વિશેષ નોંધ : આજનો આ લેખ કદાચ શબ્દો અને સમયની બધી જ મર્યાદા અતિક્રમી ગયો હશે એટલે ધીરજ હોય એમણે જ વાંચવું પણ હા એક વાર આ વિરાટ વ્યક્તિત્વ વિશે વાંચવાનું શરુ કરશો તો મને ખાતરી છે કે છેલ્લે સુધી એકીશ્વાસે વાંચી જશો. આ વ્યક્તિ વિશે ન જાણતા હો તો તમે ક્યારેય અખબાર નથી વાંચ્યું એમ હું ચોક્કસ કહું.)“બેટા તું વિદેશ માં રહીને પણ ખૂબ સરસ કામ કરી રહી છે, મને ખૂબ ખુશી છે અને મારાં આશીર્વાદ છે તને” આ વાક્યો પદ્મશ્રી દેવેન્દ્ર પટેલે નહિ પણ અમારા સહુનાં વ્હાલાં દેવેન્દ્ર દાદાએ મને ફોન પર કહેલા. ત્યારે ક્ષણભર તો મને સાચે જ એવું લાગ્યું કે મેં એમના ચરણ સ્પર્શ કર્યા હોય અને દાદા જાણે પ્રત્યક્ષ મારાં માથે હાથ મૂકી મને આશીર્વાદ આપી રહ્યા હોય એવી પ્રતીતિ થઈ આવી.
આજથી લગભગ વીસેક વરસ પહેલાં એ જયારે ઓસ્ટ્રેલિયા આવેલા ત્યારે હજી હું ઓસ્ટ્રેલિયા નહોતી આવી નહીંતર આવી વિરલ પ્રતિભાને કદાચ એમ થાય કે હું પાછા જ ન જવા દઉં અને અહીંયા જ રોકી પાડું. એ છતાં આટલે દૂર બેઠાં પણ દાદાનાં આશિર્વાદ મળ્યા એ બદલ હું અલગારી આલમનાં રાકેશભાઈનો આભાર માનું એટલો ઓછો. અમને સહુને આવી મહાન વિભૂતિઓ સાથે એક તાંતણે બાંધી રાખવા માટે રાકેશભાઈ અભિનંદનનાં અધિકારી તો ખરાં જ..!!
સાહિત્યિક પત્રકારત્વમાં જેમનું નામ અત્યંત આદરપૂર્વક લેવાય છે એવા પદ્મશ્રી દેવેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે. એટલે સહુથી પહેલાં તો એમને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ. જયારે દેવેન્દ્ર દાદાનું નામ આવે ત્યારે પત્રકારત્વ અને સાહિત્ય બંનેની વાત કરવી પડે. આમ તો બંન્ને ક્ષેત્રો વચ્ચે પાયાનો ભેદ છે એ છતાં બંને ક્ષેત્રોનાં સીમાડાઓ એકબીજામાં સરકતા રહે છે. જો આટલું સમજાઈ જાય તો પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ જેવું આગવું અને અનોખું વ્યક્તિવ નખશીખ સમજાઈ જાય.
‘સંદેશ’માં પ્રગટ થતી એમની કટાર ‘કભીકભી’ એ સમાજનું દર્પણ બની ગઈ છે અને અનેક પીડિતાઓની વ્યથા ઠાલવવાનું તથા તેમને ન્યાય અપાવવાનું તે એક પ્લેટફોર્મ બની ગઈ છે. આ કટારમાં પ્રગટ થયેલી કેટલીક કથાઓની નોંધ લઈ ગુજરાત હાઈકોર્ટે એ ન્યૂઝસ્ટોરીને જ અરજી સમજી લઈ સુઓમોટો કેસ કરી પીડિતાઓને ન્યાય અને રક્ષણ અપાવ્યાં છે.
ગુજરાતી ભાષાને સાંપ્રત અને ચિરંતન એવા બંને કાંઠેથી આત્મસાત કરનાર આધુનિક લેખકોમાં દેવેન્દ્ર દાદાનું નામ શિરમોર જ ગણવું પડે. ‘સંદેશ’નાં વરિષ્ઠ પત્રકાર અને લેખક તરીકે એમની કલમ અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ વધુ વેધક અને કંચનશુદ્ધ બની છે. સામાજિક ઘટનાઓનાં અત્યંત નિકટનાં સાક્ષાત્કારે એમને હૃદયને ભીંજવી દેતી શૈલી દ્વારા ઉત્તમ કથાલેખક બનાવ્યા છે.
