Close

વ્હાઈટ હાઉસમાં મધર ટેરેસાની અપીલ સાંભળ્યા પ્રેસિડેન્ટ રેગને અમેરિકાની વિદેશ નીતિની વિરુદ્ધ જઈને લાખો ટન અનાજ દુષ્કાળ પીડિત દેશને મોકલી આપ્યું હતું.

રેડ રોઝ | Comments Off on વ્હાઈટ હાઉસમાં મધર ટેરેસાની અપીલ સાંભળ્યા પ્રેસિડેન્ટ રેગને અમેરિકાની વિદેશ નીતિની વિરુદ્ધ જઈને લાખો ટન અનાજ દુષ્કાળ પીડિત દેશને મોકલી આપ્યું હતું.
અમેરિકાના પ્રેસિડેન્ટ `વિશ્વ જમાદાર’ તરીકે ઓળખાય છે. અમેરિકાએ ગુલામોના તારણહાર તરીકે જાણીતા અબ્રાહમ લિંકન જેવા પ્રેસિડેન્ટ આપ્યા. અમેરિકાએ વિશ્વના સૌથી વધુ સોહામણા ગણાતા જ્હોન એફ. કેનેડી જેવા પ્રેસિડેન્ટ આપ્યા. એ જ અમેરિકાએ સાયકોટિક અને અનપ્રેડિક્ટલ ગણાતા ડોનાલ્ડ ટ્રમ્પ જેવા પ્રેસિડેન્ટ આપ્યા, જે માત્ર ટેરીફ બોમ્બ અને મિસાઈલો દ્વારા બોમ્બ ફેંકનાર પ્રેસિડેન્ટ તરીકે કુખ્યાત છે, પરંતુ આજે પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગનની વાત કરવી છે, જેમણે અમેરિકાની પ્રસ્થાપિત વિદેશીનીતિની વિરુદ્ધ જઈને ભયાનક દુષ્કાળનો સામનો કરી રહેલા ઈથિયોપિયા જેવા દેશમાં અનેક વિમાનો મોકલીને ભૂખમરાથી પીડાતા લોકોને લાખો ટન અનાજ મોકલીને મદદ કરી હતી. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલા કરીને માત્ર સૈનિકોને જ નહીં, પરંતુ સ્કૂલમાં ભણતાં હજારો બાળકોને પણ મોતને ઘાટ ઉતાર્યાં છે અને હજુ તેમનો યુદ્ધખોર સ્વભાવ યથાવત્ છે.
હવે એક ફ્લેશબેક જોઈએ.
એ ૧૯૮૫ની સાલ હતી. વિશ્વના ઘણા દેશો પર દુષ્કાળનાં ડાકલાં વાગી રહ્યાં હતાં. સદીનો સૌથી ભીષણ અકાળ ઇથિયોપિયા નામના આફ્રિકાના દેશમાં પડ્યો હતો. રોજ સેંકડોના હિસાબે બાળકો અને વૃદ્ધો મરી રહ્યાં હતાં. પાણીની તંગી એટલી તો કારમી હતી કે દેશના લોકો રણમાં ભટકી રહેલા ઊંટના પેશાબને ખોબો ધરી પી રહ્યા હતા. આવી તસવીર `લાઈફ’ મેગેઝિને પ્રગટ કરી હતી ​ત્યારે વિશ્વ આખું ધ્રૂજી ગયું હતું. એ વખતે અમેરિકાના પ્રેસિડન્ટ રેગન સત્તા પર હતા. એમના સમયની વિદેશનીતિ દુકાળથી પીડાતા લોકોને મદદ કરવાની તરફેણમાં નહોતી. પ્રેસિડેન્ટ રેગને બોલાવેલી કેબિનેટની મીટિંગે એવી કોઈ પણ મદદ કરવા ઇનકાર કરી દીધો હતો.
