Close

સદાબહાર અભિનેતા દેવઆનંદની જન્મજયંતી – મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્ર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા

રેડ રોઝ | Comments Off on સદાબહાર અભિનેતા દેવઆનંદની જન્મજયંતી – મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્ર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા
તા. ૨૬ સપ્ટેમ્બર 1923ના રોજ જન્મેલા હિન્દી ફિલ્મજગતના સદાબહાર અભિનેતા હતા. આમ તો તેમણે અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પરંતુ સિને ચાહકોને તેમની ફિલ્મ `ગાઈડ’નો રોલ આજે પણ યાદ છે.
દેવ આનંદ તેમના સદાબહાર વ્યક્તિત્વનું રહસ્ય ખોલતાં બોલ્યા હતા, `આટલાં વર્ષો પછી પણ મારામાં બાળકનું હૃદય છે. મને હંમેશાં એક્સાઈટમેન્ટ ગમે છે. હતાશાને હું કદી પણ મારા પર હાવી થવા દેતો નથી. કોઈવાર નિષ્ફળતા મળે તો હવે આગળ શું કરવું તે જ વિચારું છું.’ નસીબે મને ઘણું આપ્યું છે. બસ આગળ જ વધો એ મારો જીવનમંત્ર છે.’
તેમની એક ફિલ્મના મ્યુઝિકને રિલીઝ કરતી વખતે એ વખતનાં માહિતી અને પ્રસારણ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું: `you are a shining star.’
દેવ સાહેબના વ્યક્તિત્વની અનેક ખૂબીઓ હતી. તેમને સુરૈયા સાથેના પ્રેમમાં અને અનેક ફિલ્મોમાં નિષ્ફળતા મળી હતી, પરંતુ નિષ્ફળતાઓની ઉપેક્ષા કરીને એક નવી સફળતા માટે પુરુષાર્થ કર્યો હતો. નિષ્ફળતાની સીડી પર જ નવી સફળતાની શરૂઆત થાય છે.
લોકોને તેમની સ્ટાઈલ જ ગમતી હતી. એમના સમકાલીન રાજ કપૂર અને દિલીપ કુમાર જેવા અભિનેતાઓ સામે ટકી રહેવું મુશ્કેલ હતું. ઘણા લોકો એવી ટીકા કરતા કે દેવ આનંદના અભિનયમાં `અભિનય’ કરતાં સ્ટાઈલ વધુ હોય છે.
પરંતુ હકીકત એ હતી કે પ્રેક્ષકોને તેમની સ્ટાઈલ જ પસંદ હતી. તેમની સ્ટાઈલના કારણે જ તેઓ સોનું રળી લેતા હતા. તેમની `સોલવા સાલ’ ફિલ્મ રજૂ થઈ ત્યારે એ જમાનાની કોલેજ કન્યાઓ દેવ સાહેબના વ્યક્તિત્વ પર પાગલ થઈ વારેવારે એ જ ફિલ્મ જોવા જતી હતી.
પરંતુ ૧૯૫૮માં તેમની કાલા પાની ફિલ્મ અને તે પછી ૧૯૬૧માં `હમ દોનોં’ના તેમના ડબલ રોલ દ્વારા તેમણે સાબિત કરી દીધું હતું કે તેઓ એક અચ્છા એક્ટર પણ છે.
દેવ આનંદનો જન્મ તા. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ શકરગઢ, પંજાબ (હાલ પાકિસ્તાન)માં થયો હતો. તેમનું આખું નામ ધરમદેવ પિશોરીમલ આનંદ હતું, પરંતુ તેઓ દેવ આનંદના નામે જ ઓળખાયા. ૧૯૪૬થી ૨૦૧૧ સુધી તેઓ અભિનય કરતા રહ્યા. તેઓ કલ્પના કાર્તિકને પરણ્યા હતા. તેમને બે સંતાનો છે. પુત્રનું નામ સુનીલ આનંદ અને પુત્રીનું નામ દેવીના.
છ દાયકાની કારકિર્દી દરમિયાન તેમણે ૧૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ભારત સરકારે ૨૦૦૧માં તેમને `પદ્મ ભૂષણ’ એવોર્ડથી નવાજ્યા હતા. ૨૦૦૨માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ એનાયત થયો હતો.
