈ રહી હતી. `એલન’ નામના બીજા એક જહાજે પાણીમાં કૂદી પડેલા બીજા ૫૦ માણસોને બચાવી લીધા, જ્યારે ૪૨૫ માનવીઓ એટલાન્ટિકનાં ઊછળતાં મોજાંઓમાં જ અદૃશ્ય થઈ ગયા.
થોડીક જ વારમાં અમેરિકન ધ્વજ ધરાવતી `સેન્ટ્રલ અમેરિકા’ સ્ટીમરએ જળસમાધિ લીધી. સ્ટીમર તો ડૂબી ગઈ અને એ સૈકાની એ મોટામાં મોટી જળહોનારત હતી, પરંતુ સાથે સાથે પાંચ ટ્રક ભરાય એટલું સોનું પણ ડૂબી જવાના સમાચારે અમેરિકાના અર્થતંત્રમાં ખળભળાટ મચાવી દીધો. ન્યૂયોર્કના બેન્કરો જે સોનાની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે સોનું દરિયાના પેટાળમાં જડી જ ન શકે એમ ક્યાંક ફંગોળાઈ ચૂક્યું હતું. સોનું ન આવતાં ન્યૂયોર્કના વેપારીઓને પેમેન્ટની મુશ્કેલી સર્જાઈ અને હજારો વેપારીઓનો વ્યવહાર સચવાયો નહીં. ૧૮૫૭નું વર્ષ અમેરિકા માટે આર્થિક કટોકટીનું વર્ષ એક સ્ટીમર ડૂબી જવાના કારણે જ બની ગયું. ત્યાર પછીનું અમેરિકાનું જાણીતું નાગરિક યુદ્ધ પણ આ આર્થિક કટોકટીના પ્લેટફોર્મ પર જ શરૂ થયું.
આ વાતને વર્ષો વીતી ગયાં. નોર્થ અને સાઉથ વચ્ચે વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો. પછી અમેરિકામાં અનેક રાજકીય અને આર્થિક ફેરફારો થયા અને એ દરમિયાન લગભગ ૧૦૦ વર્ષ સુધી એટલાન્ટિકમાં ડૂબી ગયેલ `સેન્ટ્રલ અમેરિકા’ સ્ટીમરનો  પણ લોકો ભૂલી ગયા.
આટલાં વર્ષો બાદ ૨૦મી સદીના અંતમા એટલે કે છેક ૧૯૯૦ની સાલમાં ત્રણ અમેરિકન મિત્રોને વર્ષો પહેલાં જળસમાધિ લેનાર `સેન્ટ્રલ અમેરિકા’ શોધી એમાં ડૂબેલો કરોડો ડોલરનો સોનાનો ખજાનો પણ શોધી કાઢવાનું મન થઈ આવ્યું. આ ત્રણ મિત્રોમાં એક રિસર્ચ એન્જિનિયર, બીજો જિયોલોજિસ્ટ અને ત્રીજો પત્રકાર હતો. તેમનાં નામ : (૧) ઈવાન્સ (૨) શાટઝ અને (૩) થોમ્પસન છે.
આ ત્રણેય ઓહાયોના છે. પહેલાં તો તેમણે ઈતિહાસ ફેંદી નાખ્યો. સ્ટીમર ડૂબી એ વખતનાં અખબારોનાં પાનાં ફેંદી નાખ્યાં. મહિનાઓ સુધી દરિયાની ગુપ્ત વૈજ્ઞાનિક બાબતોનો અભ્યાસ કર્યો. `સેન્ટ્રલ અમેરિકા’ વિશેનો તમામ ડેટા એકત્રિત કર્યો. `સેન્ટ્રલ અમેરિકા’ એટલાન્ટિક મહાસાગરમાં ક્યાંક ૮૦૦૦ ફૂટ નીચે ડૂબેલી હતી. વિશાળ અફાટ મહાસાગરમાં એનું ચોક્કસ સ્થળ નક્કી કરવાનું કામ પણ મુશ્કેલ હતું. એકવાર સ્ટીમરનું જળસમાધિ સ્થળ જડી જાય તો પણ છેક પાતાળ સુધી પહોંચવા માટે માનવી ન ચાલે. સબમરીન જ જોઈએ અને તે પણ ખાસ પ્રકારની રોબોટ સબમરીન જ જોઈએ.’
