Close

‘ક્ષીપ્રા, તું બહું નસીબદાર છે તારા વરનો ફોટો તો બતાવ’

કભી કભી | Comments Off on ‘ક્ષીપ્રા, તું બહું નસીબદાર છે તારા વરનો ફોટો તો બતાવ’

 

ક્ષીપ્રા આમ તો નદીનું નામ છે પરંતુ અહીં એક સ્ત્રીની વાત છે
ક્ષીપ્રા ઉત્તર ગુજરાતના એક ગામડાના સામાન્ય અને ખેડૂત પરિવારમાં જન્મેલી છે. એના પિતા સુશિક્ષિત હોઈ દીકરીનું આવું સરસ નામ પાડયું હતું. આવક ઓછી પરંતુ ઘરમાં ઉચ્ચ સંસ્કારની ધરોહર હતી. ઘરમાં રોજ સવાર સાંજ દીવો થાય. સવારે ક્ષીપ્રાના પિતા રોજ શ્રાીમદ્ ભગવદ ગીતાનો એક પાઠ કરે. ઓછી આવકના કારણે ઘરમાં સૌએ કરકસરથી રહેવાનું સ્વીકારી લીધું હતું. ઘરમાં બીજા બે ભાઈ અને એક બહેન પણ હતી. મોજશોખ ઓછા કરીને બધાં જ ભાઈ-બહેનો સારું ભણ્યા હતાં. ક્ષીપ્રાનો એક ભાઈ તો સી.એ. પણ થયો.
ક્ષીપ્રા વયસ્ક થતાં તેના માટે છોકરાની શોધ ચાલી. ક્ષીપ્રાએ તેનાં માતા-પિતા જે કોઈ છોકરો પસંદ કરે તે તેણે સ્વીકારી લીધું હતું. ક્ષીપ્રાના પિતાને હતું કે ગામડામાં હવે કોઈ ગુણવત્તાવાળું જીવન નથી એથી છોકરીને શહેરમાં પરણાવીએ.
શહેરમાં રહેતો સમાજનો જ એક મુરતિયો શોધી કાઢવામાં આવ્યો. જે છોકરો ક્ષીપ્રાનાં માતાપિતાને પસંદ પડયો તેનું પરિવાર શહેરમાં સોના-ચાંદીનો શૉ રૂમ ધરાવતું હતું. આવક ઘણી જ સારી હતી. ક્ષીપ્રાને જોવા માટે શહેરમાં બોલાવવામાં આવી. ક્ષીપ્રા સુંદર, સરળ અને શરમાળ હતી. ક્ષીપ્રા બધાંને પસંદ પડી. છોકરાવાળાઓના ઘરમાં ક્ષીપ્રાના ઘર કરતાં ઘણી સવલતો અને સાહ્યબી હતી. ક્ષીપ્રાનાં માતા-પિતા તો ખુશ થઈ ગયાં.
સગાઈ થઈ ગઈ.
ગામડામાં તો વાતો થવા લાગી કે ‘ક્ષીપ્રા, તું નસીબદાર છે. હવે તારા માથેથી ખેતી ગઈ, મજૂરી ગઈ. શહેરમાં રહેવાનું. મોટરગાડીમાં ફરવાનું. તારા વરનો ફોટો તો બતાવ.’
અને ક્ષીપ્રા કોઈને ય તેના થનાર પતિની તસવીર બતાવતી નહીં હા, તે એકલી હોય ત્યારે ફેટાને જોયા કરતી છોકરાનું નામ કનિષ્ક હતું. ક્ષીપ્રા માટે કનિષ્ક તેનો સ્વપ્નપુરુષ હતો. હવે તે અત્યંત ખુશ રહેવા લાગી હતી.
સમય વહેતાં લગ્નની તિથિ પણ નક્કી થઈ ગઈ. કનિષ્ક જ્યારે જાન લઈને ગામડે પરણવા આવ્યો ત્યારે આખું ગામ ક્ષીપ્રાના વરને જોવા ભેગું થઈ ગયું હતું. જિંદગીની તમામ બચતનો ઘણો મોટો ભાગ ક્ષીપ્રાના લગ્ન પાછળ ખર્ચવામાં આવ્યો. ક્ષીપ્રા પરણીને સાસરે આવી.
