અ સલ નામઃ મીશેલ ડિમીટ્રી કેલહુબ.
જન્મઃ તા. ૧૦ એપ્રિલ, ૧૯૩૨
જન્મ સ્થળઃ કૈરો, ઈજિપ્ત.
મૃત્યુ તાઃ ૧૦ જુલાઈ, ૨૦૧૫
– આ વ્યક્તિને દુનિયા ઓમર શરીફ તરીકે ઓળખે છે. એક વાર લંડનની એક રેસ્ટોરાંમાં તેઓ બેઠેલા હતા ત્યારે ગોરી યુવતીઓ તેમને જોતા જ તેમની પાસે દોડી ગઈ. તેમને સ્પર્શવા લાગી ત્યારે એમણે કહ્યું: ‘ગર્લ્સ! એ ના ભૂલો કે તમારી મમ્મીઓ મારી ફેન હતી.’
હોલિવુડના આ લેજન્ડરી અભિનેતાએ પોતાની આગવી અદાકારીથી એમના જમાનાના મશહૂર એક્ટર્સની વચ્ચે પણ તેમનું આગવું સ્થાન ઊભું કર્યું હતું. ગ્રેગરી પેક અને પીટર ઓ’ટુલેે જેવા કલાકારો પણ તેમની આગળ ઝાંખા પડતા હતા. ઓમર શરીફે ‘લોરેન્સ ઓફ અરેબિયા’, ડોક્ટર ઝિવાગો, ધી બ્લેમિંગ સન, મેકેન્નાઝ ગોલ્ડ,ધી ફેબ્યુલસ એડવાન્ચર્સ ઓફ માર્કો પોલો, ફનીગર્લ, ચંગીઝખાન અને ધી સ્લીપિંગ પ્રિન્સ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. કાળી ચમકીલી આંખો, કાળા કર્લી હેર, ઉઠાવ આપતી મૂછો, ઓઈલ પેઈન્ટ સ્મિત અને રિફાઈન્ડ ફીચર્સના કારણે વિશ્વની લાખ્ખો સ્ત્રીઓ તેમની ચાહક હતી.
ઈજિપ્તની રાષ્ટ્રીયતા ધરાવતા ઓમર શરીફે એલેક્ઝાન્ડ્રીયાની વિકટોરિયા કોલેજમાં ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેઓ કેરો યુનિર્વિસટી દ્વારા ગ્રેજ્યુએટ થયા હતા. તેઓ એક શ્રીમંત વેપારીના પિતાના પુત્ર હતા. તેમના પિતાના પૂર્વજો લેબિનિજ- સિરિયન હતા. ઓમર શરીફે ઈસ્લામ અપનાવ્યો તે પહેલાં ગ્રીક કેથલિક ફેમિલીનો વારસો ધરાવતા હતા. શરૂઆતનાં પાંચ વર્ષ સુધી પિતાના ધંધામાં કામ કર્યા બાદ તેમના પરિવારના એક મિત્ર કે જેઓ ઈજિપ્શિયન ફિલ્મો બનાવતા હતા. તેમણે તેમને એક ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી. ઈજિપ્શિયન ફિલ્મોમાં કામ કરતાં કરતાં તેઓ એમના સમયની મશહૂર ઈજિપ્શિયન અભિનેત્રી ફાતેન હમામા સાથે પ્રેમમાં પડયા હતા અને ૧૯૫૫માં તેની સાથે લગ્ન પણ કરી લીધું હતું. તે પછી તેમણે કુલ ૨૩ એરેબિક ફિલ્મોમાં કામ કર્યું હતું. એ પછી તેમણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને મિશેલ ડીમિટ્રી નામ બદલીને પોતાનું નામ ઓમર અલ શરીફ રાખ્યું હતું. તે પછી તેઓ ઓમર શરીફ તરીકે જાણીતા બન્યા.
ઓમર શરીફ અરેબિક, અંગ્રેજી, ગ્રીક, ફ્રેન્ચ, સ્પેનિશ અને ઈટાલિયન ભાષા બોલી શકતા હતા. ઈજિપ્તમાં જમાલ અબ્દુલ નાસરના શાસન દરમિયાન ઈજિપ્તના નાગરિકો પર વિદેશ પ્રવાસ પર નિયંત્રણો આવતા તેઓ સ્વેચ્છાએ યુરોપમાં દેશ-નિકાલ જેવી પરિસ્થિતિમાં રહ્યા હતા. આ કારણે તેમની અને તેમના પત્ની ફાતેન હમામા વચ્ચે અંતર ઊભું થયું હતું અને છૂટાછેડા લીધા હતા. નોંધપાત્ર વાત એ છે કે ફાતેન હમામા સાથે લગ્ન કરવા જ તેમણે ફાતેનની લાગણીને માન આપવા ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. તલાક પહેલાં તેઓ તારેક અલ શરીફ નામના પુત્રના પિતા પણ બન્યા હતા.
