Close

એક અંગ્રેજ કે જેણે ભારતને જ પોતાનું વતન બનાવી દીધું

કભી કભી | Comments Off on એક અંગ્રેજ કે જેણે ભારતને જ પોતાનું વતન બનાવી દીધું

રસ્કિન બોન્ડ.

વારસાથી અંગ્રેજ છે, પરંતુ બીજી બધી જ રીતે તેઓ ભારતીય છે. તેમની રગેરગમાં ભારતીય ભાવનાનું રક્ત વહે છે. તેઓ ગોરા અંગ્રેજી હોવા છતાં ભારતમાં જન્મ્યા છે, ભારતની ભૂમિનું અન્ન ખાધું છે, ભારતની આબોહવામાં જ ઊછર્યા છે. એક અંગ્રેજ ભારતીય એવા રસ્કિન બોન્ડ શ્રેષ્ઠ લેખક પણ છે.

રસ્કિન બોન્ડનો જન્મ ૧૯૩૪માં હિમાચલ પ્રદેશના કસૌલીમાં થયો હતો. એ વખતે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. તેમના પિતા રોયલ એરફોર્સમાં હતા. તેમની વય ચાર વર્ષની હતી ત્યારે જ તેમના માતા-પિતા વચ્ચે છૂટાછેડા થઈ ગયા. તેમની અંગ્રેજ માતાએ એક પંજાબી-હિંદુ સાથે લગ્ન કરી લીધું. નાનકડું બાળક હવે પિતા સાથે રહેવા લાગ્યું. તેમના બચપણના કેટલાક દિવસો સીમલા અને ગુજરાતના જામનગરમાં વીત્યા. તેઓ દસ વર્ષના થયા અને અચાનક પિતા ગુજરી ગયા. તેમને મેલેરિયા થયો હતો. પિતાના અવસાન બાદ તેઓ તેમની દાદી સાથે રહેવા દહેરાદૂન ગયા. માતા-પિતાના અભાવે તેઓ એકાકી બની ગયા. એ એકલવાયાપણું દૂર કરવા તેમણે પુસ્તકોનો સહારો લીધો. કલાકોના કલાકો સુધી તેઓ પુસ્તકોમાં ખોવાયેલા રહેતા. વાંચી વાંચીને થાકી જવાય એટલે કાગળ અને પેન લઈ લખવા બેસી જતા.

તા. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું ત્યારે તેઓ ૧૨ વર્ષના હતા. એ દિવસોમાં તેઓ સીમલામાં બિશપ કોરન સ્કૂલમાં ભણતા હતા. ૧૫મી ઓગસ્ટે સ્કૂલમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો. શિક્ષકે કહ્યું કે, દેશ હવે આઝાદ થઈ ગયો છે. બાકીનાં બાળકોની સાથે બાળક રસ્કિન પણ આઝાદીના જશ્નમાં સામેલ થઈ ગયો. એક અંગ્રેજ બાળક પણ હાથમાં ત્રિરંગાને લહેરાવી રહ્યો હતો એ દૃશ્ય અન્ય લોકો માટે પણ હૃદયંગમ હતું.

સ્કૂલમાં એક દિવસ લેખન સ્પર્ધા યોજવામાં આવી. ૧૬ વર્ષની વયે તેમણે પહેલી કહાણી લખી : ‘અનટચેબલ.’ એમની વાર્તાને ખૂબ પ્રશંસા પ્રાપ્ત થઈ.

રસ્કિન હવે વયસ્ક બન્યા. ૧૯૫૨માં ભારતમાં જ તેઓ ગ્રેજ્યુએટ થયા. હવે મોટાભાગના અંગ્રેજો ઇંગ્લેન્ડ પાછા જતા રહ્યા હતા, તેમાં રસ્કિનના સગાં-સંબંધીઓ પણ હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ રસ્કિન પણ ઇંગ્લેન્ડ ગયા. લંડનમાં તેમણે પહેલી નવલકથા લખી : ‘રૂમ ઓન રૂફ.’ આ પુસ્તકમાં એક એંગ્લો-ઇન્ડિયન યુવક રસ્ટીની કથા હતી. કહેવાય છે કે, રસ્ટીનું પાત્ર પોતાના જ જીવન પર આધારિત હતું. આ નવલકથા માટે રસ્કિનને બ્રિટનનો પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘જોન લીવિલિયન રાઈસ એવોર્ડ’ આપવામાં આવ્યો.