મધુરજની આબુમાં મનાવવામાં આવી
આબુથી ફ્રીને ક્ષીપ્રા અને કનિષ્ક  પાછાં આવ્યાં. કનિષ્ક  ભણવાનું પૂરું થઈ જતાં હવે શૉ રૂમ પર જવા લગ્યો હતો. ઘરમાં સંયુક્ત કુટુંબ હતું. દિયર-દેરાણી, જેઠ-જેઠાણી, સાસુ-સસરાં- બધાં જ સાથે રહેતાં હતાં. ક્ષીપ્રા ગામડાની હતી છતાં તે શહેરની જબાન બોલવા લાગી પરંતુ એના જેઠ-જેઠાણી વચ્ચે એક દિવસ ઝઘડો થયો ત્યારે જેઠે જેઠાણીને જાહેરમાં જે ગાળ દીધી તેથી તે સ્તબ્ધ બની ગઈ. એક દિવસ જેઠાણીએ એની દેરાણીને જાહેરમાં ગાળ દીધી. ક્ષીપ્રાએ તો આવા બીભત્સ શબ્દો જિંદગીમાં કોઈ સ્ત્રીનાં મોઢે સાંભળ્યા જ નહોતા. લગ્નના છ જ મહિનામાં તેને ખ્યાલ આવી ગયો કે શહેરના સૌથી ગંદા પરિવારમાં તે આવી પડી છે.-પિયરના સંસ્કારો તો કોઈ જુદા જ હતા. એક દિવસ એની સાસુએ જ ક્ષીપ્રાને ‘સાલી * રાંડ* કહીને સંબોધી. ક્ષીપ્રાને જબરદસ્ત -આઘાત લાગ્યો. થોડા દિવસ પછી ક્ષીપ્રાના  સસરાએ તેમના છોકરાઓને ‘ભૂંડ’કહીને સંબોધ્યા. ક્ષીપ્રા તો આભી જ બની ગઈ. પરાકાષ્ટા તો એ હતી કે બાપ અને તેમના બન્ને દીકરાઓ સાથે બેસીને એક જ તમાકુની પડીકીમાંથી તમાકુ ખાતા હતા. ક્ષીપ્રાએ આવું કદી કલ્પ્યું નહોતું.આવી આઘાતજનક પરિસ્થિતિમાં પણ તેણે એક પુત્રને જન્મ આપ્યો. જેટલો સમય તે પિયર રહી તેટલો સમય તેને શાંતિ રહી. પુત્રને લઈ તે ફ્રી સાસરે શહેરમાં આવી. ફરી તે નર્કાગારમાં આવી ગઈ હોય તેમ તેને લાગ્યું. પિતા અને પુત્રો દુકાનમાંથી જે કમાણી થાય તેને ઉડાવવાની જાણે કે સ્પર્ધા કરતા હતા. કનિષ્ક  શૉ રૂમ ૫૨ જવા લાગ્યો. પછી ધીમે ધીમે મોડો ઘેર આવવા લાગ્યો હતો. ક્ષીપ્રા પૂછે કે, ‘શો રૂમ તો સાડા આઠ વાગે બધ થઈ જાય છે ને તમે રાત્રે ૧૧ વાગે કેમ ઘેર આવો છો?’
તોે કાન પણ ના સાંભળી શકે તેવી ગાળ સાંભળવી પડે. ગાળો બોલવામાં પણ ઘરમાં હરીફાઈ જેવી પરિસ્થિતિ હતી. એક દિવસ ક્ષીપ્રા ઘરમાં એમ્બ્રોઈડરી સિલાઈ માટે મશીન લઈ આવી. ગામડામાં તે આ કામ શીખી હતી. એમ્બ્રોઈડરીનું મશીન જોતાં જ એના પતિનું મગજ ફટક્યું. ફરી એક ગાળ સાથે મશીન ઘરની બહાર ફ્ેંકી દીધું. શાયદ તે દારૂ પીને આવ્યો હતો….. થોડા દિવસ પછી કનિષ્ક લગભગ રોજ રાત્રે દારૂ પીને ઘેર આવવા લાગ્યો. ક્ષીપ્રા માટે આ અસહ્ય પરિસ્થિતિ હતી. ક્ષીપ્રાથી દારૂની વાસ સહન થતી નહોતી. ક્ષીપ્રાએ હવે અલગ નીચે પથારી કરીને સૂવાની શરૂઆત કરી. કનિષ્કને પણ જાણે કે એની પત્નીની જરૂર ના હોય તેમ તે અલગ સૂઈ જાય તો તેને વાંધો ના હોય તેવી બેફિકરાઈ દર્શાવવા માંડયો. કોઈ કોઈ વાર તેને પતિસુખ માણવાની ઈચ્છા થઈ આવતી પરંતુ કનિષ્કને જાણે કે કોઈ પરવા નહોતી.
