Close

શ્યામલી ! ભલે હું પરણેલો છું, પરંતુ તારાથી અલગ નહીં થાઉં

શ્યામલી.
ગુજરાતના અંતરિયાળ એવા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક છાપરામાં જન્મેલી સુશિલ કન્યા હતી. શ્યામ પણ ઘાટીલી અને કજરાળી આંખો ધરાવતી હતી. તે ભણી હતી. ભણીને એણે નર્સ તરીકેનો વ્યવસાય ઉત્તર ગુજરાતની એક હૉસ્પિટલમાં સ્વીકાર્યો હતો.
એ હૉસ્પિટલમાં આવી ત્યારથી જ બધાંની પ્રિય થઈ પડી હતી. હૉસ્પિટલના તબીબ પણ તેનાથી ખુશ હતા, અલબત્ત બીજા કારણસર. શ્યામલી તેમને ગમી ગઈ હતી. તે શ્યામ હોવા છતાં જ્યારે સફ્ેદ વસ્ત્રો પહેરતી ત્યારે તેનું રૂપ ઔર ખીલી ઊઠતું.
શ્યામલી એકલી હતી. બચપણમાં જ એણે માતા-પિતાનું છત્ર ગુમાવ્યું હતું. હવે તે ૨૦ વર્ષની હતી. તેનું યોવન ખીલી ઉઠયું હતું અને તબીબનું મન બગડયું હતું. ડૉક્ટર એને રોજ પૂછતા ઃ ‘શ્યામલી ! તેં આજે શું ખાધું ? ઘેર ગયા પછી તેં શું કર્યું ? રાત્રે કેટલા વાગે સૂઈ ગઈ હતી’ ?
શ્યામલીનું જીવન હજી ‘કોરા કાગજ’ જેવું હતું. ડૉક્ટર પણ યુવાન હતા, અલબત્ત તેનાથી થોડાક મોટા. ધીમે ધીમે શ્યામલીના દિલમાં ડૉક્ટરે સ્થાન લઈ લીધું. પરંતુ તે કહેતી ઃ ‘સર ! આપ એક ડૉક્ટર છો અને હું એક સામાન્ય સ્ત્રી. વળી આપણી જાતિ પણ જુદી.’
‘મને કોઈ જ ફ્રક પડતો નથી, શ્યામલી. મને તું ગમે છે’.
‘પણ સર !’
અને ડૉક્ટર શ્યામલીના મોં પર હાથ મૂકી દેતા. શ્યામલી ચૂપ થઈ જતી. હવે બેઉ એકબીજાની વધુ ને વધુ સમીપ રહેવા લાગ્યાં. લંચ સમયે બેઉ સાથે જમતાં. શ્યામલી ડૉક્ટરની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખતી. ડૉક્ટરનું વતન બીજા એક જિલ્લામાં હતું. તેથી તેઓ પણ એકલા જ રહેતા હતા. કોઈ કોઈવાર શ્યામલી ડૉક્ટરના ઘેર જઈ રસોઈ પણ બનાવી આપતી. હૉસ્પિટલમાં પણ બધા સ્ટાફ્ને હવે આ પ્રણયની ખબર પડી ગઈ હતી.
ધીમે ધીમે શ્યામલીની અને તબીબની હિંમત ખૂલી ગઈ. એ હવે તબીબની અર્ધાંગિની જેવી જ બની ગઈ. શ્યામલીએ એક દિવસ તબીબને પૂછયું ઃ ‘સર ! હવે આપણે લગ્ન કરી લઈએ. નાહક લોકો વાતો કરતા તો બંધ થઈ જાય.’
ડૉક્ટરે કહ્યું ઃ ‘શ્યામલી ! મારે તારી માફ્ી માંગવાની છે.’
‘માફ્ી ? શા માટે ?’
‘મેં એક વાત તારાથી છુપાવી છે. હું પરિણીત છું. ગામડે મારી પત્ની પણ છે. એક બાળક પણ છે.’
શ્યામલી ઘડીભર તો આઘાતમાં સરી પડી, પરંતુ તબીબે તેને વિશ્વાસમાં લઈ કહ્યું ઃ ‘શ્યામલી ! ભલે હું પરણેલો છું, પરંતુ તારાથી અલગ નહીં થાઉં. તને અલગ નહીં કરું.’