 ​એ દિવસોમાં મધર ટેરેસા પણ અમેરિકાના પ્રવાસે ગયેલાં હતાં. તેમને અમેરિકાના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન `વ્હાઇટ હાઉસ’ની મુલાકાત લેવા સ્વાભાવિક રીતે જ આમંત્રણ અપાયું હતું. વ્હાઈટ હાઉસમાં અમેરિકાના પ્રેસિડન્ટ અને મધર ટેરેસા સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસને સંબોધન કરતી વખતે મધર ટેરેસાએ નિર્દોષ ભાવે જ પત્રકારો સમક્ષ ભૂખમરાથી પીડાતા ઈથિયોપિયાના લાખો દુષ્કાળગ્રસ્ત લોકોને મદદ કરવા અપીલ કરી. આ અપીલ બાદ પત્રકારોના પ્રશ્નોના જવાબમાં પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગન વિદેશનીતિનો સવાલ હોઈ મૌન રહ્યા અને પત્રકારો પોતાની ડાયરીમાં જઈ પોતાનો અહેવાલ તૈયાર કરે એ દરમિયાન આ પ્રેસ કોન્ફરન્સના ૨૪ કલાકમાં તો સી-૧૩૦ પ્રકારનાં તોતિંગ વિમાનો લાખો ટન અનાજ લઈ ઈથિયોપિયા તરફ ઊડી રહ્યાં હતાં. કલકત્તાથી આવેલા એક મહિલાએ અમેરિકાની વિદેશનીતિની વિરુદ્ધ જઈ એક મહાસત્તાના પ્રમુખને સમાજ પ્રત્યેની ફરજ બજાવવા નાનકડી વિનંતી દ્વારા જ સજ્જ કરી દીધા હતા.
​આવાં મધર ટેરેસા હવે રહ્યાં નથી. તા. ૨૭મી ઓગસ્ટ, ૧૯૧૦ના રોજ યુગોસ્લાવિયામાં જન્મેલાં એ મહિલા મધર ટેરેસા બન્યાં. એ પહેલાં એગ્નેસ બોજાકમીયું હતાં. તેઓ આલ્બેનિયન પરિવારમાં જન્મ્યાં હતાં. એમના પિતા એક કન્સ્ટ્રક્શન કંપનીમાં ભાગીદાર હતા. ૧૯૨૮માં તેઓ આયર્લેન્ડ ગયાં હતાં અને સાધ્વી બની જવાનું પસંદ કર્યું હતું. સિસ્ટર્સ ઓફ લોરેટોના જૂથમાં જોડાઈ તેમણે માનવીઓની સેવા કરવાનો નિર્ણય કર્યો હતો. સાધ્વીની તાલીમ માટે કલકત્તા આવી તેમણે પોતાનું નામ બદલી સિસ્ટર ટેરેસા એવું રાખ્યું હતું. પોતાની કાર્યભૂમિ ભારતને બનાવવા ૧૯૨૮ની સાલમાં જ તેઓ કલકત્તા આવ્યાં હતાં. આ દિવસોમાં તેમણે દાર્જીલિંગ અને કલકત્તા ​વચ્ચે પોતાની કામગીરી શરૂ કરી હતી. તેમણે St. Therese Martinના નામ પરથી પોતાનું નામ ટેરેસા રાખ્યું હતું. ફક્ત ટેરેસાના સ્પેલિંગમાં ફરક અપનાવી Teresa એવું સરળ બનાવી દીધું હતું. સેન્ટ ટેરેસા માર્ટિન એક સંત હતા. ૧૯૨૯માં કલકત્તામાં સેન્ટ મેરીઝ નામની એક શાળામાં તેઓ શિક્ષિકા બન્યાં હતાં. ૧૭ વર્ષ સુધી તેમણે શિક્ષણકાર્ય કર્યું હતું. પહેલાં સેન્ટ મેરીઝ, પછી સેન્ટ એગ્નેસ અને છેલ્લે લોરેટો કોન્વેન્ટમાં તેઓ સ્કૂલનાં આચાર્યા બન્યાં હતાં. તેમનો મુખ્ય વિષય ભૂગોળ હતો. ​હવે તેઓ સેવાકાર્ય કરવા માંગતાં હતાં.