‘સંદેશ’માં ‘કભી કભી’, ‘ચીની કમ’ અને ‘રેડ રોઝ’ કોલમ દ્વારા તેમણે દેશ-વિદેશમાં બહોળો વાચકવર્ગ પેદા કર્યો છે. એમની કલમથી વર્ણવાયેલી પદ્મજા હોય, સવયંપ્રભા હોય કે અલંકૃતા આ બધા નામો લોકપ્રિયતાનાં તમામ સીમાડા વટાવી ગયા છે. આવી તો કેટકેટલી કૃતિઓનાં નામ હું લેવા બેસું તો અંત જ ન આવે.
દેવેન્દ્ર દાદાએ પત્રકારત્વની શરૂઆત ૧૯૬૭થી શરૂ કરી હતી. વર્ષો સુધી તેમની કલમે અનેક વ્યક્તિઓનાં જીવન બદલી નાખ્યા. વૈચારિક ક્રાંતિ દ્વારા વાંચકવર્ગને સંમોહિત કરી લીધેલા. સામાજિક, રાજકીય ઘટનાઓને આબેહૂબ શૈલીમાં આલેખે છે. નિખાલસ, સહજ અને સરળ વ્યક્તિત્વથી અનેક વાંચક વર્ગમાં પ્રિતીપાત્ર બન્યા છે. સાબરકાંઠાનું ખમીર અને અરવલ્લીનાં ઐરાવત પર પત્રકારત્વનું આગવું પ્રભાવશાળી વ્યક્તિત્વ એટલે આ નોખી માટીનાં અનોખા માનવી દેવેન્દ્ર દાદા.
એમનો જન્મ આજ રોજ એટલે કે ૨૦ ઓક્ટોબર ૧૯૪પનાં રોજ સાબરકાંઠાનાં આકરૂન્દ ગામનાં ચુસ્ત ગાંધીવાદી પરિવાર મોસાળ બાયડમાં થયો હતો. ખેડૂત પરિવાર અને ગાંધી વિચારોથી પ્રભાવિત પિતાજી જેસિંગભાઈ માતા રેવાબેનનાં ગર્ભસ્થ સંસ્કારો ઉચ્ચકોટિનાં પ્રાપ્ત થયા હતા. પિતાજીની ઈચ્છા પુત્રને શિક્ષણ ક્ષેત્રે વધુ કિર્તિમાન કરવાની હતી. ‘મોરનાં ઈંડા ચીતરવા ન પડે’ની કહેવતને દાદાએ પુરવાર કરી બતાવ્યું. એમણે પ્રાથમિક શિક્ષણ આકૃન્દ ગામની શાળામાં પ્રાપ્ત કર્યું. શહેરની નામાંકિંત શ્રેયસ હાઈસ્કૂલ-પાલડી અમદાવાદમાં દાખલ થયા.
સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં મનોવિજ્ઞાન વિષયની ડીગ્રી પ્રાપ્ત કરી તે ઉપરાંત તેમણે અર્થશાસ્ત્ર અને વેદોની ભાષા સંસ્કૃતમાં અતિ રુચી હતી. કોલેજ કાળ દરમ્યાન નક્કી કરી લીધું હતું કે જાત મહેનતથી કમાણી કરીને ભણવું. પાર્ટ ટાઈમ નોકરી માટે છાપામાં આવેલી જાહેર ખબર વાંચી અને અરજી કરે પણ કયાંય મેળ પડે નહિ.
આ સમય દરમિયાન સલૂનમાં પોતાનો વારો આવવાની રાહ જોતા જનસત્તા અખબાર જોતા હતા. ત્યાં નજર પડી એક જાહેરાત પર. ‘વેસ્ટન ટાઇમ’ નામનું અંગ્રેજી દૈનિક અમદાવાદમાં શરૂ થવા જઈ રહ્યું હતું. તે દૈનિક માટે અંગ્રેજી જાણનાર તાલીમી પત્રકારો માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. અરજી કરી. પરીક્ષા આપી. અંગ્રેજી પર પ્રભુત્વ ખૂબ સારું હતું એટલે ‘વેસ્ટન ટાઈમ’નાં તંત્રી રામુભાઈ પટેલ તરફથી ‘યુ આર સિલેક્ટેડ’નો જવાબ મળી ગયો.
