Close

સુમી, હું માત્ર તને ચાહુ છું પણ મારી પત્ની મને નડે છે

સુસ્મિતા આજેય એકલી જ રહે છે. તે સૂકી, પાતળી છતાં દેખાવડી છે. ઓછી ઉંમરમાં એના ચહેરા પર લાંબા અનુભવોની છાયા છે. એ વાળ સરખા ના રાખે તો પણ એનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. સામે બેસીને સ્વસ્થતાથી વાત કરી શકે છે. એ સાડી ના પહેરે તો કૉલેજની કન્યા જેવી જ લાગે.
એ કહે છે ઃ ‘હું ખૂબ વિચાર કરીને કાંઈક વાત કરવા આવી છું.  મારું નામ સુસ્મિતા છે, પણ લાગતાવળગતાઓ મને ‘સુમિ’ જ કહે છે. આજથી છ વર્ષ પહેલાં હિતેશ નામના એક માણસના પરિચયમાં આવી હતી. અમે બંને એક જ ઑફ્સિમાં સાથે કામ કરતાં હતાં. પ્રાથમિક પરિચયમાં જ અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં. અમે ક્યારે પ્રેમમાં પડી ગયાં એની અમને ખબર જ ના રહી. અમારી વચ્ચેની પ્રગાઢ દોસ્તીના કારણે એ અવારનવાર મારા ફ્લેટ પર આવતો થયો હતો.’
થોડોક શ્વાસ લેતાં સુસ્મિતા કાંઈક યાદ કરીને કહે છે ઃ ‘હા, પણ એક વાત હું તમને કહી દઉં. આમ તો મારું લગ્ન થયેલું હતું, પરંતુ લગ્નના થોડાક જ સમયમાં અમારા છૂટાછેડા થઈ ગયા હતા. હિતેશને મેં આ વાત કરી દીધી હતી અને હવે હું સાવ એકલી જ ડ્રાઇવ-ઇન રોડ, અમદાવાદમાં એકલી રહેતી હતી.’
હિતેશે કહ્યું હતું ઃ ‘કોઈ વાંધો નહીં. તું મને ગમે છે. હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.’
હિતેશની તૈયારીથી મને સાંત્વના મળી. ત્યાર બાદ તે અવારનવાર મારા ફ્લેટ પર આવતો થયો હતો. મારી સાથે જ જમતો હતો. સાંજે હું જમવાનું બનાવું ને તે મારી પાસે બેસી રહે. સાથે જ જમીએ. અને ક્રમશઃ અમારી વચ્ચે શરીરસંબંધ પણ બંધાયો.
ત્રણેક મહિના બાદ મને ખબર પડી કે હિતેશ પરણેલો છે. બે છોકરાનો બાપ છે. એ દિવસે મારે એની સાથે ખૂબ ઝઘડો થયો. મેં રડતાં રડતાં એને પૂછયું ઃ ‘તું પરણેલો જ છે. તો તારે એ વાત છુપાવવાની શું જરૂર હતી ? મેં તારા પર વિશ્વાસ મૂક્યો અને મેં મારું સર્વસ્વ તને સોંપી દીધું. તે મારી જિંદગી કેમ ખરાબ કરી ?’
તો એણે કહ્યું હતું ઃ ‘મારી પર વિશ્વાસ રાખ સુમી ! હું પરણેલો છું એ વાત તને કહી ના શક્યો તે બદલ દિલગીર છું, કારણ કે હું તને જ પ્રેમ કરું છું, પત્નીને નહીં. તને હું ગુમાવવા માંગતો નહોતો. મારી પત્નીને છૂટાછેડા આપી હું તારી જ સાથે લગ્ન કરીશ.’
મને એની વાતમાં વિશ્વાસ પડયો. મેં એની સાથે સંબંધ ચાલુ રાખ્યો. તે સરકારી કચેરીમાં કામ કરે છે. એનું ડિપાર્ટમેન્ટ બદલાયું ત્યારે હું અવારનવાર એને મળવા જતી ત્યારે પણ બધાની સાથે હું તેની પત્ની છું એ જ રીતે પરિચય આપતો. આ કારણથી એની પર મારો વિશ્વાસ વધુ દૃઢ બન્યો.
