Close

બીજા વિશ્વયુદ્ધ સમયની એક હૃદયદ્રાવક કથા : ૧૩ વર્ષની હેનાને કોન્સન્ટ્રેશન કેમ્પમાં પૂરી દેવાઈ હતી

ઓક્ટોબર ૧૯૪૪, બીજા વિશ્વયુદ્ધનો સમય હતો. હિટલરનું નાઝી સૈન્ય જર્મની અને તેના સંબંધિત રાષ્ટ્રોમાં યહૂદીઓની કતલ કરી રહ્યું હતું. ૧૩ વર્ષની નાનકડી યહૂદી કન્યા હેના બ્રેડીને પણ ઝેકોસ્લોવેકિયામાં યહૂદીઓ માટેના કોન્સન્ટ્રેશન કેમ્પમાં પૂરી દેવાઈ હતી. જેટલાં પણ બાળકો અહીં હતાં તેમને નજીકના પોલેન્ડ દેશમાં કાઢી મૂકવામાં આવતાં હતાં.
બીજા દિવસે નાનકડી હેનાને એક ટ્રેનમાં બેસાડી દેવામાં આવી. હેના તેના ૧૬ વર્ષની વયના ભાઈ જ્યોર્જ બ્રેડીથી અલગ પડી ગઈ હતી. તેને હતું કે અહીંથી બહાર નીકળ્યા બાદ ભાઈ મળી જશે.
એ રાત્રે એણે એની લેધરની સૂટકેસમાં તેનાં કપડાં અને જાતે જ દોરેલાં કેટલાંક ચિત્રો મૂક્યાં. એ સૂટકેસ સાથે તે ટ્રેનમાં બેઠી હતી. દિવસ અને રાત ટ્રેન દોડતી રહી. ટ્રેન તો શું તે એક માલગાડીનો ડબ્બો જ હતો. ટ્રેનમાં પાણી કે ભોજન કંઈ જ નહોતું.
તા. ૨૩ ઑક્ટોબર, ૧૯૪૪ના રોજ ટ્રેન પોલેન્ડની સરહદમાં પ્રવેશી. ટ્રેન ઊભી રહી. બારણું ખૂલ્યું. હેના સહિત બીજાં તમામ બાળકોને બહાર નીકળવા સૈનિકે હુકમ કર્યો. એ વખતે અંધારું હતું. હેનાને ખબર નહોતી કે તે નાઝીઓના ઓશવિટઝ ખાતેના ખતરનાક કોન્સન્ટ્રેશન કેમ્પમાં આવી પહોંચી હતી.
*
હેનાનો જન્મ આમ તો તા. ૧૬ મે, ૧૯૩૧ના રોજ ઝેકોસ્લોવેકિયાના નોવેનેસ્ટ્રો નામના ગામમાં થયો હતો. તેને જ્યોર્જ બ્રેડી નામનો તેનાથી ત્રણ વર્ષ મોટો ભાઈ પણ હતો. તેના પિતા કેરલ બ્રેડી અને મા માર્કેટા બ્રેડી યહૂદી હતાં. તેઓ ગામમાં એક નાનકડો સ્ટોર ચલાવતાં હતાં. હેના તેના ભાઈ જ્યોર્જ સાથે ખેલતી કૂદતી અને ભણતી હતી. રજાના દિવસે તેઓ નજીકના કન્ટ્રી સાઈડમાં પિકનિક પર જતાં. આખાયે ટાઉનમાં માત્ર ત્રણ જ યહૂદી પરિવાર હતા. તેમનો ધાર્મિક ઉછેર જુદો હોઈ બીજાં બાળકોથી આ ભાઈ-બહેન જુદાં પડી જતાં હતાં.
