Close

આલ્બીના બોલી ઃ ‘હવે હું દુનિયાભરના બાળકોને આનંદ આપવા માગું છું’

કભી કભી | Comments Off on આલ્બીના બોલી ઃ ‘હવે હું દુનિયાભરના બાળકોને આનંદ આપવા માગું છું’
સ્વિટ્ઝર્લેન્ડ.
દુનિયાનો એક ખૂબસૂરત દેશ. આલ્પ્સની પહાડીઓ પર બારેમાસ બરફ છવાયેલો રહે છે. આ દેશને પોતાની કોઈ ભાષા નથી. એની ચારે તરફ જે દેશો આવેલા છે એ બધી ભાષાઓ અહીં બોલાય છે. અહીંના લોકો ફ્રેન્ચ, ઈટાલિયન, ડચ અને જર્મન ભાષા બોલે છે. દરેક ઘરના ઝરૂખાઓ રંગબેરંગી ફૂલોનાં કૂંડાઓથી શોભે છે. આવા રૂપાળા સ્વિટ્ઝર્લેન્ડમાં કોઈ જમાનામાં યુવાન કાઉન્ટેસ રહેતી હતી. એનંુ નામ આલ્બીનાડુ બોઇસ્ત્રોવ્રે હતું. ૨૦ વર્ષની વયે તો તે જબરદસ્ત સૌંદર્ય ધરાવતી હતી. એ ગર્ભશ્રાીમંત હતી. આલ્બીના માત્ર ધનવાન જ હતી એવું નહીં પણ એક રોયલ પરિવારનું તે ફરજંદ હતી.
બસ, આ જ ઉંમરમાં એણે વેલેઇસન બ્રૂનો નામના એક યુવાન સાથે લગ્ન કર્યું હતું. તેમના લગ્નના પરિપાકરૂપે એક પુત્ર અવતર્યો હતો. એનુ નામ ફ્રાન્કોઇસ ઝેવિયર પાડવામાં આવ્યું હતું.
પુત્રના જન્મના થોડાક જ વખતમાં મતભેદ પડતાં આલ્બીના અને તેના પતિના છૂટાછેડા થઈ ગયા હતા. એ વખતે બાળકની ઉંમર માત્ર ચાર જ વર્ષની હતી.
આલ્બીના ઉચ્ચ ખાનદાન પરિવારની હોવા ઉપરાંત રિચ એન્ડ ફેમસ હતી. પોતાની મોટરકારોનો કાફલો જ નહીં પરંતુ અંગત વપરાશ માટે પોતાનું વિમાન પણ તે ધરાવતી હતી. સ્વિટ્ઝર્લેન્ડની હાઈ-સોસાયટીમાં તેનો પુત્ર ઝેવિયર ઊછરી રહ્યો હતો. આલ્બીનાને મૂવી બનાવવાનો શોખ હતો. એણે કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. તે એક મેગઝિન પણ બહાર પાડતી હતી, આ મેગેઝિનમાં દૂરદૂરના અંતરિયાળ વિસ્તારોની સ્ટોરીઝ લાવવા તે સ્વયં લાંબા પ્રવાસો ખેડતી હતી. બોલિવિયાનાં જંગલો પણ તે ખૂંદી વળી હતી. એનો પુત્ર યુવાન થતાં તે પાઇલટ બન્યો હતો. ફ્રાન્કોઇસ ઝેવિયર જેટ વિમાનથી માંડીને હેલિકોપ્ટર પણ ઉડાડતાં શીખી ગયો હતો. યુરોપના સૌથી યુવાન વિમાનચાલક તરીકે એ જાણીતો બની ચૂક્યો હતો. આફ્રિકાના રણવિસ્તારોમાં દુષ્કાળ વખતે રાહતની કામગીરી બજાવતાં હેલિકોપ્ટર તે જ ઉડાડતો હતો. એ જ રીતે કોઈ ને કોઈ કટોકટી વખતે ફ્રાન્કોઇસને જ કામ સોંપવામાં આવતું. સહરાના રણમાં એક બચાવ કામગીરી વખતે એણે હેલિકોપ્ટરની ૩૦૦ ટ્રિપ કરી હતી.