આમ કરતાં કરતાં સમય પસાર થતો ગયો. એ નિયમિત મારા ફ્લેટ પર આવતો, સાથે જમતો ને સાથે જ રહેતો. મહિનાઓ વીત્યા છતાં લગ્નની વાત નીકળે ત્યારે મને કોઈ ને કોઈ વાતમાં ખેંચી જાય ને એ વાત ટાળી દેતો. એ કહેતો ઃ *પહેલાં મારા છૂટાછેડા થઈ જવા દે, પછી ગોઠવી દઈએ.
સુસ્મિતાએ સહેજ સંકોચાઈને ધીમેથી વાત આગળ ચલાવી ઃ ‘એ દરમિયાન મને મહિના રહ્યા. હું ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે મને તપાસીને મારી પ્રેગનન્સી કર્ન્ફ્મ કરી. આ વાત મેં એને કરી. એ સાંભળતાં જ રાતોપીળો થઈ ગયો. એણે મને કહ્યું કે, ‘એબોર્શન કરાવી લે.’
મેં મક્કમતાથી એને જણાવી દીધું ઃ ‘હું બાળકને રાખીશ. એબોર્શન નહીં જ કરાવું. હું બાળકને જન્મ આપીશ અને તારે મારી સાથે લગ્ન કરવાં જ પડશે.’
એ દિવસે અમારી વચ્ચે બહુ જ ઝઘડો થયો. એણે મને ગાલ પર તમાચો ફ્ટકારી દીધા. મને લાગ્યું કે હું બેભાન થઈ જઈશ. હું ગભરાઈ ગઈ. આખી રાત ફ્લેટમાં એકલી એકલી મેં રડયા કર્યું.
થોડા દિવસ બાદ મારી એક બહેનપણી મળી.એણે ભંડો ફેડી નાંખ્યો. એણે મને કહ્યું ઃ ‘સુમી, તું છેતરાઈ રહી છે. અમે બધાં જ જાણીએ છીએ પેલાને. એ એની પત્નીને છૂટાછેડા આપવાનો નથી. એ પરિણીત છે, છતાં ભ્રમરવૃત્તિનો છે. તારી સાથે સંપર્કમાં આવ્યો એ પહેલાં એને બીજી એક છોકરી સાથે સંબંધ હતો. એનાથી ધરાઈ જઈને એ તારા સંપર્કમાં આવ્યો છે. તારાથી ધરાઈ જશે એટલે બીજી કોઈને પકડશે. તું નાની અને યુવાન છે એટલે તારો એ દુરુપયોગ કરે છે. હું એના આખા ફ્ેમિલીને જાણું છું. એના બાપાએ પણ એક સ્ત્ર્રી રાખી હતી. પંદર-વીસ વર્ષ બાદ એ સ્ત્ર્રીને કોઢ થયા એટલે એને કાઢી મૂકી હતી.’
આ બધી વાત સાંભળી હું સ્તબ્ધ થઈ ગઈ. બે-ત્રણ દિવસ સુધી હું શૂન્યમનસ્ક થઈ ઘેર જ પડી રહી. ખૂબ વિચાર કરીને મેં નિર્ણય કર્યો કે, મારે સીધા એના ઘેર જ પહોંચી જવું. મેં એના ઘેર જઈ બધાને ખુલાસાબંધ વાત જાહેર કરી દેવા નિર્ણય કર્યો. બીજા દિવસે સવારના પહોરમાં જ હું એના ઘેર પહોંચી ગઈ. ઘરના સભ્યો આગળ મેં મારી ઓળખાણ આપીને કહી દીધું કે, *હું સગર્ભા છું, તે આના કારણે – બોલો, હવે શું કરવું છે ?*
મારું આ વિધાન સાંભળીને પેલાને કાંઈ કહેવાના બદલે એના ઘરના સભ્યો મારી ઉપર જ તૂટી પડયાં. એ લોકોએ મને ભાંડી શકાય એટલી ગાળો ભાંડતાં કહ્યું કે, *તું જ સાલી ચારિત્ર્યહીન છે. તેં જ અમારા છોકરાને ફ્સાવ્યો છે.*
મેં વધુ ગુસ્સે થઈને કહ્યું ઃ ‘તમારો છોકરો રોજ સાંજે મારા ફ્લેટ પર આવતો હતો. એના ભાઈબંધોને પણ લાવતો હતો. એમની સાથે મારા ફ્લેટ પર દારૂ પણ પીતો હતો. કેટલીય વાર મારા ગ્લાસ તોડી નાંખ્યા છે. મારો પગાર બધો એની પાછળ ખર્ચાઈ જતો હતો. છતાં મેં એને ફ્સાવ્યો ? મારી પાસેથી એ રૂપિયા પણ લઈ ગયો છે. મારે તો મારો પોતાનો ફ્લેટ છે. તમે લોકો આજે પણ ભાડાના મકાનમાં રહો છો. તમારા છોકરાએ મારું શરીર અને પૈસા બેઉ લૂંટયા છે.’