તા. ૧૫ માર્ચ, ૧૯૩૯ના રોજ અચાનક હિટલરના લશ્કરે ઝેકોસ્લોવેકિયા પર આક્રમણ કર્યું. નાઝી સૈન્યે યહૂદીઓ માટે કડક નિયમો જાહેર કર્યા. યહૂદીઓએ ઘરમાં જ રહેવાનું, અમુક કલાકો માટે જ બહાર ખરીદી કરવા જવાનું. યહૂદીઓએ માત્ર પીળાં કપડાં જ પહેરવાનાં જેથી તેઓ ઓળખાઈ શકે વગેરે. એ વખતે હેનાની ઉંમર ૮ વર્ષની અને જ્યોર્જની ઉંમર ૧૧ વર્ષની હતી. માર્ચ ૧૯૪૧ના રોજ હિટલરના નાઝી સૈનિકોએ હેનાની મમ્મીની ધરપકડ કરી. ત્યારબાદ તેને જર્મનીના કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલી દેવામાં આવી. ત્યાર પછી હેના-જ્યોર્જના પિતાની પણ ધરપકડ કરવામાં આવી. કેરલ બ્રેડીએ તેમનાં બે બાળકોને આલિંગન આપ્યું, ચુંબન કર્યું અને બહાદુર બનવાની શીખ આપી. સૈનિકોની ટ્રકમાં બેસતાં અલવિદા કરી.
 નાનકડા જ્યોર્જ અને હેના હવે એકલાં પડી ગયાં. તેઓ તેમના દૂરના એક કાકા લુડવિકના ઘેર રહેવા ગયાં. એ વખતે હેનાએ તેની લેધરની બદામી સૂટકેસમાં થોડાંક કપડાં જ સાથે લઈ લીધાં હતાં. તેમાં તેને બહુ જ ગમતું ડોટ લાઇનિંગવાળું પોલકું પણ હતું.
નાઝીઓએ હવે બ્રેડી પરિવારનું ઘર કબજે કરી લીધું હતું, પરંતુ નાનકડા જ્યોર્જ બ્રેડીએ તેના પરિવારના ફોટા કાકાના ઘેર સંતાડીને મૂકી દીધા હતા. નાઝીઓનો યહૂદીઓ પરનો જુલ્મ વધી ગયો. મે ૧૯૪૨ના રોજ નાનકડી હેના અને જ્યોર્જને પણ પકડી લીધાં. તેમને એક ડિપોર્ટેશન કેમ્પમાં પૂરી દેવામાં આવ્યાં. ત્યાર પછી રાત્રે એક ટ્રેનમાં બેસાડી દેવામાં આવ્યાં. રસ્તામાં ૫૦ હજાર કેદીઓ માટેનો એક ટ્રાન્સીટ કેમ્પ બનાવવામાં આવ્યો હતો ત્યાં બધાંને લઈ જવાયાં. જ્યોર્જને હવે છોકરાઓ માટેની બેરેકમાં મોકલી દેવાયો અને પ્લમ્બરનું કામ સોંપવામાં આવ્યું. હેનાને અહીંથી અડધો કિલોમીટર દૂર કિડરહેમ નામના સ્થળે એક બિલ્ડિંગમાં મોકલી દેવામાં આવી. આ સ્થળે આવેલી બેરેકમાં ઘાસ પર સૂઈ જવાનું. ચારે તરફ ઉંદર દોડતા હતા. મચ્છરો ઊડતા હતા. ભાઈ અને બહેન હવે છૂટાં પડી ગયાં હતાં. હેનાને તેનો ભાઈ બહુ જ યાદ આવતો હતો. છેલ્લાં બે અઠવાડિયાંથી તેણે જ્યોર્જનું મોં જોયું નહોતું. બ્રેડના એક ટુકડાના બે ભાગ કરીને બેઉ ભાઈ-બહેન ખાતાં એ દૃશ્ય એને યાદ આવતું હતું.
દિવસો પસાર થતા ગયા અને વધુ ને વધુ યહૂદીઓને પકડી લાવી આ શિબિરોમાં ઠાલવવામાં આવતા હતા. હવે ખાવાનું પણ ઓછું મળતું હતું. બધા બીમાર પણ પડવા માંડ્યા હતા. સપ્ટેમ્બર ૧૯૪૪ના સમયગાળામાં નાઝીઓને હવે લાગવા માંડ્યું હતું કે તેઓ યુદ્ધ હારી જશે, તેથી વધુ ને વધુ યહૂદી કેદીઓને ઝેકોસ્લોવેકિયાની બહાર કાઢી મૂકવા માંડ્યા.