આ પ્રસંગ એમના જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો અને ૧૦૦ રૂપિયા સ્ટાઇપન્ડ સાથે પ્રેક્ટીકલ તાલીમ શરૂ થઈ. તાલીમ દરમિયાન બીજા અખબારના સિનિયર પત્રકારો સાથે પણ પરિચય થયો. એક દિવસ ગુજરાત સમાચારનાં પત્રકાર ચંદ્રકાંત ઉપાધ્યાય સાથે પરિચયમાં આવાનું બન્યું અને ગુજરાત સમાચારનાં કાર્યાલય પર એમને બોલાવામાં આવ્યા. ત્યાં ગુજરાત સમાચારનાં શેઠ શાંતિલાલ અને જયવદન પટેલ સાથે પ્રથમ વાર મુલાકાત થઈ. ખૂબ જ ટૂંકી મુલાકાતમાં દેવેન્દ્ર પટેલને ‘ગુજરાત સમાચાર’માં જોડાવાનું આમંત્રણ મળી ગયું.
૧૯૬૭માં ગુજરાત સમાચારમાં એક જુનિયર પત્રકાર તરીકે કામગીરીનો પ્રારંભ થયો પણ ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ નવયુવક આગળ જતાં પત્રકારત્વ ક્ષેત્રે એક સિમાચિન્હરૂપ નામ બનીને ઉભરી આવશે. ‘જનસત્તા છાપું વાંચ્યું ન હોત તો પત્રકાર પણ ન બન્યો હોત. હું મારી જાતને ‘‘એક્સિડેન્ટલ જર્નાલિસ્ટ’’ ગણાવું છું’ એવું તેમણે પોતાના પ્રવચનમાં ઘણી વાર કહ્યું છે. તેમણે નક્કી કર્યું હતું કે હું પત્રકારત્વ ક્ષેત્રે સાચું અને વાસ્તવિક નિરૂપણ કરીશ, પત્રકારત્વ ક્ષેત્રે શ્રેષ્ઠ જ કાર્ય કરીશ પત્રકારત્વ સમાજનું દર્પણ છે.
તેમની કામગીરી પત્રકારત્વ ક્ષેત્રે સારી અને શ્રેષ્ઠ હોવાથી ગુજરાત સમાચારમાં કાર્ય શરૂ કર્યું. તે સમયે માલિક શાંતિલાલશાહ સાહેબે આ યુવાનનો તરવરાટ ઓળખી લીધેલો. તે સમયમાં ભારત સરકારે પાકિસ્તાનને રાજસ્થાન સરહદે જમીન પાછી આપવાના નિર્ણય લીધેલા. તે સમયે પાકિસ્તાન બોર્ડર જઈને વાસ્તવિક ચિતાર એક્સલુઝિકવ તસવીરો સાથે સ્ટોરી પ્રગટ થવી જાઈએ. બોર્ડર ક્રોર્સ કરી ત્યાં જઈને તલસ્પર્શી વિગતો લઈ આવ્યા. તે સમાચાર ગુજરાત સમાચાર- અમદાવાદ મોકલી આપતા અને બીજા દિવસે પ્રગટ થતા. બસ એ પછી તેમણે પાછું વાળીને નથી જોયું અને એક પછી એક મહત્વપૂર્ણ કામગીરી બજાવતા રહ્યા છે.
ચાર દાયકાથી પણ વધારે લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમની કથાઓ, પ્રવાસવર્ણનો, પ્રતિભાસંપન્ન વ્યક્તિઓનાં પરિચયથી માંડીને યુદ્ધકથાઓ પર તેમણે ૫૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે. ‘અંતરનાં એકાંત’, ‘દિલ ચાહતા હૈ’ અને ‘કભી કભી’ શિર્ષક હેઠળ તેમણે ટેલિવિઝન માટેની સિરિયલો પણ લખી છે. ‘ચાઇલ્ડ હસબંડ’ નાટક અને ‘મિયાં ફુસકી ૦૦૭’ ફિલ્મની કથા અને પટકથા પણ તેઓ લખી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે પત્રકારત્વનાં તેમના અનુભવો પર આધારિત લખેલું પુસ્તક ‘આંતરક્ષિતિજ’ એક શ્રેષ્ઠ સાહિત્યકૃતિ છે. ગાંધીજી અને સરદાર પટેલ વિશે પણ તેમણે સંશોધનાત્મક લેખો લખ્યા છે.
