રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની પ્રાઇવેટ લાઈફ સ્ટેટ સિક્રેટ જેવી રહી છે. પ્રેસિડેન્ટ પુતિન અને તેમનાં પત્ની લુડમિલા વચ્ચે પણ હવે સંબંધ રહ્યો છે કે કેમ તે એક પ્રશ્ન છે. ૨૦૦૮માં `નોસ્કોવ્સકી કોરસ્પોન્ડેન્ટ’ના પત્રકારે પુતિન વિશે એક સમાચાર લખ્યા હતા. તેમાં એણે એમ લખ્યું હતું કે, `પુતિન તેમનાં પત્ની લુડમિલાને છૂટાછેડા આપવા વિચારી રહ્યા છે અને પુતિન એલિના કાબાઈવા નામની ગોલ્ડ મેડલ ઓલિમ્પિક વિજેતા જિમ્નેસ્ટિક ગર્લ સાથે લગ્ન કરવાના છે.’ આ છોકરી પુતિન કરતાં અડધી ઉંમરની છે. આ અહેવાલ છપાયાના બીજા જ દિવસે એ અખબાર બંધ થઈ ગયું. એ દિવસોમાં પુતિન ૨૪ વર્ષની એલિનાના પ્રેમમાં હોવાની વાત રશિયામાં ચર્ચાતી હતી. એલિના કાબાઈવા રશિયાની પાર્લામેન્ટની અને પુતિનની પાર્ટીની સભ્ય પણ હતી.કહેવાય છે કે વ્લાદિમીર પુતિને પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો તેના થોડાક જ સમયમાં તેમનાં પત્ની લુડમિલા લોકોની નજરમાંથી અદૃશ્ય થઈ ગયાં હતાં. હા, ૨૦૧૧માં બોરિસ યેલ્તસીનની ૮૦મી જન્મજયંતી વખતે તેઓ એક કોન્સર્ટમાં દેખાયાં હતાં. તે પછી મોસ્કોના એક ચર્ચમાં ઈસ્ટરના તહેવાર વખતે દેખાયાં હતાં. આ વર્ષે ઈસ્ટરના દિવસોમાં તેઓ ફરી અદૃશ્ય થઈ ગયાં.
આશ્ચર્યની વાત એ હતી કે આ વખતે ચૂંટણીના દિવસે ફરી વ્લાદિમીર પુતિન તેમનાં પત્ની લુડમિલા સાથે મતદાન મથક પર એકસાથે દેખાયાં. પુતિન મતદાન કરીને મીડિયા સમક્ષ જતા રહ્યા અને તેમનાં પત્ની પાછળ પેપરવર્ક કરી રહ્યાં હતાં. જતી વખતે પુતિને તેમનાં પત્નીના હાથને પકડ્યો. તેની તસવીર લેવાઈ. બીજા દિવસનાં અખબારોમાં એ તસવીર નીચે એક લાઈન લખવામાં આવી: `બીજા છ વર્ષ પછી ફરી ચૂંટણી આવે ત્યારે મળીશું.’
પુતિન અને તેમનાં પત્ની વર્ષોથી અલગ રહે છે, પણ લુડમિલા ક્યાં રહે છે એ વાત રશિયામાં કોઈ જાણતું નથી.
– પ્રેસિડન્ટ કેનેડી
રાજકારણીઓના જીવનમાં જ્યારે લગ્નબાહ્ય સંબંધો ધરાવતી સ્ત્રીઓ આવે છે ત્યારે તે ડેન્જરસ લાયેઝન બની જાય છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્હોન એફ. કેનેડીના જીવનમાં એ જમાનાની મશહૂર અભિનેત્રી મેરિલિન મનરોના પ્રવેશને કારણે કેનેડી પરિવાર માટે મોટું જોખમ ઊભું થઈ ગયું હતું.
– પ્રેસિડન્ટ ક્લિન્ટન
પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના જીવનમાં મોનિકા લેવેન્સ્કીના પ્રવેશને કારણે અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો અને બિલ ક્લિન્ટને માફી માગવી પડી હતી. એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે અનેક લોકોની કારકિર્દી રોળાઈ ગઈ હોય તેવાં અનેક ઉદાહરણો છે. ૧૯૮૭માં ગેરી હાર્ટને અમેરિકાના પ્રમુખપદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનાવવાનું નક્કી હતું, પરંતુ તેમણે મીડિયાને પડકાર ફેંક્યો મારા જીવન પર કોઈ ડાઘ હોય તો શોધી કાઢો. મીડિયાએ તેમનું લફરું શોધી કાઢ્યું અને ગેરી હાર્ટને પ્રમુખપદની ચૂંટણી લડવા ટિકિટ ન મળી. ગેરી માર્ટની ડોના રાઈસ નામની સ્ત્રી સાથેની એક અજુગતી તસવીર મીડિયાએ શોધી કાઢી હતી.
