તેમના પત્ની વિમલા વિશે તેમણે આલેખેલી કથા કાંઈક આવી છે ઃ ‘એ વખતે વિમલાની ઉંમર ૩૫ વર્ષની હતી. તા.૧૩મી ઑક્ટોબર ૧૯૯૪નો એ દિવસ હતો. અમે બધાં અમારા વતન રાજસ્થાનમાં લક્ષ્મણગઢ ખાતે રજાઓ ગાળવા ગયાં હતાં. નવરાત્રિના દિવસોમાં અમે આખુંયે પરિવાર લક્ષ્મણગઢ ખાતે ભેગાં થતાં. એક દિવસ સાંજે વિમલાને બેચેની થવા લાગી. તે બેભાન થઈ પડી ગઈ. કેટલાક વખત પછી તે ભાનમાં આવી ત્યારે સખત માથું દુઃખતું હતું. ગામડાના ડૉક્ટરે નિદાન કર્યું કે ગેસના કારણે આમ થયું છે. ડૉક્ટરે બે દિવસ સુધી મારી પત્નીને પેઇન કિલર આપી. એક દિવસ સવારે મને ખબર પડી કે મારી પત્નીની તબિયતમાં કોઈ ગંભીર મુશ્કેલી પેદા થઈ છે. અમે તાબડતોબ પેકિંગ કરી જયપુર ઍરપોર્ટ પહોંચ્યા. અને સીધી જ ફ્લાઇટ પકડી કોલકાતા પહોંચી ગયા. અમે કોલકાતા પહોંચ્યા ત્યારે વિમલા પ્લેનની સીડી પણ ઉતરી શકતી નહોતી. અમે એમ્બ્યુલન્સ બોલાવી સીધાં હૉસ્પિટલ પહોંચ્યા. ન્યુરોલોજિસ્ટ તબીબે નિદાન કર્યું ઃ ‘તમારા પત્નીને બ્રેઇન હેમરેજ થયું છે,’
વિમલાને આઇસીયુમાં ખસેડવામાં આવી. ડૉક્ટરોએ કહ્યું ઃ ‘બચવાના ચાન્સ માત્ર વીસ ટકા જ છે.’
હૉસ્પિટલમાં દાખલ કરાયાના બીજા દિવસે વિમલાને આખાયે જમણા અંગે લકવોે થઈ ગયા. વિમલાની બોલવાની ક્ષમતા જતી રહી. એની સ્મરણશક્તિ પણ જતી રહી. બીજા ૨૦ દિવસ સુધી તે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી રહી. છેક ૨૧માં દિવસે ડૉક્ટરે કહ્યું ઃ ‘મિ. કિલ્લા ! તમારા પત્ની હવે ભયમુક્ત છે.’
મેં આંખમાં આંસુ સાથે ડૉક્ટરનો આભાર માન્યો. મૃત્યુ સામેનું એક યુદ્ધ પૂરું થયું હતું. પરંતુ જીવન માટેની બીજી લડાઈ હવે શરૂ થઈ.
દોઢ મહિના પછી વિમલાને રજા આપવામાં આવી. વિમલાને ઘેર લઈ આવ્યા . તેણે હવે પથારીમાં જ જિંદગી કાઢવાની હતી. તે હજી બોલી શકતી નહોતી. ઊભી થઈ શકતી નહોતી. જમણું અંગ કામ નહોતું કરતું. એને થોડું થોડું જ પાછળનું યાદ હતું. અમે સ્પીચ થેરાપિસ્ટને લઈ આવ્યા. ૪૦ વર્ષની વયે સ્પીચ થેરાપિસ્ટે નાના બાળકને શીખવે તે રીતે એબીસીડી શીખવવાની શરૂઆત કરી. ફિઝિયોથેરાપિસ્ટે તેને ચાલતાં શીખવવા બેઠી કરી પ્રયાસ શરૂ કર્યો. આખુંયે પરિવાર વિમલા માટે કામ કરવા લાગ્યું. મારા પૌત્ર-પૌત્રીએ મમ્માની યાદશક્તિ પાછી લાવવાની કામગીરી સંભાળી લીધી. બાળકોએ વિમલાને આલ્બમ ખોલી ફોટોગ્રાફ્સ બતાવવા માંડયા. પાછલી ઘટનાઓની વાત કરેવા માંડી. ગીતો ગાયાં. વિમલાને થોડું થોડું યાદ આવવા માંડયું. મારા દીકરાએ અને તેની વહુએ એને જમાડવાની જવાબદારી સંભાળી લીધી. મારા મિત્રોએ દર શનિ-રવિવારે બપોર પછી વિમલાને મળવા આવવાનું સમયપત્રક ગોઠવી દીધું.