એક દિવસ કનિષ્ક ખૂબ દારૂ પીને આવ્યો હતો. તેને કપડાંનું પણ ભાન નહોતું. ક્ષીપ્રા ગભરાઈ ગઈ, બીજા દિવસે એણે એની સાસુને ફ્રિયાદ કરીઃ ‘તમે કનિષ્કને કાંઈ કહો. કાલે એટલો બધો દારૂ પીધો હતો કે તેમને કપડાંનું પણ ભાન નહોતું.’
તોે સાસુએ ક્ષીપ્રાને જ ઝાટકી નાંખીઃ ‘ જૂઠ્ઠી! આદમી છે ને કમાય પણ છે. તો એની કમાણીમાંથી દારૂ પીવે છે, તારા બાપાના ઘરના પૈસાથી તો નથી પીતો ને!’
સાસએ એમના દીકરાને વઢવાને બદલે વહુનો જ ઉધડો લીધો ઃ ‘ ગમાર, ગામડીયણ, તું પિયરમાંથી લાવી છે કાંઈ તે તું મને મારા દીકરા વિશે ફરિયાદ કરે છે. કોઈ દિવસ રૂપિયો જોયો હોય તો ને!’
ક્ષીપા ચૂપ થઈ ગઈ.
સમય વીતતો ગયો. હવે ક્ષીપ્રાને અને કનિષ્કનેે નામ માત્રનો પતિ-પત્ની વચ્ચેનો સંબંધ હતો. ક્ષીપ્રાને પણ હવે લોકો કહેવા લાગ્યા હતા કે, કનિષ્ક ફલાણી છોકરીને લઈને ફ્રે છે.’ કોઈકે તો એમ કહ્યું કે, ‘તમારા જ શૉ રૂમની એક છોકરી સાથે અમે તેને સિનેમા થિયેટરમાં જોયો હતો.’
ક્ષીપા  માટે આ બધા વધુ ને વધુ આઘાતજનક  સમાચાર હતા. હવે બાપ-દીકરાઓ દુકાન પર ધ્યાન ઓછું આપતા હતા. આવક ઘટવા લાગી હતી. ખર્ચ વધતું જતું હતું. શાયદ, કનિષ્ક શો-રૂમની છોકરી પાછળ ઉડાવી દેતો હતો. તેને એક છોકરીથી સંતોષ નહોતો. તે હવે એક ચાલીમાં પણ જતો હતો. એ ચાલીમાં ધંધો કરતી કેટલીક બજારું છોકરીઓનો અડ્ડો હતો.
ક્ષીપ્રાથી આ સહન ના થતાં એણે છ મહિનાના અબોલા તોડતાં કહ્યુંઃ ‘કનિષ્ક!’ તમે ચાલીની છોકરીઓ પાસે જાવ છો, તમને શરમ નથી આવતી?’
તોે કનિષ્ક સંભળાવ્યું ઃ ‘તને ઘરમાંથી કાઢવા માટે ચાર ચાર બૈરાંઓને લઈને ફરું છું, પણ તું જતી જ નથી.’
ક્ષીપ્રા માટે આ તેના સન્માન પર ઘા હતો. તે જ દિવસે તે બધી જ પરવા છોડીને પુત્રને લઈ પિતાના ઘેર ગામડે જતી રહી. ક્ષીપ્રાનું શરીર સાવ અડધું થઈ ગયું હતું. રડી રડીને આંખો સૂઝી ગઈ હતી. ઘેર આવીને બેગ મૂકતાં તે બોલીઃ ‘હવે હું કદી સાસરે નહીં જાઉં.’ કેટલાયે સમયથી સંઘરી રાખેલી વ્યથા તેણે માતા-પિતા તથા ભાઈઓ સમક્ષ ઉલેચી નાંખી. એણે કહ્યુંઃ ‘હું ઘર છોડી રહી હતી ત્યારે કનિષ્ક બોલ્યો હતો ઃ ‘ગામડીયણ પાછી કદીય આવતી નહીં. હું મરી જાઉં તો બંગડીઓ ફોડતી નહીં. મને તારું મોં કદીક બતાવતી નહીં.’