​તેમની સ્કૂલની સામે જ એક ઝૂંપડપટ્ટી હતી. રોજીરોટી વગર ભટકતા અને બીમાર લોકોને જોઈ તેઓ દ્રવી ઊઠતાં હતાં. શિક્ષિકામાંથી સેવિકા બનવા તેમણે `મિશનરીઝ ઓફ ચેરિટી’ શરૂ કરવા નામદાર પોપ પાસે મંજૂરી માંગી હતી. તા. ૭મી ઓક્ટોબર, ૧૯૫૦ના રોજ વેટિકનસિટી તરફથી તેમને મંજૂરી મળી ગઈ હતી. ભૂરી કિનારવાળી સફેદ સાડીમાં તેઓ સંપૂર્ણ ભારતીય નારી જેવાં જ લાગતાં હતાં. સાડી પણ તેઓ માથે જ ઓઢી રાખતાં. ૧૯૪૮માં તેઓ ભારતીય નાગરિક બન્યાં હતાં.
 ​હવે તેમણે કલકત્તાના હૃદયસમા મોતી મિલ તરફ કામ વિસ્તાર્યું હતું. સમયાંતરે સિસ્ટર ટેરેસા મધર ટેરેસા બન્યાં હતાં. ૧૯૫૨ની સાલમાં હિન્દુઓના પ્રસિદ્ધ કાલીઘાટ પાસે `નિર્મલ હૃદય’ નામનું કેન્દ્ર શરૂ કર્યું હતું. આ એક એવું ઘર હતું જ્યાં મૃત્યુના આરે આવેલા નિરાધાર બીમાર અને અશક્તોનું શુશ્રૂષા કેન્દ્ર હતું. કાલીઘાટ પાસે જ આ ખ્રિસ્તી મિશનરી કાર્ય શરૂ થતાં કટ્ટર હિન્દુઓએ ભારે વિરોધ કર્યો હતો, પણ એક દિવસ કાલી મંદિરનો એક પૂજારી કોલેરાથી બીમાર પડ્યો. તે મરણપથારીએ પહોંચી ગયો અને પૂજારીની પત્ની ફૂટપાથ પર રડારડ કરી રહી હતી ત્યારે મધર ટેરેસા ગંભીર પરિસ્થિતિએ પહોંચેલા પૂજારીને ઊંચકીને પોતાના સેવાકેન્દ્રમાં લઈ ગયાં હતાં અને તેની સારવાર કરી હતી. અલબત્ત, પૂજારી બચી શક્યો નહોતો,
​મધર ટેરેસાએ પોતાની સેવા કામગીરીનો આરંભ કર્યો ત્યારે તેમની પાસે માત્ર ત્રણ સાડીઓ અને પાંચ રૂપિયા જ હતા. એ દિવસોમાં કલકત્તામાં ટી.બી. અને રક્તપિત્તનો ભારે ઉપદ્રવ હતો. કુષ્ઠ રોગીઓની સારવારની ​સાથે રસ્તા પર ભટકતાં અર્ધનગ્ન અને ભૂખ્યાં બાળકોને પણ તેઓ પોતાના કેન્દ્રમાં લઈ આવતાં. તેમને નવડાવતાં, ધોવડાવતાં, જમાડતાં અને ભણાવતાં. રોજ સવારે એક નાનકડું ટિફિન બોક્સ લઈને નીકળી પડતાં. માઈલો સુધી ચાલતાં અને સુખી લોકો પાસેથી દવાઓ અને ખોરાક માંગી લાવી `નિર્મલ હૃદય’માં રાખેલા અશક્તો અને અનાથોને આપતાં. તેઓ ક્યારેક ટ્રામમાં બેસતાં, પણ કોઈ ભિખારી તેમની પાસે પૈસા માંગે તો આપી દેતાં. માથે ઓઢેલી ભૂરી કિનારીવાળી આ ભેખધારી સાડીવાળાં મધર ધીમે ધીમે લોકોની નજરમાં આવવા લાગ્યાં અને તેમના કેન્દ્રને મદદ પણ મળવા લાગી.