સમય વીતતો રહ્યો.
વિમલા પર અસંખ્ય થેરપીઓનો અમલ થતો રહ્યો. સેંકડો ટેબ્લેટ્સ તે ગળતી રહી. પરંતુ અંદરથી અનુભવતી વેદના તે બોલી શકતી ના હોઈ અભિવ્યક્ત કરી શકતી નહોતી. હું જેટલો સમય ઘેર હોઉં તે તમામ મિનિટો હું વિમલાની પાસે જ બેડરૂમમાં તેની સામે બેસતો. ઓફિસમાં જાઉં તો દર કલાકે ઘેર ફોન કરતો. વિમલા હજુ પણ બોલી શકતી નહોતી પરંતુ ત્રુટક અવાજ કાઢી આંખોથી કૃતજ્ઞતાના ભાવ દર્શાવતી હતી.
લગભગ ત્રણેક મહિના પછી વિમલાના સ્વાસ્થ્યમાં થોડોક સુધારો જણાયો. તે હવે થોડું થોડું ચાલી શકતી હતી. હું તેને લઈ વિક્ટોરિયા પાર્કમાં ગયો. તે માંડ પચાસ કદમ ચાલી શકી, મારા સહારે. એ દિવસે મને લાગ્યું કે અમે કોઈ મોટી ટ્રોફી જીતીને આવ્યાં છીએ.
વિમલા હવે થોડું થોડું બોલવા પ્રયાસ કરતી હતી.
જાન્યુઆરીમાં બીજો એમઆરઆઇ કરાવ્યો. ડૉક્ટરોએ કહ્યું ઃ ‘સર્જરી કરવી પડશે.’
તા.૨૨ માર્ચ, ૧૯૯૫ના રોજ વિમલાને મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ન્યુરોસર્જને એના મગજ પર જટિલ શસ્ત્રક્રિયા કરી. એના મગજમાંથી લોહીની ગાંઠ હટાવી દેવાઈ પરંતુ વિમલાએ પાછી યાદશક્તિ ફરી ગુમાવી દીધી. બોલવાની ક્ષમતા જે પાછી આવી હતી તે પણ જતી રહી. ચાલવાની ક્ષમતા પણ જતી રહી. બધી જ થેરપીઓ ફરી નવેસરથી શરૂ કરવાનો વારો આવ્યો. એકડો ફરી ઘૂંટવાનો થયો. ડૉક્ટરોએ કહ્યું ઃ ‘વિમલા એકલી રહેવી ના જોઈએ. તેને જો ડિપ્રેશન આવશે તો જિંદગી જીવવાની આશા જતી રહેશે.’
ડૉક્ટરે કહ્યું ઃ ‘વિમલા ત્રણ વર્ષથી વધુ નહીં જીવે.’
અમે વિમલા એકલવાયું ના અનુભવે તેની ગોઠવણ કરી દીધી. મેં નક્કી કરી નાખ્યું કે મારે ડૉક્ટરોની ભવિષ્યવાણી ખોટી પાડવી છે.