આલ્બીના પોતાના મેગેઝિન માટે દક્ષિણ અમેરિકાનો પ્રવાસ ખેડી રહી હતી અને એકાએક તેને સમાચાર મળ્યા કે, તેના પુત્રનું અવસાન થયું છે. હેલિકોપ્ટર તૂટી પડતાં ફ્રાન્કોઇસ મૃત્યુ પામ્યો છે.
આલ્બીના સ્તબ્ધ બની ગઈ.
તે વખતે એના પુત્રની ઉંમર માત્ર ૨૩ જ વર્ષની હતી. એકનો એક પુત્ર ગુમાવતાં આલ્બીના ભાંગી પડી. પ્રવાસ થંભાવી દઈને તે સ્વિટ્ઝર્લેન્ડ પાછી ફરી. પુત્રનો મૃતદેહ જોયા બાદ ગમગીન બની ગયેલ માતા આખરે એક કાઉન્ટેસ હતી.
એણેે તરત જ સ્વસ્થતા ધારણ કરી લીધી. ફ્રાન્કોઇસનું હેલિકોપ્ટર એક બચાવ કામગીરી દરમિયાન જ સહરાના રણમાં તૂટી પડયું હતું.
પૂરી સ્વસ્થતા સાથે એણે પુત્રના મૃતદેહને મિત્રો અને સગાં-સંબંધીઓની હાજરીમાં દફનાવ્યો. અંત્યેષ્ટિ વખતે છૂટાછેડા પામેલા આલ્બીનાના પતિએ પણ હાજરી આપી.
થોડા જ વખતમાં આલ્બીના એકાંતમાં ચાલી ગઈ. સ્વિટ્ઝર્લેન્ડના આલ્પ્સની પહાડીઓની તળેટીમાં તેનો એક ભવ્ય વીલા હતો. એ આલીશાન મેનોરની ભીતર કેટલાયે દિવસો સુધી તે લોન્લી વુમન બનીને રહી. એની તન્હાઈઓની વચ્ચે તે કાંઈક વિચારતી રહી. પુત્ર ગુમાવ્યાનો એને જબરદસ્ત આઘાત હતો પરંતુ દુઃખનો ભાર માથે લઈને એ ઘૂમવા માંગતી નહોતી. એની પાસે બધું જ હતું. શરીર હતું, રૂપ હતું, ઐશ્વર્ય હતું, આબરૂ હતી, મિત્રો અને શુભેચ્છકો પણ હતા. જબરદસ્ત મોટી જાગીર હતી, એસ્ટટ હતાં. છતાં પૂરાં બે વર્ષ સુધી એણે આત્મમંથન કર્યું. આ જ વિલામાં એણે પોતાના પ્રિય પુત્રની સાથે વાત્સલ્યય અને  પ્રેમની સુખદ ક્ષણો ગાળી હતી.  બે વર્ષ સુધી એ ક્ષણોને તે વાગોળતી રહી પણ એક દિવસ તે બહાર આવી.  ત્યારે એનો ચહેરો બદલાયેલો હતો. એણે મિત્રોને બોલાવીને કહ્યું ઃ ‘મારા પ્રિય પુત્રની યાદમાં આજથી મારું તમામ શેષ જીવન જગતભરનાં બાળકોના કલ્યાણ માટે ફાળવું છું. મારા આ વિલામાં મેં પુત્ર ફ્રાન્કોઇસ સાથે ખૂબ આનંદથી દિવસો વિતાવ્યા છે એવો જ આનંદ હું દુનિયાભરનાં બાળકોને આપવા માગુું છું.’
મિત્રોએ આલ્બીનાની વાતને તાળીઓથી વધાવી લીધી, ધીમી મીણબત્તીઓના અજવાળામાં સાદું ડિનર લીધું. થોડાક દિવસો બાદ વિશ્વ બેન્કના વડા જેમ્સ વૉલ્ફેન્સનની મદદથી એણે ‘ફ્રાન્કોઇસ ઝેવિયર ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. આલ્બીના પાસે પુષ્કળ ઝવેરાત હતું. ન્યૂયોર્કમાં એની જાહેર હરાજી કરી ૧૦૦ મિલિયન ડોલર્સ ઊભા કર્યા અને એ બધાં જ નાણાં એણે પુત્રની યાદમાં ઊભા કરેલા ફાઉન્ડેશનમાં આપી દીધા.
