Close

તું ચાહે ગમે તેટલી ઠોકરો મારે પણ હું તો તારી જ રહેવાની છું

કભી કભી | Comments Off on તું ચાહે ગમે તેટલી ઠોકરો મારે પણ હું તો તારી જ રહેવાની છું
બપોરના બે થયા  છે.
‘હા, હવે જ ટપાલીને આવવાનો વખત થયો છે. પેલી નિશાળમાં બપોરની રિસેસ પડવાનો બેલ વાગ્યા પહેલાં એ કદી નથી આવતો. છોકરાં છૂટયાંનો અવાજ આવે છે, એવે જ સમયે ટપાલીનો પગરવ ઘણીવાર સંભળાય છે.’ એમ વિચારીને સુહાગી ઘરમાં બેઠાં બેઠાં જ બહાર નજર નાખી રહી છે.
ફળિયાની બહાર છેક દૂર દૂર સુધી એ લાંબી દૃષ્ટિથી જોઈ રહી છે.
એવામાં સામે જ સહેજ ખોડંગાતું ચાલતો ટપાલી કાગળની થપ્પી લઈ ફળિયામાં પ્રવેશતો જોઈ સુહાગીની આંખોમાં ચમક આવી જાય છે ઃ ‘હા… એ આવ્યો.’
ઘરમાં ને ઘરમાં જ એ ઊભી થઈ જતાં છેક બારણા સુધી પહોંચી જાય છે.
ટપાલી છેક નજીક આવે છે પણ બાજુના જ ઘેર એક કાગળ નાખી તે પાછો ફરી જાય છે… જતાં જતાં તે થંભી જાય છે અને એક નજર સુહાગી તરફ નાખી લેતાં તે સહાનુભૂતિભર્યા સ્વરે કહે છે ઃ ‘ભાભી…! આજે તમારો કોઈ જ કાગળ નથી.’
અને પ્રત્યેક પગ મણમણ વજનના થઈ જતાં સુહાગી ખૂંભીને અઢેલીને જ ફસડાઈ પડે છે ઃ ‘અરે રે…! મારું નસીબ જ…’
બેઠાં બેઠાં જ એણે ઘરનું બારણું ધકેલીને બંધ કરી દીધું અને ત્યાં જ ભોંય પર તે આડી થઈ ગઈ. નાનકડા અંધારિયા ઘરમાં સુહાગીનાં ડૂસકાં ઊઠયાં અને અંદર જ શમી ગયાં.
થોડી વાર બાદ સ્વસ્થ થતાં એ ઊઠી. ખૂણામાં પડેલી પતરાંની એક જૂની પેટી ખોલતાં અંદરથી એક પુસ્તક બહાર કાઢયું. પાછળની બારીમાંથી આવતા પ્રકાશ પાસે જઈ એણે એ પુસ્તક ખોલ્યું અને અંદરથી એક જૂની તસવીર સરી પડી.
સુહાગીએ ત્વરાથી તસવીર ઉઠાવી લીધી.
પોતાની આંખો એના પર સ્થિર કરી એનું હૈયું જાણે કે પોકારી રહ્યું હતું ઃ ‘રે… ધીરજ ! તું ક્યાં છે અત્યારે? બોલ.. ધીરજ… બોલ… બોલતો કેમ નથી. મારો આર્તનાદ તને સંભળાતો નથી ? હું તારી પત્ની છું ધીરજ, તું મારો પતિ છે, ભરથાર છે, સ્વામી છે. હું તો ગામડાની સ્ત્રી… તું ચાહે ગમે તેટલી ઠોકરો મારે પણ હું તો તારી છું ને તારી જ રહેવાની છું. બોલ, ધીરજ બોલ…’
વળી સુહાગીને કાંઈક યાદ આવી ગયું ઃ ‘યાદ છે ધીરજ… તું શહેરમાં ભણતોે… હું અહીં દૂર ગામડે રહેતી. આપણે કુંવારાં હતાં પણ આપણી સગાઈ થયેલી હતી… એક વાર તેં જ પત્ર લખેલો… જો… આ છે એ તારો પ્રથમ પત્ર !’ સુહાગીએ પુસ્તકની બેવડમાં ગોપાવેલો પત્ર બહાર કાઢયો.
