Close

સૂમસામ રાત્રે હાઇવે પર પડી હતી એક ‘વિક્ષિપ્તા’

મેરઠ-દિલ્હી હાઈવે.
ગાત્રોને થીજવી નાંખે તેવી ઠંડી હતી. ધોરીમાર્ગ અંધારામાં ડૂબી ગયો હતો. ટ્રકોનાં ટાયરોની હાઈવે પરની સતત રફ્તાર સન્નાટો તોડી રહી હતી. ટી.પી.નગર પાસેના એક ઢાબા પર કેટલાક ડ્રાઇવરો જમવા બેઠા હતા. રાતના લગભગ ૧૦ વાગ્યા હતા. એ ઢાબા પાસે એક સૂનમૂન યુવાન સ્ત્રી એક ખૂણામાં બેસી રોટી ખાઈ રહી હતી. તેના તન પર નામનું જ એક જર્જરિત વસ્ત્ર હતું. કોઈનું એની તરફ્ ધ્યાન નહોતું.
અને અચાનક ચીસ પાડીને તે એક વૃક્ષ નીચે દોડી. લોકોએ જોયું તો યુવતી દોડી રહી હતી. પરંતુ તે ઝાઝું દૂર જઈ શકી નહીં. એક ગેરેજ પાસે જ ફ્સડાઈ પડી. તેને અસહ્ય પીડા થઈ રહી હતી. ઢાબા પર જમતા ડ્રાઇવરો દોડયા પરંતુ થોડી જ વારમાં એક નાનકડા નવજાત શિશુના રડવાનો પાતળો અવાજ સંભળાયો.
યુવતીની પીડાની ચીસો બંધ થઈ ગઈ.
લોકોએ જોયું તો એ યુવતીએ ગેરેજ પાસ ખુલ્લા આકાશ નીચે જમીન પર જ બાળકને જન્મ આપી દીધો હતો. યુવતી અર્ધબેહોશ હતી. એક ડ્રાઇવર ચાદર લઈ આવ્યો અને તેના શરીર પર ઓઢાડી દીધી. કોઈએ બાળકને ઊંચકી બીજા કપડા પર સુવરાવ્યું. બધા એકબીજાની સામે જોઈ રહ્યા કે કયા નરપિશાચે આ યુવતીને ગર્ભવતી બનાવી દીધી ? પરંતુ કોઈની પાસે જવાબ નહોતો. કોઈ એને ઓળખતું નહોતું.
ઢાબાના કર્મચારીઓએ દિલ્હી રોડ પર આવેલા એક અખબારની કચેરીને ફેન કરી મદદ ક૨વા વિનંતી કરી. અખબારના પત્રકારોએ સ્થાનિક પોલીસને જાણ કરી. પોલીસને આવી કોઈ મદદ કરવામાં રસ પડયો નહીં. છેવટે નજીકની એક હૉસ્પિટલને જાણ કરવામાં આવી. હૉસ્પિટલના ડૉક્ટરે તાત્કાલિક હાઈવે ઢાબા પાસે એમ્બ્યુલન્સ મોકલી આપી. ત્યાં સુધીમાં મા બનનાર યુવતિ ભાનમાં આવી ગઈ હતી. પરંતુ તેના હાવભાવથી તે માનસિક રીતે બીમાર હોય તેમ લાગ્યું. મા અને નવજાત શિશુને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવાયાં. બાળકને નવરાવી-ધોવરાવી માને પણ ગરમ ચા પીવરાવવામાં આવી.
