Close

અરુણ ગવળી ગેંગસ્ટરમાંથી નેતા બની જનાર દગડી ચાલનો લોકપ્રિય ‘ડેડી’ !

કભી કભી | Comments Off on અરુણ ગવળી ગેંગસ્ટરમાંથી નેતા બની જનાર દગડી ચાલનો લોકપ્રિય ‘ડેડી’ !
અરુણ ગવળી એક પૂર્વ ગેંગસ્ટર અને રાજનીતિજ્ઞ પણ છે.
મુંબઈના અંડરવર્લ્ડમાં અરુણ ગવળી  પણ જાણીતું નામ રહ્યું છે. આખું નામ અરુણ ગુલાબ અહીર. પોતાના સાથીઓમાં તે ‘ડેડી’ના નામથી જાણીતા છે. એક માફિયા સરગનામાં અરુણ ગવળી રાજનીતિજ્ઞ પણ બની ગયા, તે ભાયખલાની દગડી ચાલમાં રહે છે. ૨૦૦૪ની સાલમાં તે અખિલ ભારતીય સેના ઉમેદવાર તરીકે મુંબઈ ચિંચપોકલી મતક્ષેત્રમાંથી વિધાયક તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા.
અરુણ ગવળીનો જન્મ તા. ૧૭ જુલાઈ, ૧૯૫૫ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપર નામના ગામમાં થયો હતો. તેના ભાઈનું નામ કિશોર ગવળી હતું. એના પિતા ગુલાબરાવ અહીર મિલમાં કામ કરતા હતા. અરુણ ગવળીએ વડગાંવ પાંચપીરના મોહમ્મદ શેખ લાલ મુજાવર નાન્હુભાઈની પુત્રી સાથે લગ્ન કર્યું, જેણે લગ્ન બાદ હિન્દુ ધર્મ અપનાવીને પત્નીનું નામ આશા ગવળી રાખ્યું. અરુણ ગવળીના સાથીઓ અને આસપાસના લોકો આશા ગવળીને પ્રેમથી ‘મમ્મી’ કહીને બોલાવે છે.  તે બે બાળકોની માતા પણ છે. પુત્રનું નામ મહેશ ગવળી અને પુત્રીનું નામ ગીતા ગવળી.
૧૯૭૦થી ૧૯૮૮ના સમયગાળા દરમિયાન ઘણી બધી ઘટનાઓ ઘટી. એવું માનવામાં આવે છે કે, બચપણથી જ તે દગડી ચાલમાં ઉછર્યો હોઈ આ વિસ્તારમાં લોકોને તેની સાથે એક વિશેષ આત્મીયતા રહી.
મિલમાં કામ કરવાવાળા એક મજૂરના પુત્ર એવા અરુણ ગવળીએ શરૂઆતમાં એક કારખાનામાં કામ કરવાની કોશિશ કરી પરંતુ થોડા વખતમાં જ તેની નોકરી છૂટી ગઈ. તેણે ધીરજ ગુમાવી દીધી. એ પછી એક નાના કિસ્સામાં સ્થિત તે પોતાની દગડી ચાલમાં પોતાના ઘેર પાછો આવી ગયો. ઘેર પાછા આવ્યા બાદ તેણે દાઉદ ઇબ્રાહીમ તથા છોટા રાજન સાથે સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન શરૂ કર્યો.
