Close

એક અશ્વેત છોકરી વિશ્વની શ્રોષ્ઠ ગોલ્ડન ગર્લ બની ગઈ

કભી કભી | Comments Off on એક અશ્વેત છોકરી વિશ્વની શ્રોષ્ઠ ગોલ્ડન ગર્લ બની ગઈ
સિમોન બાઇલ્સ.
સિમોન બાઇલ્સ તે એક જિમ્નાસ્ટ છે.
સિમોનને તેની માતાનો વ્યવહાર વિચિત્ર લાગતો હતો. મા તેના બાળકોને કોઈ પ્રેમ કરતી નહોતી. બીજી માતાઓની જેમ તેની માતા રસોઈ પણ બનાવતી નહોતી. બાળકોની દેખરેખ પણ રાખતી નહોતી. કેટલાયે દિવસો સુધી બહાર રહેતી. ઘેર જ આવતી નહોતી અને જ્યારે પણ ઘેર આવે ત્યારે તેની હાલત બરાબર હોતી નહોતી.
નાનકડી સિમોનને ખબર પડતી નહોતી. તે તેની માતાને સમજવા કોશિશ કરતી હતી. કાંઈ પૂછે તો મા ગુસ્સે થઈ જતી. સિમોનને બે બહેનો હતી. એક ભાઈ હતો. તેના નાના  રોનાલ્ડો અવારનવાર ઘેર આવીને બાળકોની હાલત અંગે પૂછપરછ કરતા. સાચી વાત એ હતી કે સિમોનની માતાને ડ્રગ્સ લેવાની ટેવ હતી. નશો કરવાની આદત હતી. તેઓ અવારનવાર તેને ડ્રગ્સ છોડી દેવાની સલાહ આપતા હતા પરંતુ તેની મા પર તેની કોઈ જ અસર થતી નહોતી,
એ વખતે સિમોન છ વર્ષની હતી. તેને ખબર જ નહોતી કે ડ્રગ્સ શું ચીજ છે? હા, તેટલું એટલું સમજતી હતી કે ડ્રગ્સના કારણે તેની માની હાલત ખરાબ છે.
સમય વીતતો ગયો, પરંતુ તેની માની હાલતમાં કોઈ જ સુધારો થયો નહીં. એક દિવસ નાનાજીએ આવીને સખત ફેંસલો લઈ લીધો.
તેમણે નક્કી કરી નાખ્યું કે સિમોન અને તેની નાની બહેન તેની મા સાથે રહેશે નહીં. તેઓ  સિમોન અને તેની બહેનને પોતાના ઘેર લઈ આવ્યા. માતાએ એક દસ્તાવેજ પર સહી કરી આપી. તેમાં એવું લખવામાં આવ્યું હતું કે, તે કદીયે પોતાની દીકરીઓને મળવા આવશે નહીં.
આ વાત ૨૦૦૩ની છે. એ વખતે નાના તેમની બીજી વારની પત્ની નેલી સાથે ટેક્સાસમાં રહેતા હતા. નેલી એક નેકદિલ મહિલા હતી. સિમોન કહે છે ઃ ‘મારી નાની બહુ જ સારી હતી. તે અમારો બહુ જ ખ્યાલ રાખતી હતી. અમે નાનાને પાપા અને નાનીને મમ્મી કહીને બોલાવતા હતા. એ પણ અમને બહુ જ પ્રેમ કરતાં હતાં. એમણે અમને કાયદાકીય રીતે દત્તક લઈ લીધા હતાં. નાના ઇચ્છતા નહોતા કે અમારી માના કારણે બાળકોનું જીવન ખરાબ થાય. એમણે અમારી માતાને સ્પષ્ટ સૂચના આપી હતી કે તે કદીયે તેમના ઘેર ના આવે.’
હવે સિમોન અને તેની નાની બહેન અદરિયાની જવાબદારી નાના-નાની પર હતી. પરંતુ તેની મોટી બહેન એશલે ભાઈ તેવિન હજુ એકલા હતા. તેમની સંભાળ રાખનારું કોઈ નહોતું.  સૌથી ખરાબ વાત એ હતી કે, સિમોનના પિતા  કેલ્વિન સ્લેવનને પણ નશાની આદત હતી. તેઓ તો કેટલાયે સમય અગાઉ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. આ દરમિયાન એક સંબંધીને એશલે અને તેવિનને દત્તક લઈ લીધા હતા. હવે ચારેય ભાઈ-બહેનોને નવા વાલીઓ પ્રાપ્ત થયા હતા. એમનું અસલી પરિવાર વિખેરાઈ ચૂક્યું હતું.
સિમોન અને અદરિયા હવે સ્કૂલમાં જવા લાગ્યા. જાણે કે બાળપણ ફરીથી પાછું આવ્યું. તેમને નાચતા-કૂદતાં- રમતાં જોઈ નાના-નાની ખુશ થઈ જતાં.