ઓમર શરીફને ઈંગ્લિશ ફિલ્મ ‘લોરેન્સ ઓફ અરેબિયા’ માં કામ કરવાની ઓફર ડેવીડ લીને ૧૯૬૨માં કરી હતી. આ ફિલ્મના કારણે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકેનો ઓસ્કાર અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડસ પ્રાપ્ત થયા હતા. તે પછી હોલિવુડમાં અનેક ફિલ્મોમાં તેમની સહાયક અભિનેતા તરીકેની માગ વધી હતી. તેમના બિન અમેરિકન અને બિન યુરોપિયન ચહેરાના કારણે હોલિવુડની ફિલ્મોેમાં વિદેશીની ભૂમિકાઓ તેમના મળવા લાગી હતી. તેમણે યુગોસ્લોવ વોરટાઈમ પેટ્રીયટ તરીકે ફિલ્મ ‘ધી યલો રોલ્સ રોઈસ’ (૧૯૬૪) તથા જર્મન મિલિટરી ઓફિસર તરીકે ‘નાઈટ ઓફ ધી જનરલ્સ’ (૧૯૬૭)માં કામ કર્યું.
૧૯૬૫માં ડેવિડ લીન રશિયન નવલકથા ‘ડોક્ટર ઝિવાગો’ ફિલ્મ માટે તેમને ફરી પસંદ કર્યો. ૧૯૫૭માં બોરિસ પાસ્તારનાક લિખિત આ રશિયન નવલકથાકાર રશિયામાં જ પ્રતિબંધ હતો. રશિયાની લોહીલુહાણ ક્રાંતિની ભીતર ખીલી ઊઠેલી એક પ્રણય કથાના ભગ્ન પતિ અને ભગ્ન પ્રેમી ડોક્ટર ઝિવાગો તરીકે ઓમર શરીફે યાદગાર અભિનય આપ્યો. માઈનસ ૪૦ ડિગ્રીવાળા બર્ફીલા વિસ્તારોમાં આ ફિલ્મનું શૂટિંગ થયું. ડોક્ટર ઝિવાગોના પાત્રમાં ઓમર શરીફે આંખોમાં દર્દ અને નરી વાસ્તવિક્તા ભરી દીધાં. ડેવીડ લીન એ જમાનાના મશહૂર દિગ્દર્શક હતા. આ ફિલ્મમાં કરેલા રોલના કારણે શ્રેષ્ઠ અભિનેતા તરીકે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પ્રાપ્ત થયો. આશ્ચર્યની વાત એ હતી કે ડોક્ટર ઝિવાગો ફિલ્મના ૧૦ એકેડેમી એવોર્ડ માટે નોમિનેશન મળ્યા હતા પરંતુ ઓમર શરીફને શ્રેષ્ઠ એક્ટરની કેટેગરીમાં નોમિનેટ જ કરવામાં આવ્યા નહીં. અલબત્ત તેમણે ડોક્ટર ઝિવાગોના રોલ દ્વારા આખા વિશ્વના પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.
તે પછી તેમણે એ જમાનાની પ્રખ્યાત હીરોઈન બાર્બરા સ્ટ્રીસાન્ડ સાથે ૧૯૬૮માં ‘ફની ગર્લ’ ફિલ્મમાં કામ કર્યું. તેમણે ફિલ્મમાં બાર્બરા સ્ટ્રીસાન્ડ અભિનીત ફેની બ્રાઈસના પતિ તરીકેનો રોલ કર્યો. અહીં એક મુશ્કેલી ઊભી થઈ. બાર્બરા સ્ટ્રીસાન્ડનું યુદ્ધના સમયે આરબ વિરોધી ઈઝરાયેલની ચળવળને સમર્થન આપતી હોઈ તેની સાથે કામ કરવા બદલ ઈજિપ્ત સરકાર ઓમર શરીફ પર ક્રોધે ભરાઈ. ઈજિપ્તે એ ફિલ્મનો વિરોધ કર્યો અને બીજા આરબ દેશોએ પણ એ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો. અલબત્ત, આ રાજકીય ગરમાગરમીમાં પણ ઓમર શરીફ અને બાર્બરા સ્ટ્રીસાન્ડ વચ્ચે પ્રણયની વસંત ખીલી ઊઠી. પાછળથી ઓમર શરીફે કબૂલ કર્યું હતું કે શરૂઆતમાં મને બાર્બરા સ્ટ્રીસાન્ડ બહુ આકર્ષક લાગતી નહોતી પરંતુ પાછળથી તે મારા હૃદયમાં છવાઈ ગઈ હતી. હું પાગલની જેમ તેને ચાહવા લાગ્યો હતો. મેં મારા જીવનમાં આવી ર્ગોિજયસ સ્ત્રી કદી જોઈ નથી. તે પછી મને તે શરીરની દૃષ્ટિએ પણ સુંદર લાગતી હતી અને હું તેની પાછળ કામુક થઈ ગયો હતો.
