Close

આકાંક્ષા, તું ખૂબ સુંદર બની જા તારા પતિને પ્રેમમાં ડુબાડી દે

કભી કભી | Comments Off on આકાંક્ષા, તું ખૂબ સુંદર બની જા તારા પતિને પ્રેમમાં ડુબાડી દે
આકાંક્ષા એક ગૃહિણી છે.
ઘણાં વર્ષો બાદ એ જોવા મળી. એને ચહેરો જોતાં જ  ખ્યાલ આવી ગયો કે આ એ જ છોકરી છે જે અમદાવાદની એક  કૉલેજમાં સાથે ભણતી હતી. અત્યંત રૂપાળી પણ એનાં વસ્ત્રો પ્રત્યે એટલી જ બેદરકાર.  ના તો મેચિંગ હોય કે ના તો એના વાળનું ઠેકાણું.  વજન પણ વધારેૅ અને  સાવ આળસું.
 પૂછયું ઃ ‘તમે જ આકાંક્ષા ?’
‘તો આટલા બદલાઈ કેવી રીતે ગયાં ?’
‘આપણે કૉફી શોપમાં જઈ વાત કરીશું ?’
‘જરૂર’.
અને કૉફી હાઉસના એક ટેબલ પર ગોઠવાતાં આંકાક્ષાએ વાત શરૂ કરી ઃ ‘આપણે ઘણાં વર્ષો પછી મળ્યાં પણ હું તમને ઓળખી ગઈ. હું હવે પરિણીત છું. મારા હસબન્ડનું નામ અરમાન છે. અરમાન એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે.  મારા એમની સાથે લગ્ન થયાં ત્યારે હું ખૂબ ખુશ થઈ ગઈ હતી. લગ્ન પછી હું  બાળકોની મા પણ બની ગઈ છું. અરમાન મને  અત્યંત પ્રેમ  કરતા હતા અમે અમારા સંસારમાં બહુ જ ખુશ હતા. એ દરમિયાન  એમના એક મિત્ર નીરજની અહીં બદલી થઈ. તેઓ પણ બીજી એક કંપનીમાં જોબ કરતા હતા. નીરજ અને તેની પત્ની જૂહી પણ અમદાવાદ રહેવા આવી જતાં અમારી ખુશી વધી ગઈ. અમને એક સારું પરિવાર મિત્ર તરીકે મળ્યું. મારા હસબન્ડ અને નીરજ જેટલા સારા  મિત્રો હતા તેવું જ મારી  અને જૂહી વચ્ચે થયું. જૂહી  મારી અંગત  સહેલી બની ગઈ.
જૂહી જેટલી આકર્ષક હતી એટલી જ વ્યવહાર કુશળ પણ  હતી. ફેશન અને વસ્ત્ર પરિધાનમાં હું સહેજ નબળી હતી. એ બધી બાબતોમાં જૂહી મને મદદ કરતી. મારા બાળકોના અભ્યાસમાં પણ તે મને મદદ કરતી હતી. અમે બેઉ એકબીજાના પૂરક બની ગયા હતા.
અરમાન અને નીરજની જેમ મારી અને જૂહીની મિત્રતા પણ પ્રગાઢ બની ગઈ. અમે બધાં સાથે જ પિક્ચર જોવા જતાં. હિલ સ્ટેશન પર પણ સાથે જ જતાં જૂહી મારા બાળકોને બેહદ વહાલ કરતી હતી. એકવાર હું સ્કૂલમાં પેરેન્ટ્સ- ટીચર મિટિંગમાં ગઈ તો મારી બચપણની સહેલી  ટીના મને મળી ગઈ. તે જરાયે બદલાઈ નહોતી. એવી જ ખુશખુશાલ, એવી જ મસ્તીભરી વાતો. ચહેરા પરનો રંગ પણ એનો એજ.
મેં કહ્યું ઃ ‘ટીના, તું તો હજીયે એવી ને એવી જ યુવાન લાગે છે.’
 ટીના બોલી ઃ ‘જો આંકાક્ષા ! સ્ત્રીએ હંમેશાં સતર્ક રહેવું જોઈએ. પત્ની ગમે તેટલી સુંદર અને સુશીલ હોય તો પણ પતિ તો ભ્રમર જેવા જ હોય છે. તેઓનું મન  પતંગિયા જેવું જ હોય છે. જ્યાં પણ સુંદર ફૂલ દેખાય ત્યાં બેેસી જવા ઉત્સુક હોય છે. એટલે આપણે જ રૂપાળા રહેવું જરૂરી હોય છે.’
