Close

એના શ્યામ- સુકોમળ હાથ પર બંગડીઓ ખૂબ શોભતી

કભી કભી | Comments Off on એના શ્યામ- સુકોમળ હાથ પર બંગડીઓ ખૂબ શોભતી

કાદમ્બરી દેવી.આજની પેઢી માટે આ નામ નવું હશે પરંતુ નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના જીવનથી પરિચિત લોકો માટે એ નામ અજનબી નથી. રવિન્દ્રનાથ ટાગોર જ્યારે ૮ વર્ષના હતા ત્યારે કાદમ્બરી દેવી ૧૦ વર્ષનાં હતાં. રવિન્દ્રનાથ ટાગોરનાં તેઓ ભાભી બનીને ૧૦ વર્ષની વયે તેમના પરિવારમાં આવ્યા હતાં. તેમના મોટાભાઈ જ્યોતિરિન્દ્રનાથ ટાગોરનાં તેઓ પત્ની હતા.

એના શ્યામ- સુકોમળ હાથ પર બંગડીઓ ખૂબ શોભતી

રવિન્દ્રનાથને એ સમયે ઘણાં સહુ રવિ કહેતાં. તેમનું બચપણ સુખમય નહોતું. માત્ર છ વર્ષની વયે તેમને તેમના પરિવારની પ્રણાલિકા પ્રમાણે માતાથી અલગ કરી નોકરોને સોંપી દેવામાં આવ્યાં હતા. આ એક પ્રકારના દેશ- નિકાલ જેવી સ્થિતિ હતી. રવિન્દ્રનાથને કવિ બનાવવા માટે આ દુઃખ પણ એક પરિબળ હતું. તેઓ ૧૪ વર્ષની વયના હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થયું ત્યારે પણ તેમણે તેમની માતા માટે લખ્યું. માતાથી અલગ થઈ ગયેલા રવિ માટે કવિતાઓનું સર્જન એકમાત્ર સહારો હતો. એ પછી તેમનાં ભાભી કાદમ્બરીદેવી તેમના જીવનમાં આવ્યા ત્યારે તેમને એક હુંફ મળી રહી. કાદમ્બરી દેવી તેમના ભાભી બનીને આવ્યા ત્યારે રવિ તેમનાથી બે જ વર્ષ નાના અને કાદમ્બરીના પતિ કાદમ્બરીથી ૧૩ વર્ષ મોટા હતા. એથી બંનેની સમાન વયના કારણે ગાઢ મિત્રતા કેળવાઈ. બેઉ એકબીજાની ખૂબ નજીક આવી ગયાં.

રવિન્દ્રનાથ ટાગોરે ક્યાંક તેમની બચપણની સ્મૃતિઓને ટાંકતાં લખ્યું છે કે ૧૦ વર્ષની નાનકડી કાદમ્બરી દેવીના સુકોમળ શ્યામ હાથ પર સોનાની બંગડીઓ ખૂબ શોભતી હતી. એ વખતે તો રવિન્દ્રનાથ ટાગોર સાવ બાળક જેવા જ હતા પરંતુ તેમનાં નાનકડા ભાભી પ્રત્યે તેમને જબરદસ્ત આકર્ષણ હતું. કાદમ્બરી સહુથી પહેલાં જ્યારે ટાગોર પરિવારમાં પ્રવેશ્યા ત્યારે ખાસ કાંઈ ભણેલાં નહોતાં. એ કારણે એમના માટે અંકગણિતથી માંડીને બંગાળી ભાષાનાં કેટલાંક પુસ્તકો ખરીદવામાં આવ્યા હતાં, પરંતુ એ જ કાદમ્બરી જ્યારે યુવાન બન્યાં ત્યારે એ જ પરિવારની સાહિત્યિક પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન બની ગયાં. કાદમ્બરી દેવી રોમેન્ટિક,ઊર્જાવાન અને બોલ્ડ પણ હતાં. એ જમાનામાં બંગાળી પરિવારો રૂઢિચુસ્ત હતા ત્યારે કાદમ્બરી દેવી ઘોડેસ્વારી કરતા. તેમના પતિ ઉદારમતવાદી હતાં. કાદમ્બરી દેવીને રોજ ઘોડેસવારી કરતાં જોઈ રૂઢિચુસ્ત બંગાળી પરિવારોમાં ભારે ઊહાપોહ થયો હતો. એ જમાનામાં અંગ્રેજોની બ્રિટિશ મેમ સાહેબોને જ આવું કરવાનો અધિકાર હતો.