મારી વાત કોઈએ સાંભળી નહીં. હું હડધૂત થઈને પાછી ફ્રી.
ત્યાર બાદ મેં મારી જાતને મારા ભવિષ્ય પર છોડી દીધી. મારા પ્રશ્નનો મેં જાતે ઉકેલ કરાવી લીધો. હું એકલી જ ડૉક્ટર પાસે ગઈ અને મેં રસ્તો કરી લીધો. લથડિયાં ખાતી હું ઘેર આવી. ફ્રી હું સાવ એકલી બની ગઈ. સમય વીતતો ગયો અને પ્રયત્નપૂર્વક હું એને ભૂલી ગઈ. મારી સાથે થયેલા દગાથી મારું મનોબળ તૂટી ગયું હતું.
આ વાતને બેએક વર્ષ વીતી ગયાં. હું એને ભૂલી ગઈ હતી. મારી બદલી પણ બીજા ખાતામાં થઈ ગઈ હતી. અમે એકબીજાને જોતાં પણ નહોતાં. અને એક સાંજે ફ્રી એ મારા ફ્લેટ ૫૨ આવ્યો.
મેં એને કહ્યું ઃ ‘તું  અહીં આવ્યો જ શા માટે ?’
એણે કહ્યું ઃ ‘હું તારી માફ્ી માંગવા આવ્યો છું. એ વખતે ઘરવાળાઓનું મારા પર ભારે દબાણ હતું તેથી હું બોલી શક્યો નહીં.’
મેં કહ્યું ઃ ‘હું ખરાબ ચારિત્ર્યની સ્ત્ર્રી છું. તારે મારો પડછાયો પણ લેવો જોઈએ નહીં.’
એણે કાલાવાલા કરવા માંડયા ઃ ‘સુમી ! મારી ભૂલ થઈ ગઈ. મને માફ્ કર. મારું મન ઉદાસ હશે ત્યારે જ હું તને મળવા આવીશ, બાકી નહીં આવું – બસ !’
અને ફ્રી એ મારા ફ્લેટમાં પ્રવેશ્યો. હું એને કાઢી મૂકી શકી નહીં. બસ, ત્યાર પછી તો એ નિયમિત મારી પાસે આવવા લાગ્યો. હું સ્ત્રી ને વળી સાવ એકલી હોઈ મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યો. એક દિવસ તો દારૂ પીને જ આવ્યો. નશામાં ને નશામાં એ બોલી ગયો ઃ ‘સુમી ! હું તને ચાહું છું પણ મારી પત્ની મને નડે છે. મારે એને મારી નાંખવી છે, તું મને સાથ આપ.’ મેં કહ્યું કે, હું એવા કોઈપણ કૃત્યમાં સાથ નહીં જ આપું.
બીજા દિવસે એણે મને પૈસાપાત્ર થવાનો બીજો પ્લાન બતાવ્યો. એણે કહ્યું કે, ‘મારી એક સાળી અમેરિકા રહે છે. તેનો એક બંગલો અમદાવાદમાં છે. ત્યાં હું રહેવા જાઉં ને તું પણ ત્યાં આવી જા. એમ થાય તો મારી બૈરીથી હું છૂટું ને સાળીનો બંગલો પચાવી પાડીએ. ખાલી જ નહીં કરવાનો.’