આમ તો ૧૯૭૦માં જ તેણે તેના ભાઈ કિશોર ઉર્ફે ‘પપ્પા’ સાથે પ્રવેશ કર્યો. તે પછી તે મુંબઈની ‘ભાયખલા કંપની’માં સામેલ થઈ ગયો અને એ ગેંગની ગેરકાનૂની શરાબની પ્રવૃત્તિને તે સંભાળવા લાગ્યો હતો. આ ક્રિમિનલ ગેંગ કંપની રામા નાઈક અને બાલ્વૂરેશમના  નેતૃત્વમાં  સેન્ટ્રલ મુંબઈ અને ભાયખલાની વચ્ચેના વિસ્તારમાં કાર્યરત હતી. ૧૯૭૦થી ૧૯૮૦ના દાયકામાં તે મુંબઈના કપડા, મિલ ઉદ્યોગ પર હુમલા કરાવવાના, હપતા વસૂલીના અને જલદી પૈસા કમાવા માટેના બીજાં ગેરકાનૂન કાર્યોમાં તે સામેલ થઈ ગયો, ૧૯૮૪માં રામા નાયકે દાઉદ ઇબ્રાહીમના પ્રતિસ્પર્ધી સમદખાનની હત્યા કરવામાં  તેને મદદ  કરી હતી. ૧૯૮૪થી ૧૯૮૮ સુધી ભાયખલા કંપની દાઉદ ઇબ્રાહીમની દરેક અપરાધિક પ્રવૃત્તિઓમાં મદદ કરતી હતી. એ પછી દાઉદ ઇબ્રાહીમને પોલીસ શોધવા માંડતા દાઉદ દુબઈ ભાગી ગયો પરંતુ દુબઈ બેઠાં બેઠાં તેણે મુંબઈમાં તેની ગુનાઇત પ્રવૃત્તિઓ ચાલુ રાખી.
૧૯૮૮માં રામા નાયક અને શરદ શેટ્ટીની વચ્ચે જમીનને લગતા એક સોદાની બાબતમાં ખટરાગ થયો હતો. આ વિવાદમાં દાઉદ ઇબ્રાહીમે શરદ શેટ્ટીને સાથ આપ્યો. આ કારણથી રામા નાઇકે ગુસ્સામાં આવીને દાઉદનું અપમાન કરી દીધું.  જો કે ૧૯૯૮માં એક પોલીસ એન્કાઉન્ટરમાં રામા નાઇકનું મૃત્યુ થયું. તે પછી અરુણ ગવળીએ આ ક્રિમિનલ ગેંગ પર કબજો જમાવી દીધો અને પોતાના ઘેરથી જ તે સિન્ડિકેટનું સંચાલન કરતો રહ્યો. એ પછી ગવળી ગેંગ અને દાઉદ ગેંગ વચ્ચે હવે ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. કારણ કે ગવળી માનતો હતો કે રામા નાઇકની હત્યા દાઉદની ડી-કંપનીના ઈશારે જ થઈ છે. ગવળી ગિરોહના ડરના કારણે દાઉદની  ડી-કંપનીના શરદ શેટ્ટી, છોટા રાજન અને સુનીલ સાવંત જેવા કેટલાંયે ગુંડાઓએ મુંબઈ છોડી ભાગી જવું પડયું.
જો કે હવે અરુણ ગવળીની દગડી ચાલ પર આધારિત એક મજબૂત ગેંગ વધુ સક્રિય બનતાં મુંબઈ પોલીસે અનેકવાર ત્યાં દરોડા પાડી અરુણ ગવળી ગેંગને છીન્નભીન્ન કરી નાંખી. ગુનાહિત  કૃત્યોના આરોપસર તેની ધરપકડ પણ થઈ. પરંતુ મોટાભાગના કેસોમાં ગુનેગાર સાબિત ના થતાં તે બચી ગયો. કોઈ પણ વ્યક્તિ અરુણ ગવળીની વિરુદ્ધ ગવાહી આપવા તૈયાર નહોતો. અલબત્ત, ઓગસ્ટ, ૨૦૧૨માં  કોર્ટે શિવસેનાના નેતા કમલાકર જમશેદકરની હત્યાના આરોપસર ગવળીને દોષી ગણાવ્યો. ૧૯૮૬થી ૨૦૦૫ સુધી ગવળીની વિરુદ્ધ ૧૫ કેસો દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસ કોઈ અપરાધ સાબિત કરી શકી નહીં.