ફરીથી બધી જ થેરપીઓ ચાલુ કરવામાં આવી પરંતુ આ વખતે દર્દીમાં આવતો સુધારો અત્યંત ધીમો હતો. પૂરા પાંચ મહિના સુધી ફિઝિયોથેરાપિસ્ટના અથાગ પ્રયાસ બાદ વિમલા માત્ર કોઈના સહારે ઊભી રહેતી થઈ. સ્પીચ તો હજી આવી જ નહોતી. જમતી વખતે તે ઈશારો કરતી પરંતુ અમને ખબર જ ના પડતી કે તે અથાણું માગે છે કે મરચું ! અમારે ખૂબ જ ધીરજ રાખવાની હતી. કંટાળો વ્યક્ત કરવાનો નહોતો. ગુસ્સો જરાયે થવાનું નહોતું.
હવે અમ ે તેને બગીચામાં લઈ જવા માંડયા હતા. એને પકડી રાખી રોજ સવારે અને સાંજે ચલાવવા પ્રયાસ કરવા લાગ્યા. આખો દિવસ તેની પર થેરપીઓ ચાલતી. સાંજે થોડું ટી.વી. બાળકો ફરી ફોટા બચાવી યાદશક્તિ પાછી લાવવા પ્રયાસ કરતાં. વિમલા એકલી પડી. હતાશામાં ચાલી ના જાય તેની અમે આખા પરિવારે ખૂબ કાળજી રાખી.
૧૯૯૮માં વિમલાને પીઠમાં સખત દુઃખાવો થયો. ડૉક્ટરોએ નિદાન કર્યું કે તેને બોન ટી.બી. છે. ડૉક્ટરોએ દવાઓ શરૂ કરી અને બીજા નવ મહિના સુધી પથારીમાં જ રાખવા સૂચના આપી. પહેલા ત્રણ મહિના સુધી તો પડખું પણ ફેરવવાની મનાઈ હતી. ડૉક્ટરોને હવે શંકા હતી કે વિમલા ફરી ચાલી શકશે કે કેમ ? વળી પથારીમાં જ રહેવાથી વજન પણ વધી શકે છે. એ કારણે તેને હતાશા પણ આવી શકે છે. તેને ક્રોધ પણ આવી શકે છે. આ નવું દર્દ જોયા બાદ ડૉક્ટરોએ વિમલાને ‘લોસ્ટ કેસ’ની શ્રોણીમાં મૂકી અમને ઈશારો કરી દીધો.
અમે આખું પરિવાર ફરી એકઠા થયા. મારી દીકરીઓ કે જે મુંબઈ અને અમદાવાદમાં રહે છે તે બધાંને મેં અમદાવાદ બોલાવ્યા. અમે વિમલા માટે એક સ્ટ્રેટેજી નક્કી કરી નાખી. એ પછી અમે વિમલાને કહ્યું ઃ ‘તારે હવે માત્ર ચાર જ અઠવાડિયા પથારીમાં રહેવાનું છે.’
તેને જલદી બેઠા થવાનો ઉત્સાહ વધારવા અમે આમ કહ્યું. એ પછી વિમલાનું વજન ના વધે તે માટે તબીબીની સલાહ પ્રમાણે તેનો ડાયટ કંટ્રોલ કરી દીધી. ફરી તે એકલી ના પડે તે માટે આખા દિવસનું સમયપત્રક કોણ ક્યારે તેની સાથે રહેશે તે નક્કી કરવામાં આવ્યું. મારી પરિણીત દીકરીઓ અને દીકરાની વહુઓએ પોતાનો તમામ સમય વારાફરતી વિમલા માટે આપવાનો શિડયૂલ ગોઠવી દીધો. હેતુ એટલો જ હતો કે વિમલા એકલી પડવી ના જોઈએ. તન્હાઈમાં જાય તો હતાશામાં ધકેલાઈ જાય.