સૌ પ્રથમ ૧૯૪૬માં પ્રભાત ફિલ્મ્સ કંપનીની `હમ એક હૈ’ નામની ફિલ્મમાં રોલ અદા કર્યો હતો, પરંતુ ૧૯૪૮માં `જિદ્દી’ ફિલ્મ દ્વારા કમર્સિયલ સક્સેસ પામ્યા હતા. તે પછી ૧૯૫૧માં `બાઝી’ ફિલ્મ આવી. તેમની અન્ય જાણીતી ફિલ્મોમાં (૧) …. (૨) ટેક્સી ડ્રાઈવર (૩) ઈન્સાનિયત (૪) સીઆઈડી (૫) પેઈંગ ગેસ્ટ (૬) કાલા પાની (૭) કાલા બજાર (૮) જબ પ્યાર કિસી સે હોતા હૈ (૯) હમ દોનોં (૧૦) અસલી નકલી (૧૧) તેરે ઘર કે સામને (૧૨) ગાઈડ (૧૩) જ્વેલ થીફ (૧૪) જ્હોની મેરા નામ અને (૧૫) હરે રામા હરે કૃષ્ણ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ત્યાર પછી બીજી અનેક ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો હતો.
દેવ આનંદના પિતા ધારાશાસ્ત્રી હતા તેમના ભાઈઓનાં નામ મનમોહન આનંદ, ચેતન આનંદ અને વિજય આનંદ હતાં.
દેવ આનંદનું શરૂઆતનું શિક્ષણ સેક્રેડ હાઈસ્કૂલ, ડેલહાઉસીમાં થયું હતું. તે પછી લાહોરની સરકારી કોલેજ દ્વારા તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમણે ઈંગ્લિશ લિટરેચરના વિષયમાં બીએની ડિગ્રી હાંસલ કરી હતી.
૧૯૪૯માં તેમણે નવકેતન ફિલ્મ કંપની સ્થાપી હતી. મુંબઈમાં કામ કરતી વખતે તે વખતની સુપરસ્ટાર સુરૈયાના પ્રેમમાં પડ્યા હતા. તે બેઉ લગ્ન કરવા માંગતાં હતાં, પરંતુ સુરૈયાની નાનીના વિરોધના કારણે તેમનાં લગ્ન થઈ શક્યાં નહોતાં.
દેવ આનંદને ચાર જેટલા ફિલ્મફેર એવોર્ડ્સ એનાયત થયા હતા. દેવ આનંદને સૌપ્રથમવાર અશોક કુમારે ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો. ૧૯૪૮માં બનેલી ફિલ્મ `જિદ્દી’માં તેમણે કામિની કૌશલ સાથે રોલ કર્યો હતો. આ ફિલ્મ સફળ રહી હતી.
૧૯૮૫ના ગાળામાં દેવ આનંદ અમદાવાદ આવ્યા હતા. તેમનો ઈન્ટરવ્યૂ લેવા માટે મેં ૧૦ પ્રશ્નોની યાદી તૈયાર કરી હતી. ૧૦ પ્રશ્નો પુછાય તે પહેલાં જ જે નહોતા પૂછવા તેવા ૨૦ પ્રશ્નોના જવાબ તેમણે મને આપી દીધા. બધી જ વાતો ઉષ્માસભર. પહેલી જ વાર મળનાર કોઈને પણ લાગે કે, દેવ સાહેબ વર્ષોથી તેમને ઓળખે છે. એ વખતે તેમના ચાહકો પણ હાજર હતા. જાણે કે વાતાવરણ જીવંત થઈ ગયું. ગજબની ઊર્જા હતી. સાવ પારદર્શક માનવી. બીજા ફિલ્મી કલાકારોની માફક `નહીં, મેરે પાસ વક્ત નહીં હૈં, બાદ મૈં આઈયે એવું કંઈ જ નહીં. કોઈ જ નાટક નહીં, કોઈ જ દંભ નહીં. મુલાકાત પૂરી થતાં જ તેમનો ફોન નંબર મને આપી દેતા બોલ્યા હતા `બમ્બઈ આઈયે, તો જરૂર મિલિયે.’