એક સાંજે મધર ટેરેસા કલકત્તાની કેમ્પબેલ હોસ્પિટલથી થોડેક દૂર એક રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે સહેજ અંધારામાં એક ખૂણામાં કંઈક માનવી જેવું પડેલું જણાયું. અંધારા ખૂણામાં એક સ્ત્રીને ફેંકીને કોઈ ચાલ્યું ગયું હતું. મધર ટેરેસા અને એક સિસ્ટરે સહેજ નમીને જોયું તો એ સ્ત્રીના અડધા ચહેરાને ઉંદરો ખાઈ ગયા હતા. મધરે જોયું તો સ્ત્રી મૂર્છિત છતાં હજી જીવતી હતી. મધર ટેરેસા સિસ્ટરની મદદથી તેને ઊંચકી અને હોસ્પિટલમાં લઈ આવ્યાં. તેમણે હોસ્પિટલના સત્તાવાળાઓને વિનંતી કરી કે મહેરબાની કરીને આ મરી રહેલી સ્ત્રીને અંદર લઈ લો અને બચાવો. હોસ્પિટલના સત્તાવાળાઓએ ઈનકાર કર્યો. મધર ટેરેસાએ પણ હોસ્પિટલનો દરવાજો છોડવા ઈનકાર કર્યો. તેઓ એ અડધી સડી ગયેલી સ્ત્રીને લઈને હોસ્પિટલના દરવાજે જ બેસી રહ્યાં. તેમણે ત્યાંથી હટવાનો ઈનકાર કર્યો. થોડા કલાકોમાં તે સ્ત્રી હોસ્પિટલના દરવાજે મૃત્યુ પામી.
​ કલકત્તાના કાલી મંદિર પાસે જ તેમણે મરતી વ્યક્તિઓના આખરી આશ્રમધામ તરીકે `નિર્મલ હૃદય’ ખોલ્યું હતું.
​તેમના આ છેલ્લા શબ્દો `માલ્કોમ મગેટા નામના લેખક જેણે મધર ટેરેસાની આત્મકથા લખી છે – `સમથિંગ બ્યૂટીફૂલ ટુ ગોડ’ના આધારસ્તંભ બની ગયા.​પછી તો મધર ટેરેસા માટે એવોર્ડ્સની વર્ષા થઈ. વિશ્વના તમામ એવોર્ડ્સથી તેઓ લદાતાં ગયાં. પદ્મશ્રી, મેગ્સેસેથી માંડીને નોબેલ પ્રાઇઝ પણ તેમને મળ્યાં. ૧૯૬૪માં નામદાર પોપ પોલ છઠ્ઠા ભારત આવ્યા અને તેમણે રૂ. ૪૬ લાખની લિંકન કાર મધર ટેરેસાને ભેટ આપી, પરંતુ મધરે એ કાર વેચીને આવેલાં નાણાંથી રક્તપિત્તિયાઓ માટે એક વધુ કોલોની ખોલાવી દીધી.
​૧૯૭૯માં મધર ટેરેસાને શાંતિનું નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે બીબીસીએ તેમના પ્રત્યાઘાત પૂછ્યા હતા. મધર ટેરેસાએ કહ્યું: `હું આ એવોર્ડ માટે યોગ્ય નથી.’
​`એ નાણાં તમે ક્યાં વાપરશો?’ એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું: `નોબેલ પ્રાઇઝના ૯૦ હજાર પાઉન્ડ મારા મગજમાં ક્યારની વાપરી (આયોજન) ચૂકી છું.’ આ પ્રાઇઝના માનમાં રાખવામાં આવેલું બેંક્વેટ મધરે વિનંતી કરીને રદ કરાવ્યું હતું અને તે રદ કરતાં બચેલા ૩૦૦૦ પાઉન્ડ તેમણે અનાથોની સેવા માટે વાપરવાની જાહેરાત કરી હતી. ​
​આવાં મધર ટેરેસા હવે રહ્યાં નથી. ​તેમનાં સુવિખ્યાત ઉચ્ચારણો પૈકી કેટલાંક આ પ્રમાણે છે; `આપણું વિશ્વ આજે ભૂખ્યું છે, માત્ર રોટલા માટે જ નહીં, પરંતુ પ્રેમ માટે પણ.’
– www.devendra patel.in
————————————————————————————–

Be Sociable, Share!