અને એક દિવસ  શ્યામલી હવે ડૉક્ટરના ઘરમાં જ રહેવા આવી ગઈ. વાત ઉઘાડી થઈ જતાં સમાજમાં હોબાળો મચી ગયો. ડૉક્ટરની પ્રથમ પત્નીનાં સગાં-સંબંધીઓએ આ વાતનો જબરદસ્ત વિરોધ કર્યો. ડૉક્ટર સાથે કેટલીયે મીટિંગો થઈ પરંતુ ડૉક્ટર ટસના મસ ના થયા. તેમણે શ્યામલીને કાઢી મૂકવા ધરાર ઇન્કાર કરી દીધો. વિરોધ કરનારા પણ થાકી ગયા. તેમણે વિચાર્યું કે ‘ડૉક્ટર કર્યાં ભોગવશે’ વાત પડતી મુકાઈ.
તબીબની પ્રથમ પત્ની રસીલા તેના પુત્ર સાથે હવે પિયરમાં જ રહેવા લાગી અને શ્યામલીનું ડૉક્ટર સાથે સંસારચક્ર આગળ ચાલવા લાગ્યું. શ્યામલી ગર્ભવતી બની. પૂરા માસે એણે એક દીકરીને જન્મ આપ્યો. એને ‘શ્રાદ્ધા’ એવું નામ આપવામાં આવ્યું. શ્રાદ્ધા પણ એની માના રૂપ રંગને લઈ અવતરી હતી. જાણે કે શ્યામલીની કાર્બન કોપી.
પરંતુ શ્રાદ્ધાના જન્મના બીજા જ માસે તબીબ બીમાર પડયા. નિદાન થયું કે ડૉક્ટરને બ્લડ કૅન્સર છે. શ્યામલી ગભરાઈ ગઈ. તબીબ ખુદ પોતાના રોગની ગંભીરતા જાણતા હતા. તેમણે ઉપલબ્ધ એવી શ્રોષ્ઠ સારવાર લીધી પરંતુ માંડ છ મહિના જ જીવ્યા. નિદાનના છઠ્ઠા માસે તબીબનું અવસાન થયું.
શ્રાદ્ધા અને શ્યામલીના માથે આભ તૂટી પડયું. બાળકીએ પિતા ગુમાવ્યા અને માએ પતિ. શ્યામલીએ પુત્રીના ઉછેર માટે ફ્રી નર્િંસગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે મિલકતનો પ્રશ્ન ઊભો થયો. તબીબ સરકારી નોકરીમાં હતા. તેમના મૃત્યુ પછી મળવાપાત્ર બધી જ રકમ પર ડૉક્ટરના કાયદેસરનાં પત્નીએ દાવો કર્યો. શ્યામલી તો કાયદેસરની પત્ની હતી જ નહીં. બધી જ રકમ શ્યામલીએ ડૉક્ટરના કાયદેસરનાં પત્ની પાસે વિના વિરોધે જવા દીધી. એક પાઈ પણ તેણે ના લીધી.દીકરી શ્રાદ્ધાને ઉછેરવા માટે તેણે ફ્રી કમર કસી. તે પણ હજી નોકરી કરતી હતી. કરકસર કરીને ઘર ચલાવવા માંડી. શ્રાદ્ધાને ભણાવવા લાગી. તે ભલે હજી યુવાન હતી, અંગત જીવન પર ડાઘ પડવા ના દીધો. તબીબ ભલે કાયદેસરના પતિ નહોતા પરંતુ એણે એક વિધવાની જેમ જ જીવન બસર કરવા માંડયું. તે કોઈની તરફ્ આંખ ઉઠાવીને પણ જોતી નહોતી. શરૂશરૂમાં કેટલાક લોકોએ તેને આકર્ષવા પ્રયાસો કર્યા, પરંતુ શ્યામલી પવિત્ર જીવન જ જીવતી રહી. એનો હવે એક જ ધ્યેય હતો- ‘શ્રાદ્ધાને ભણાવવી, ઉછેરવી, મોટી કરવી, પરણાવવી.’
સમય પસાર થતો રહ્યો.
શ્યામલીએ હવે રૂપને ઝાંખું કરી નાંખ્યું હતું. શ્રાૃંગારનો એણે ત્યાગ કરી દીધો હતો. પુત્રીનો ઉછેર એ જ એની સાધના હતી.
અને એક દિવસ શ્યામલી ખુદ બીમાર પડી ગઈ. ખૂબ દવાઓ કરી પણ તે સાજી ના થઈ. છેવટે એક ચોંકાવનારું નિદાન થયું. ‘શ્યામલી ! તને બ્લડ કૅન્સર છે.’
