Close

બીમલા, તું એકલી અહીં ચાલ, શું કરે છે? આપણે વાતો કરીએ

કભી કભી | Comments Off on બીમલા, તું એકલી અહીં ચાલ, શું કરે છે? આપણે વાતો કરીએ
કોલકાતાના ઉત્તરીય વિભાગમાં હુગલી પાસે ગરીબ લોકોની વસતી આવેલી છે. આ વિસ્તારમાં રહેલા એક બીડી કામદારના ઘેર એક કન્યા જન્મી હતી- બીમલા. બીમલા ૧૦ વર્ષની થઈ ત્યારે જ એણે માતા ગુમાવી હતી. તે એકલી તેના પિતા સાથે રહેતી હતી. હવે તે ૧૮ વર્ષની થઈ છે. બે વર્ષ પહેલાં જ તે એની બસ્તીના વિશ્વનાથ
કોહિપુર નામના એક યુવકના પરિચયમાં આવી હતી. વિશ્વનાથ એને ચાહતો હતો અને બીમલા પણ એના પ્રેમમાં હતી. બીમલા વિશ્વનાથ સાથે લગ્ન કરવા માગતી હતી. યુવકે એને પરણવાના કોલ પણ આપ્યા હતા. વિશ્વનાથ સ્થાનિક હોઝિયરીની મિલમાં કામ કરતો હતો. બંને અવારનવાર બહાર ફરવા જતાં. પિક્ચર જોવા પણ જતાં. વિશ્વનાથ એક સારો છોકરો હોઈ બીમલાના પિતાએ બેઉને ફરવા જવાની મંજૂરી પણ આપી હતી.
એક દિવસ વિશ્વનાથ બીમલાના ઘેર આવ્યો. એણે કહ્યું ઃ ‘બીમલા ! બિહારમાં સોનાપુર ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે. તું એમાં ભાગ લઈશ ?’
બીમલાએ હા પાડી.
એ ઉનાળો હતો. આવી જ ઉનાળાની ગરમી હતી. લમણાં શેકાઈ જાય તેવી લૂ લાગતી. આવા તપતા ગ્રીષ્મમાં વિશ્વનાથ, એના મિત્રો અને બીમલા સોનાપુર જવા રવાનાં થયાં. સોનાપુર પહોંચ્યા બાદ એક છાત્રાવાસમાં તેમને ઉતારો આપવામાં આવ્યો. ત્રણેક દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલવાનો હતો. પહેલા દિવસે લોકનૃત્યનો કાર્યક્રમ પૂરો થયા બાદ રાત્રે સૌ છાત્રાવાસમાં ગયાં. બીમલા સ્ત્રી હોવાથી એને અલગ રૂમ આપવામાં આવ્યો હતો. રાત્રીના સમયે વિશ્વનાથે બીમલા પાસે જઈ કહ્યું ઃ ‘તું એકલી એકલી અહીં શું કરે છે ? ચાલ આપણે વાતો કરીએ.’
બીમલા વિશ્વનાથના રૂમમાં ગઈ.
એણે જઈને જોયું તો વિશ્વનાથના ચારેય મિત્રો દારૂ પી રહ્યા હતા. વિશ્વનાથ પણ પીતો હતો. બીમલા ખચકાઈ પણ વિશ્વનાથે એને બેસવાનો આગ્રહ કર્યો. વળી તે વિશ્વનાથને ચાહતી હતી. વિશ્વનાથના ચાર પૈકી બે મિત્રોને તો તે જાણતી હતી. એકનું નામ છોટુ અને બીજાનું નામ અશોક હતું. અશોકે બીમલાને કહ્યું ઃ ‘બીમલા ! તું પણ પી ને !’
બીમલાએ ના પાડી.
વિશ્વનાથે ખૂબ આગ્રહ કરી-સમ ખવડાવીને થોડુંક ડ્રિંક્સ બીમલાને પીવરાવ્યું. થોડીક જ વારમાં એને ચક્કર આવવા લાગ્યાં. કેટલીક વાર પછી રૂમની લાઈટો બંધ થઈ ગઈ અને વિશ્વનાથ અને તેના ચારેય મિત્રોએ બીમલા પર સામૂહિક અત્યાચાર કર્યો. સવારે તે ઊઠી ત્યારે તેને ખ્યાલ આવી ગયો કે વિશ્વનાથે પ્રેમનું નાટક કરીને તેની સાથે દગો કર્યો હતો.