હર ફિક્ર કો ધુએ મેં
દેવ આનંદના મૃત્યુથી એક યુગનો અંત આવી ગયો. ૧૯૬૦ પહેલાં તેમની `સોલવા સાલ’ ફિલ્મ રજૂ થઈ ત્યારે આખા દેશની કોલેજિયન યુવતીઓ તેમની પાછળ પાગલ થઈ ગઈ હતી. એવા રૂઢિચુસ્ત જમાનામાં પણ આ સોહામણા એક્ટરની ફિલ્મ જોવા છોકરીઓ ક્લાસ છોડીને છબીઘરોમાં પહોંચી જતી. પંજાબના ગુરુદાસપુર શહેરના એડવોકેટ પિશોરીમલ આનંદના ઘેર જન્મેલા દેવ આનંદને જિંદગી સાથે રોમાન્સ હતો અને તેથી જ તેમણે તેમની આત્મકથાનું નામ પણ `રોમાન્સિંગ વિથ લાઈફ’ રાખ્યું હતું. ફિલ્મી દુનિયા ચકાચૌંધથી ભરેલી છે, ગ્લેમરસ છે, પરંતુ જેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને નજીકથી જાણે છે તેમને ખબર છે કે, ફિલ્મજગત ભીતરથી અત્યંત મર્કી છે. વેરઝેર, વાડાબંધી અને તમામ પ્રકારની બદીઓથી ભરપૂર છે. પડદા પર રૂપાળા લાગતા આજના કહેવાતા યુવા સુપરસ્ટાર એક્ટર્સ પડદાની પાછળ સ્ત્રી કલાકારો માટે અત્યંત બીભત્સ ભાષામાં વાત કરતા હોય છે. તમામ પ્રકારની ગાળાગાળી કરતા હોય છે. દેવ સાહેબ એ બધાથી દૂર હતા. તેઓ રાજ કપૂર અને દિલીપ કુમારના સુવર્ણયુગના સમકાલીન હતા, પરંતુ એ બધામાં દેવ આનંદ જ એક એવી વ્યક્તિ હતા જેમને કોઈની ઈર્ષ્યા નહોતી. કોઈની સાથે વેર નહોતું. કોઈની સાથે સ્પર્ધા નહોતી. તેમને માત્ર પોતાના કામથી જ મતલબ હતો. તેમણે જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. દેશની લાખો યુવતીઓ તેમની પાછળ પાગલ હતી. સુરૈયા મુસ્લિમ અને તેઓ હિંદુ હોવાના કારણે તેમના લગ્ન ન થઈ શક્યાં. કલ્પના કાર્તિક સાથે લગ્ન કર્યું. છેલ્લા શ્વાસ સુધી તેઓ ફિલ્મો બનાવતા રહ્યા. પાછલી જિંદગીમાં બનાવેલી તમામ ફિલ્મો ફ્લોપ રહી, પરંતુ દેવ સાહેબ કર્મની થિયરીને અનુસરતા રહ્યા, `ગાઈડ’નું અંતિમ દૃશ્ય તેમને જ લાગુ પડે છે. છેલ્લા દૃશ્યમાં તેઓ બોલે છે: `ન દુ:ખ હૈ, ન સુખ હૈ, મૌત ભી ખ્વાબ હૈ, જૈસે જિંદગી એક ખ્વાબ હૈ’ તેઓ પોતાની બરબાદી પર પણ જશ્ન મનાવતા રહ્યા. હર ફિક્રને ધુંઆમાં ઉડાડતા ગયા.
કોઈએ તેમને પૂછ્યું: `દેવ સાહેબ, આપની જવાનીનું રહસ્ય શું છે?’ તો એમણે જવાબ આપ્યો: `લાઈફ ઈઝ ગ્રેટ. લાઈફ ઈઝ બ્યૂટીફૂલ. મેરી જવાની કા કોઈ રહસ્ય નહીં હૈ. મૈં જીવન સે ભરા હુઆ હૂં. જબ તક ચલતે રહોગે, ભાગતે રહોગે, જવાન બને રહોગે.’