શ્યામલી તો સાંભળી જ રહી, હવે તેની સામે તેની ૧૮ વર્ષની દીકરી શ્રાદ્ધા હતી. શ્રાદ્ધાનો એક માત્ર આધાર તે હતી. પિયરમાં કોઈ નહોતું, શ્રાદ્ધાના પિતા તો વર્ષો પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. પોતાના ભાવિ કરતાં શ્રાદ્ધાનું શું થશે તેની ચિંતાથી તે ભાંગી પડી. પણ હવે કોઈ ઉપાય નહોતો. બધું જ ભગવાન ભરોસે છોડી દીધું. ધીમે ધીમે તે વધુ ને વધુ અશક્ત રહેવા લાગી. હવે તે હૉસ્પિટલ પણ જઈ શકતી નહોતી. શ્રાદ્ધાએ પણ ભણવા જવાનું બંધ કરી માની સારવાર કરવાનું મુનાસીબ માન્યું. પણ આખરે રોગ જ ભયાનક હતો.
થોડાક મહિનામાં શ્યામલી મૃત્યુ પામી.
શ્રાદ્ધા એકલી પડી ગઈ. સ્ત્રી એકલી હોય, યુવાન હોય અને તેમાંયે કુંવારિકા હોય તો સાંપ્રત સમાજમાં શિકારી કૂતરાઓ વચ્ચે જીવવું કઠિન છે. શ્રાદ્ધા પણ શ્યામલીના જેવાં જ રૂપરંગ ધરાવતી હતી, પરંતુ સાથે સાથે તેની પ્રકૃતિ પણ માના જેવી હતી. લોકો શ્રાદ્ધાની પાછળ પડી ગયા. ડૉક્ટરના કાયદેસરનાં પત્નીને પણ જ્યારે ખબર પડી કે તેમના પતિની બીજી પત્નીથી થયેલી પુત્રી યુવાન છે એટલે તેમણે પણ શ્રાદ્ધાને વગોવવા માંડી.
શ્રાદ્ધા હવે એકલી હતી, બેસહારા હતી. એક યુવાન તેની મદદે આવ્યો. તે શ્રાદ્ધાના પિયરપક્ષને ઓળખતો હતો. લોકોએ શ્રાદ્ધાનું નામ એ યુવાન સાથે રખડતી છોકરી તરીકે ચડાવી દીધું. લોકો વધુ ને વધુ બેફમ બોલવા લાગ્યા. ‘જેવી મા તેવી દીકરી.’ ચારે તરફ્ તોફન સર્જાયું. શ્રાદ્ધાની સહાયે આવેલા યુવાનને પણ લોકોએ હડફ્ેટે લઈ લીધો. લોકો કહેવા લાગ્યા ઃ ‘આ છોકરી ડૉક્ટરનું નામ ખરાબ કરે છે.’
-ત્યારે ના છૂટકે યુવાને બંડ પોકાર્યું. એણે સમાજના લોકોને, આગેવાનોને એકત્ર કર્યા. બધાની હાજરીમાં એણે જાહેર કર્યું ઃ ‘તમારો ને મારો સમાજ જુદો છે. તમે જે છોકરીને વગોવો છે તે મારી પિતરાઈ બહેન થાય છે. શ્રાદ્ધાની મમ્મી અને મારા પિતા એક કુટુંબના છીએ અને શ્રાદ્ધા સાથે મારે લોહીનો સંબંધ છે. તમારી જ્ઞાતિના ડૉક્ટરે વ્યભિચાર કરી મારા ફેઈને ફ્સાવ્યાં અને છોકરી પેદા કરી તો તેની જવાબદારી ઉઠાવવામાંથી તમે દૂર ભાગો છો અને ઉપરથી અમને  બદનામ કરો છો. અમારે તમારી જરૂર નથી. શ્રાદ્ધા મારી પિતરાઈ બહેન છે અને આજથી તેને ભણાવવાથી માંડીને લગ્ન કરાવી આપવાની બધી જ જવાબદારી હું ઉપાડું છું. અમને તમારી જરૂર નથી. મને અને મારી બહેનને તમારી કોઈ જ દયાની જરૂર નથી.’
અને ભેગા થયેલા દંભી નાતીલાઓમાં સોપો પડી ગયો. બધા ચૂપચાપ ઊભા થઈને વિખેરાઈ ગયા.
શ્રાદ્ધાની જવાબદારી એના પિતરાઈ ભાઈએ હવે ઉપાડી લીધી છે.
શ્રાદ્ધાને હવે કોઈનીયે સહાનુભૂતિની જરૂર નથી.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!