‘અને ધીરજ… પછી મેં તને જવાબ લખેલો, મારા અક્ષરો પર તું વારી ગયો હતો. તમે લખ્યું હતું કે, સુહાગી, મોતીના દાણા જેવા અક્ષરો પાડનારા તારા સુકોમળ હાથને સ્પર્શવા હું આતુર છું… અને અને હું તો એ વાંચીને લજાઈ મરી હતી.’
પત્રમાં મેં એકવાર લખેલું – ‘ધીરજ ! મારા સ્વામી, મારા ભરથાર….’
ત્યારે તમે જવાબ આપેલો ઃ ‘સુહાગી… આવા પ્રેમઘેલા શબ્દો જે હોઠમાંથી નીકળે છે એ હોઠને ચૂમી લેવા હું તલસું છું…’
સુહાગીએ એ પુસ્તક એકાએક બંધ કરી દીધું અને તે બોલી ઊઠી ઃ ‘ધી…૨…જ! આ રહી તારી સુહાગી. તારે મારા હાથનો સ્પર્શ કરવો હતો ને-આ રહ્યા તે હાથ… તારે મારા હોઠ ચૂમવા હતા ને… આ રહ્યા તે હોઠ.’
થોડીવાર સુધી શાંતિ પથરાઈ
નીચે પડી ગયેલાં પુસ્તક તરફ નજર ફેંકતાં સુહાગી બોલી ઃ ‘બોલ… હવે કેમ બોલતો નથી…? કેમ ખચકાય છે…? હું જાણું છું ધીરજ મારા મોં પરના શીતળાના ડાઘ તને અકળાવે છે, ખરું ને ? મારું રૂપ છીનવાઈ ગયું છે એ તને નથી ગમતું ખરું ને ? મારી પાસે આવતાં પણ તું નાનમ અનુભવે છે, ખરું ને ?’
ફરી ઘરમાં શાંતિ પથરાઈ.
અનેે સુહાગીનું મન જાણે કે એને જ જવાબ આપી રહ્યું ઃ ‘રે… ગાંડી ! તારો ધીરજ ચાલ્યો ગયો છે. પરદેશ ગયો છે. અમેરિકા… છેક દૂર, હવે એ તારા હાથમાં નથી… એ તને કદી મળવાનો નથી અને મળે પણ કેવી રીતે? અમેરિકાનાં જીવન વિશે તે કદી જાણ્યું નથી? ચમક-દમકવાળો એ દેશ છે… ઝાકઝમળવાળો એ દેશ છે. દેહની કિંમત દસ ડોલરથી વધુ નથી… લોભાયેલી-લલચાવતી ગોરી પરીઓની મહીં તારો ધીરજ ક્યાંય.. એટલો તો ડૂબી ગયો હશે કે સુહાગી નામની એને પત્ની છે એ વાત એને યાદ પણ નહીં હોય.’
‘ઓ…હ!’ સુહાગી સ્વયં કાંપી ઊઠી.
‘એ… તને ભૂલી ગયો છે… અને હવે તું પણ ભૂલી જા એને…’ સુહાગીનું અંતર અંદર અંદર સવાલ-જવાબ કરી રહ્યું હતું.
‘પણ… હું ભૂલી કેવી રીતે શકું…? મારાથી તો દુઃખની આ એક પળ જતી નથી, મને ખાવા ન મળે તો નિભાવી લઉં, પીવા પાણી ન મળે તોય ચલાવી લઉં. મારાં મા-બાપ મને ત્યજી દે તો પણ ચલાવી લઉં… પણ… પણ… પતિ વિના તે જીવન કેમ જાય…?!
‘તે.. તો…’
‘તો… શું ?’