દેવ સાહેબ તેમના સમયના યૂથ આઈકોન હતા. ફેશન સ્ટાર હતા. તેમણે ગળામાં મફલર પહેર્યું તો લોકો મફલર પહેરવા લાગ્યા. તેમણે ખાસ પ્રકારની હેટ પહેરી તો લોકો હેટ પહેરવા લાગ્યા. તેમણે કાળો ડ્રેસ પહેર્યો તો લોકો કાળાં વસ્ત્રો પહેરવા લાગ્યા. એમના સમયની યુવતીઓ દેવ સાહેબને કાળા ડ્રેસમાં જોવા દીવાની હતી. ઘણા એક્ટર્સે પણ તેમની બોલવાની સ્ટાઈલની નકલ કરી. તેમની ચાલવાની સ્ટાઈલ પણ વિશિષ્ટ પ્રકારની હતી.
– સાહિત્યપ્રેમ
એ વખતે રાજ કપૂર ચાર્લી ચેપ્લિનની અદાઓને વર્યા હતા. દિલીપ કુમાર ટ્રેજેડી કિંગ હતા, પરંતુ દેવ આનંદ એક રોમેન્ટિક હીરો તરીકે ઉપસ્યા. તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે બીએ. કર્યું હતું, તેથી પોતાની વાતને સાહિત્યના અંદાજમાં વ્યક્ત કરવામાં કુશળ હતા. આર.કે. નારાયણે ૧૯૬૧માં લખેલી કૃતિ `ગાઈડ’ને કચકડાની પટ્ટી પર ઢાળવાની હિંમત માત્ર દેવ આનંદ જ કરી શકે. `ગાઈડ’ નવલકથાને સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો હતો. `ગાઈડ’ નવલકથામાં એક સીધોસાદો ગાઈડ એક પ્રૌઢ પુરાતત્ત્વવિદની યુવાન પત્ની સાથે એડલ્ટરી કરે છે. પ્રેમિકા સાથે થોડીક છેતરપિંડી કરે છે, જેલમાં જાય છે અને જેલમાંથી છૂટ્યા બાદ લોકો તેને સંન્યાસી સમજી લે છે તેવા અઘરા વિષયને ફિલ્મના સબ્જેક્ટ તરીકે દેવ સાહેબે સ્વીકાર્યો. આ વિષય પસંદ કરવા પાછળ તેમનો સાહિત્ય પ્રત્યેનો લગાવ જ કારણભૂત હોઈ શકે. આ ફિલ્મનું નિર્દેશન કરવા રાજ ખોસલાએ ના પાડી દીધી. દેવ સાહેબ તેમના ભાઈ ગોલ્ડી પાસે ગયા. ગોલ્ડીએ વિષય પ્રત્યે નાપસંદગી વ્યક્ત કરી. તેમને લાગ્યું કે, ભારતના લોકો આ કથાને સ્વીકારશે નહીં. ખૂબ સમજાવટ પછી તેમના ભાઈ ગોલ્ડી સંમત થયા. તેમના ભાઈએ જ નવલકથા પરથી સ્ક્રિપ્ટ લખી અને ફિલ્મ હિન્દી તથા અંગ્રેજી એમ બંને ભાષામાં બની. `ગાઈડ’ ફિલ્મને જબરદસ્ત સફળતા મળી. `ગાઈડ’ ફિલ્મે હિન્દી ફિલ્મ સિનેમાના તમામ રૂલ્સ બદલી નાખ્યા. પડદા પર આ જ દર્શાવી શકાય અને આ ન જ દર્શાવી શકાય તેવી રૂઢિઓ તોડી નાખી. `ગાઈડ’ ફિલ્મ આજે પણ હિન્દી સિનેમામાં એક માઈલસ્ટોન છે. `ગાઈડ’ ફિલ્મનાં અંતિમ દૃશ્યોનું શૂટિંગ ગુજરાતમાં લીંબડી પાસે થયું હતું.
– બોલે ક્યા પીઓગે?