એક દિવસ હેનાને સમાચાર મળ્યા કે તેના ભાઈ જ્યોર્જને પણ પોલેન્ડ રવાના કરી દેવાનો છે. જોકે, જ્યોર્જને પોલેન્ડ રવાના કરી દેવાય તે પહેલાં બહાર કામ કરતી વખતે તે તેની નાની બહેન હેનાને મળવામાં સફળ થયો. એણે હેનાના માથા પર હાથ મૂકતાં કહ્યું: `હેના, તું ચિંતા ન કરતી. એક દિવસ તો હું તને સહીસલામત આપણા ઘેર લઈ જઈશ. હું પ્રોમિસ આપું છું. ઓ.કે.’
અને એક રાત્રે જ્યોર્જ બેડીને એક ટ્રેનમાં બીજા છોકરાઓ સાથે બેસાડી દેવામાં આવ્યો. ટ્રેન પોલેન્ડ પહોંચી. તે ટ્રેનમાંથી ઊતર્યો ત્યારે દિવસોનો ભૂખ્યો હતો. તેની સાથેના ઘણા યુવાન યહૂદીઓને નાઝી સૈનિકો રોજેરોજ ગૅસ ચેમ્બરમાં લઈ જઈ ઝેરી ગૅસથી ગૂંગળાવી મારી નાંખતા હતા, પરંતુ કોઈ ચમત્કારના કારણે તે એકલો જ ગૅસ ચેમ્બરમાં જવાથી બચી ગયો હતો.
*
જાન્યુઆરી ૧૯૪૫, અચાનક નાઝી સૈન્યે પીછેહઠ કરી. જ્યોર્જ જે ટાઉનમાં રહેતો હતો તે ઓશવિટઝ ટાઉન નાઝી સૈન્યના શાસનમાંથી સ્વતંત્ર થયું. જ્યોર્જને છોડી મૂકવામાં આવ્યો. તે વખતે તેની વય ૧૭ વર્ષની હતી. નાઝીઓના કેમ્પમાંથી મુક્ત થયા બાદ જ્યોર્જે પગે ચાલવા માંડ્યું. બહેનથી તે છૂટો પડી ગયો હતો. ક્યાંક ચાલ્યો અને ક્યાંક ટ્રેનમાં બેઠો. છેવટે મે ૧૯૪૫ના રોજ તે તેના કાકા-લુડવિકના ઘેર ઝેકોસ્લોવેકિયા પહોંચ્યો. ત્યાં તેને ખબર પડી કે તેની મા અને પિતા બેઉ મૃત્યુ પામ્યાં છે. હેનાના કોઈ જ સમાચાર નહોતા. મહિનાઓ સુધી જ્યોર્જ હેનાને શોધવા રખડતો રહ્યો. ઓશવિટઝ ટાઉનમાં બચી ગયેલા તમામને તે પૂછતો રહ્યો: `તમે મારી બહેનને જોઈ?’ પણ કોઈએ હેનાને જોઈ નહોતી. છતાં તેને આશા હતી કે એક દિવસ તો ખોવાયેલી મારી બહેન મળી જ જશે.’
પરંતુ જ્યોર્જને તેની બહેન ન મળી તે ન જ મળી. સમય વહેતો ગયો. કાળક્રમે બધું ભુલાતું ગયું, પરંતુ જ્યોર્જ હેનાને ભૂલી ન શક્યો. સમય કોઈનાયે માટે થંભતો નથી.