હવે બન્યું એવું કે ૧૯૮૦ દરમિયાન જ્યારે પોલીસે અરુણ ગવળી અને સાઇ બાનોઈ જેવા કહેવાતા હિન્દુ અપરાધીઓ સામે કાર્યવાહી કરી ત્યારે શિવસેનાના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેએ મુંબઈ પોલીસની સખ્ત આલોચના  કરી. ઘણાને એમ પણ લાગ્યું કે અરુણ ગવળીને રાજકીય સંરક્ષણ પ્રાપ્ત થયું છે પરંતુ ૧૯૯૦ના મધ્યમાં અરુણ ગવળી અને શિવસેના વચ્ચે અલગાવ થયો.  બંને જુદા પડયા અને પાછળથી અરુણ ગવળીએ પોતાની આગવી રાજકીય પાર્ટી ‘અખિલ ભારતીય સેના’ સ્થાપી.
૨૦૦૪માં અરુણ ગવળીએ મુંબઈના ચિંચપોકલી મતક્ષેત્રમાંથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું. અને અખિલ ભારતીય સેનાના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી પણ લીધી. એ પછી અરુણ ગવળીની પ્રતિષ્ઠામાં એકાએક  વધારો થયો. પરંતુ થોડા સમય  બાદ અરુણ ગવળીનો ભત્રીજા સચિન અહીર કે જે પણ ધારાસભ્ય હતો તેણે અરુણ ગવળીની વિરુદ્ધ જ મોરચો ખોલી દીધો અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં તે સામેલ થયો. આ બિનાથી અરુણ ગવળીને આંચકો લાગ્યો. ગવળીના વિરોધ બાદ પણ તેનો ભત્રીજો સચિન અહીર શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર અરુણ ગવળીની સામે જ ચૂંટણી લડયો જેમાં અરુણ ગવળીની અને સચિન અહીર બેઉની હાર થઈ.
લોકસભાની એ ચૂંટણીમાં શિવસેનાના સીટિંગ સાંસદ એમપી મોહન રાવલે ચૂંટણી જીતી ગયા. ગવળીની પુત્રી ગીતા પણ એક સમયે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈ હતી.
આ બધું હોવા છતાં મુંબઈના એક ક્ષેત્રમાં અરુણ ગવળીની લોકપ્રિયતા બરકરાર રહી. અરુણ ગવળીના જીવન પર આધારિત, ‘દગડી ચાલ’ અને ‘ડેડી’ જેવી ફિલ્મો પણ બની. ‘દગડી ચાલ’ ફિલ્મની કથામાં ‘ડેડી’ તરીકે આવતા મકરંદ દેશપાંડે નામના કેરેક્ટરનું જીવન અરુણ ગવળીના જીવનને મળતું આવે છે. તે પછી ૨૦૧૭માં ‘ડેડી’  ફિલ્મ બની જેમાં  મુખ્ય રોલ અર્જુન રામપાલે ભજવ્યો. આ ફિલ્મ પણ અરુણ ગવળીના જીવન પર આધારિત હોવાનું મનાય છે.
અરુણ ગવળીની વાત અહીં પૂરી થાય છે પરંતુ તેના કેટલાક ચર્ચાસ્પદ વિધાનો આ પ્રમાણે છે. તે કહે છે ઃ’ મેં ગાંધીજી કા અહિંસા કી કુછ નીતિઓ મેં વિશ્વાસ કરતા હું, લેકિન જહાં આપ રહેતે હો યહ નીતિ વહાં કે સમાજ ઔર ઉનકી સામાજિક સમસ્યા પર નિર્ભર કરતી હૈ.’
અરુણ ગવળીનું બીજું વિધાન જુઓ તે કહે છે ઃ ‘આપ સભી દેખ રહે હૈ જો શ્રામિક પાંચ સાલ પહલે જિસ સ્થિતિ મેં થા આજ ભી વો ઉસી સ્થિતિ મેં હૈ, કોઈ ભી નેતા ઉનસે સિર્ફ વાદે કરતે હૈ લેકિન ઉન વાદોં કે પૂરા કરને કા કામ કોઈ નહીં કરતા હૈં, લેકિન મૈંને ઉન શ્રામિકોે તે દર્દ કો મહસૂસ કરતે હુએ ઉનકી સહાયતા કી હૈ ઇસલિયે આજ વો મેરી ભી સહાયતા કરને તૈયાર હૈ ઔર વો મુજસે પ્યાર કરતે હૈ.’
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!