તેમનું અંગત જીવન બીજા ફિલ્મ કલાકારો કરતાં સાવ અલગ હતું. દેવ સાહેબ સાથે ફોન પર વાત કરવી હોય તો વાયા સેક્રેટરી જવું જરૂરી નહોતું. તેઓ પોતે જ ફોન ઉપાડતા. ફોન પર `હલો’ કહેવાની તેમની સ્ટાઈલ પણ અનોખી હતી. ઉષ્માસભર અવાજ સાથે વાત કરતા. આજે ઘણા એક્ટર્સ મીડિયા સાથે વાત કરતાં કતરાય છે, પણ દેવ સાહેબને પત્રકારો પ્રિય હતા, પછી તે નાનો હોય કે મોટો. મુંબઈમાં બાંદ્રા ખાતે તેમની ઓફિસ હતી. કોઈ પણ પત્રકાર તેમને મળવા જાય એટલે ઉમળકાથી આવકારે. તે પછી પૂછે: `બોલો, ક્યા પીઓગે?’ કોઈ કહે: `ચાય.’ તે પછી તેઓ બોલે: `ઈનકે લિયે ઐસી ચાય લાના કિ ઉન્હેં હમેશા યાદ રહે કી કહાં ચાય પી થી.’
દેવ સાહેબ બહુ પાર્ટીઓમાં જતા નહીં, પરંતુ મિત્રોને અને ખાસ કરીને મીડિયાને પાર્ટીઓ આપવાના શોખીન હતા. તેઓ હાથમાં દારૂનો ગ્લાસ રાખતા, પરંતુ પીતા નહીં. ત્રણ કલાક સુધી બધાને મળતા રહે. વાતો કરતા રહે, પણ ગ્લાસ જેમનો તેમ રહે. ખાવામાં પણ તેઓ મિતાહારી હતા. તેઓ એકવાર કોઈને મળે તે પછી તેનું નામ કદી ભૂલતા નહીં. પોતાના જન્મદિવસે માત્ર બર્થડે કાર્ડ કે ફૂલ જ સ્વીકારતા હતા, ગિફ્ટ નહીં. દેવ સાહેબ તેમની ઓફિસમાં રંગીન લાઈટો લગાવવાના શોખીન હતા. ડિનરમાં સૂપ અને રાત્રે મીઠા નમક વગરની પોપકોર્ન ખાવાનું પસંદ કરતા હતા. તેમની આખી જિંદગી સ્ટુડિયોમાં જ પસાર થઈ. એક ફિલ્મ નિષ્ફળ જાય તો તરત બીજી ફિલ્મ પર કામ શરૂ કરી દેતા હતા. રોજ સવારે ૧૧ વાગ્યે સ્ટુડિયોમાં આવી જતા હતા. મોડી રાત સુધી સ્ટુડિયોમાં જ રોકાતા. કેટલીક વાર તો તેમની ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય ત્યારે બે-ત્રણ દિવસ સ્ટુડિયોની બહાર આવતા નહોતા. તેમની ફિલ્મોના વિષયોની પસંદગી પણ એવી રીતે કરતા કે ભટકી ગયેલા યુવાનોને યોગ્ય રસ્તો મળે. દા.ત., `હરે રામા હરે ક્રિષ્ના’ ફિલ્મ દ્વારા યુવાનોને તેમણે નશાથી દૂર રહેવા સુંદર મેસેજ આપ્યો હતો.
– અંતિમ ક્રિયાથી દૂર
ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે, તેઓ કદીયે કોઈની અંતિમ ક્રિયામાં જતા નહીં. તેઓ કહેતા: `એક વ્યક્તિના મૃતદેહ પર કપડું ઢાંકેલું હોય અને તેને નાક તથા મોંમાં રૂ મૂકેલું હોય તેવું દૃશ્ય લોકો યાદ રાખે તેને હું પસંદ કરતો નથી. માણસે શા માટે શાંતિપૂર્વક જતા રહેવું ન જોઈએ? હું જગતમાં ન હોઉં ત્યારે મને એ રીતે કોઈ ન જુએ તે જોજો. હું જીવતો હતો ત્યારે જે રીતે લોકોએ મને જોયો છે તે રીતે જ મને યાદ રાખે તેમ હું ઈચ્છું છું. પોતાના મૃત્યુ બાદ કોઈ શોક ન મનાવે અને તેમની અંતિમ ક્રિયા લોકોની નજરથી દૂર રહે તેવી તેમની ઈચ્છા હતી. અંગત જીવનમાં તેમણે શાયદ શ્રીકૃષ્ણના ગીતાજ્ઞાનને આત્મસાત્ કરી લીધું હતું.