આ ભગીરથ કાર્ય પૂરું પાડવા માટે ૧૨ મિલિયન ડોલરની જરૂર હતી. ત્રિપુટીએ કોલમ્બસના વેપારીઓની મીટિંગ બોલાવી અને વિશ્વનો મોટામાં મોટો ખજાનો શોધી કાઢવા માટેના પ્રોજેક્ટમાં નાણાં રોકવા તેમને સમજાવ્યા. ૧૬૧ જેટલા ઈન્વેસ્ટરો સંમત થયા. કેટલાકે તો દસ દસ હજાર ડોલર પણ રોક્યા. ખજાનો મળે તો દસ હજાર રોકનારને દસ લાખ ડોલર મળશે એવા કરાર થયા.
એ લોકોએ પ્રાથમિક સર્વે માટે ૩૦ વર્ષ જૂની એક મજબૂત કેનેડિયન કંપનીની રિસર્ચ શિપ તૈયાર કરી. આ શિપમાં અનેક પ્રકારનાં વિજાણુ યંત્રો ગોઠવવામાં આવ્યાં. અંતરીક્ષમાં ઘૂમતા સેટેલાઈટ્સ દ્વારા સીધી જ માહિતી મેળવી શકાય તેવા રિસીવર્સ અને કમ્પ્યૂટર્સ પણ ગોઠવવામાં આવ્યા. સેટેલાઈટસ પરથી આવતી માહિતીનું પૃથક્કરણ કરવા માટેનાં કમ્પ્યૂટર્સ પણ ગોઠવાયાં. એક કંટ્રોલરૂમ, જે પાંચ ટેક્નિશયનો અને વૈજ્ઞાનિકોથી સજ્જ કરાયો. ૧૧ કમ્પ્યૂટર્સ અને ૧૮ વીડિયો સ્ક્રીન દરિયાના પેટાળમાં ચાલતી હિલચાલ જોવા ગોઠવવામાં આવ્યાં. વીડિયો સ્ક્રીન થ્રી ડાયમેન્શનલ ચિત્ર ઉપસાવી શકે તેવા હતા.
પરંતુ જેણે સોનાનો ખજાનો શોધવા ડૂબકી મારવાની હતી તે કોઈ માનવી નહોતો, પણ એક યંત્ર માનવી દ્વારા સંચાલિત રોબોટ-સબમરીન હતી, જેનું નામ `નીમો’ એવું આપવામાં આવ્યું.
`નીમો’ની રચના અદ્‌ભુત હતી. ક્રેઈનની જાડી સાંકળોથી એને દરિયાના પેટાળમાં દોઢ માઈલ નીચે ઉતારી દીધા બાદ પાતળા ઓપ્ટિકલ વાયરો દ્વારા તેના હાથ પગ તે હલાવી શકતી હતી. સ્વયં પ્રકાશ પાથરીને વીડિયો કેમરાથી જોઈ શકતી હતી. એ જે જોઈ શકતી હતી તેનાં ત્રિપરિમાણીય ચિત્રો ઉપરના જહાજને મોકલી શકતી હતી. `નીમો’ને યાંત્રિક હાથ પણ બનાવવામાં આવ્યા હતા.
સોનાની મોટી પાટને જ નહીં, પણ સોનાના નાનામાં નાના સિક્કાને પણ શોધીને પકડી શકે તથા સહીસલામત ઉપર લાવી શકે તેવી યાંત્રિક રચના તેમાં કરવામાં આવી હતી.
