Close

યુગાન્ડાનો પાશવી સરમુખત્યાર ઈદી અમીન મિત્રનું જ કાળજું કાપીને ખાઈ ગયો

રેડ રોઝ | Comments Off on યુગાન્ડાનો પાશવી સરમુખત્યાર ઈદી અમીન મિત્રનું જ કાળજું કાપીને ખાઈ ગયો
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વસતા ગેરકાયદે ભારતીયોને હાંકી કાઢવા માટે અભિયાન ચલાવ્યું છે, પરંતુ આ સંદર્ભમાં આજે વર્ષો પહેલાં યુગાન્ડના ક્રૂર સરમુખત્યાર ઈદી અમીને યુગાન્ડામાં વસતા ભારતીયો અને વિદેશીઓને હાંકી કાઢવા જે ક્રૂરતા કરી છે તેની પર દૃષ્ટિપાત કરીએ.
 ઈદી અમીન ક્રૂર અને પાશવી સરમુખત્યાર હતો. યુગાન્ડામાં રહેતા ગુજરાતીઓ બ્રિટિશ સબ્જેક્ટ હોવાથી યુગાન્ડામાંથી હકાલપટ્ટીનો ભોગ બનેલા. ગુજરાતીઓએ બ્રિટનમાં શરણ લીધું હતું, કારણ કે તેઓ બ્રિટિશ સબ્જેક્ટ હતા. એ વખતની બ્રિટિશ સરકારે યુગાન્ડાથી આવેલા ગુજરાતીઓને બ્રિટનમાં શરણ આપ્યું હતું અને યુગાન્ડાથી પેનીલેટા થઈને આવેલા ગુજરાતી પાટીદારો ફરી ઊભા થયા અને વેપાર-ધંધામાં ઝંપલાવીને તેઓ ફરી સમૃદ્ધ થયા. કેટલાક તો મલ્ટિ મિલિનિયોર પણ થયા. બ્રિટનમાં તો પ્રીતિ પટેલ જેવાં મહિલા યુ.કે.નાં ગૃહમંત્રી પણ બન્યાં.
હિટલરનાં કૃત્યોને પણ શરમાવે એવાં પાશવી, મનસ્વી અને લોહિયાળ કૃત્યો ઈદી અમીનનાં હતાં. સત્તાસ્થાને બેસતાંની સાથે જ એણે એના એક મિત્રને ન્યાયાધીશ નીમી દીધો. યુગાન્ડાના બુદ્ધિજીવીઓને વીણી વીણીને સાફ કરી નાખ્યા. ઈદી અમીનનાં કૃત્યોને પ્રકાશમાં લાવતા એક પત્રકારની ધરપકડ બાદ એનો કેસ કોર્ટમાં ગયો ત્યારે અમીને ફોન પર ન્યાયાધીશને સૂચના આપી કે એને ફાંસી પર લટકાવી દેવાની સજા કરવી, પણ ન્યાયાધીશને એ ઉચિત ન લાગતાં એણે પત્રકારને છોડી દીધો. બીજી જ ક્ષણે અમીનના માણસોએ ન્યાયાધીશને મારી નાખ્યો અને પોતાના મિત્રને અંજલિ આપવાના બહાને ગયેલા ઈદી અમીને એના મિત્ર ન્યાયાધીશના મૃતદેહમાંથી કાળજું ખેંચી કાઢી એ કાળજાને એ કાચું ને કાચું ખાઈ ગયો.
કહેવાય છે કે અમીનને આમ તો ૧૦૦થીયે વધુ પત્નીઓ હતી. એમાંની એક પત્ની બીમાર પડી ત્યારે એણે એક દાક્તરને એની સારવાર કરવા સૂચના આપી. દાક્તરે કહ્યું કે, `હું ફિઝિશિયન છું, જનરલ સર્જન નથી.’ તો બીજ જ ક્ષણે અમીને દાક્તરને એના પેલેસમાં મૂકેલું ફ્રીઝ ખોલવા સલાહ આપી. દાક્તરે ફ્રીઝ ખોલીને જોયું તો કાપી લેવાયેલાં બે માથાં ફ્રીઝના બરફ વચ્ચે સાચવી રખાયાં હતાં. સ્તબ્ધ બની ગયેલા ડોક્ટરે ફિઝિશિયનનું સ્ટેટસ ભૂલી જઈને અમીને કહ્યું તે પ્રમાણે કામ શરૂ કરી દીધું.
