Close

બોલો, તમે આ ગુજરાતી શબ્દોના અર્થ જાણો છો ?

કભી કભી | Comments Off on બોલો, તમે આ ગુજરાતી શબ્દોના અર્થ જાણો છો ?
ભાષા વૈભવ : પલાખાં, લુણારી, કંદોરો, હરપુણી, પુંજેરિયા, પડોળાં, મોઈદંડો, પલાશ એટલે શું ?
બોલો, તમે આ ગુજરાતી શબ્દોના અર્થ  જાણો છો ?
કેટલાક દિવસો પહેલાં આ જ કક્ષમાં ગુજરાતી ભાષાના લુપ્ત થઈ રહેલા તળપદા શબ્દોનું આલેખન કરાયું હતું. હવે આ જ શ્રોણીમાં ગુજરાતી ભાષાના ભુલાઈ રહેલા કેટલાંક વધુ શબ્દોનું રસપાન કરો.
 પલાખાં : વર્ષો પહેલાં ગામડાંની શાળામાં  બાળકોને શિક્ષકો પૂછતાં : ૧૧ +૧૧ એટલે કેટલા ? બેમાંથી એક જાય તો કેટલા? આવા પ્રશ્નોને  પલાખાં કહેવામાં આવતાં હતા.
પલાશ : ‘પલાશ’ એક ભુલાઈ ગયેલો શબ્દ છે. વગડામાં ઊગતા  ખાખરાને  પલાશ કહેવામાં આવે છે.
હરપુણી : જમીનમાં સાંકડો ખાડો ખોદવા માટે લોખંડની બનેલી ધારદાર વસ્તુને હરપુણી કહેવામાં આવતી હતી.
સંપેતરું : કોઈ માણસ બહાર ગામ જતો હોય અને અને કહેવામાં આવે કે આ ચીજ પેલા ફલાણા ભાઈને પહોંચાડજો એ ચીજને સંપેતરું કહેવામાં આવતું હતું.
રાવણ હથ્થો : વર્ષો પહેલાં ગામડામાં ભરથરી હાથમાં તંતુ વાદ્ય લઈને આવતા અને ભજન ગાતા તે તંતુ વાદ્યને રાવણ હથ્થો કહેવામાં આવતો હતો.
નથણી : વર્ષો પહેલાં ગ્રામ્ય સ્ત્રીઓ નાક વીંધાવીને તેમાં ચૂની પરોવતી તે ચૂનીને નથણી કહેવામાં  આવતી હતી.
કાળોત્રી : ગામમાં કોઈનું અવસાન થાય તો બીજા ગામમાં રહેતા સગાંઓને તે અવસાનના સમાચારના લખેલો કાગળ મોકલવામાં આવતો તેને કાળોત્રી કહેવામાં આવતી હતી.
હનાનિયો : અવસાનના સમાચાર લખેલા કાગળ લઈને જે સંદેશવાહકને જાય તેના ‘હનાનિયો’ કહેવામાં આવતો હતો.
ભારખાનું : ભારખાનું એટલે  ટ્રક-ખટારો
કોઠી : વર્ષો પહેલાં ગામડાના લોકો આખા  વર્ષનું અનાજ  માટી-છાણના  બનેલા જે પીપમાં ભરી રાખતા તેને કોઠી કહેવામાં આવતી.
કોઠલો : કોડલો એટલે કબાટ. ગ્રામ્ય સ્ત્રીઓ દૂધનું બોગણું, છાસ કે ઘી જે કબાટમાં મૂકી રાખતા તે કોઠલો  કહેવામાં આવતો  હતો.
ફુવડ : ફુવડ એટલે ઝાઝી અક્કલ વગરની લધરવધર સ્ત્રી. વર્ષો પહેલાં  કહેવત હતી કે છાસમાં માખણ જાય અને વહુ ફુવડ  કહેવાય.
શિરામણ :  સવારે ગ્રામ્ય લોકો ખેતરે જતાં પહેલાં   જે થોડું ખાઈ લે તેેને શિરામણ કહેવામાં આવતું.
 હાંડલા : હાંડલા  એેટલે દૂધ, ઘી, માખણ કે રસોઈ ભરવા માટેના  માટીના વાસણો.
કંદોરો :  વર્ષો પહેલાં સુખી ખેડૂતોના પુત્રો કમરમાં ચાંદીનો બનેલો બેલ્ટ પહેરતાં તેને કંદોરો કહેવામાં આવતો હતો.
સાફી : વર્ષો પહેલાં ગામડાના લોકો ચલમ ફૂંકતા. માટીની  બનેલી ચલમમાં તમાકું ભરી તેને  ઉપરથી પ્રજ્વલિત કરવામાં  આવતી  અને જ્યાંથી ચલમ ખેંચવાની હોય તેની આસપાસ ભીનું કપડું વીંટાવવામાં આવતું તે સાફી કહેવાતું.
ઓઢણી : વર્ષો પહેલાં  ગ્રામ્ય કિશોરીઓ સાડી કરતાં સહેજ  નાની સાડી માથે ઓઢતી અને શરીરનો ભાગ ઢાંકતી તે ઓઢણી કહેવામાં  આવતી હતી. પેલું ગીત તો સાંભળ્યું છે ને કે ‘ઓઢણી ઉડુ ઉડુ ને ઊડી જાય’.
ઈંઢોણી : એવો જ એક જાણીતો શબ્દ છે ઈંઢોણી. પાણીના નળ આવ્યા તે  પહેલાં ગ્રામ્ય સ્ત્રીઓ કૂવા કાંઠે પાણી ભરવા જતી અને પાણીનું બેડું  માથા પર બરાબર ગોઠવાય તે માટે કપડાંની બનેલી ચીજ મૂકવામાં આવતી તે ઈંઢોણી કહેવાતી.