*
૧૯૫૧માં જ્યોર્જ બ્રેડીએ એક નવું જ જીવન શરૂ કર્યું. તે ટોરોન્ટો કેનેડા ગયો. કેનેડામાં એણે પ્લમ્બિંગનો ધંધો શરૂ કર્યો અને એક સફળ બિઝનેસમેન બની ગયો. એ દરમિયાન તેની જેમ જ બચી ગયેલી એક યહૂદી સ્ત્રીને મળ્યો. બેઉએ લગ્ન કરી લીધાં અને ત્રણ દીકરીનો પિતા બન્યો. જીવનની અડધી સદી ગઈ છતાં તે એની બહેનને સહીસલામત પાછી લઈ આવવાનું વચન પાળી ન શકવા બદલ દુઃખી હતો.
*
ઑગસ્ટ ૨૦૦૦, હવે જ્યોર્જ બેડીની ઉંમર ૭૨ વર્ષની થઈ હતી. એક દિવસ ટોરન્ટોના એક ઘેર એક ટપાલ આવી. પરબીડિયું જાપાનથી આવેલું હતું. જાપાનથી કૃમિકો નામની મહિલાએ પત્ર લખ્યો હતો. કૃમિકો જાપાનમાં એક સંસ્થા ચલાવતી હતી. તેમાં નાનકડાં બાળકોને નાઝી સૈન્ય દ્વારા ગુજારવામાં આવેલા યુદ્ધકાળના ત્રાસનો ખ્યાલ આપી શાંતિના પાઠ ભણાવતી હતી. કૃમિકો હિટલરના જુલ્મથી બચી ગયેલા લોકોની માહિતી એકત્ર કરતી હતી. તે આતંકનો ભોગ બનેલા લોકોની કહાણીઓ પ્રગટ કરતી હતી. બચી ગયેલા કે યાતના ભોગવતા યહૂદીઓની તસવીરોનું ટોકિયોમાં પ્રદર્શન યોજતી હતી અને એ રીતે યુદ્ધના હોરરનો લોકોને ખ્યાલ આપી શાંતિ અને ભાઈચારાનો પ્રચાર કરતી હતી.
કૃમિકોએ જ્યોર્જ બ્રેડીને લખ્યું હતું: `હું તમને ઓળખતી નથી, પરંતુ હમણાં ઇઝરાયેલ ગઈ હતી. વળતાં યુરોપ થઈને આવી છું. હું પોલેન્ડના ઓશવિટઝ મ્યુઝિયમમાં ગઈ હતી ત્યાં એક હોલોકાસ્ટ મ્યુઝિયમ છે. મેં ત્યાં એક સૂટકેસ જોઈ. તે કોઈ યહૂદી છોકરીની હતી, જેને નાઝીઓએ ગેસ ચેમ્બરમાં ગૂંગળાવીને મારી નાંખી હતી. મ્યુઝિયમના વડાને મેં વિનંતી કરી કે આ સૂટકેસ મને આપો, તેથી હું જાપાનનાં બાળકોને યુદ્ધના હોરર વિશે સમજાવી શકું. એ સૂટકેસ લઈને હું ટોકિયો પાછી આવી છું. જાપાનનાં બાળકોને મેં એ સૂટકેસ બતાવી. તેમાં બાળકીનું સ્વેટર, ઝિક્લોન બી પોઈઝન ગૅસનું કેન અને ડોટ લાઈનિંગવાળું પોલકું હતું. સૂટકેસ પર હેના બ્રેડી લખેલું હતું. તેના મૃત્યુની તારીખ પણ લખેલી છે. જાપાનનાં બાળકો એ સૂટકેસ જોઈને ગદ્‌ગદિત થઈ ગયાં હતાં. કેટલાકે તેના પર કવિતાઓ લખી તો કેટલાંકે ચિત્રો દોર્યાં, પરંતુ બધાંનો એક જ પ્રશ્ન હતો કે, `હેના બ્રેડી કોણ છે?’