રસ્કિન કહે છે કે, “મેં જ્યારે મારી પહેલી નવલકથા હાથમાં લીધી ત્યારે હું માનવા જ તૈયાર નહોતો. પુસ્તક હાથમાં લેતાં જ મારા હાથ કાંપવા લાગ્યા હતા. પહેલું પાનું ખોલ્યું તો હૃદયના ધબકારા વધી ગયા. એ એક અદ્ભુત રોમાંચ અને અનુભૂતિ હતાં.”

રસ્કિન હવે ઇંગ્લેન્ડમાં રહેતા હતા, પરંતુ તેમનું દિલ ભારતમાં હતું. બ્રિટનમાં અનેક પ્રકારની સુવિધાઓ હતી, ઐશ્વર્ય હતું, આન, બાન અને શાન હતી, પરંતુ તેમનું મન માનતું નહોતું. તેમને ફરી ભારત આવી ભારતમાં જ સ્થિર થવાની ઇચ્છા હતી. સગાં-સંબંધીઓ આગળ તેમણે ભારત જવાની ઈચ્છા વ્યક્ત કરી. બધાએ તેમને ભારત જવાની ના પાડી, પણ રસ્કિન મનથી મકકમ હતા. ઇંગ્લેન્ડ ગયાના ચાર વર્ષ બાદ તેઓ બધાંની સલાહને અવગણીને ભારત પાછા આવ્યા.

ભારત આવ્યા બાદ તેઓ પત્રકારત્વના વ્યવસાયમાં જોડાયા. અલબત્ત, ભારત પાછા આવ્યા બાદ જિંદગી આસાન નહોતી. આ દિવસોમાં લેખકોની કમાણી નહીંવત્ હતી. માત્ર પુસ્તકો લખીને જ જીવનની જરૂરિયાતો પૂરી કરી શકાય તેમ નહોતું. જોકે, રસ્કિનને કોઈ વૈભવી એશ-આરામની જરૂરત પણ નહોતી. એ બધું તો ઇંગ્લેન્ડમાં હતું જ. એ બધું છોડીને જ તેઓ ભારત આવ્યા હતા. તેમને ભારત પ્રત્યે લગાવ હતો. તેઓ તો બચપણની સ્મૃતિઓ માણવા ભારત આવ્યા હતા. તેમને મન તો એ જ મોટી સાંત્વના હતી.

રસ્કિન કહે છે : ‘૬૦ અને ‘૭૦ના દાયકામાં મારા બેંક ખાતામાં ઝાઝા પૈસા નહોતા, પરંતુ મને વધુ પૈસાની જરૂરિયાત પણ નહોતી. મારી પાસે જે કાંઈ અલ્પ હતું તેથી જ હું ખુશ હતો.

રસ્કિન કેટલાક દિવસો દિલ્હીમાં રહ્યા. કેટલોક સમય દહેરાદૂનમાં વીતાવ્યો. તે પછી તેઓ મસૂરી જતા રહ્યા. આ દરમિયાન તેમના નાના ભાઈ વિલિયમ ભારત છોડીને કેનેડા જતા રહ્યા. તેમની બહેન ઇર્લેન પણ ભારતમાં જ તેમના એક સગાના ઘરે રહેવા જતી રહી. રસ્કિન હવે એકલા હતા. તેમણે બચપણની યાદોને અને એકાકીપણાને પુસ્તકોમાં ઢાળી દીધાં. તેમણે લખવાનું શરૂ કર્યું. તેઓ ખુદ રવિન્દ્રનાથ ટાગોર,રૂડયાર્ડ કિપલિંગ તથા ચાર્લ્સ ડિકન્સના ચાહક હતા. જોતજોતામાં તેમણે ૫૦૦થી વધુ વાર્તાઓ, નવલકથાઓ, સંસ્મરણ અને કવિતાઓ લખી નાખી. એમનાં આ બધાં પુસ્તકો પૈકીનાં ૩૦ પુસ્તકો તો માત્ર બાળકો માટે છે. તે તેમની ટૂંકી વાર્તાઓનું સંકલન કે જે ‘અવર ટ્રીજ સ્ટિલ ગ્રો’ના નામે મશહૂર છે તે સૌથી વધુ લોકપ્રિય બન્યું. એ બધી વાર્તાઓમાં તેમના જ બચપણની ઝલક જોવા મળે છે. તેમની જાણીતી વાર્તા’ઘોસ્ટ ઇન ધ વારંડા’ બીબીજીના નામનું એક પાત્ર છે. એ પાત્ર તેમની ઓરમાન માતાથી પ્રેરિત હોવાનું મનાય છે. રસ્કિન કહે છે કે, “તે મારા ઓરમાન પિતાની પહેલી પત્ની હતી. તેમના મનમાં મારા પ્રત્યે કોઈ જ કડવાશ નહોતી. તેમની સાથે મારો સંબંધ અત્યંત સ્નેહપૂર્ણ હતો.”