જ્હોન એડવર્ડ
ગેરી હાર્ટ જેવું જ અમેરિકાના સેનેટર જ્હોન એડવર્ડની બાબતમાં થયું. તેમનાં પત્ની કેન્સરથી પીડાતાં હતાં અને કેન્સર છેલ્લા તબક્કામાં હતું. ૨૦૦૮માં તેઓ પણ અમેરિકાના પ્રમુપદ માટે ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ માગી રહ્યા હતા. તેમને હિલી હંટર નામની એક ફિલ્મનિર્માત્રી સાથે સંબંધ હતો અને તેમનાથી હિલીને બાળક પણ પેદા થયું હતું. એ વાત બહાર આવી જતાં ડેમોક્રેટિક પાર્ટીએ તેમને ટિકિટ આપવા ઈનકાર કરી દીધો અને એ ટિકિટ બરાક ઓબામાને મળી.
સ્ટ્રોસ કાન
ફ્રાન્સને લાગેવળગે છે ત્યાં સુધી ફ્રેન્ચ લોકો તેમના રાજકારણીઓ ચાર દીવાલો વચ્ચે શું કરે છે તેની બહુ ચિંતા કરતા નથી, પરંતુ ફ્રેન્ચ નેતા સ્ટ્રોસ કાન બિચારા ફસાઈ ગયા. અમેરિકાની એક હોટલમાં કામ કરતી ૩૨ વર્ષની નફિસા તોઉ નામની મહિલા નોકરે ફરિયાદ કરી કે સ્ટ્રોસે મારી સાથે છેડતી કરી છે અને સ્ટ્રોસ ફસાઈ ગયા. તેઓ ફ્રાન્સના પ્રમુખપદના ઉમેદવાર બનવાના હતા, પણ હોટલની મેડની ફરિયાદ બાદ તેઓ પણ પ્રમુખપદની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા.
સિલ્વિયો બર્લુસ્કોની
ઈટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીનો કેસ સહેજ જુદો છે. ઈટાલીમાં ૧૮ વર્ષ કરતાં વધુ ઉંમરની સ્ત્રી પ્રોસ્ટિટ્યૂટ સાથેના સંબંધો કાયદેસર ગણાય છે, પરંતુ સિલ્વિયા પર ૧૮ વર્ષ કરતાં ઓછી વયની યુવતી સાથે સેક્સ માણવાનો આરોપ થયો. તેમાં મોરોક્કોની નાઇટ ક્લબની કેમિની નામની એક ડાન્સર સાથેના સંબંધોની વાત બહાર આવી. સિલ્વિયાએ જાહેરજીવન છોડવું પડ્યું, પરંતુ ઈટાલિયનો તેમના નેતાના પાવરના પ્રશંસક રહ્યા છે.
રોબિન કૂક
લંડન આડા સંબંધો માટે યુરોપનું કેપિટલ કહેવાય છે. ઘણા સંસદસભ્યો તેમના ઘરથી દૂર તેમની મહિલા સેક્રેટરીઓ સાથે સમય પસાર કરતા હોવાનું ભૂતકાળમાં થયું છે. ઇંગ્લેન્ડના પૂર્વના શ્રમમંત્રી રોબિન કૂક તેમની મહિલા સેક્રેટરી ગેનોટ રેગન સાથે ક્યાંક સમય પસાર કરી રહ્યા હતા ત્યારે પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેરના પ્રેસ પ્રતિનિધિ એલેસ્ટર કેમ્પબેલે રોબિન કૂકનાં પત્ની માર્ગારેટ કૂકને ફોન કરી એ માહિતી આપી દીધી હતી. એ પછી ઘરમાં મોટું તોફાન સર્જાયું હતું. લગ્ન તૂટી ગયું હતું અને માર્ગારેટ કૂકે એક પુસ્તક લખ્યું હતું, તેમાં તેમણે લખ્યું હતું કે મારો હસબન્ડ છ જેટલી સ્ત્રીઓ ધરાવતો હતો અને ખૂબ દારૂ પીતો હતો
જ્હોન મેજર
૨૦૦૨માં બ્રિટનના એડવિના કેરી નામના એક મહિલામંત્રીએ `ધ ટાઈમ્સ’માં એક શ્રેણી લખીને ખળભળાટ મચાવી દીધો હતો. તેમાં એડવિનાએ લખ્યું હતું કે ૧૯૮૪થી ૧૯૮૮ દરમિયાન મારે જ્હોન મેજર કે જેઓ પરણેલા હતા તેમની સાથે સંબંધો હતા. આ સમાચારથી આખા ઇંગ્લેન્ડમાં નવા જ પ્રકારની સનસનાટી પેદા થઈ, કારણ કે જ્હોન મેજર એક શુષ્ક વ્યક્તિ ગણાતા હતા, પણ એડવિનાની કેફિયત બાદ જ્હોન રાતોરાત લોકપ્રિય થઈ ગયા અને માર્ગારેટ થેચર પછી જ્હોન મેજર બ્રિટનના વડાપ્રધાન બની ગયા. આમ, મેજરને લફરું ફળ્યું હતું!