મેં હોલોકાસ્ટ મ્યુઝિયમ ઇઝરાયેલને પત્ર લખ્યો. હેના માટે માહિતી માંગી. ઓશોવિટઝ મ્યુઝિયમને પણ પત્ર લખ્યો. મને માહિતી મળી કે ૧૧ કે ૧૨ વર્ષની વયે હેનાને ગેસ ચેમ્બરમાં મોકલી દેવાઈ હતી. છેવટે હું ફરી ઝેકોસ્લોવેકિયા ગઈ ત્યાં ઓશવિટઝના ૯૦ હજાર કેદીઓનાં પાનાં ફેંદી નાંખ્યાં. તેમાંથી અમે બ્રેડી અટકવાળા લોકોને શોધ્યા. કોઈ વૃદ્ધે કહ્યું: `કેનેડામાં રહેતા જ્યોર્જ બ્રેડી કદાચ હેનાના ભાઈ હોઈ શકે છે માટે મેં સરનામું શોધીને તમને પત્ર લખ્યો છે. તમે ટોકિયો આવો અને હેનાની સૂટકેસ નિહાળો. કદાચ એ તમારાં બહેનની બચપણની સૂટકેસ હોઈ શકે.’
જ્યોર્જ બેડીને બધું જ યાદ આવી ગયું. તેઓ રડી પડ્યા. બીજા જ દિવસે તેમણે ટોકિયોની ફ્લાઈટ પકડી. ફેબ્રુઆરી ૨૦૦૧ના રોજ જ્યોર્જ બ્રેડી (૭૪ વર્ષ) તેમની ૧૭ વર્ષની દીકરી લારા હેના સાથે ટોકિયો પહોંચ્યા. કુમિકોના મ્યુઝિયમ પર ગયા. બાળકો તો સૂટકેસવાળી હેનાના ભાઈને જોવા તલપાપડ હતાં. બાળકોએ હેનાની સૂટકેસ બતાવી. એ જ પુરાણી બદામી સૂટકેસ, તેમાં ડોટવાળું પોલકું, હેનાએ દોરેલાં ચિત્રો, હેનાનાં જૂનાં મોજાં. અડધી સદી પછી જ્યોર્જે બહેનની સૂટકેસ જોઈ. તેની પર `હેના બ્રેડી’ એવું નામ પણ લખેલું હતું
અને જ્યોર્જ બ્રેડી નાનકડા બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા.
જ્યોર્જને બધું જ યાદ આવી ગયું. હેનાનું સ્વેટર, એણે દોરેલાં ચિત્રો, એનાં જૂનાં મોજાં જોતાં બહેનનો ચહેરો તાજો થયો. `અરેરે! મારી ૧૩ વર્ષની બહેનને નાઝીઓએ ગૅસ ચેમ્બરમાં મારી નાંખતી વખતે કેવી યાતના આપી હશે? જ્યોર્જ વિચારી રહ્યા.
થોડીવાર પછી જ્યોર્જ બ્રેડી સ્વસ્થ થયા. જાપાનનાં બાળકોએ તેમને ફૂલોના ગુલદસ્તા આપ્યા. હેનાની સૂટકેસમાંથી નીકળેલા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન બતાવ્યું. એ પ્રદર્શનને હેનાની સૂટકેસ એવું નામ આપવામાં આવ્યું. જાપાનમાં ૨૫ સ્થળોએ આ પ્રદર્શન થયું. ત્યારબાદ એ પ્રદર્શન કેનેડા લઈ જવાયું જ્યાં ૨૦ હજાર લોકોએ યુદ્ધના હોલોકાસ્ટનું પ્રદર્શન નિહાળ્યું.
જ્યોર્જ બ્રેડીએ જાપાન છોડતાં કહ્યું: `ભલે હું મારી બહેનને બચાવી ન શક્યો, પરંતુ આ પ્રદર્શન દ્વારા મારી બહેન જીવે જ છે.’
 આવી છે `હેનાની સૂટકેસ’ની કથા. નાઝીઓના અત્યાચારની આ કરુણ કથાનો વિશ્વની ૨૦ ભાષાઓમાં અનુવાદ થયો છે. ગુજરાતી ભાષામાં પહેલી જ વાર વિશ્વની આ બેસ્ટસેલર સત્યઘટના અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.
———————————————————————————————–

Be Sociable, Share!