એના આ બીજા કાવતરામાં પણ સામેલ થવાની મેં ના પાડી દીધી. એણે કહ્યું કે, ‘સુમી ! તું મને સાથ આપ અથવા તો તારા ફ્લેટમાં રહેવા દે, નહીંતર તને હું બદનામ કરી દઈશ. હું તને પ્રેમ કરું છું. તારા વગર હું રહી શકતો નથી માટે જ આમ કહું છું.’
મને બીવડાવીને થોડોક પ્રેમ કરીને, થોડીક જબરદસ્તીથી એ ફ્રી મારા ફ્લેટ પર આવતો જતો થઈ ગયો. રાત પણ રોકાવા લાગ્યો. થોડા વખત પહેલાં એક નાટક કંપનીની ટૂરમાં એ અમેરિકા ગયો ત્યારે મને કહેતો ગયો કે, ‘સુમી ! હું તને ચાહું છું. તારા વિના હું રહી શકીશ નહીં ! હું પાછો આવીને તારી સાથે લગ્ન કરીશ. મારી પત્ની નાલાયક છે.’
એ અમેરિકાથી પાછો આવ્યો ત્યારે મેં એને પૂછયું કે, ‘બોલ ! હવે લગ્ન ક્યારે કરવાં છે ?’
એણે નાલાયકીથી કહ્યું ઃ ‘લગ્ન કેવું ને વાત કેવી ? હું જેમ કહું એમ જ તારે કરવાનું. ઝાઝું ડહાપણ કરીશ તો ગામ આખામાં તને બદનામ કરી નાંખીશ. તારા ઘરમાં ચરસ ગાંજો મૂકીને પોલીસ પાસે પકડાવી દઈશ.’
હું હેબતાઈ ગઈ. એ મને ધમકી આપીને જતો રહ્યો.
એક દિવસ મને થયું કે લાવને એની પત્નીને મળું. હું એની ગેરહાજરીમાં એના ઘેર ગઈ. હું એની પત્નીને મળી. એની પત્નીને મળ્યા પછી મને લાગ્યું કે એ બિચારી સાવ ભોળી, નિખાલસ અને નિર્દોષ છે. એની પત્નીએ જ કહ્યું કે, ‘મારા ધણીના ધંધા સારા નથી, બહેન ! મારો ધણી હવસખોર છે. પહેલાં એ ફ્લ્મિ લાઈનમાં હતો ત્યારે પણ આ જ ધંધો કરતો હતો. એણે કેટલીયે સ્ત્ર્રીઓનાં જીવન બરબાદ કર્યા છે. આપણે સ્ત્ર્રી છીએ એટલે ભોગવ્યા કરવાનું બહેન, ક્યાં જઈએ. હજી તો એને આ આદત છૂટતી નથી. કોણ જાણે કેટલીયે છોકરીઓનાં જીવન બરબાદ કરશે?’
એની પત્નીની વાત સાંભળી હું વિચારમાં પડી ગઈ. હું તો કાંઈક વધુ કહેવા ગઈ હતી પણ કહી શકી નહીં, મારે એને કહેવું હતું કે હું ફ્રી પ્રેગનન્ટ છું – તારા પતિના કારણે. પણ કહ્યા વગર જ પાછી ફ્રી.
– ટેબલ પર પાણીનો ગ્લાસ પડયો હતો. એક જ ઘૂંટડે પાણી પી જતાં સુસ્મિતા બોલી ઃ ‘હવે હું એનાથી ડરવાની નથી. એ મને બદનામ કરવાની ધમકી આપે છે પણ હું જ આખા ગામને કહેવાની છું કે, મારા પેટમાં જે પાપ છે તે પેલાનું છે. એ મને શું બદનામ કરશે હવે ? હું જ એને બદનામ કરી નાંખીશ. એની ઑફ્સિમાં જઈને બધાને કહી આવીશ. હવે હું એની સામે લડી લઈશ. ભલે હું આજે સાવ એકલી છું.’
સુસ્મિતાના હોઠ ધ્રૂજતા હતા. એના કપાળમાં નાનકડાં પ્રસ્વેદબિન્દુઓ ચમકતાં હતાં.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!