જ્હોન પ્રોફ્યુમો
ઇંગ્લૅન્ડ સેક્સ સ્કેન્ડલ માટે જૂનું અને જાણીતું બ્રાન્ડનેમ ધરાવે છે. ૧૯૬૩માં ઇંગ્લૅન્ડમાં જ્હોન પ્રોફ્યુમો નામના સંરક્ષણ મંત્રી હતા. તેઓ હેરોલ્ડ મેકમિલન નામના વડાપ્રધાનની કેબિનેટના સભ્ય હતા. જ્હોન વેલેરી નામની ખૂબસૂરત અભિનેત્રી સાથે પરણેલા હતા. જ્હોન ઇંગ્લેન્ડના ડિફેન્સ મિનિસ્ટર હોવાને કારણે ઘણી સંવેદનશીલ માહિતી ધરાવતા હતા. વળી, એ વખતે રશિયા ઘણું શક્તિશાળી હતું. જ્હોન એ જમાનાની મશહૂર કોલગર્લ ક્રિસ્ટાઈન કિલર સાથે પકડાઈ ગયા હતા અને વાત બહાર આવી ગઈ હતી. મોટામાં મોટી સમસ્યા એ હતી કે ક્રિસ્ટાઈન કિલરને લંડન ખાતેની રશિયન એલચી કચેરીના એક રશિયન અધિકારી તથા બીજા એક ડ્રગ ડીલર સાથે પણ આડા સંબંધો હતા. આખું પ્રેમપ્રકરણ બહાર આવી જતાં જ્હોન પ્રોફ્યુમોએ ઇંગ્લેન્ડના ડિફેન્સ મિનિસ્ટર પદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. ક્રિસ્ટાઇન કિલર અને જ્હોન લોર્ડ એસ્ટર નામના એક રાજકારણીના ભવ્ય નિવાસસ્થાનમાં મજા માણતા હતા. આ નિવાસસ્થાનમાં એક સ્વિમિંગ પુલ હતો અને તેમાં જ્હોન એકલા જ નહીં, પણ પાકિસ્તાનના પૂર્વ ફિલ્ડમાર્શલ ઐયુબ ખાને પણ નગ્ન સ્ત્રીઓ સાથે છબછબિયાં કર્યાં હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકરણ બહાર આવ્યા બાદ આખી મેકમિલન સરકારે રાજીનામું આપી દેવું પડ્યું હતું.
જ્હોન ટેરી અને બીજા
ઇંગ્લેન્ડનો જાણીતો ફૂટબોલ કેપ્ટન જોન ટેરી પણ જાણીતી મોડલ વનેસા પેરોન્સેલ સાથે આડા સંબંધો ધરાવતો હોવાની વાત બહાર આવી હતી. એ જ રીતે ૨૦૦૪માં ફારિયા આલમ નામની એક બાંગ્લાદેશી યુવતી કે જે યુકે ફૂટબોલ એસોસિયેશનની સેક્રેટરી હતી. ફારિયાએ તેના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક પોલઓઈ અને તે પછી ઇંગ્લેન્ડના ફૂટબોલ મેનેજર સ્વેન ગોરાને એરિક્સના સાથે રાત ગાળી હતી. આ આખીયે ઘટના રૂપિયા ૨,૫૦,૦૦૦ પાઉન્ડમાં પબ્લિશ કરવા માટે ફારિયાએ એક પીઆર (પબ્લિક રિલેશન) એજન્સીને વેચી હતી.
હવે છેલ્લે છેલ્લે અમેરિકાની સીઆઈએના ડાયરેક્ટર ડેવિડ પેટ્રિયાસ આવા જ એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં ફસાયા હતા. આ ઘટના ઇંગ્લેન્ડમાં બની હોત તો ડેવિટ પેટ્રિયાસની પ્રેયસી પાઉલા બ્રેડવેલ તેની સ્ટોરી કદાચ `કિસ એન્ડ ટેલ’ના નામે લાખો પાઉન્ડમાં વેચી શકી હોત, પણ પાઉલા બ્રેડવેલ ડેવિડને સાચુકલો પ્રેમ કરે છે, તેથી તે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. પાઉલા પ્રોફેશનલ નહીં પરંતુ સાચુકલી પ્રણયભગ્ન છે.
– …….દેવેન્દ્ર પટેલ