સૌ પ્રથમ તો ઉપગ્રહોની મદદથી `સેન્ટ્રલ અમેરિકા’ કયા પડી છે તે શોધી કાઢવામાં આવ્યું. ત્યારબાદ રિસર્ચ વહાણને ચોક્કસ સ્થળે દરિયામાં સ્થિર કરીને `નીમો’ રોબોટ સબમરીનને પાણીમાં ઉતારવામાં આવી. શરૂઆતમાં તો `નીમો’એ ઘણી ભૂલો કરી. કેટલીક ભૂતિયા તસવીરો પણ મોકલી આપી. `સેન્ટ્રલ અમેરિકા’ સ્ટીમરનો ભંગાર દોઢ માઈલના વિસ્તારમાં વેરાયેલો હતો, તેથી દરિયાના પાણી ઉપર બેસી રહીને ખજાનો શોધવાનું કામ વધુ મુશ્કેલ બન્યું. એક વાર તો `નીમો’ને કંઈક નુકસાન પણ થયું.
પરિણામે `નીમો’ ને રિપેર કરવા પાણીની બહાર કાઢી લેવી પડી અને ફરી દરિયો શાંત થાય તેવી મોસમ માટે વધુ એક વર્ષ રાહ જોવી પડી.
સપ્ટેમ્બર મહિનામાં ફરી `નીમો’ને કામે લગાડવામાં આવી. `નીમો’એ દરિયાના પેટાળમાં પડેલા ભંગાર પરની ડસ્ટ સાફ કરી અને લાકડાની તૂટી ગયેલી પેટીઓ પરથી કેટલાંક પાટિયાં હટાવતાં ટીવી કેમેરામાં સોનું ઝળકી ઊઠ્યું. વર્ષોથી પાણીમાં રહેવા છતાં ઉપર ચડી ગયેલા બીજા રંગો છતાં મીન્ટમાંથી બહાર નીકળેલી તાજી જ સોનાની ઈંટો ચમકી ઊઠી. સોનાના ગોળ સિક્કાઓ હજીયે એકબીજા સાથે ક્યાંક ચીપકેલા તો ક્યાંક અહીં તહીં વેરાયેલા `નીમો’એ શોધી કાઢ્યા. `નીમો’એ મહાસાગરના તળિયેથી મોકલેલા `સેન્ટ્રલ અમેરિકા’ના સોનાના ખજાનાનાં ચિત્રો કોઈ પરીકથાનાં દૃશ્યો જેવાં હતાં. અધિકૃત રેકોર્ડ પ્રમાણે `સેન્ટ્રલ અમેરિકા’ સ્ટીમર ત્રણ ટન સોનું લઈને નીકળી હતી, પરંતુ એના ઉતારુઓ પાસે તથા શિપમાં ન જાહેર કરેલું અને જીવ બચાવવા ત્યજી દેવાયેલું બીજું સોનું પણ ઘણું હતું.
આ રિસર્ચ વહાણે શરૂ કરેલી ખજાનાની શોધખોળની આખરી કામગીરી દરમિયાન `નીમો’એ અત્યાર સુધીમાં એક ટન કરતાં પણ વધુ સોનું ધીમે ધીમે ઊંચકીને દરિયામાંથી બહાર લાવી દીધું છે. થોડા દિવસ પહેલાં જ એટલાન્ટિક ફરી તોફાની બનતાં ખજાનો પાછો મેળવવાની આ વર્ષની સીઝન પૂરી થઈ ગઈ છે. આવતા વર્ષે ફરી આ જ સીઝનમાં `નીમો’ એનું કામ આરંભશે. થોમ્પસન કહે છે કે પૂરેપૂરું સોનું બહાર કાઢવા માટે અમને બેથી ત્રણ વર્ષ લાગશે.