એક દિવસ રાષ્ટ્રીય ઈનામોની વહેંચણી વખતે ઈદી અમીને જાહેર કર્યું કે મારી ત્રણ પત્નીઓ વેશ્યા છે. તેમની કાલે હું કતલ કરી નાંખીશ.
એવામાં ફરી એક સવારે જાહેરાત કરી કે, ગઈ કાલે મને સપનું આવ્યું હતું કે આ યુગાન્ડા માત્ર આફ્રિકન લોકો માટે જ છે, તેથી ૯૦ દિવસમાં બધા એશિયનોએ યુગાન્ડા છોડી જવું.
ઈદી અમીનનો શબ્દ કાયદો બની જતો અને હજારો ગુજરાતીઓ સહિત બધા એશિયનો લાચાર અવસ્થામાં એરપોર્ટ તરફ ભાગ્યા હતા. આવા ૩૦ હજાર બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા એશિયનોને બ્રિટનમાં સમાવી લેવા પડ્યા હતા.
ઈદી અમીને એકવાર કાર રેસનું આયોજન કર્યું હતું. તેમાં ખુદ અમીને પણ ભાગ લીધો હતો, તેથી બીજા કોઈ પણ સ્પર્ધકે અમીનને ઓવરટેક કરી આગળ જવું નહીં એવું નક્કી હતું. ઈદી અમીન ગાડી દોડાવતો હતો તે દરમિયાન એની નજર એક યુવાન અશ્વેત યુવતી પર પડી અને તે યુવતીને તેણે કારમાં બેસાડી દીધી. નિર્જન માર્ગે દોડતી કારને સ્પર્ધાના નિયત માર્ગેથી ચાતરીને બીજે જ ક્યાંક ચાલ્યા ગયેલા ઈદી અમીને કારમાં જ યુવતીનું કૌમાર્ય ભંગ કર્યું અને બીજા દિવસે એણે ધામધૂમથી એની સાથે લગ્ન કર્યાં.
યુગાન્ડાના આર્થિક-વાણિજ્ય વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવનાર ગુજરાતીઓ બીકના માર્યા જતા રહ્યા. પછી ઈદી અમીન તેના વફાદાર માણસો સાથે દિવસે નગરમાં ફરવા નીકળ્યો અને બંધ શટર્સવાળી દુકાનોની એક પછી એક એમ સાથીઓને લહાણી કરતો ગયો. એક ટેક્સટાઈલની દુકાન એણે પોતાની એક પ્રિય પત્નીને અર્પણ કરી અને બોલ્યો કે, `મારી પત્નીને સુંદર વસ્ત્રો બહુ જ ગમે છે.’
એક પાર્ટી દરમિયાન ઈદી અમીનને એક નાનકડી છોકરી ગમી ગઈ. અમીનના માણસોએ છોકરીના મંગેતરની હત્યા કરી અને ભરી પાર્ટીમાંથી ઈદી અમીન છોકરીને ઉઠાવી એના બેડરૂમમાં લઈ ગયો. ઈદી અમીન બળાત્કાર શરૂ કરે એ પહેલાં કન્યાએ પોતાના પેટમાં ચાકુ ઘુસાડી દઈ આપઘાત કર્યો ત્યારે ઈદી અમીને તદ્દન સ્વાભાવિકતાથી કહ્યું, `આ છોકરીની લાશને લઈ જાવ. નાહક મારી ચાદર બગાડી.’
આવાં પાશવી કૃત્યોથી યુગાન્ડામાં વિરોધનો સૂર જાગ્યો તો એક તાંત્રિકની સલાહ અનુસાર ઈદી અમીને પોતાના દેશના જ હજારો નાગરિકોની કતલ શરૂ કરાવી. ઝૂંપડાં બાળી મૂક્યાં. તેમના મૃતદેહોને નદીઓમાં ફેંકી દીધા અને મહાકાય મગરોએ મડદાં ફોલી ખાધાં.
