“સર ! તમે લખ્યું હતું કે, સાયરાબાનુને ૧૨ વર્ષની ઉંમરે જ દિલીપકુમાર માટે પ્રેમ થયો હતો. સાયરાબાનુએ એમ પણ કહ્યું કે, “બસ, હવે અમે એકબીજા માટે જીવીએ છીએ.” મારું જીવન પણ થોડુંક એવું અને થોડુંક જુદું પણ છે. હું પણ ૧૪ વર્ષની હતી ત્યારે જ અનંત મને ગમવા લાગ્યો હતો. અનંત મારાથી મોટો હતો. એની વય ૧૭ વર્ષની હતી. અમારી વચ્ચે ઉંમરનો તફાવત હતો, પરંતુ એ મને કેમ ગમતો હતો એની મને ખબર નથી. એ મને ગમતો હતો એટલ બસ ગમતો જ હતો” : એમ કહેતાં શ્રદ્ધા એની વાત શરૃ કરે છે. શ્રદ્ધા એક પ્રતિભાશાળી ગુજરાતમાં જ જન્મેલી, ગુજરાતમાં જ મોટી થયેલી, પરંતુ મૂળ મહારાષ્ટ્રીયન નારી છે. તે અત્યંત સુંદર ગુજરાતી બોલે છે. વાતચીતમાં સરળ અને સ્વભાવથી પારદર્શી છે. એની ખૂબી ગણો કે ખામી, પણ એ કોઈ વાત છુપાવી શકતી નથી. બેંકના ઉચ્ચ હોદ્દા પર તે અત્યારે નોકરી કરી રહી છે, પણ આજે વાત કરતી વખતે તેના ચહેરા પર વેદનાની લકીરો ખેંચાઈ છે. આંખોના ઊંડાણમાં કોઈ દર્દ છુપાયેલું છે.
એ કહે છે : “અમે બંને એક જ સ્કૂલમાં ભણતાં હતાં. એ મારાથી સિનિયર હતો. રિસેસના સમયે હું મારા ક્લાસમાંથી બહાર નીકળી અનંતની રાહ જોતી. એ મારાથી મોટો હોવા છતાં વાત કરવામાં એકદમ શરમાળ હતો. હું વાતો વધુ કરતી. તે બહુ જ ઓછું બોલતો. આમેય હું પહેલેથી જ વાચાળ રહી છું. હું બહિર્મુખ છું, એ અંતર્મુખી. હું એના તરફ આર્કિષત હતી. એને પણ હું ગમતી હતી, પણ તે કદી બોલતો નહોતો. તે કદી કાંઈ કહેતો નહોતો. એક દિવસ તો મેં એને હિંમત કરીને કહી દીધું હતું : “આઈ લવ યુ.”
એણે કોઈ જવાબ આપ્યો નહોતો. ઊલટો તે શરમાઈ ગયો હતો. હા, એને મારી વાત ગમી હતી. તે દોડીને જતો રહ્યો હતો. મારા મનમાં જે ભાવ ઊભરે તે કહી દેવાની મને ટેવ રહી છે. એ એના ભાવ આંખોથી પ્રગટ કરતો, પણ શબ્દોથી પ્રગટ કરતો નહીં. એ કારણે ઘણીવાર હું મૂંઝાઈ જતી, પણ એક દિવસ તો મેં એને રોકીને કહી જ દીધું : “હું પરણીશ તો તને જ.”
એ સ્તબ્ધ થઈ જતો રહ્યો, કારણ કે મારી પરણવાની વયને ઘણી વાર હતી. હજુ હું કિશોરી જ હતી. તે સમજદાર હતો. શાયદ તેને પણ હું ગમતી હતી, પણ તે કહી શકતો નહોતો.