હું એને સાંભળી રહી.
ટીના બોલતી  રહી ઃ ‘લગ્ન પછી સ્ત્રી તો ઘર વસાવી તે પૂર્ણતાને પામે છે પણ પુરુષ હંમેશા નવીન કશુંક શોધ્યા જ કરતો હોય છે તેથી આપણે લઘરવઘર કે આળસું રહેવું જોઈએ નહીં. જો તું કેવી જાડી થઈ ગઈ છે. તું સરખાં કપડાં તો પહેર. તારા વાળ ટ્રીમ કરાવ. ફેસિયલ કરાવ. પતિ હંમેશાં તેની  પત્નીમાં પ્રેમિકાને ઢૂંઢતો હોય છે.’
ટીના બોલી રહી હતી અને હું તેની વાત પર હસી રહી હતી કારણ ે હું તેની વાત સાથે સંમત નહોતી. મેં કહ્યું ઃ ‘ટીના, કોઈપણ સ્ત્રી એક વાર મા બની જાય પછી એણે સજવા ધજવાની જરૂર નથી. માતૃત્વમાં જ સંપૂર્ણ સ્ત્રીત્વ છે.’
 એ દિવસે તો બહુ વાતો ના થઈ પણ ટીનાએ કહ્યું ઃ ‘આકાંક્ષા, હું એકવાર તને મળવા તારા ઘેર જરૂર આવીશ.’ સમય વીતતો રહ્યો. ટીના તો એના વાયદા પ્રમાણે મને મળવા મારા ઘેર ના આવી. એથી મેં મારી સહેલી જૂહીને કહ્યું ઃ ‘ચાલને જૂહી, આપણે જ ઓચિંતા ટીનાના ઘેર પહોંચી જઈ એને સર્પરાઇઝ આપીએ.’
જૂહીએ પૂછયું ઃ ‘કોણ છે, ટીના ?’
‘મારી બચપણની સહેલી છે.’
જૂહી અને હું એક દિવસે બપોરે ટીનાએ આપેલા સરનામા પ્રમાણે એના ઘરે પહોંચી ગયા.  ટીના તો અમને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. એણે અમારું જોરદાર સ્વાગત કર્યું. અલબત્ત, જૂહીને જોઈ તે થોડી વિચલિત થઈ ગઈ. મને લાગ્યું કે જૂહીનું આકર્ષકરૂપ જોઈ તેને ઈર્ષ્યા થઈ આવી હશે. એ દિવસે તો અમે બહુ બેઠા નહીં.
કેટલાક દિવસ બાદ ટીના અચાનક મારા ઘેર  આવી પહોંચી. એને  જોઈ મને આનંદ થયો. મેં એને કહ્યું ઃ ‘ટીના, આજે તો તારે મારા ઘરે જમવું જ પડશે. મેં એને રોકી લીધી.’ કેટલીયે વાર સુધી મેં એને મારા અને અરમાનના લગ્ન, બાળકોનો જન્મ તથા સુખદ  દામ્પત્ય જીવનની વાતો કરી.
પરંતુ અચાનક ટીના  ગંભીર થઈ ગઈ. એણે ધીમેથી કહ્યું ઃ ‘જો આકાંક્ષા હવે હું તને જે વાત કરવાની છું તેનું ખરાબ ના લગાડીશ. હું જે કંઈ કહું તેની પર વિચાર કરજે. હું તારી સારી મિત્ર છું. સાચી ફ્રેન્ડ સારી આલોચક હોઈ શકે છે. તેં તારી જાતને આયનામાં બરાબર નિહાળી છે? તું તારા જ પ્રત્યે કેટલી બધી લાપરવાહ છે. તેં તારો ચહેરો અને શરીર કેવા બનાવી દીધા છે ? તું હજી યુવાન છે અને મોટી ઉંમરના બૈરા જેવી લાગે છે.
મેં કહ્યું ઃ ‘ટીના, મને સમય જ મળતો નથી.’
 ટીના બોલી ઃ ‘નહીં નહીં, એ બધાં બહાના છે. તું પહેલેથી જ તારા પ્રત્યે બેદરકાર છે. આપણે ઈચ્છીએ તો આપણે જાતે જ આપણી જાતને મેઇન્ટેઇન રાખી શકીએ છીએ. ડાયટ કંટ્રોલ, રોજ થોડીક એક્સરસાઇઝ, યોગ, ફેસિયલ એ બધું તો આપણા હાથની  વાત છે.’