એક દિવસ ઈદી અમીન બેંકમાં પહોંચી ગયો અને દસ લાખ ડોલરની માંગણી કરી તો બેંકના ગવર્નરે કહ્યું કે એ શક્ય નથી. આપણા દેશનાં નાણાંની કિંમત તો ટોઈલેટ પેપર જેટલી જ થઈ ગઈ છે. આ સાંભળી અમીન ખિજાયો અને ગવર્નરના કાન કાપી એના જ મોઢામાં ભરી દીધા. બીજી જ ક્ષણે એક સામાન્ય કારકુનને એણે ગવર્નર બનાવી દીધો.
ઈદી અમીન યુગાન્ડાનો લશ્કરી અધિકારી અને રાજકારણી હતો. જેણે ૧૯૭૧થી ૧૯૭૯ સુધી યુગાન્ડાના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેણે લશ્કરી સરમુખત્યાર આધુનિક વિશ્વ ઈતિહાસમાં સૌથી ક્રૂર તાનાશાહ માનવામાં આવે છે.
અમીનનો જન્મ કાકવા પિતા અને લુગબારા માતાને ત્યાં થયો હતો. ૧૯૪૬માં તે બ્રિટિશ કોલોનિયલ આર્મીના કિંગ્સ આફ્રિકન રાઈફલ્સમાં રસોઈયા તરીકે જોડાયો. તે લેફ્ટનન્ટના હોદ્દા સુધી પહોંચ્યો. સોમાલી બળવાખોરો સામે બ્રિટિશ કાર્યવાહીમાં અને પછી કેન્યામાં માઉ માઉ બળવામાં ભાગ લીધો. ૧૯૬૨માં યુગાન્ડાએ યુનાઈટેડ કિંગ્ડમથી સ્વતંત્રતા મેળવી અને અમીન સેનામાં રહ્યો. ૧૯૬૪માં ડેપ્યૂટી આર્મી કમાન્ડરના પદ સુધી પહોંચ્યો અને બે વર્ષ પછી કમાન્ડર તરીકે નિયુક્ત થયો. તેને ખબર પડી કે યુગાન્ડાના રાષ્ટ્રપતિ મિલ્ટન ઓબોટે લશ્કરી ભંડોળના દુરુપયોગ બદલ તેની ધરપકડ કરવાની યોજના બનાવી રહ્યા છે, તેથી તેણે ૧૯૭૧માં યુગાન્ડાના બળવાને શરૂ કર્યો અને પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યો.
સત્તામાં તેના વર્ષો દરમિયાન અમીન પશ્ચિમ તરફી શાસક બન્યો, જેને ઈઝરાયેલનો નોંધપાત્ર ટેકો મળ્યો. તેનાથી લીબિયાના મુઅમ્મર ગદ્દાફી, ઝાયરના મોબુટુ સેસે સેકો, સોવિયેત યુનિયન અને પૂર્વ જર્મનીનું સમર્થન મળ્યું. ૧૯૭૨માં અમીને એશિયનોને હાંકી કાઢ્યા. જેમાંથી મોટાભાગના ભારતીય યુગાન્ડાના હતા, જેના કારણે ભારતે તેના શાસન સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા.
૧૯૭૨માં યુગાન્ડાના નિર્વાસિતો દ્વારા કરવામાં આવેલા આક્રમણના પ્રયાસનો બદલો લેવા માટે અમીને યુગાન્ડા આર્મીમાંથી ઓબોટે સમર્થકો મુખ્યત્વે અચોલી અને લાંગો વંશીય જૂથોના સૈનિકોને દૂર કરીને તેમનો નાશ કર્યો. ૧૯૭૧માં જિજા અને મ્બારારા બેરેકમાં લાંગો અને અચોલી સૈનિકોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. ૧૯૭૨ની શરૂઆતમાં લગભગ ૫,૦૦૦ અચોલી અને લાંગો સૈનિકો અને ઓછામાં ઓછા બમણા નાગરિકો ગાયબ થઈ ગયા હતા. ટૂંક સમયમાં જ ભોગ બનેલાઓમાં અન્ય વંશીય જૂથોના સભ્યો, ધાર્મિક નેતાઓ, પત્રકારો, કલાકારો, વરિષ્ઠ અમલદારો, ન્યાયાધીશો, વકીલો, વિદ્યાર્થીઓ અને બૌદ્ધિકો, ગુનાહિત શંકાસ્પદો અને વિદેશી નાગરિકોનો સમાવેશ થવા લાગ્યો. હિંસાના આ વાતાવરણમાં ગુનાહિત હેતુઓ માટે અથવા ફક્ત ઈચ્છા મુજબ ઘણા અન્ય લોકોની હત્યા કરવામાં આવી હતી. ઘણીવાર મૃતદેહો નાઈલ નદીમાં ફેંકી દેવામાં આવતા હતા.