તે હતપ્રભ બની ગઈ હતી. બીમલા રડી પડી. એણે કહ્યું ઃ ‘ચલો, મને જલદી ઘરે લઈ લો.’ પણ વિશ્વનાથ અને તેના મિત્રોએ હવે પોત પ્રકાશ્યું હતું. એને ૧૫ દિવસ સુધી રૂમમાં પૂરી દેવામાં આવી. સવાર-સાંજ બંને ટાઈમ પાંચેય જણાનું જમવાનું બનાવવાની કામગીરી તેને જ સોંપવામાં આવી. રોજ તે સામૂહિક બળાત્કારનો ભોગ બનતી.
પાંચય મિત્રો તેને રમકડું સમજતા હતા.
એક દિવસ ખબર પડી કે વિશ્વનાથ તો કોલકાતા પાછો ચાલ્યો ગયો છે. હવે એના ચાર જ મિત્રો સોનાપુર ખાતે રોકાયા હતા.
બીમલા હવે સાચે જ બી ગઈ હતી, તે આ ગેંગમાંથી છટકીને પાછી કોલકાતા જવા માંગતી હતી પરંતુ તેની પાસે પૈસા નહોતા. એક દિવસ પેલા ચાર મિત્રો બહાર ગયેલા હતા ત્યારે બીમલા રૂમની બહાર નીકળી ગઈ. એક ભલા લાગતા આદમી પાસે જઈ પોતાની પરિસ્થિતિથી વાકેફ કરી કોલકાતા જવાની ટિકિટ પૂરતું ભાડું માંગ્યું. એ આદમીને દયા આવતાં એણે બીમલાને થોડા પૈસા આપ્યા. પૈસાની મદદ મળતાં જ પાછી કોલકાતા પહોંચી ગઈ.
બીમલા પોતાની બસ્તીમાં પાછી આવી.
એણે પોતાના પિતાને બધી વીતક કથા કહી. એના પિતાએ પડોશીઓને બોલાવ્યા. પડોશીઓએ પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરવા સલાહ આપી. કોલકાતામાં એક મેડિકલ બેન્ક-સ્વૈચ્છિક સંસ્થા છે, જ્યાં ગરીબ લોકોને મફત તબીબી સહાય મળે છે.
બીમલાને તાત્કાલિક તબીબી સહાય અપાઈ. એ દરમિયાન એના પિતાએ નજીકમાં આવેલા જોરાબાગન પોલીસ સ્ટેશને જઈ ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ લખાવ્યો. આ દરમિયાન વિશ્વનાથને ખબર પડી કે છોકરીના બાપે પોલીસને રિપોર્ટ લખાવ્યો છે એથી તે ખુદ બીમલાના પિતા પાસે ગયો. વિશ્વનાથે બીમલાના બાપને રૂ. ૨,૦૦૦ આપીને કેસ પાછો ખેંચવા સોદો કર્યો. બીમલાનો પિતા સંમત થઈ ગયો. ૨,૦૦૦ રૂપિયા હાથમાં આવતાં એ કેસમાંથી ખસી ગયો. આ દરમિયાન બીમલાને લાગ્યું કે એના શરીરમાં કંઈક ફેરફારો થઈ રહ્યા છે. ડૉ. બી. મોન્ડાલ નામના ગાયનેકોલોજિસ્ટે તપાસ કરીને જાહેર કર્યું કે, ‘બીમલા સગર્ભા છે.’
ડૉક્ટરે બીમલાને કોલકાતા મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી.