કાદમ્બરી દેવીના પતિ જ્યોતિરિન્દ્રનાથ મોજિલા માણસ હતા. તેમને ગીત, સંગીત, નૃત્ય અને થિયેટરમાં રસ હતો. મોટા ભાગની સવારે તેઓ નાટકો લખતા તે પછી પિયાનો પર બેસી નવી નવી ધૂન બનાવતા. એ સમયે નાનકડો ભાઈ રવિન્દ્રનાથ સ્કૂલનો ડ્રોપઆઉટ વિદ્યાર્થી હતો. અનેક સ્કૂલો બદલી ચૂક્યો હતો. રવિને રમવામાં જ વધુ રસ હતો. અલબત્ત, નાની વયે જ રવિન્દ્રનાથને કવિતા તરફ આકર્ષણ પેદા થયું હતું. ટાગોર પરિવારનું ઘણું મોટું એસ્ટેટ હતું. મોટાભાઈ એ એસ્ટેટના મેનેજમેન્ટના કામે બપોર પછી બહાર જાય ત્યારે રવિન્દ્રનાથ કાદમ્બરી દેવીને સાહિત્યની વિવિધ રચનાઓ વાંચીને સંભળાવતા. હવે તો રવિન્દ્રનાથ પોતે જ કવિતાઓ લખતા હતા અને તેઓ કાદમ્બરી દેવીને પોતાની રચનાઓ ઉપરાંત એ સમયના જાણીતા બંગાળી લેખકોની કૃતિઓ વાંચી સંભળાવતા હતા. એ જમાનાના મશહુર લેખક બંકિમચંદ્રની નવલકથા ”વિષવૃક્ષ” પણ ટાગોરે કાદમ્બરી દેવીને વાંચી સંભળાવી હતી. રવિન્દ્રનાથ અને તેમનાં ભાભી કાદમ્બરી દેવીની લગભગ દરેક સાંજ આમ જ ગુજરતી. સત્યજીત રેની ફિલ્મ”ચારૂલતા”માં એક દૃશ્ય શાયદ રવિન્દ્રનાથ ટાગોરના જ જીવનનો અંગત અનુભવ હોય તેમ ઘણાંને લાગે છે. ”ચારૂલતા” પણ રવિન્દ્રનાથ ટાગોરની જ કૃતિ હતી જેમાં ભાભી કાદમ્બરી દેવી પોતાના લાડકા દિયરને પંખો નાંખી રહી હોય એવું ઘણાંને લાગે છે.

રવિન્દ્રનાથ ટાગોરે ૧૩થી ૧૮ વર્ષની વયની વચ્ચે જે ”શોઈશબસંગીત”(બચપણના ગીતો) ગીતોની રચના કરી તે બધા જ તેમણે કાદમ્બરી દેવીને અર્પણ કર્યા હતા. તે ગીતો કાદમ્બરી દેવીને અર્પણ કરતાં રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે ”મેં એ ગીતો કાદમ્બરી દેવીની બાજુમાં એમના સાનિધ્યમાં રહીને જ લખ્યાં હતાં અને એ સ્નેહભરી ક્ષણો મારાં એ ગીતામાં જીવંત છે.”

એ વખતે રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓ અને બીજા સાહિત્યસર્જનની શરૂઆતનો સમય હતો. એ સમય ગાળામાં તેમનાં ભાભી કાદમ્બરી દેવી તેમનાં આત્મીય- અંતર્ગત સાથી જ નહીં પરંતુ તેમનાં કેરટેકર પણ હતાં, કારણ કે એ વખતે રવિન્દ્રનાથ સાવ છોકરડા જેવા જ હતા. એ વખતે ટાગોર પરિવારમાં રસોઈયા રસોઈ બનાવતા, જે સ્વાદિષ્ટ રસોઈ નહોતી. તેથી કાદમ્બરી દેવી સ્વયં રવિન્દ્રનાથને ભાવતી રસોઈ જાતે બનાવી આપતાં. એ કાદમ્બરી દેવી તો રવિન્દ્રનાથ માટેનો અસાધારણ પ્રેમ અને લાગણી હતાં. કાદમ્બરી દેવી પ્રેમથી રવિને જમાડતાં અને એટલા જ સ્નેહથી તેમની કવિતાઓ સાંભળતાં. સાંજના સમયે કાદમ્બરી દેવીના પતિ જ્યોતિ રિન્દ્રનાથ પાછા ઘેર આવે એટલે કાદમ્બરી દેવી, તેમના પતિ અને રવિન્દ્રનાથ ઘરની અગાશી પર બેસતાં. એ અગાશીને કાદમ્બરી દેવીએ ટેરેસ ગાર્ડનમાં પરિર્વિતન કરી દીધી હતી, જેની ઉપર તેમણે ગુલાબ, ચમેલી, ચંપો જેવાં સુગંધીદાર ફૂલોના છોડ ઉગાડયા હતા. એ દરમિયાન બન્યું એવું કે પિતાના આગ્રહથી રવિન્દ્રનાથે મૃણાલિની દેવી નામની યુવતી સાથે લગ્ન કરી લીધું અને એ લગ્નના ચાર મહિના બાદ કાદમ્બરી દેવીએ આત્મહત્યા કરી લીધી. આ આત્મહત્યા અંગે ટાગોર પરિવારે ચૂપકીદી સાધી લીધી. રવિન્દ્રનાથ ટાગોરની કિશારાવસ્થાથી યુવાનીમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપનાર કાદમ્બરી દેવીના અચાનક ચાલ્યા જવાથી રવિન્દ્રનાથ ટાગોરના માથા પર આભ તૂટી પડયું હોય તેવું દુઃખ તેમણે અનુભવ્યું. કહેવાય છે કે રવિન્દ્રનાથ ટાગોરે લગ્ન કરી લીધું તે કાદમ્બરી સહન કરી શક્યાં નહોતા. તેમને આ દગો લાગ્યો હતો. કાદમ્બરી દેવીના મૃત્યુ બાદ રવિન્દ્રનાથ ટાગોરનું જીવન પણ જાણે કે સ્થગીત થઈ ગયું હતું. એ પછી રવિન્દ્રનાથ ટાગોરે સી.એફ. એન્ડ્રયુને લખેલા પત્રમાં કાદમ્બરીને ”ર્ફ્સ્ટ ગ્રેટ સ્વીટહાર્ટ” તરીકે સંબોધન કરી તેમણે તેમની વ્યથા રજૂ કરી હતી. એ પત્રમાં રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું: ”મારી એ સ્વીટહાર્ટ ક્યાં છે, જે હું નાનો છોકરો હતો ત્યારે તે જ એક માત્ર મારી સાથી હતી અને મારી એ નવરાશની પળોમાં હું જ્યારે રહસ્યો અને સ્વપ્નોને ઢુંઢતો હતો ત્યારે એની સાથે જ મેં મારો સહુથી વધુ સમય પસાર કર્યો હતો. ‘‘She, my Queen, has died and my world has shut against the door of its inner appartment of beauty which gives on the real taste of freedom.’’