મેં કહ્યું ઃ ‘હવે તો મારા  લગ્ન પણ થઈ ગયા અને હું  મમ્મી પણ બની ગઈ. મારે એ બધું કરવાની શી જરૂર ?’
‘જો આકાંક્ષા, હવે જ તારે એ બધું કરવાની જરૂર છે. તારે તારી સહેલી જૂહી પાસેથી પણ શીખવું જોઈએ. અને હાં સાંભળ તારે જૂહીથી સાવધાન રહેવાની જરૂર છે.’
હું ચમકી ઃ ‘કેમ?’
ટીના બોલી ઃ ‘મેં કટલીયે વાર જૂહીને અને તારા હસબન્ડને કૉફી શોપમાં સાથે જોયાં છે. રેસ્ટોરામાં તથા સિનેમા હૉલમાં પણ જોયા છે. પણ એ વખતે હું જૂહીને  ઓળખતી નહોતી. તું એને મારા ઘેર લઇને આવી ત્યારે જ મને ખ્યાલ આવી ગયો કે આ એ જ યુવતી છે જેેને અરમાન સાથે અવારનવાર જોઈ છે.’
પણ મેં ટીનાની વાત માની નહીં. મેં કહ્યું ઃ ‘ટીના તું વહેમી છે તેથી તને એવું લાગે છે. હકીકતમાં અમે ફેમિલી ફેન્ડ છીએ.’
ટીના બોલી ઃ ‘મારી વાત માનવી ના માનવી તારી મરજી ચાલ હું જાઉં છું.’
ટીના તો જતી રહી પરંતુ મારા મન પર એક સવાલ છોડતી ગઈ. લગ્ન પછી મારામાં જે બદલાવ આવ્યા હતા તે બધા જ નકારાત્મક હતા. એક દિવસ બન્યું એવું કે મારે અરમાનનું  અચાનક કામ પડયું.  મેં તેમની ઓફિસમાં ફોન લગાવ્યો  તો તેઓ ઓફિસમાં નહોતા. બાળકો માટે કેટલીક બુક્સ લેતા આવવા માટે તેમને કહેવાનું હતું. મેં તેમના  મોબાઈલ પર ફોન કર્યો. અરમાને કહ્યું ઃ ‘હું બીજી એક કંપનીમાં   મિટિંગમાં છું.’ મેં જૂહીને ફોન લગાવ્યો તો તે પણ તેના ઘેર નહોતી. હું ખુદ બાળકો માટે બુક્સ લેવા નીકળી પડી.  બાળકોને સ્કૂલમાંથી લઈ હું બુક્સ લેવા બુકશોપમાં ગઈ. મેં જોયું તો મારા હસબન્ડ અરમાન મારી સહેલી જૂહી  એક કૉફી શોપમાં બેઠેલાં હતા. હું તેમને જોઈ ગઈ. તેઓ એકબીજાની અત્યંત કરીબ બેસી હસી રહ્યા હતા. કાપો તો લોહી પણ ના નીકળે તેવી મારી સ્થિતિ થતી. હું ચુપચાપ ઘેર આવી ગઈ  અને સોફા પર ઢળી પડી. હું રડવા લાગી. મને ખ્યાલ આવી ગયો કે ટીનાની વાત સાચી હતી.
સાંજે મોડેથી અરમાન ઘેર આવ્યા. મેં  તેમને પૂછયું ઃ ‘આટલી વાર કેમ લાગી ?’
‘હું કંપનીના કામે મિટિંગમાં હતો’ ઃ અરમાન  બોલ્યા.
 મને પહેલી જ વાર ખ્યાલ આવ્યો કે મારા હસબન્ડ જુઠ્ઠુ બોલી  રહ્યા છે. તેઓ નિર્દોષ  હોત તો કહી દેત કે હું જૂહી સાથે કોફી શોપમાં હતો. થોડીવાર  પછી કોઈ કામના બહાને મેં જૂહીને  ફોન કર્યો.  જૂહી બોલી ઃ ‘મારી તો તબિયત સારી નથી. આખો દિવસથી સૂઈ ગઈ છું.’