આલ્બીના પાસે વિશ્વવિખ્યાત ફ્રેન્ચ ઈમ્પ્રેશનિસ્ટ રૅનોરનું પેઇન્ટિંગ હતું તે પણ વેચી દીધું. તેની પાસે સ્પેનના રાજાનો હીરો હતો તે પણ વેચી દીધો. આ વેચતી વખતે લોકો તો એ ઝવેરાત જોઈ દંગ જ થઈ ગયા હતા, પરંતુ અત્યંત સૌમ્ય સ્વરે આલ્બીના બોલી હતી ઃ ‘આ બધું મારું જ છે એવું મેં કદીયે વિચાર્યું નહોતું. એ બધું મારા પુત્ર માટે હતું. એનું જ હતું. હવે તે વિશ્વભરનાં બાળકો માટે છે.’
ફાઉન્ડેેશનની સ્થાપના બાદ આલ્બીનાએ એવી હૉસ્પિટલો પસંદ કરી જેમાં બાળકો સાવ મરણપથારીએ જ હોય. જે બાળકો માટે ડૉક્ટરોએ પણ આશા છોડી દીધી હોય એવાં બાળકોની છેલ્લી ઇચ્છા પૂરી કરવાનું કામ આ ફાઉન્ડેશન ઉપાડી લેતું.
રશિયામાં ચેર્નોબીલના અણુમથકમાં નડેલા અકસ્માતથી જે કિરણોત્સર્ગ ફેલાયાં તેથી ગંભીર રીતે બીમાર પડેલાં નાનકડાં બાળકોની શુશ્રાૂષા અને સારવારનું તમામ ખર્ચ પણ આ પ્રતિષ્ઠાને ઉપાડી લીધું. આટલેથી ના અટકતાં વિશ્વ પર જ્યારે એઇડ્સનો ભરડો સખ્ત બનવા માંડયો એટલે આ ક્ષેત્રમાં સહાયભૂત થવા કાઉન્ટેસે કામ શરૂ કર્યું.
ખાસ કરીને એઇડ્સની બીમારી ભોગવતાં નાનાં બાળકો માટેની તમામ સુવિધાઓ આલ્બીનાએ ઊભી કરી આપી. આલ્બીના અમેરિકામાં ન્યુ જર્સી ખાતે એઇડ્સના બાળકોને મળી. આ રોગની સામે પ્રતિકાર માટે થઈ રહેલાં સંશોધનો માટે પણ નાણાકીય સહાય કરી. ફાઉન્ડેશન હાવડ યુનિવર્સિટી ખાતે એઇડ્સ પરના સંશોધન માટે ફ્રાન્કોઇસ ઝેવિયર સેન્ટર ફોર હેલ્થ એન્ડ હ્યુમન રાઇટ્સ શરૂ કર્યું અને આ સેન્ટરને ૧૦ મિલિયન ડોલર્સ આપ્યા. કાઉન્ટેસ આલ્બીનાએ એશિયાનો પ્રવાસ કર્યો.
થાઇલેન્ડમાં વેશ્યાઓ કે જેઓ એઈડ્સનો શિકાર બની ચૂકી હતી તેમને લશ્કરી અધિકારીઓ દ્વારા પોતપોતાના દેશમાં પાછી ધકેલી દેવામાં આવી રહી હતી.
તેમના માનવ અધિકારોની રક્ષા માટે આલ્બીનાએ કામ ઉપાડી લીધું. તેમને રાખવાની સારવાર કરવાની જવાબદારી આલ્બીનાએ ઉપાડી લીધી.
બ્રાઝિલની શેરીઓમાં રખડતાં બાળકોથી માંડીને કેન્યા, કોલંબિયા અને ભારતનાં અનાથ બાળકો માટે પણ આલ્બીનાએ સહાય મોકલી આપી.
રવાન્ડામાં બળવા દરમિયાન બેઘર બનેલા લોકો માટે કાઉન્ટેસે ૨૦૦ મકાનો બાંધી આપ્યાં. વિશ્વના અનેક દેશોમાં કાઉન્ટેસ પહોંચી ગઈ. એને માત્ર ખબર જ પડવી જોઈએ કે, બાળકો ક્યાં દુઃખી છે.
– આ બધું માત્ર વહાલસોયા પુત્રની જ યાદમાં.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!