કુમાર આનંદ કે જેઓ ‘શ્રી’ સાપ્તાહિકના સંપાદક હતા. તેમના તરફથી વાર્તા લખવાની પ્રેરણા મળી. ‘શ્રી’ સાપ્તાહિક માટે પ્રથમ ટૂંકી વાર્તા લખી જેનું શીર્ષક હતું ‘સંગાથ’. આ કથા વાચકોને ખૂબ ગમી. ત્યારબાદ ‘શ્રી’ સાપ્તાહિકમાં ‘મન સોનાના તન રૂપાના’ ટાઇટલ હેઠળ ટૂંકીવાર્તા શ્રેણી શરૂ થઈ. ચિત્રલોક માટે પણ એમણે નવલકથા લખી. એમના કથાબીજ પરથી સીરીયલ પણ બની. જેનું નામ હતું ‘અંતરનાં એકાન્ત’ આ ધારાવાહીકે લોકોના હૃદયને લાગણીથી ભીંજવી દીધેલા. ‘મને રૂપ નહીં, રોશની જોઈએ’ શીર્ષક હેઠળ લખાયેલી સત્ય ઘટના પર આધારિત કથાએ લોકોના અંતર વલોવી નાખેલાં.
પૂર્વ વડાપ્રધાનો ઈન્દીરા ગાંધી, મોરારજી દેસાઈ, નરસિંહરાવ, રાજીવ ગાંધી, અટલબિહારી બાજપાઈ જેવી વ્યક્તિઓ સાથે તેમણે પ્રવાસો કર્યા છે. દલાઈ લામા, અમેરિકાનાં વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. ગાલબ્રેથ, આર્થર સી. ક્લાર્ક, જે. આર. ડી. તાતા, નવલ તાતા, મહારાણી ગાયત્રીદેવી, સામ પિત્રોડા, અમિતાભ બચ્ચન, મોહમ્મદ રફી, દેવ આનંદથી માંડીને જયપ્રકાશ નારાયણ અને કુખ્યાત દાણચોર હાજી મસ્તાનનો પણ તેઓ અખબારી ઇન્ટરવ્યૂ લઈ ચૂક્યા છે. ‘ગલ્ફ વોર’ અને ‘સદ્દામ હુસેન’ જેવાં યુદ્ધની કથા પર લખાયેલાં તેમનાં પુસ્તકો અત્યંત લોકપ્રિય છે.
સિમલાકરાર દરમિયાન તેમણે પાકિસ્તાનની ભીતર જઈ રિપોર્ટિંગ કર્યું છે. ઘણી વાર તો માત્ર રિપોર્ટિંગ નહિ પણ લોકોની સમસ્યા માટે સત્તાધીશો ધ્રુજી જાય તેવી ‘વોહી રફ્તાર’ જેવી તેજાબી કલમ પણ ચાલવી છે. એમણે પોતાની જાતને માત્ર સ્થાનિક ઘટનાઓ પૂરતી જ મર્યાદિત નહોતી રાખી પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ઉપર પણ જબરદસ્ત પકડ જમાવી છે. લેખકની સાથે સાથે સારા વક્તા પણ છે. તેમની પ્રવચન શૈલીમાં સહજતા સવિશેષ જાવા મળે છે. તેઓ ધર્મથી માંડીને વિજ્ઞાન અને શિક્ષણ તેમજ રાજકારણ પર અદભૂત પ્રવચન આપે છે.
એમના લેખન, સંશોધનાત્મક પત્રકારત્વ અને ઉમદા સેવાઓ બદલ ભારત સરકાર દ્વારા ૨૦૧૩માં પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. ભારતનાં મહામહિમ રાષ્ટ્રપતિનાં વરદ્દ હસ્તે ગૌરવ પુર્ણ સન્માન થયેલું. એ સિવાય પણ એમની ઉમદા સેવાઓ બદલ જુદીજુદી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ અનેક એવોર્ડ્સથી નવાજ્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૧૯૯૧માં “ઇઝરાયેલ ધી લેન્ડ ઓફ બાઇબલ” પુસ્તક માટે શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ મળેલો. ટ્રાન્સ મીડિયા, મુંબઈ દ્વારા ૨૦૦૮માં ઝી ટીવી ગુજરાતી પર રજુ થયેલી સીરીઅલ “કભીકભી” માટે શ્રેષ્ઠ વાર્તા લેખકનો એવોર્ડ એનાયત થયેલો.
જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પત્રકારતવ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે ૨૦૧૬માં “એક્સલન્સ એવોર્ડ” આપવામાં આવેલો. સુરત પત્રકાર કલ્યાણ નિધિ તરફથી ૨૦૧૭માં પૂજ્ય મોરારીબાપુનાં હસ્તે પીઠાવાલા નેશનલ જર્નાલિસ્ટ એવોર્ડ પણ અર્પણ થયેલો. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ૨૦૧૩માં સન્માન પત્ર પણ મળેલું. હિન્દીનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર બાલકવિ બૈરાગીજી અને દાદા મનોહર બૈરાગીજીનાં સાનિધ્યમાં ૨૦૧૫માં ઉજ્જેન ખાતે જાહેર નાગરિક સન્માન પણ કરવામાં આવેલું. લંડન ખાતે ૧૯૯૮માં ચાર મેયરની હાજરીમાં પુસ્તકોનું લોકાર્પણ થયેલું જેમાં બ્રિટનની પાર્લામેન્ટનાં ચાર એમ.પી. અને બ્રિટનનાં મહારાણીનાં પ્રતિનિધિ પણ હાજર રહેલા.
વિદેશમાં એમના પુસ્તક વિમોચન પણ થયા છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, બેલ્જિયમ, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, ઇઝરાયેલ, મલેશિયા, થાઇલેન્ડ, ઓમાનથી માંડીને અમેરિકાનો અનેકવાર પ્રવાસ કરી ચૂક્યા છે. આજની યુવા પેઢી જે પત્રકારત્વમાં રસ ધરાવે છે અથવા કારકિર્દી બનાવા ઈચ્છે છે એમણે દાદાનાં શબ્દો ખાસ ગાંઠે બાંધવા જેવા છે. એમને મળેલા પદ્મશ્રી એવોર્ડ બદલ અભિનંદન પાઠવતી વખતે એમણે જે શબ્દો કહેલા એ અક્ષરશઃ અહીં ટાંકુ છું જે આજની યુવા પેઢી માટે પથદર્શક સમાન છે.
“આ મારું નહીં પણ સમગ્ર મીડિયાનું સન્માન છે અને ગુજરાતના પત્રકાર જગતનું સન્માન છે. જે પત્રકારો પત્રકારત્વને વ્યવસાય સમજવાને બદલે મિશન સમજે છે તેમનું સન્માન છે. જે પત્રકારો તમામ પ્રકારના જોખમો લઈને પણ લખે છે તેમનું આ સન્માન છે. પત્રકારત્વ એ માત્ર પૈસા કમાવાનો વ્યવસાય નથી પરંતુ તેમની બુદ્ધિ અને કૌશલ્યનો ઉપયોગ સમાજ માટે કરવાનો જેઓ હેતુ ધરાવે છે તેમનું આ સન્માન છે અને પત્રકારત્વને વ્યાવસાયિક જવાબદારી સમજવાને બદલે સામાજિક જવાબદારી સમજવાનો પ્રયાસ કરશે તો પત્રકારોનો અને અખબારોનો સમાજ પ્રત્યેનો હેતુ બર આવશે. હું ગુજરાતના તમામ પત્રકારોનો અને ગુજરાતના તમામ અખબારો સાથે સકળાયેલી વ્યક્તિઓનો આભાર માનું છું.”
હજી પણ કદાચ એમના વિશે લખવાનું ચાલુ રાખું તો એનો અંત જ ન આવે એમ થાય કે બસ લખ્યા જ કરું પણ કદાચ એમના જેવી પ્રતિભાને શબ્દોમાં સમાવવાનું શક્ય જ નથી. આ તો બસ એક આછું પાતળું જીવન ઝરમર હતું. સાલસ અને પ્રભાવી વ્યક્તિત્વનાં સ્વામી પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ અનેક યુવા પેઢીનાં રોલ મોડેલ છે.
@highlight: ગુજરાતનાં ઘરેણાં સમાન તથા લોકપ્રિયતાનાં તમામ શિખરો સર કરનાર કટાર લેખક, દ્રષ્ટિસંપન્ન પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને એથીય વિશેષ એક ઉમદા વ્યક્તિને આજે ફરી ફરીને સાદર વંદન સહ જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ..!!
– વૈભવી જોશી