એક દિવસ સ્કૂલ તરફથી નાના બાળકોને એક જિમ્નાસ્ટ સેન્ટર જોવા લઈ જવાયાં. નાનકડી સિમોન જિમ્નાસ્ટની કલાબાજી જોઈને અભિભૂત થઈ ગઈ. તે બધાંની સામે જિમ્નાસ્ટની નકલ કરવા લાગી. બધાં સ્તબ્ધ થઈ ગયાં. તેનામાં ગજબની સ્ફુર્તિ હતી.  કોઈ પણ જાતની તાલીમ વગર તેનું પ્રદર્શન ગજબનું હતું.
તે ઘેર આવી.
એક અઠવાડિયા બાદ જિમ્નાસ્ટ સેન્ટરથી પત્ર આવ્યો. પત્રમાં લખ્યું હતું ઃ ‘તમારી દીકરી સિમોનમાં ગજબનું કૌશલ્ય છે. તેને તાલીમ માટે સેન્ટર પર મોકલો.’
નાના-નાની ખુશ થઈ ગયા. સિમોન પણ બીજા જ દિવસે તેને જિમ્નાસ્ટ સેન્ટરમાં પ્રવેશ અપાવી દીધો. સિમોન કહે છેઃ ‘મારી નાનીએ મને જિમ્નાસ્ટ બનવા પ્રેરિત કરી. તેમણે મને કદી હતાશ થવા દીધી નહીં. તે જ મારી મા છે. મને કદીયે નથી લાગ્યું કે તેઓ મારી મા નથી.’
નાનકડી સિમોનને હવે આ રમતમાં મજા આવવા લાગી. બીજા બાળકોને જે શીખતા વર્ષો લાગી જાય તે કળા સિમોન થોડા વખતમાં જ શીખી ગઈ. અને તે એક શ્રોષ્ઠ જિમ્નાસ્ટ બની ગઈ. થોડા વખતમાં સિમોન આખા અમેરિકામાં જાણીતી બની ગઈ. આ વાતની ખબર તેની અસલી મા શેનોન સુધી પહોંચી. તેવો પોતાની જ પુત્રીને પહેલીવાર ટીવી પર જોઈ પરંતુ સિમોનના નાનાની કડક સલાહને કારણે તે પોતાની દીકરીને મળવા જઈ શકી નહીં. જો કે હવે સિમોનની માતાએ સારવાર લઈ ડ્રગ્સનો નશો કરવાનું છોડી દીધું હતું.  પરંતુ કાનૂની રીતે તે પોતાની પુત્રીઓને મળી શકે તેમ નહોતી. તે  પોતાના બાળકો પરના અધિકાર ગુમાવી ચૂકી હતી.
શેનોન કહે છે ઃ ‘હું મારી પુત્રી સિમોનને મળવા તડપી રહી હતી. હું ખૂબ રડી. પરંતુ હું નહોતી ઇચ્છતી કે મારા કારણે તેનું ધ્યાન વિચલિત થાય. તેથી મેં તેને મળવા કોશિશ કરી નહીં.’
અને તે પછી સિમોન શ્રોષ્ઠ જિમ્નાસ્ટેની શ્રોણીમાં આવી ગઈ. આખા વિશ્વમાં તે જાણીતી બની ગઈ. કરતબ દેખાડતી આ અશ્વેત છોકરીને જોઈ દુનિયા દંગ રહી ગઈ. એણે કેટલાયે ગોલ્ડ મેડલ્સ જીતી લીધા. લોકો તેને ગોલ્ડન ગર્લ તરીકે ઓળખવા લાગ્યા.
છેલ્લે રિયા ડિ જાનેરો ખાતે યોજાયેલી  ઓલિમ્પિકમાં સિમોને ચાર ગોલ્ડ મેડલ્સ જીતી લીધા. ૧૯ વર્ષની વયે વર્લ્ડચેમ્પિયશિપના ઇતિહાસમાં તે સૌથી વધુ ચંદ્રક જીતી ગઈ. તે એક સાથે ત્રણ કરતબ કરી શકે છે. તેની સ્ટાઇલને ‘ધી બાઇલ્સ’ એવું નામ આપવામાં આવ્યું છે.
સિમોન કહે છે ઃ ‘મારા ઘણા મિત્રો મારા જેવાં કરતબ કરવાની કોશિશ કરે છે પરંતુ તેઓ તેમ કરી શકતાં નથી. મને પોતાને જ ખબર નથી કે આ કૌશલ્ય મેં કેવી રીતે શીખી લીધું?’
સિમોન તેની સફળતાથી ખૂબ ખુશ છે. મારા નાના-નાનીના ત્યાગ અને પ્રેમના કારણે શક્ય બન્યું છે.
જો કે સિમોનને હવે તેની માતા સામે કોઈ ફરિયાદ નથી. પાંચ વર્ષ પહેલાં તે તેની માતાને મળી હતી. તે હવે ફોન પર પણ તેની મા સાથે વાત કરી લે છે.
તેની માતા કહે છેઃ ‘મારી દીકરી જ્યારે રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ત્યારે મેં મારાં પડોશીઓને ચોકલેટ વહેંચી હતી. મને વિશ્વાસ નથી બેસતો કે હું સિમોનની મા છું.’
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!