યુવતી પાગલ લાગતી હતી પરંતુ કોઈ કુતૂહલથી તે બાળકને જોઈ રહી હતી. યુવતી ઝાઝું બોલતી નહોતી. ડૉક્ટરે પૂછપરછ કરી પણ કાંઈ પ્રતિભાવ મળ્યો નહીં. યુવતીને માનસિક રોગોના તબીબ પાસે ચકાસણી માટે મોકલી આપવામાં આવી. બાળક તો તંદુરસ્ત હતું પરંતુ તેની યુવાન માતા માનસિક રીતે સ્વસ્થ નહોતી. યુવતી કરીબ ૨૦ વર્ષની વયની શ્યામ પરંતુ ઘાટીલી હતી. ઘણી પૂછપરછ છતાં તે કાંઈ બોલી જ નહીં. માત્ર એટલી જ ખબર પડી કે એક વર્ષ પહેલાં કોઈ ટ્રકચાલક પરતાપપુર પાસે હાઈવે પર ઉતારીને જતો રહ્યો હતો. ત્યાર બાદ તે ખૂબ રડી હતી. ભટકતી રહી હતી. એ દરમિયાન હાઈવે પર એને પાગલ સમજી નરપિશાચો તેનો ઉપભોગ કરતા રહ્યા હતા. તે ઢાબાઓ પર રખડી પેટ ભરતી રહી હતી અને કોઈ કારણસર એણે કાયમ માટે ચુપકીદી સેવી લીધી હતી.
કોઈએ એને સગર્ભા બનાવી દીધી હતી.
આ કિસ્સો જોયા બાદ હૉસ્પિટલના ડાયરેક્ટરે અનાથ બાળકો માટે ‘કર્ણ આશ્રામ’ આશ્રામ શરૂ કરવા વિચાર્યું. પાગલ યુવતીના બાળકનું નામ પણ કર્ણ અને ક્ષત-વિક્ષત થયેલી યુવતીને ‘વિક્ષિપ્તા’ એવું નામ આપવામાં આવ્યું. મા-દીકરાની સંભાળ માટે એક ‘સુભારતી’ નામની સંસ્થાને જવાબદારી સોંપવામાં આવી.
દરમિયાન ડૉક્ટરે ‘વિક્ષિપ્તા’ના દિમાગની હાલત સુધારી. તેને સામાન્ય બનાવવા માટે બીડું ઝડપ્યું. તેને બીજા એક નિષ્ણાત મનોરોગ ચિકિત્સક પાસે મોકલવામાં આવી. તબીબે વિસ્તૃત તપાસ બાદ કહ્યું કે ‘આ યુવતીને કોઈ ઊંડો આઘાત લાગેલો છે, તેથી તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું છે.’
વિક્ષિપ્તા’ને સૌથી પહેલાં તો હૂંફ્ આપવામાં આવી. કોઈ એની કાળજી લેનાર છે તેવું વાતાવરણ આપવામાં આવ્યું. કોઈ એને મારશે, ડામ દેશે તેવી બીક હતી તે દૂર કરવામાં આવી. યુવતીના હાથ પર ડામ દીધાનાં નિશાન હતાં. તેને અહેસાસ કરાવવામાં આવ્યો કે કોઈનું સુરક્ષા છત્ર એના માથા પર છે. ધીમે ધીમે તે બોલતી થઈ. વાતચીત પરથી ખબર પડી કે તે વિવાહિતા છે. ડૉક્ટરે અને મનોચિકિત્સક ધીમે ધીમે તેને ફ્લેશબેકમાં લઈ ગયા. પંદર દિવસ સુધી તેને માત્ર પ્રેમ અને સહાનુભૂતિ જ આપવામાં આવ્યા. હૉસ્પિટલની નર્સ પણ વિક્ષિપ્તાની સખી બની ગઈ. આ બધું રિહેબિલિટેશન યોજનાના એક ભાગરૂપ જ હતું.
ધીમે ધીમે યુવતીને બધી વાતો યાદ આવવા લાગી. એ ધીમે ધીમે બોલતી થઈ. ડોક્ટરને તેણે કહ્યું ઃ ‘હું દસમા ધોરણ સુધી ભણેલી છું.’
પતિનું નામ ?’