મારા પિતાની નોકરીની બદલી થતાં અમે અન્યત્ર ચાલ્યાં ગયાં. મારી સ્કૂલ બદલાઈ ગઈ. અનંત એની એ જ સ્કૂલમાં રહ્યો. મારી પાસે એના ઘરનો ફોન નંબર નહોતો. મારે એની સાથે વાત કરવી હતી, પણ વાત કેવી રીતે કરવી ? એણે તો મને શોધવા કદી પ્રયાસ કર્યો નહીં, પરંતુ મેં કર્યો. કેટલાક સમય બાદ મને ખબર પડી કે એનો પરિવાર મુંબઈ ચાલ્યો ગયો છે અને મુંબઈમાં એ લોકો ક્યાં રહે છે તેની કોઈનેય ખબર નહોતી. અમે હવે એકબીજાથી છૂટા પડી ગયા. પણ હું તેને ભૂલી શકતી નહોતી.
એ વાત પછી ઘણી ઘટનાઓ ઘટી. હું વયસ્ક થઈ. મારી અને અનંત વચ્ચે હવે કોઈ સંપર્ક રહ્યો નહોતો. બચપણના એ સુંદર સ્વપ્નને વાગોળવા સિવાય મારી પાસે હવે કોઈ વિકલ્પ નહોતો. મારું ભણવાનું પૂરું થતાં મારા પિતાએ મારા માટે છોકરા શોધવા માંડયા. મેં વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. બચપણ એ બચપણ છે. માનવીએ વર્તમાનમાં જ જીવવું જોઈએ. ભૂતકાળ વાગોળવા માટે છે અને ભવિષ્ય એ વિચારવા માટે છે. મેં છોકરા જોયા. મારા કરતાં મારા પિતાને જે છોકરો પસંદ હતો તેની સાથે મેં લગ્ન કરી લીધાં. હા, હું નાની હતી ત્યારે વિચારતી હતી કે, મન તો હું અનંતને વરી ચૂકી છું, પરંતુ અત્યારે વાસ્તવિકતા અલગ હતી. મેં સંજોગોને આધીન થઈને વાસ્તવિકતા સ્વીકારી લીધી.
લગ્ન બાદ મધુકર સાથે મારું લગ્નજીવન શરૃ થયું. મધુકરને એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો ધંધો હતો. અમે અમદાવાદ છોડી મુંબઈ રહેવા ગયાં. અમારા દાંપત્યજીવનની શરૃઆત બહુ જ સારી રહી. વાતવાતમાં મધુકર એમના કોલેજ જીવનની વાત કરતા. કોલેજમાં એમને કઈ કઈ છોકરીઓ બહુ જ ગમતી હતી એ પણ કહેતા હતા. કઈ કઈ છોકરીઓ સાથે તેમણે પિક્ચર જોયા હતા તે પણ કહેવા લાગ્યા. એમની વાતોમાં રહેલી નિખાલસતા જોઈને મેં પણ એક રાત્રે કહી દીધું કે, “હું ૧૨ વર્ષની હતી ત્યારે મને પણ મારી સ્કૂલમાં ભણતો અનંત નામનો એક છોકરો ગમતો હતો.”
હું વિચારમાં પડી ગઈ. એમણે એમના કોલેજકાળની છોકરીઓ સાથેની દોસ્તીની વાત કરી ત્યારે મેં સાહજિકતાથી એ બધી વાતો સ્વીકારી લીધી અને મેં પણ જ્યારે મારા બચપણની વાત કરી તો તેઓ ઉશ્કેરાઈ ગયા. મેં તેમને પૂછયું : “તમે કેમ ગુસ્સે થઈ ગયા. તમે પણ કોલેજમાં છોકરીઓ સાથે ફ્લર્ટ કરતા હતા, તેની સામે મેં કોઈ જ વાંધો લીધો નહીં અને મેં મારી વાત કરી તો ખીજાઈ ગયા ?”
એમણે મને કહ્યું : “મારે કોલેજમાં કોઈપણ છોકરી સાથે સંબંધ નહોતો. મેં તો તારા દિલની વાત જાણવા જ એ જુઠી વાત કહી હતી. મને લાગે છે કે, તું એક સારી સ્ત્રી નથી.”