‘જીવન ટૂંકાવી દે.’ ઃ તે મનોમન બોલી રહી.
અને સુહાગીની આંખોમાં ફરી ચમક આવી ઃ ‘હા… એ રસ્તો ઠીક છે… એથી તો પતિના વિરહનો પ્રશ્ન જ નહીં રહે અને ધીરજના માર્ગમાંથી જ હું નીકળી જાઉં…’
એમ વિચારતા સુહાગીએ નીચે પડેલું પુસ્તક ઉઠાવી લીધું અને ઝડપથી પતરાંની પેટીમાં મૂકી દીધું.
બરાબર એ જ સમયે એનું બંધ બારણું ખટખટયું.
‘કો….ણ…?’
‘એ તો હું… બારણું ઉઘાડો ભાભી.’
સ્વર પરિચિત લાગતાં સુહાગીએ ચહેરા પર સ્વસ્થતા ધારણ કરતાં બારણું ખોલ્યું તો સામે નાનકડી નીલા ઊભી હતી.
‘કેમ નીલાબહેન ?’ સુહાગી બોલી ઊઠી.
‘ભાભી… ભાભી… ભાભી… એક વાત કહું ?’
‘હા…..કહો ને !’
‘અમેરિકાથી તાર આવ્યો છે… ધીરજભાઈ કાલે અહીં આવે છે.’
‘હેં !’ સુહાગીના ચહેરા પર એકદમ નૂર આવી ગયું પણ બીજી જ ક્ષણે એ તેજ ક્યાંય અલોપ થઈ ગયું. એ ઝડપથી વિચારી રહી ઃ ‘તો… તો… મારે…. મારે….’
‘શું બોલ્યાં ભાભી?’
‘કાંઈ નહીં, કાંઈ નહીં.. તમતમારે જાવ !’ કહેતાં સુહાગીએ નીલાને વિદાય કરી બારણું બંધ કરી દીધું.
‘એ બારણું બંધ જ રહ્યું.
બપોરે.
સાંજે.
રાત્રે.
મધરાતે.
સવારે.
અને છેક બીજા દિવસે, બપોરે ફરી એકવાર બારણું ખખડી રહ્યું.
ખૂબ ખખડયું પણ જવાબ મળ્યો નહીં.
છેવટે તોડીને ખોલવામાં આવ્યું ત્યારે સુહાગીનો દેહ દોરડા પર લટકતો
નીચે એક ચિઠ્ઠી પડી હતી.
ચિઠ્ઠીમાં લખ્યું હતુંઃ ‘પ્રિય ધીરજ ! તારો માર્ગ મોકળો કરી આપવા હું સ્વેચ્છાએ પ્રાણત્યાગ કરું છું. તને પસંદ હોય એ સ્ત્રી સાથે પરણીને સુખી થજે. તું જો, મારો ડાઘવાળો ચહેરો હવે નિર્જીવ છે, એને જલાવી દેજે… તારી નજર સામેથી હટાવી લે એને.
-તારી સુહાગી.’
ચિઠ્ઠી વાંચનાર આદમી ખુદ ધીરજ હતો. પણ ધીરજનો ચહેરો ભારે કદરૂપો હતો, ઍસિડથી બળેલો હતો. ફેક્ટરીમાં થયેલા અકસ્માત બાદ એની આ અવદશા થઈ હતી અને ત્યારબાદ એને અમેરિકાનાં સ્ત્રી અને પુરુષમિત્રોએ સહાનુભૂતિના બે-ચાર શબ્દો કહી, ત્યજી દીધો હતો.
પત્નીના ચહેરા કરતાંયે એનો ચહેરો આજે વધુ કદરૂપો હતો. સુહાગી નિર્જીવ છતાં નિર્મળ હાસ્ય વેરતી ધીરજ તરફ જોઈ રહી હતી અને ધીરજ જીવિત છતાં નિર્જીવ આંખે સુહાગીને જોઈ રહ્યો હતો.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!