Close

સેસિલી એચ. રાલ્ફનું પુસ્તક The Incident in the Orchard-ઇઝાબેલાએ કોઈના બગીચામાંથી સફરજન ચોર્યું અને –

અન્ય લેખો | Comments Off on સેસિલી એચ. રાલ્ફનું પુસ્તક The Incident in the Orchard-ઇઝાબેલાએ કોઈના બગીચામાંથી સફરજન ચોર્યું અને –
સંસ્કૃત જે રીતે વિશ્વની સૌથી પૌરાણિક અને અનેક ભાષાઓની માતા છે તે રીતે અંગ્રેજી એ વિશ્વની અનેક ભાષાઓમાં કંડારાયેલી શ્રોષ્ઠ સાહિત્યકૃતિઓ, નાટય રચનાઓ અને મહાકાવ્યોને માણવાનું માધ્યમ છે. તમારે મહાકવિ  હોમરનું ‘ઇલિયડ’ માણવું હોય તો અંગ્રેજીમાં જ વાંચવું પડે. સોફોક્લિસની કરુણાન્તિકા ‘ઇડિપસ’ ને વાંચવી હોય તો તેની મૂળ ભાષામાં નહીં પરંતુ અંગ્રેજીમાં જ વાંચવી  અને સમજવી પડે. રશિયન ભાષામાં બોરિસ પાસ્તરનાક દ્વારા લખાયેલી નવલકથા ‘ડૉ. ઝિવાગો’ વાંચવી હોય તો તેને અંગ્રેજીમાં જ વાંચવી પડે.
અંગ્રેજી ભાષાએ પણ કવિ વર્ડ્સ વર્થથી માંડીને શેક્સપિયર જેવા શ્રોષ્ઠ  સાહિત્યકારો આપેલા છે. આજે પણ આવી જ મૂળ અંગ્રેજી ભાષામાં લખાયેલી તાજી જ શ્રોષ્ઠ નવલકથાની વાત કરવી છે. આ પુસ્તકનું નામ ‘ The Incident in the Orchard ‘ છે. આ પુસ્તકનાં લેખિકા સેસિલી એચ. રાલ્ફ છે. તેઓ માન્ચેસ્ટરમાં રહે છે.  તેઓ સ્વયં એક ચિંતક અને શ્રોષ્ઠ સાહિત્યકાર છે. તેઓ ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઑફ યોર્કના ડિપાર્ટમેન્ટ ઑફ ઇંગ્લિશ દ્વારા અંગ્રેજીના વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલાં છે. તેમણે ‘રિપ્રેઝન્ટેશન્સ એન્ડ કન્ડિશન્સ ઑફ વુમન હૂડ ઇન નોવેલ્સ ઑફ કન્ટેમ્પરરી ઇન્ડિયન વીમેન રાઇટર્સ’  વિષય પર સંશોધન લેખ તૈયાર કરેલો છે. તેઓ ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ ગામના વતની અને વર્ષોથી યુ.કે.માં સ્થાયી થયેલા સર્જન ડૉ. મુકુન્દ પટેલના ધર્મપત્ની છે.
તેમણે લખેલી આ નવલકથા The Incident in the Orchardની પૃાદભૂમિકા ઇંગ્લેન્ડમાં ૧૯૩૦ના ગાળામાં ઉચ્ચ વર્ગના એરેન્જ્ડ  મેરેજ પર આધારિત છે. તેમાં પ્રેમ, સંઘર્ષ, હિંસા અને સ્ત્રીની આઝાદીના વિષય પર આલેખાયેલી રસપ્રચૂર કથા છે. તેમની નવલકથાના મુખ્યપાત્રનું નામ ઇઝાબેલા છે. તે બીજા કોઈના બગીચામાંથી સફરજન ચોરી લે છે એ વખતે તે ટીનએજ છે. એ જ વખતે તેની નજર  એના ભવિષ્યમાં થનાર પતિ તરફ મંડાય છે. એ વ્યક્તિ ઉચ્ચ કુલીન વર્ગમાંથી  આવતો એક્સ-મિલિટરી ઑફિસર છે. એનું નામ મેજર હેરેવર્ડ ઑલ્ડવીન છે,  જેણે કોઈ જમાનામાં બ્રિટિશ ઇન્ડિયામાં ભારતમાં મિલિટરીમાં નોેકરી હતી.