હાલ સોનાના જે સિક્કા બહાર કાઢ્યા છે તે ૧૮૫૦ની સાલનો સિક્કો ધરાવે છે. જ્યારે સોનાની પાટ પર ટંકશાળના તે જમાનાના કલેક્ટરનો સિક્કો છે. સોનાની એક પાટનું વજન ૭૫૪ ઔંસ જેટલું છે. અત્યાર સુધીમાં જે સોનું મળ્યું છે તેના કારણે ઈન્વેસ્ટરો ગેલમાં આવી ગયા છે, કારણ કે આ સોનું આજની કિંમતે નહીં પણ હવે તેનું ઐતિહાસિક અને એન્ટિક પીસના ધોરણે તે વેચાશે, કારણ કે તેની પર ૧૮૫૦ની સાલની ટંકશાળાના કલેક્ટરોના સિક્કા છે. વળી, ૧૩૦ વર્ષ તે સોનું દરિયામાં ખોવાયેલું રહ્યું, તેથી તેનું ઐતિહાસિક મૂલ્ય પણ અનેકગણું વધી ગયું છે. ઈન્વેસ્ટરો તો રાતોરાત લાખપતિ બની ગયા છે, પણ મજાની વાત એ છે કે ઈન્વેસ્ટરોને હજી એક પૈસો પણ મળ્યો નથી, કારણ કે દરિયામાંથી શોધી કાઢવામાં આવેલું સોનું હજી વેચવામાં આવ્યું નથી.
સોનું તો શોધી કઢાયું, પણ આ સોનાના માલિકો કોણ તે માટે કેટલાક કાનૂની મુદ્દાઓ ઊભા થયા છે. જે જહાજ ડૂબી ગયું તે `સેન્ટ્રલ અમેરિકા’ કંપનીનો વીમો અનેક વીમા કંપનીઓએ ઉતાર્યો હતો. આ કંપનીઓ પૈકી કેટલીક હજી પણ અસ્તિત્વમાં છે. તેમણે સ્ટીમર ડૂબી જવાથી ઘણી બધી રકમ ક્લેમ કરનારાઓને ભરપાઈ કરી દીધી હતી, તેથી ટોટલ લોસમાં ગયેલી ગાડીના ભંગારની માલિક વીમા કંપની ગણાય છે તેમ ભાંગી ગયેલી સ્ટીમરના ભંગાર પર એ વીમા કંપનીઓ પણ હવે સોના સહિતના ભંગાર માટે દાવો કરી રહી છે. આવી કુલ ૩૯ કંપનીઓ દાવેદાર છે. સેન્ટ્રલ અમેરિકાની શોધ માટે સ્ટેટ ઓફ ન્યૂયોર્ક તથા કોલંબિયા યુનિવર્સિટીએ પણ મદદ કરી હોઈ તેમણે યોગ્ય હિસ્સા માટે અમેરિકાની અદાલતમાં દાવા દાખલ કર્યા છે.
થોમ્પસન કહે છે: `આમ છતાં આ બધા દાવાઓનો ટૂંકમાં જ નિકાલ આવી જશે. ત્યારબાદ અમે સોનાનું વેચાણ ખાસ વ્યૂહ ઘડીને કરીશું. સોનાના પ્રત્યેક સિક્કાનું અલગ અલગ વેચાણ કરીશું. દરેક સિક્કો દરિયાના પેટાળમાંથી `નીમો’ કેવી રીતે ઊંચકીને લાવે છે તેની વીડિયો ટેપ દર્શાવીને જે તે સિક્કાનું વેચાણ કરવામાં આવશે. પરિણામે લોકો જે તે સિક્કાની આજની કિંમત કરતાં તેની વધુ કિંમત આપીને પણ ખરીદી લેશે.
એવામાં જેમ્સ લેમ્બ નામના એક સદ્‌ગૃહસ્થે એવો મુદ્દો ઊભો કર્યો છે કે આ સોનું તે તો રાષ્ટ્રીય સંપત્તિ છે, તેને વેચી જ કેવી રીતે શકાય?
બિચારા ઈન્વેસ્ટર્સ કોર્ટનો ચુકાદો આવે તેની રાહ જોઈને ધીરજ ધરીને બેઠા છે.

Be Sociable, Share!