– એકાકી હતા
તેઓ પરણીત હતા અને બે સંતાનોના પિતા હતા, પરંતુ ખરી વાત એ છે કે, દેવ સાહેબ અંગત જીવનમાં એકાકી હતા. તેઓ તેમની બર્થડે પાર્ટી કોઈ હોટલમાં જ આપતા. અનેક પત્રકારો તેમના મિત્ર હોવા છતાં જિંદગીમાં કદીયે કોઈ પત્રકારને તેમણે તેમના રૂઈયા પાર્ક નિવાસસ્થાન પર કદી બોલાવ્યા નહોતા. આ નિવાસસ્થાનમાં તેઓ તેમનાં પત્ની કલ્પના કાર્તિક, પુત્ર સુનીલ અને પુત્રી દેવીના સાથે રહેતા હતા.
દેશના કરોડો ચાહકોની જેમ પઠાણકોટ પાસે આવેલા ઘટૌતા નામના ગામના લોકો પણ દુ:ખી છે. દેવ સાહેબ નાના હતા ત્યારે એમનું બચપણ આ ગામમાં ગુજર્યું હતું. અહીંના લોકો ઈચ્છતા હતા કે, દેવ સાહેબ એક દિવસ તેમના ગામ આવશે, પણ તેમની આ હસરત અધૂરી જ રહી ગઈ. દેવ સાહેબનો પરિવાર પાછળથી એ ગામ છોડી લાહોર અને ભાગલા બાદ મુંબઈ આવી ગયો. તે પછી દેવ સાહેબ ફિલ્મજગતમાં વ્યસ્ત થઈ ગયા અને કદીયે એમના ગામ ગયા નહીં,
દેવ આનંદ અને ફિલ્મ અભિનેત્રી સુરૈયા વચ્ચેની પ્રેમકહાણી જાણીતી છે. બંનેના ધર્મ અલગ હોવાથી સુરૈયાની નાનીએ સુરૈયાને દેવ આનંદ સાથે પરણવા ન દીધી અને સુરૈયા જીવનભર અપરણીત રહ્યાં. સુરૈયા એ જમાનાનાં મશહૂર અભિનેત્રી હતાં. એ જમાનામાં તેમને રોજના ૭૦૦૦ પત્રો મળતા. કલ્પના કાર્તિક સાથે લગ્ન બાદ દેવ આનંદ ભાગ્યે જ સુરૈયાને મળ્યા. એક વાત જાણીતી છે. સુરૈયા અને દેવ આનંદ એકબીજાના પ્રેમમાં હતાં, તે વખતે સુરૈયાએ કહ્યું હતું કે આપણે પરણી જઈશું અને પુત્રી જન્મશે તો તે દીકરીનું નામ `દેવીના’ રાખીશું. તે પછી દેવ આનંદ કલ્પના કાર્તિકને પરણ્યા. એનાં વર્ષો બાદ અનાયાસે દેવ આનંદ અને સુરૈયા ક્યાંક મળી ગયાં. દેવ આનંદે કહ્યું, `હું એક પુત્રીનો પિતા બન્યો છું.’
સુરૈયાએ પૂછ્યું: `તમારી દીકરીનું નામ શું રાખ્યું છે?’
તો દેવ આનંદે કહ્યું: `દેવીના’.
દેવ આનંદ અને સુરૈયા વચ્ચે આવો ઉત્કૃષ્ટ પ્રેમ હતો.
દેવ આનંદ માત્ર અભિનેતા જ નહોતા, પણ ફિલ્મ નિર્દેશક પણ હતા. દા.ત., તેમણે (૧) પ્રેમપૂજારી (૨) હરે રામ હરે કૃષ્ણ (૩) તેરે મેરે સપને જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું.

Be Sociable, Share!