આ પુસ્તકની પ્રસ્તાવના આ પ્રમાણે છે :  ‘પોતાને કોઈ જોતું નથી તેવું માનીને ઇઝાબેલા અને તેના મિત્રોએ સફરજનના વૃક્ષને હલાવ્યું અને નીચે પડેલાં પાકા સફરજન ભેગા કરવાનું શરૂ કરી દીધું. તેણે એક સફરજને ચાખ્યું. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને રસાળ હતું.  ઇઝાબેલા જેવું બીજું સફરજન લેવા માટે નીચે નમી ત્યાં કોઈ પુરુષનો ગુસ્સાભર અવાજ તેમના કાને અથડાયો, જેણે તાત્કાલિક તેમને આ જગ્યામાંથી જતા રહેવા આદેશ કર્યો હતો. તે ઑલ્ડવીન હોલ નામનો વ્યક્તિ હતો. જેમની માલિકીનો આ બગીચો હતો. પોતાના બગીચામાંથી ફળો ચોરાતા જોઈને તે ગુસ્સે થઈ ગયો અને આ લોકો તરફ ધસી ગયો. ભયના કારણે આ બધા ભાગવા લાગ્યાં.
માલિકને સમજાઈ ગયું કે, આ લોકોને પકડી પાડવા મુશ્કેલ છે. જો તે આ લોકોને પકડીને સૌથી નજીક બે માઇલ દૂર આવેલા પોલીસ સ્ટેશને લઈ જાય તો પણ આ લોકોને ફરીથી આવું નહીં  કરવાની ચેતવણી આપીને છોડી મૂકવામાં આવશે અને એકાદ વર્ષ તેઓ એ બાજુ નહીં ફરકે. આ લોકો જતા રહ્યા હોવાના સંતોષ સાથે તે પોતાના ઘર તરફ પાછો વળ્યો.
પોતે સલામત અંતરે દૂર હોવાની ખાતરી કરી ઇઝાબેલાએ એક મોટું સફરજન ઉપાડયું અને વ્યગ્રતા અને ઉત્તેજનાના ભાવ સાથે તેણે પાછા ફરી રહેલા બગીચાના માલિકને મારવા ફેંક્યું. તેનું સફરજન પેલા વ્યક્તિને જોરથી પીઠના ભાગે વાગ્યું. સામાન્ય માણસ આ પ્રહારથી વિચલિત થઈ જાત પણ વર્ષોની સૈન્યની સેવા અને તાલીમને કારણે તેણે આ પ્રહાર છતાં પોતાની જાતને સંભાળી લીધી. જો કે તરત જ ગુસ્સા સાથે ફરી એક વખત તે આ લોકો તરફ દોડયો.
ઇઝાબેલાને સમજાઈ ગયું કે, તેણે બગીચાના માલિક અને પોતાની વચ્ચેના અંતરને ખોટું આંક્યું હતું અને હવે પોતાની ગેરવર્તન અંગે મનોમન પસ્તાવો કરવા લાગી. સિંહ પાસેથી સસલા ભાગી જાય તેવી ઝડપ અને આશા સાથે ઇઝાબેલા દોડવા લાગી જેથી કદાચ પેલી વ્યક્તિ તેને છોડી દે.  કમનસીબે ઊબડખાબડ રસ્તો તેને ઝડપી દોડવામાં અવરોધ બનતો હતો. આ દરમિયાન તેના બૂટ એક ઝાડના બહાર નીકળેલા મૂળિયામાં ફસાયા અને તે જમીન ઉપર જોરથી પટકાઈ. ઇઝાબેલાના વર્તનથી ગુસ્સે ભરાયેલો પેલો વ્યક્તિ ત્યાં આવ્યો અને તેણે બોચીના ભાગથી ઇઝાબેલાને પકડી અને ઊભી કરી તેના આવવાનું કારણ પૂછવા લાગ્યો.
– આટલી પ્રસ્તાવના પછી નવલકથા શરૂ થાય છે.
આ ઘટનાના ત્રણ વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં એક ફેસ્ટિવલ દરમિયાન માનવ મહેરામણની વચ્ચે સુખસંપત્તિ અને સમૃદ્ધિ ધરાવતો મેજર ઑલ્ડવીન દૂરથી ઇઝાબેલાને નિહાળે છે અને તે ઇઝાબેલાના પ્રેમમાં પડી જાય છે. મેજર ઑલ્ડવીન ઇઝાબેલાના પિતાને મળે છે અને ઇઝાબેલા સાથે લગ્ન કરવાની ઈચ્છાથી તેનો હાથ માગે છે. કેટલોક સમય વિચાર કર્યા બાદ ઈઝાબેલના પિતા કહે છે કે, ‘જો તમે મને આર્થિક મદદ કરવા તૈયાર હોવ તો હું મારી દીકરીને તમારી સાથે પરણાવવા તૈયાર છું.’
તે પછી ઇઝાબેલાના પિતા પુત્રીને મેજર ઑલ્ડવીન સાથે પરણાવવા દબાણ કરે છે. એ પછી ઇઝાબેલા એ દબાણના કારણે મજબૂર થઈને મેજર સાથે લગ્ન કરવા તૈયાર થાય છે.