વંશીય, રાજકીય અને નાણાકીય પરિબળોથી પ્રેરિત હત્યાઓ અમીનના આઠ વર્ષના શાસનકાળ દરમિયાન ચાલુ રહી. માર્યા ગયેલા લોકોની ચોક્કસ સંખ્યા અજાણ છે. ઈન્ટરનેશનલ કમિશન ઓફ જ્યૂરિસ્ટ્સે મૃત્યુઆંક ૮૦,૦૦૦થી ઓછો નહીં અને લગભગ ૩૦૦,૦૦૦ની આસપાસ હોવાનો અંદાજ લગાવ્યો હતો. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલની મદદથી દેશનિકાલ સંગઠનો દ્વારા સંકલિત કરાયેલ અંદાજ મુજબ માર્યા ગયેલા લોકોની સંખ્યા ૫૦૦,૦૦૦ છે.
ઓગસ્ટ ૧૯૭૨માં અમીને `આર્થિક યુદ્ધ’ તરીકે ઓળખાતી નીતિઓની ઘોષણા કરી, જેમાં એશિયનો અને યુરોપિયનોની માલિકીની મિલકતોની જપ્તીનો સમાવેશ થતો હતો. યુગાન્ડાના ૮૦,૦૦૦ એશિયનો મોટાભાગે ભારતીય ઉપખંડના હતા અને દેશમાં જન્મેલા હતા. તેમના પૂર્વજો ભારત જ્યારે બ્રિટિશ વસાહત હતું ત્યારે સમૃદ્ધિની શોધમાં યુગાન્ડા આવ્યા હતા. મોટા પાયે ઉદ્યોગો સહિત ઘણા માલિકીના વ્યવસાયો, જે યુગાન્ડાના અર્થતંત્રની કરોડરજ્જુ હતા.
૪ ઓગસ્ટ, ૧૯૭૨ના રોજ અમીને બ્રિટિશ પાસપોર્ટ ધારકો ધરાવતા ૫૦,૦૦૦ એશિયનોને હાંકી કાઢવાનો આદેશ આપતું હુકમનામું બહાર પાડ્યું. પાછળથી તેમાં સુધારો કરીને યુગાન્ડાના નાગરિક ન હોય તેવા તમામ ૬૦,૦૦૦ એશિયનોનો સમાવેશ કરવામાં આવ્યો. લગભગ ૩૦,૦૦૦ યુગાન્ડાના એશિયનો યુકેમાં સ્થળાંતરિત થયા. અન્ય ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, કેનેડા અને ફીજી જેવા કોમનવેલ્થ દેશોમાં અથવા ભારત, કેન્યા, પાકિસ્તાન, સ્વીડન, તાન્ઝાનિયા અને યુનાઈટેડ સ્ટેટ્સમાં ગયા. અમીને એશિયનો અને યુરોપિયનોના વ્યવસાયો અને મિલકતો જપ્ત કરી અને તેમને તેમના સમર્થકોને સોંપી દીધા. અનુભવી માલિકો અને માલિકો વિના વ્યવસાયોનો ગેરવહીવટ થયો અને ઘણા ઉદ્યોગો ઓપરેશનલ કુશળતા અને જાળવણીના અભાવે પડી ભાંગ્યા. આ પહેલાંથી જ ઘટી રહેલા યુગાન્ડાના અર્થતંત્ર માટે વિનાશક સાબિત થયું. તે સમયે દેશના કરવેરા આવકમાં એશિયનોનો હિસ્સો ૯૦% હતો. તેમને હટાવવાથી, અમીનના વહીવટીતંત્રે સરકારી આવકનો મોટો હિસ્સો ગુમાવ્યો. અર્થતંત્ર લગભગ પડી ભાંગ્યું.
ઈદી અમીને અંદાજે ૫૦૦ યમનના હદરામી આરબ વેપારીઓની હત્યા કરી.
– ઈદી અમીન ૨૦૦૩માં મૃત્યુ પામ્યો.

Be Sociable, Share!