૧૯૯૫ના નવેમ્બર માસમાં બીમલાને મોટી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. ડૉક્ટરોએ તપાસ કરી અને નક્કી કર્યું કે, બીમલા પ્રેગ્નેન્ટ તો છે જ અને ચાર મહિના થયા છે. ડૉક્ટરોએ ચાર માસના બાળકનો નિકાલ કરી નાંખવો તો ઠીક નથી એવી સલાહ આપી. મેડિકલ બેન્ક કે જે બીમલાની કાળજી લઈ રહી હતી એમણે બીમલાને બાળક જન્મવા જ દેવું એવું નક્કી કર્યું. બીમલાને હવે ઘેર લઈ જવામાં આવી પરંતુ એના લોહીની તપાસ દરમિયાન આવેલા રિપોર્ટ પરથી ડૉક્ટરો ચોંકી ઊઠયા. બીમલાના લોહીમાં એઇડ્સના વાઇરસના જોવામાં આવ્યા. ડૉક્ટરોએ ૧૮ વર્ષની બીમલાને કોલકાતાની સ્કૂલ ઓફ ટ્રોપીકલ મેડિસિનના વાઇરોલોજી ડિપાર્ટમેન્ટ પાસે વધુ પરીક્ષણ માટે મોકલી આપી. અહીં તેના લોહીના વધુ નમૂના લેવામાં આવ્યા. લૅબોરેટરીમાં કરવામાં આવેલા વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટથી હવે તે નક્કી થઈ જ ગયું કે, બીમલાને એઇડ્સ છે. બીમલાને પૂછવામાં આવ્યું કે, તેં કદી કોઈ પરપુરુષ સાથે જાતીય સંબંધ રાખેલો છે ?
બીમલાએ કહ્યું કે તે અપરિણીત છે, પણ બિહારમાં ઉનાળામાં પાંચ જણાએ તેની પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. એ સિવાય એને કોઈનીયે સાથે સંબંધ નથી – નહોતો.
મેડિકલ બેન્કે હવે મક્કમતાપૂર્વક જાહેર કર્યું કે, આખા પિૃમ બંગાળમાં ગેંગરેપથી કોઈનેય એઈડ્સનો ચેપ લાગ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. એની સાથે દુર્વ્યવહાર કરનાર પાંચ યુવકો પૈકી કોઈપણ એકને એઈડ્સ હોવો જોઈએ. એ જ કારણે બીમલા હવે આ મહારોગનો ભોગ બની છે. બીમલાનો આખોયે કેસ હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં એઇડ્સ રિસર્ચ યુનિટને સોંપવામાં આવ્યો. પેલા પાંચ યુવકોનાં નામ-સરનામાં માંગવામાં આવ્યાં જેથી તેઓ બીજી વ્યક્તિઓને એઈડ્સ ના ફેલાવે, પરંતુ તે તમામ ભાગી ગયા હતા.
હવે બીમલાએ  તા. ૧લી માર્ચના રોજ બાળકને જન્મ આપ્યો. એ પુત્ર હતો. બાળક એક માસ વહેલું જન્મ્યું.
મેડિકલ બેન્ક એની બરાબર કાળજી લઈ શકે એટલા માટે બીમલાને ઘેર મોકલી, પરંતુ બાળકને પાર્ક સર્કલ વિસ્તારમાં આવેલી ઇન્સ્ટિટયૂટ ઓફ ચાઈલ્ડ કેરમાં યોગ્ય સારવાર માટે મોકલી આપ્યું. થોડાક જ દિવસોમાં
કેટલાંક કોમ્પ્લિકેશન્સ થયાં અને ૧૫મા દિવસે બાળક મૃત્યુ પામ્યું.ઃ
આ તરફ બીમલાને હવે ભારે એનિમિયાની અસર વર્તાવા લાગી હતી. તેને બહારથી લોહી આપવાની જરૂર પડી હતી. એને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી અને આઉટડોર ટિકિટ પર લખવામાં આવ્યું હતું ઃ ‘બેબી એચ.આઈ.વી. (+ફઈ).’
ખેર !
દિવસો વીત્યા.
બીમલાને હવે ઠીક થતાં એક દિવસ એની બહેન રેખા બીમલા માટે લગ્નનો પ્રસ્તાવ લઈને આવી. એક માણસ સોહેપુરમાં કામ કરતો હતો તેની બીમલા સાથે લગ્નની વાત ચલાવી. બીમલાને તો ખ્યાલ હતો કે એના લોહીમાં કાંઈક ગરબડ છે. તેથી તેણે આનાકાની કરી અને બહેનને કહ્યું કે, ‘પેલાને કાંઈ થશે તો મારી જવાબદારી નહીં.’