તો તે જવાબ આપતી નથી. સાસરિયાંની વાત આવતાં જ તે ભયભીત થઈ જતી હતી. પરંતુ લાડદુલારથી પૂછતાં તે ધીમે ધીમે બોલી ઃ ‘મને રોજ મજદૂરી કરવા મોકલવામાં આવતી હતી. હું થાકી જતી હતી. મેં કારખાનામાં જવાની ના પાડી એટલે મારા પતિ, સાસુ-સસરાએ મને મારી. મારા વાળ પકડીને પછાડી. એક દિવસ મને ઘરમાં બાંધી દીધી. મને તાવ હતો છતાં ફ્ેક્ટરી પર મોકલી. હું ઘેર આવી બેહોશ થઈ ગઈ તો મને હાથ પર ડામ દઈ દીધા. હું ફ્રી બેભાન થઈ ગઈ. ડામ મારાથી સહન ના થતાં એ રાત્રે જ ઘર છોડીને નીકળી ગઈ. હાઈવે પર એક ટ્રકવાળાએ લિફ્ટ આપી પરંતુ રસ્તામાં જ તેણે મને લૂંટી લઈ રસ્તા પર ઉતારી દીધી. બસ ત્યારથી હું ભટકતી રહી. કેટલાયે લોકોએ મને ફ્ેંદી નાંખી અને ઢાબા પર રોટલી ખાઈને હું કોઈ ઝાડ નીચે રહેવા લાગી.’
તેની માનસિક  સમતુલા ગુમાવવાનું કારણ ડૉક્ટરોને જડી ગયું. હવે તે કેટલાયે કિલોમીટર દૂર હવે તે આ વિસ્તારમાં આવી ગઈ હતી ત્યાં સુધી અનેક ટ્રકચાલકોએ તેની પર સિતમ ગુજાર્યા હતા. હાઈવે પર કેટલાયે લોકોએ તેને ક્ષતવિક્ષત કરી નાંખી હતી.
પરંતુ ધીમે ધીમે તે હવે આ હૉસ્પિટલમાં સ્વસ્થ થવા લાગી હતી. તે હવે રોજ સ્નાન કરવા લાગી હતી. નવજાત શિશુને પણ નવરાવવા લાગી હતી. ચોખ્ખાં વસ્ત્ર્રો પહેરી માથાના વાળ પણ સરખા કરવા લાગી હતી. એક નવું જ વાતાવરણ હતું. એક નવીન ખુશ્બૂ હતી. તે હવે સવાર-સાંજ હૉસ્પિટલના બગીચામાં ઘૂમવા લાગી હતી.
સમય વીતતો રહ્યો.
અતીતની કડવી યાદો હવે ભુલાવા લાગી હતી. કેટલાક લોકોએ વિક્ષિપ્તાના બાળકને દત્તક લેવા ઓફ્ર પણ કરી, પરંતુ હૉસ્પિટલના સત્તાવાળાઓએ મા-દીકરાને અલગ કરવાનો સાફ્ ઇન્કાર કરી દીધો. હૉસ્પિટલના સત્તાવાળાઓએ યુવતીના જીવનને સુધારવાનો નિર્ણય કરી લીધો હતો. વિક્ષિપ્તાની કથા સ્થાનિક અખબારોમાં છપાઈ.
અને બીજા જ દિવસે  એક સદ્ગૃહસ્થ હૉસ્પિટલમાં આવ્યા. તેમણે ડૉક્ટરો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો ઃ ‘હું વિક્ષિપ્તા અને તેના બાળક બંનેને સ્વીકારવા તૈયાર છું.’
હૉસ્પિટલના સત્તાવાળાઓ આ દરખાસ્ત પર વિચાર કરીને   તેઓ હજી વિક્ષિપ્તા સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય એની રાહ જોઈ રહ્યા.
(પીડિતાનું નામ પરિવર્તિત છે)
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!