લગ્નબાદ તેઓ  ઇંગ્લેન્ડના કન્ટ્રીસાઇડમાં આવેલ વડીલોપાર્જિત ઑલ્ડવીન હૉલ એસ્ટેટમાં આવેલા ઘરમાં રહેવા જાય છે.  પરંતુ મેજર ઑલ્ડવીન સાથેના લગ્નથી તે ખુશ નથી. તે હતાશ અને નિરાશ છે. આ કારણે ઇઝાબેલા ઑલ્ડવીન એસ્ટેટના વૃક્ષોથી આચ્છાદિત જંગલમાં એકલી એકલી ફરવા માંડે છે.
આ દરમિયાન બને છે કે એવું કે ઇઝાબેલાના પતિની પૂર્વ પ્રેમિકા રોઝલિને ઇઝાબેલા પર નજર રાખવા એક જાસૂસ મૂક્યો. રોઝલિન ઇઝાબેલાથી  ઓબ્સેસ્ડ થઈ જાય છે. સમય પસાર થતો રહે છે અને ઇઝાબેલા તેના નવા શરૂ થયેલા જીવન સાથે એક ગામ્ય પત્ની તરીકે અનુકૂલન સાધી લે છે. એનો પતિ અત્યંત કડક અને બીજાઓને કંટ્રોલમાં રાખવાનો સ્વભાવ ધરાવે છે.  ઇઝાબેલા કમને તે પણ સહન કરી લે છે.
ઇઝાબેલા હવે જ્યાં પણ જાય છે ત્યાં તેનો કોઈ પીછો કરતું હોય તેમ તેને લાગે છે. આ બધું હોવા છતાં તે હજુ પણ ઑલ્ડવીન એસ્ટેટના જંગલમાં એકલી ફરતી રહે છે અને તેની પાછળ જે કાંઈ થઈ રહ્યું છે તેની તે ઉપેક્ષા કરતી રહે છે. છેલ્લે તે જીવિત રહે છે કે કેમ તે જાણવા તમારે આ નવલકથા વાંચવી જ રહી આ  એક અદ્ભુત અને જાતજાતના ભાવપ્રવાહો તથા લાગણી વિવેચક વાવાઝોડામાં ફંગોળાતી કથા ધરાવતી નવલકથા અંગ્રેજી સાહિત્યની લેટેસ્ટ કૃતિ છે.
બીજા શબ્દોમાં કહી શકાય કે સેસિલી એચ. રાલ્ફની આ નવલકથા રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર છે. આ નવલકથા વાંચકોમાં અનેક પ્રકારની ઉત્તેજના, રોમાન્સ અને ટેરરની લાગણીઓ જન્માવે છે. સેસિલી એચ. રાલ્ફ આ નવલકથા દ્વારા રોમેન્ટિક લવ, કાર્નલ ડિઝાયર અને ડેજરસ ઓબ્સેશનની આસપાસ ઘૂમે છે.
નોંધપાત્ર વાત એ છે કે લેખિકા સેસિલી કે જેઓ જન્મે અંગ્રેજ નારી છે તેઓ ઇંગ્લિશ મહિલા હોવા છતાં સંપૂર્ણપણે શાકાહારી છે. ઇન્ટરવોર દરમિયાન બ્રિટનમાં બદલાતી મહિલાઓની પરિસ્થિતિ પર તેમની જબરદસ્ત રુચિ અને અભ્યાસ છે. તેઓ એડવર્ડિયમ રોમાન્સ પર આધારિત નવલકથાઓ વાંચવામાં રુચિ ધરાવે છે, જેમાં  સુંદર પુરુષ નાયક હોય ઉત્સાહી મહિલાઓ હોય અને સુખદ અંત પણ હોય. લેખિકા જ્યારે પણ અવકાશ મળે છે ત્યારે ઓઈલ અને પેસ્ટલ કલર દ્વારા સુંદર પેઇન્ટિંગ પણ કરવાનો શોખ ધરાવે છે. શરૂઆતની કારકિર્દીમાં તેઓ અંગ્રેજીના વિષય પર અધ્યાપન કાર્ય કરી ચૂક્યાં છે.
અત્રે એ નોંધવું જરૂરી છે કે આ પુસ્તકના લેખિકા સેસિલી એચ. રાલ્ફ તેમના મૂળ ભારતીય- ગુજરાતી પતિ ડૉ. મુકુંદ પટેલ સાથે ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. તેઓે તેમના પતિના મૂળ વતન બાયડ (જિ. અરવલ્લી)ની  અનેકવાર મુલાકાત પણ લઈ ચૂક્યાં છે. તેઓ કુલ ૧૩ વખત ભારતની મુલાકાત લઈ ચૂક્યાં છે. તેઓ માન્ચેસ્ટરમાં સ્થાયી થયેલાં છે.  આવું સુંદર પુસ્તક આપવા બદલ લેખિકા સેલિલી એચ. રાલ્ફને અભિનંદન. આ પુસ્તક એમેઝોન પર ઉપલબ્ધ છે.
સેસિલી એચ. રાલ્ફનો સંપર્ક cecilehralfq@outlook.com
પર થઈ શકે છે………………..DEVENDRA PATEL

Be Sociable, Share!