રસ્કિનને પ્રકૃતિ પ્રિય છે. એ કારણે જ એમણે મસૂરી પસંદ કર્યું. મસૂરીમાં જ ઘર બનાવ્યું. એ સુંદર ઘરની બારીઓમાંથી મસૂરીની પહાડીઓ,વૃક્ષો અને સડકો પર આવનજાવન કરતાં સહેલાણીઓને તેઓ જોતા રહે છે. એમાંથી જ એમને લખવાની પ્રેરણા મળે છે.

૧૯૭૮માં શ્યામ બેનેગલે તેમની નવલકથા ‘અ ફ્લાઈટ ઓફ પિજંસ’ પરથી ‘જુનૂન’ ફિલ્મ બનાવી. તેમની જ એક બીજી નવલકથા ‘સુજેન્સ સેવન હસબન્ડ્સ’ પરથી વિશાલ ભારદ્વાજે ‘સાત ખૂન માફ’ ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બાલ સાહિત્યના ક્ષેત્રમાં તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ રસ્કિનબોન્ડને ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ દ્વારા ‘પદ્મ શ્રી’ એવોર્ડ એનાયત થયો.

રસ્કિન બોન્ડે લગ્ન કર્યું નથી. તેમણે રાકેશ નામના એક બાળકને દત્તક લીધો છે. તો પછી એમના દત્તક પુત્રનુ મીના નામની એક યુવતી સાથે લગ્ન કરાવડાવ્યું.

કોઈએ તેમને પૂછયું, “તમે કેમ લગ્ન ના કર્યાં ?”

રસ્કિન કહે છે : “હું યુવાન હતો ત્યારે જે પણ યુવતી મારી સાથે સારો વ્યવહાર કરતી હતી તેની સાથે મને પ્રેમ થઈ ગયો હતો, પરંતુ લગ્ન કોઈની યે સાથે થઈ શક્યું નહીં.”

રસ્કિન બોન્ડ હવે ૮૧ વર્ષના છે. તેઓ પોતાના દત્તક પુત્ર અને એમનાં પૌત્ર-પૌત્રીઓ સાથે મસૂરીમાં રહે છે. તેઓ માત્ર અંગ્રેજી જ નહીં,પરંતુ હિંદી પણ સારી રીતે બોલી શકે છે. મસૂરીની કોઈ બૂકશોપ પર કે ટી-સ્ટોલ પર ઘણી વાર સાહેલાણીઓ સાથે તેમને વાતો કરતા નિહાળી શકાય છે.

તેઓ કહે છે : “મારા મનમાં કદીયે મહાન લેખક બનવાની ખ્વાહિશ નહોતી. હું તો માત્ર નિજાનંદ માટે લખવા માગતો હતો. મેં કદી વિચાર્યું જ નહોતું કે ભારતના લોકો મને આટલો બધો પ્રેમ આપશે. સાચું કહું ? મારી અપેક્ષા કરતાં મને વધુ માન-સન્માન મળ્યા છે. આજે પણ રોજ બે-ત્રણ પાનાં લખું છું. લખ્યા વિના હું રહી શકતો નથી.”

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!