રવિન્દ્રનાથ ટાગોરની બાયોગ્રાફી લખનારા ઘણા લેખકોના મતે કાદમ્બરી દેવીનો રવિન્દ્રનાથ ટાગોરની યુવાનીના સમયગાળા દરમિયાન ભારે મોટો પ્રભાવ હતો. ઘણાંએ કાદમ્બરી દેવીને રવિન્દ્રનાથ ટાગોરનાં ‘પ્લેમેઈટ’ અને તેમની સારસંભાળ લેનારા ”ર્ગાર્ડિયન-એન્જલ” પણ કહ્યાં છે. રવિન્દ્રનાથના હૃદય પર કાદમ્બરી દેવી એક છવાઈ ગયેલાં નારી હતાં. અલબત્ત, રવિન્દ્રનાથ ટાગોરના અને કાદમ્બરી દેવીના સ્નિગ્ધ સંબંધોને રવિન્દ્રનાથ ટાગોરે જ તેમના શબ્દોમાં શ્રેષ્ઠ રીતે કંડાર્યા છેઃ ”માનવીનું હૃદય એક પ્રવાહી જેવું છે, જેને જુદા જુદા પાત્રમાં ભરવામાં આવે તો તે જુદા જુદા આકારનું ભાસે છે, કારણ કે દરેક પાત્ર અલગ અલગ છે. ભાગ્યે જ એ પ્રવાહીને યોગ્ય પાત્ર મળે છે.”

કહેવાય છે કે કાદમ્બરી રવિન્દ્રનાથની જિંદગીનું યોગ્ય પાત્ર (કન્ટેનર) હતા. રવિન્દ્રનાથ ટાગોરે તેમની સ્મૃતિ શ્રૃંખલામાં લખ્યું છે કે, ”ગંગા નદીના કિનારે અમારા ગાર્ડન એસ્ટેટમાં બે માળનું મકાન હતું. વરસાદની મોસમ હતી. આકાશમાં વાદળો હતાં. વરસાદ શરૂ થઈ ગયો હતો. મેં એના માટે ગીત ગાયું. એણે પ્રશંસાના કોઈ પણ શબ્દો ઉચ્ચાર્યા વિના મારું ગીત શાંતિથી સાંભળ્યું એ વખતે હું ૧૬ કે ૧૭ વર્ષનો હતો. અમે એમાં રહેલી ભાવનાની બાબતો પર દલીલો કરી પરંતુ થોડી જ વારમાં અમારી દલીલોએ શાર્પનેસ ગૂમાવી.

સુપ્રસિદ્ધ લેખક સુધીર કક્કરે તાજેતરમાં લખેલા પુસ્તક-‘‘Young Tagore: The making of a Genius માં આ વાતો ઊજાગર કરી છે.- દેવેન્દ્ર પટેલ

  • રવિન્દ્રનાથ ટાગોરના જીવનમાં તેમના ભાભી કાદમ્બરીદેવીનું શું સ્થાન હતું ?

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!