રેખાએ કહ્યું ઃ ‘કોઈ વાંધો નહીં.’
બીમલાનું એ આદમી સાથે લગ્ન થઈ ગયું. બીમલાને પણ હતું કે, લગ્ન બાદ કદાચ બધું બરાબર થઈ જશે, પણ એમ થયું નહીં. એક દિવસ બીમલાના પતિને કોઈ કહી આવ્યું કે, ‘તારી પત્ની પર  તો બળાત્કાર થયેલો છે.’
બીજ જ દિવસે તેણે બીમલાને ઘરમાંથી કાઢી મૂકી.
માત્ર ૧૫ જ દિવસના ઘરસંસાર બાદ તે પાછી આવી. એ સીધી જ હુગલી પાસેની બસ્તીમાં કે જ્યાં એના પિતા રહેતા હતા ત્યાં પહોંચી ગઈ પણ આૃર્યની વાત એ હતી કે, એના પિતાએ એને ઘરમાં રાખવા તો શું પણ પેસવા દેવાની પણ ના પાડી દીધી. પિતાએ રાખવાનો ઈન્કાર કરી દેતાં તે એની બહેન રેખાના ઘેર ગઈ. એની બહેને પણ બીમલાને તે એઇડ્સગ્રસ્ત હોવાથી ઘરમાં પ્રવેશવા દીધી નહીં. એક પડોશીને એની પર દયા આવી. પડોશીએ બીમલાને પનાહ આપી પણ ફરી તે બીમાર પડી ગઈ. પડોસી એને મેડિકલ બેન્ક પાસે લઈ ગયા. મેડિકલ બેન્કે એને આર.જી. ખાર હૉસ્પિટલમાં દાખલ કરી હતી. આ દરમિયાન ડૉક્ટરોએ જોયું તો બીમલા ફરી પ્રેગ્નેન્ટ થઈ ચૂકી
બીમલાએ કહ્યું ઃ ‘મને મારા પતિએ ઘરમાંથી કાઢી મૂકી છે, મારે બાળક જોઈતું નથી.’
પણ ડૉક્ટરોએ ગર્ભપાત કરવાની ના પાડી દીધી. ડૉક્ટરો ગભરાતા હશે કારણ કે તેઓ જાણતા હતા કે, બીમલા એઇડ્સગ્રસ્ત છે. અને એબોર્શન માટેની શસ્ત્રક્રિયા કરતી વખતે ક્યાંક એનું લોહી પોતાને લાગી જાય તો !
બીમલા હવે મુશ્કેલીમાં મુકાઈ ગઈ.
આજે તે હૉસ્પિટલમાં છે.
એ હજીયે પલંગમાં જ સૂતેલી છે. એને હવે ભૂખ લાગતી નથી. એનું વજન પણ ઘટી ગયું છે. એના ઉદરમાં એને કાઢી મૂકનાર ૧૫ જ દિવસના પતિનું બાળક ઊછરી રહ્યું છે. બીમલા બાળક ઇચ્છતી નથી. બાળક જન્મે તો પણ મુશ્કેેલી છે, કારણ કે તે પણ એચ.આઈ.વી. પોઝિટિવ જ હશે. કોઈ સ્વૈચ્છિક સંસ્થા તેની મદદે નહીં આવે તો એક વધુ એઇડ્સગ્રસ્ત બાળક જન્મશે અને આવનાર બાળકનું પણ જીવન દુષ્કર બની જશે. ગેંગરેપ કરનાર પાંચ પૈકી કોઈકે બીમલાને એઇડ્સ આપ્યો. બીમલાએ એના પતિને અને એની સાથે દુર્વ્યવહાર કરનાર બીજા ચારને પણ અને છેવટે આવનારા બાળકને. એક ચેઈન ચાલ્યા જ કરે છે.
બીમલા કોઈ ડૉક્ટરની રાહ જોઈને બેઠી છે – કોઈ એને મદદ કરશે.
– પીડિતા અને બીજાઓના નામ પરિવર્તિત છે
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!