અમે એકલાં ગુમસૂમ થઈ તેની સામે બેસી રહેતાં નહોતા. અમે વિમલા સાથે બેસી મ્યુઝિક સાંભળતા. ટેલિવિઝન જોતા. ધ્યાન કરતાં. વિમલા સાથે વાતો કરતાં તે હવે થોડું થોડું બોલવા પ્રયાસ કરતી હતી. મુવી જોતાં. સાથે ગીતો પણ ગાતાં. આૃર્યની વાત એ હતી કે વિમલા ત્રણથી ચાર લાઈન ગાઈ શકતી પણ બોલી શકતી નહોતી. વિમલાના મગજની ડાબી બાજુ હેમરેજ થયું હોઈ તે ભાગ સ્પીચનો કંટ્રોલ કરતો હોઈ તે બોલી શકતી નહીં. પરંતુ જમણી બાજુ હેમરેજના વિમલા થોડુંક ગાઈ શકતી હતી. આ કારણે તે વિચારેલા ત્રણ શબ્દો બોલી ના શકતી પરંતુ ત્રણથી ચાર લાઈન ગાઈ શકતી હતી.
વિમલા ક્લબમાં જઈ શકતી નહોતી તેથી કલબ ખુદ ઘેર આવવા લાગી. ક્લબના મારા મિત્રો અને તેમનું પરિવાર દર શનિ-રવિવારે અમારા ઘેર આવતાં અને વિમલાની હાજરીમાં જ કાર્ડ્સ રમતાં.
આ ચાર અઠવાડિયા અમે માંડ પસાર કર્યા.
મહિનાઓ પણ પસાર કર્યા. પરંતુ વિમલાના ચહેરા પર હવે સ્મિત હતું.
પૂરા નવ મહિના સુધી વિમલાને પથારીમાં જ રાખવામાં આવી. એ પછી ડૉક્ટર અમારા ઘેર આવ્યા. અમે બધાં જ ફરી ભેગાં થયા. ડૉક્ટર આજે વિમલાને ઊભી કરવાનો પ્રયાસ કરવાના હતા. અમારા ઘર માટે આ ઐતિહાસિક પ્રસંગ હતો. દહેશત અને ઇન્તેજારી પણ હતી કે હવે શું થશે ! ડૉક્ટરે વિમલાને પથારીમાંથી નીચે લાવી ઊભી કરવા પ્રયાસ કર્યો. બધાની નજર વિમલા પર હતી અને વિમલાની નજર મારા પર.
ડૉક્ટરે વિમલાને ઊભી કરી પોતાના સહારો હટાવી લીધો. હું અને બીજા બધાં જ અલગ અલગ જગ્યાએ વિમલાની સામે ઊભા હતા. મેં કહ્યું ઃ ‘વિમલા, આવ મારી પાસે !’
પચાસ વર્ષની વિમલાએ એકલા જ ચાલવા પ્રયાસ કર્યો. કમાલ થઈ ગઈ. તે નાના બાળકની જેમ જ સહેજ વાંકાચૂંકા ચાલતાં એકલી જ મારી પાસે આવી. જાણે કે એક નાનકડું બાળક તેની મા પાસે જવા મથતું હોય. તે ચાલીને મારી પાસે આવી ગઈ. મેં એને પકડી લીધી. બધાંએ તાળીઓ પાડી. આખા પરિવારની આંખોમાં આંસુ હતા.
ડૉક્ટરે કહ્યું ઃ ‘મિ. કિલ્લા, આ તો ચમત્કાર છે.’
-આજે વિમલાને બ્રેેઇન હેમરેજ થયાને વીસ વર્ષ થઈ ગયાં હવે હું અને વિમલા રોજ સવારે સાથે જ મોર્િંનગ વોકમાં જઈએ છીએ. સાંજે સાથે જ ક્લબમાં જઈએ છીએ. હજુ વચ્ચેના કલાકો દરમિયાન અસંખ્ય થેરપીઓ ચાલુ જ છે પરંતુ અમને લાગે છે કે ‘લાઇફ ઈઝ બ્યુટીફૂલ.’
અહીં વિમલાના કેસમાં એકલા તબીબો કશું જ કરી શક્યા ના હોત.
– દેવેન્દ્ર પટેલ