જૂહી પણ ખોટું બોલી રહી હતી. મારા માટે આ જુઠ્ઠાણા અસહ્ય હતાં. પણ મેં ત્વરિત પ્રતિક્રિયા આપવાના બદલે શાંતિથી વિચારવાનું યોગ્ય સમજવું. અરમાનનું જુઠ્ઠાણું મારી સહનશક્તિની બહાર હોવા છતાં હું  મારું ઘર તોડવા માગતી નહોતી. મેં ફરી ટીનાની સલાહ લેવા વિચાર્યું. બીજા જ દિવસે હું ટીના પાસે ગઈ. મેં બધી જ વાત કરી. ટીનાએ મારી ધીરજની પ્રશંસા કરી. તે બોલીઃ ‘આકાંક્ષા સારું કર્યું  કે તે પહેલાં જ દિવસે રિએક્શન ના આપ્યું. આ સમસ્યા લડાઈ-ઝઘડાથી હલ નહીં થાય. બહેતર એ છેકે તું જ બદલાઈ જા. તું જ એટલી રૂપાળી અને આકર્ષક બની  જા કે અરમાન તારા સૌંદર્ય અને તારા પ્રેમમાં ડૂબી જાય.’
ભગવાને મને રૂપરંગ તો સરસ જ  આપ્યા હતા. બસ, એ દિવસથી હું પરિવર્તનના માર્ગે આગળ વધી. મેં વજન ઘટાડી નાંખ્યું. એક્સરસાઇઝ શરૂ કરી, યોગ શીખી લીધો. મારા ચહેરાને  અનુરૂપ હેરસ્ટાઇલ બનાવી દીધી. ટીનાએ મારા વસ્ત્રો પણ મારા ફિગરને ઉપસાવી આપે તેવા પસંદ કરી આપ્યા અને છ મહિનામાં તો હૂં જૂહી કરતાં યે સુંદર લાગવા માંડી.  અરમાનની પણ મેં  એક બાળકની જેમ કાળજી લેવા માંડી. રસોડામાં હું માતા બની જતી અને શયનખંડમાં રંભા. મેં આળસ ખંખેરી નાખી. બીજી બાજુ મેં મારી અંતરંગ વાતો જૂહીને કહેવાની બંધ કરી દીધી. તે પણ હવે મારા ઘેર આવતી ઓછી થઈ ગઈ. અરમાન એકલો પડી જતા ત્યારે કોઈનો સહારો ઢૂંઢતા. મેં એક પ્રેયસીની જેમ એમને ફોન કરવાનું શરૂ કર્યું ઃ ‘અરમાન, આજે જલદી ઘેર આવજો.’
અરમાન પૂછતાં ઃ ‘કેમ ?’
‘બસ… આજે….! આઇ લવ યુ ઃ ‘ કહીને વાત અધૂરી  જ મૂકી ફોન મૂકી દેતી.
અને મેં જોયું તો અરમાન હવે સાચે જ બદલાઈ રહ્યા હતા. તે પણ હવે મને કહેવા લાગ્યા ઃ ‘આકાંક્ષા તું આજે બહુ જ સરસ લાગે છે.’
હું પણ’થેેંક્સ’ કહેતી.   ટીનાએ મને આપેલી ટિપ્સ જાદુઈ ચમત્કાર કરી રહી હતી. ધીમે ધીમે  જૂહી પણ  ઘેર આવતી બંધ થઈ ગઈ. અમારું પણ જૂહીના ઘેર જવાનું ઓછું થઈ ગયું. એક દિવસ જૂહીના પતિ નીરજની બદલી થઈ ગઈ. હું અને મારા હસબન્ડ અરમાન બેઉ નીરજ અને જૂહીને મૂકવા રેલવે સ્ટેશન ગયા. મારા હસબન્ડને  જૂહીના દૂર જવાનો કોઈ ગમ નહોતો. હા, જૂહીના ચહેરા પર  નિરાશા જરૂર હતી. ટ્રેન ઉપડી ત્યારે મને લાગ્યું, ‘હાશ, મારા ગૃહસ્થ જીવનમાં એક મોટો અકસ્માત થતાં રહી ગયો.’
હું આભારી   છું મારી  સાચી સખી  ટીનાનો, જેની પોઝિટિવ  સલાહ મને કામ આવી ગઈ. જૂહીના મુદ્દે એ મારા હસબન્ડ સાથે લડાઈ કરી હોય તો હું આજે સાચા સુખથી દૂર ચાલી ગઈ હોત. મેં અરમાનને  તેમના અને જૂહીના નીકટના સંબંધો હું જાણું છું  એ વાત કે ફરિયાદ કદીયે કરી નહીં.
-અને  આકાંક્ષા એવી વાત એક ઊંડા આત્મવિશ્વાસ સાથે પૂરી કરે છે.
 દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!