બસ, એ દિવસથી એનો મારા પ્રત્યેનો વ્યવહાર અને વર્તન બદલાઈ ગયા. સવારે ચાનો કપ ફેંકી દેવા લાગ્યા. બપોરે જમતાં જમતાં થાળી ફેંકી દેતા. હા, રાત્રે સૂવા પૂરતો જ સંબંધ રાખ્યો, પણ હવે તેઓ મને શંકાની નજરે જોવા લાગ્યા. મારા ભોળપણમાં એમણે મને જ ફસાવી દઈને મારા ભૂતકાળના નિર્દોષ પ્રેમની વાતો જાણી લીધી હતી. હવે તેઓ મારી સાથે એક દુશ્મન જેવો વ્યવહાર રાખતા હતા. માનસિક અને લાગણીના અમારા સંબંધો ખતમ થઈ ચૂક્યા હતા. તેઓ મારી સાથે માત્ર શારીરિક સંબંધ જ રાખતા હતા. અનંતને તો સ્કૂલ છોડયા પછી હું કદી મળી નહોતી. તે પછી આજ સુધી મેં એને જોયો પણ નથી. આજે તે વાતને વર્ષો વીતી ગયા છે. અનંત મને સામા મળે તો હું તેમને ઓળખું પણ નહીં. હા, મને તેમનું નામ ‘અનંત ભારદ્વાજ’ છે એટલી જ ખબર હતી. એથી વિશેષ કાંઈ જ નહીં.
મારા પતિ અને મારા શારીરિક સંબંધના કારણે હું ગર્ભવતી થઈ. એમાં પણ મારા પતિ મને શંકાથી જોવા લાગ્યા. એક દિવસ તો તેમણે મને કહી દીધું : “તારા ઉદરમાં જે ગર્ભ છે તે મારો નહીં, પણ અનંતનો છે.”
હું આઘાતમાં સરી પડી. એ દિવસે હું બહુ જ રડી. મેં માથા પછાડી નાખ્યા. બચપણના એ પ્રેમથી આગળ મારા અને અનંત વચ્ચે કોઈ સંબંધ નહોતો, છતાં એમણે મારી વાત સ્વીકારવા ઇનકાર કરી દીધો. મારા પર શકના કારણે એમણે મારા બહાર જવા પર પ્રતિબંધ લાદી દીધો. એક દિવસ તેમની ગેરહાજરીમાં હું કાંઈક ખરીદી કરવા બજારમાં ગઈ. સાંજે પાછી આવી ત્યારે તેઓ પહેલેથી જ ઘરમાં હાજર હતા. એમણે મને લાત મારી. હું પડી ગઈ. મારા દાંતમાંથી લોહી નીકળી આવ્યું. હું માથા પછાડીને રડતી રહી. મારા ઉદરમાં મારા પતિનો જ ગર્ભ હતો, પણ તેઓ માનવા જ તૈયાર નહોતા. મેં ખાવાનું બંધ કરી દીધું તો પણ તેમને કોઈ લાગણી ન થઈ. મેં દૂધ પીવાનું બંધ કરી દીધું તો પણ એમને કોઈ લાગણી ના થઈ. તેમના શકને દૂર કરવાનો મારી પાસે કોઈ ઉપાય નહોતો.
મેં ઘર છોડી દેવા વિચાર કર્યો. પહેલાં તો મેં ગર્ભપાત કરાવી લેવા પણ વિચાર્યું, પરંતુ એક નવજાત શિશુને આ જગતમાં આવતાં પહેલાં જ તેની હત્યા કરી નાખવી એ પાપ છે એમ વિચારી મેં એ નિર્ણય હવે માંડી વાળ્યો છે. હવે હું ઘર છોડી રહી છું. ગમે ત્યાં એકલી જ રહીશ, પણ ખોટી બદનામી અને ખોટા આક્ષેપોનો ભારો લઈને પિયરમાં તો નહીં જ જઉં. હું મારા બાળકને જન્મ આપીશ અને એ બાળક ભલે મારા કાયદેસરના પતિનું છે, પરંતુ હું એમની પાસે પાછી કદી નહીં જાઉં. મારા બાળકના જન્મ પછી એના પિતાના નામના બદલે મારા બાળકના નામ પાછળ હું મારું નામ લખાવીશ.