પુંજેરિયા : ચોમાસું  આવે તે પહેલાં ખેડૂતો તેમના ખેતરમાં ખાતર નાખતા. ઉકરડામાંથી બળદગાડામાં ખાતર ભરવામાં આવતું અને તે પછી ખેતરમાં થોડા થોડા અંતરે ખાતરની  ઢગલી કરવામાં આવતી. તે ઢગલીઓને પુંજેરિયા  કહેવામાં આવતા.
પડોળા : પડોળા એટલે  મોતિયો. કોઈને આંખમાં મોતિયો આવે એને તેનું ઓેપરેશન કરાવવામાં આવે તો કહેવામાં આવતું કે  ફલાણા ભાઈને પડોળા ઉતરાવ્યા છે.
કંકાવટી :  કંકાવટી એટલે લાકડાના એક નાના પાત્રમાં કંકુ નાંખી તેમાં પાણી નાંખવામાં આવતું અને સ્ત્રીઓ તેમાં આંગળી બોળીને કોઈને ચાંલ્લો કરતી. કંકુ- પાણી ભેગું કરવાના પાત્રને કંકાવટી કહેવામાં આવતા.
પારેવાં : કબૂતરોને ગામડાના લોકો પારેવાં કહેતા.
 ફારગતી : ફારગતી એટલે છૂટાછેડા. લોકો કહેતાં ફલાણા ભાઈએ તેમના પત્નીથી ફારગતી લીધી છે.
વાંઘું : વાંઘું એટલે નાના કોતરો જેમાંથી વહેતું પાણી  મોટી નદીને મળતું.
ધરો : ‘ધરો’ એેટલે ઊંડું પાણી વાંઘામાં વહેતું પાણી સામાન્ય  રીતે છીંછરું હોય છે પણ ક્યાંક ઊંડાણ વધારે હોય તો તેને ધરો કહેવામાં આવતોે એ ધરોને  નામ પણ આપવામાં આવતું. દા.ત. ઉમરાવાળો ધરો.
હજુરિયો : હજુરિયો એટલે નહાવાનો ટોવેલ. પણ  હજુરિયો શબ્દ કેટલીક વાર વ્યંગમાં પણ વપરાતો. દાં.ત ફલાણો ભાઈ તો ફલાણાનો જીહજુરિયો છે. કોઈની હામાં હા મિલાવે તેને જી હજુરિયો કહેવાતો.
મથરાવટી :  મથરાવટી એટલે જે તે વ્યક્તિનું વ્યક્તિત્વ. દા.ત. ગામમમાં કહેવાતું : ‘ફલાણા ભાઈની મથરાવટી મેંલી છે.’
રાવણું : રાવણું  એટલે કે લોકો ભેગા થઈ કોઈના મરણ પ્રસંગે એના ઘેર જાય તો રાવણું આવ્યું છે તેમ કહેવામાં આવતું.
સૂપડું : ગામડામાં મહિલાઓ અનાજ સાફ કરવા માટે જે  સાધન વાપરતાં તેને સૂપડું કહેવામાં આવતું.
મસોતું :  મસોતું એટલે પોતું. ગામડાની મહિલાઓ ચૂલાની આસપાસ સાફસૂફી માટે કાપડનો જે ટુકડો વાપરતી તે મસોતું કહેવામાં આવતું.
રાંજ વાળવી : રોજ સવારે ગ્રામ્ય મહિલાઓ ઝાડુંથી ઘરમાંથી કચરો બહાર કાઢે તેને રાંજ વાળવી તેમ કહેવાતું.
મોઈડંડો : મોઈડંડાની રમતને ગીલ્લી  ડંડા પણ કહેવામાં આવતા હતા. ગામડામાં બાળકો જમીનમાં નાના ખોડો કરી તેમાં મોઈ મૂકતા અને લાકડીથી તેને ઉછાળી તેને ફટકો મારતા તે મોઈંડંડાની રમત કહેવામાં આવતી હતી. આ  રમત હવે અદૃશ્ય થઈ ગઈ છે.
ગામેરો કૂવો : વર્ષો પહેલાં ગામની મહિલાઓ  ગામના જે કૂવામાંથી પાણી ભરતી તે કૂવાને ગામેરો કૂવો કહેવામાં આવતો.
લુણારી : વર્ષો પહેલાં કોઈ વરરાજા પરણવા  જાય તો તેની બાજુમાં બેઠેલી તેની બહેન પિત્તળની એક ટોકરીમાં મૂકેલા ચીજોને ખખડાવતી તેને લુણારી કહેવામાં આવતી હતી.
અધ્ધરિયું : આજથી ૬૦થી ૭૦  વર્ષ પહેલાં ગામડામાં ઉપર આકાશમાં  હેલિકોપ્ટર ઊડતું દેખાય તો લોકો   તેને અધ્ધરિયું કહેતા. તેમને હેલિકોપ્ટર શબ્દ આવડતો નહોતો. હવે એવું નથી.
નેહાળિયા : વર્ષો પહેલાં ગામડાની શાળામાં ભણતા બાળકોને નેહાળિયાં  કહેતાં. નેહાળિયાં એટલે નિશાળમાં ભણતા બાળકો.
છાંટોપાણી : વર્ષો પહેલાં ગામડાઓમાં ચાર ભાઈબંધો ભેગા થઈને કહે કે ચાલો છાંટો પાણી કરી લઈએ. છાંટોપાણી એટલે દારૂ પી લઈએ.
જેમ : નવા જન્મેલા બાળકને  હોળીના દિવસે  હોલિકા માતાને પગે લગાડવાની વિધિને જેમ કહે છે.
મોરસ : ગામડાંમાં લોકો ખાંડને મોરસ કહેતા.

Be Sociable, Share!