ઘરમાં બધાંએ સાંત્વન આપ્યું. થોડોક સમય ઘેર રાખી તેને મનાવી ક્ષીપ્રાને તેનો ભાઈ ફરી સાસરે મૂકવા ગયો. થોડા વડીલોને વચ્ચે રાખ્યા. ‘દીકરી સાસરે જ શોભે’ એમ કહી બધાંને સમજાવ્યા. ક્ષીપ્રા મન મનાવી ફરી પતિના ઘેર આવી. પરંતુ ઘરમાં વાતાવરણ હવે બદલાઈ ગયું હતું. શૉ રૂમ ચાલતો નહોતો. જેઠ-જેઠાણી નવો કામ-ધંધો શોધવા મુંબઈ જતાં રહ્યાં હતાં. કનિષ્ક જ દુકાનનો સર્વેસર્વા થઈને બેઠો હતો અને મોટાભાગની મિલકત એણે ઉડાવી દીધી હતી.
અચાનક એક દિવસ ખબર આવ્યા કે, ‘કનિષ્ક  ‘પ્રિયા’ નામની છોકરીને લઈને ભાગી ગયો છે.’ ઘરમાં સાસુ-સસરાને જ કોઈએ બહારથી સમાચાર આપ્યા. ક્ષીપ્રા આ વાત કોઈને પણ ના કહે તે માટે તેને બે ત્રણ દિવસ ઘરમાંથી બહાર જવા જ દેવામાં ના આવી. ત્રણેક દિવસ બાદ ચુપકિદીથી તે પડોસમાં ગઈ ને ત્યાંથી ફોન કરી તેણે પોતાના ભાઈને જાણ કરી. ક્ષીપ્રાનો ભાઈ દોડતો આવ્યો તો ક્ષીપ્રાના સાસુ-સસરા રડવા લાગ્યાં ઃ ‘મહેરબાની કરી, તમે કાયદેસરની કાર્યવાહી કરશો નહીં, અમારો છોકરો આવી જશે.’
પરંતુ પાંચ દિવસ પછી કનિષ્કનો ઉદયપુરથી ફોન આવ્યો ઃ ‘ક્ષીપ્રાને કાઢી મૂકોને.   મને છૂટાછેડા આપે તો જ ઘેર આવું. પૈસા મોકલી આપો.’
ક્ષીપ્રા અને તેના ભાઈઓએ હવે જોઈ લીધું કે આ ઘરમાં ક્ષીપ્રાનું કોઈ જ ભવિષ્ય નથી. તેમણે ક્ષીપ્રા અને કનિષ્કના છૂટાછેડા માટે હા પાડી દીધી. કનિષ્ક ‘પ્રિયા’ને લઈને ઘેર પાછો આવ્યો. ક્ષીપ્રાએ હવે અલગ મકાનમાં રહેવાનો બંદોબસ્ત કરાવી લીધો.
ક્ષીપ્રા હવે અલગ તેના પુત્ર સાથે રહેવા લાગી. તેને કોઈ પરેશાન ના કરે તે માટે તેનો નાનો ભાઈ ને ભાભી પણ તેની સાથે રહેવા આવી ગયાં.આ વાતને એક વર્ષ જેટલો સમય થઈ ગયો. થોડા દિવસો પહેલાં જ ક્ષીપ્રાને સમાચાર મળ્યા કે તેનો પતિ બહુ જ બીમાર છે. લેબોરેટરી ટેસ્ટ કરાવતા માલૂમ પડયું છે કે તેને ઁૈંફ ઁર્ંજીફઈ – એટલે કે ‘એઈડ્સ’ છે. આ સાંભળતા જ ક્ષીપ્રાનો ભાઈ ક્ષીપ્રાને પણ ટેસ્ટ માટે ડૉક્ટર પાસે લઈ ગયો. ક્ષીપ્રા અને તેના પુત્ર બન્નેનો લેબોરેટરી ટેસ્ટ કરાવરાવ્યો. સદ્નસીબે ટેસ્ટ નેગેટિવ આવ્યો. પતિએ લાંબા સમયથી જ ક્ષીપ્રાનો સંસર્ગ બંધ કરી દીધો હોવાથી તે બચી ગઈ હતી.
ક્ષીપ્રા આજે ભગવાનનો પાડ માની રહી છે.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!