ઓમર શરીફની બીજી યાદગાર ફિલ્મોમાં એક છે ‘મેકેન્નાઝ ગોલ્ડ’ જેમાં તેમણે હોલિવુડના મશહુર અભિનેતા ગ્રેગરી પેક સામે એક બદમાશ લૂંટારાનો લાજવાબ રોલ કર્યો. ફિલ્મી કથા પણ અદ્ભુત છે જેમાં પર્વતોની ખીણમાં દૈવી અને શાપીત સોનાની ખોજમાં અનેક ટુકડીઓ જાય છે અને મોતને ભેટતી રહે છે. ગ્રેગરી પેકના દિમાગમાં એ સોના સુધી પહોંચવાનો નકશો છે અને ઓેમર શરીફ તેને બંદીવાન બનાવી પર્વતો સુધી લઈ જવામાં સફળ થાય છે પરંતુ એ બંને વચ્ચેની ફાઈટ તથા ભૂકંપના દૃશ્યોથી એ ફિલ્મ સ્પેક્ટેક્યુલર બની હતી. ગ્રેગરી પેક કરતાં પણ કેટલાકને ઓેમર શરીફનો રોલ અને આઉટ લો તરીકેનું એનું મેનરિઝમ ઘણાંને વધુ પસંદ આવ્યાં હતાં.
ઓમર શરીફ એક શ્રેષ્ઠ એક્ટર હોવા ઉપરાંત શ્રેષ્ઠ બ્રિજ પ્લેયર હતા. તેઓ લાઈફલોંગ ગેમ્બલર હતા. વિશ્વના શ્રેષ્ઠ ૫૦ બ્રિજ પ્લેયર્સમાં તેમનો સમાવેશ થાય છે. તેઓ ઈરાનના શાહ સમક્ષ ચાર્લ્સ ગોરેનની સામે એક પ્રદર્શન મેચ પણ ખેલ્યા હતા. તેઓ બ્રિજ અંગે ‘શિકાગો ટ્રીબ્યુન’ અને બીજાં અખબારો માટે કોલમ પણ લખતા હતા. બ્રિજની રમત અંગે તેમણે પુસ્તકો પણ લખ્યાં. ઓમર શરીફ ફ્રાન્સના કેસિનોમાં નિયમિત જુગાર રમતા દેખાતા. અલબત્ત, ૨૦૦૬માં તેમણે જાહેર કર્યું હતું કે મેં હવે બ્રિજ રમવાનું છોડી દીધું છે?
એક નોંધપાત્ર ઘટના જાણવા જેવી છે. ૧૯૫૪માં ઓમર શરીફે ઈજિપ્તમાં ‘સ્ટ્રગલ ઈન વેલી’ ફિલ્મમાં પહેલી જ વાર ઈજિપ્શીયન અભિનેત્રી ફાતેન હમામા સાથે કામ કર્યું ત્યારે એક દૃશ્યમાં તેમણે ફાતેનને ચુંબન કરવાનું હતું. શરૂઆતમાં ફાતેને સ્ક્રીન પર ચુંબન દૃશ્ય આપવા ઈન્કાર કર્યો પણ પાછળથી તે બંનેએ કેમેરા સામે ચુંબન કર્યું હતું. બેઉ એકબીજાના પ્રેમમાં પડયા અને ફાતેન સાથે લગ્ન કરવા જ તેમણે ધર્મ બદલ્યો. લગ્ન બાદ એક પુત્ર થયો તેનું નામ તારેક અલ શરાફ, જેણે પણ ડોક્ટર ઝિવાગો ફિલ્મમાં નાનકડા બાળક યુરી ઝિવાગો તરીકે આઠ વર્ષની વયે રોલ કર્યો હતો. ૧૯૬૬માં ઓમર શરીફ અને ફાતેનના છૂટાછેડા થયા તે પછી તેઓે કદી પરણ્યા નહીં. ઈજિપ્તની નાસર સરકારના અનેક પ્રતિબંધોના કારણે પત્ની કેરોમાં જ રહી ગઈ અને ઓમર શરીફ યુરોપની હોટલોમાં જ એકાકિ જીવન બસર કરતા રહ્યા. એકવાર તેમણે કહ્યું હતું: ”ફિલ્મોેએ મને ગ્લોરી અને લોકપ્રિયતા બક્ષી પણ એણે મને એકલવાયાપણું પણ આપ્યું. મને મારી માતૃભૂમિની યાદ સદા સતાવતી રહી. મને મારા દેશવાસીઓની અને મારા દેશની યાદ સદા સતાવતી રહી.”
ફાતેન સાથે છૂટાછેડા બાદ ઓમર શરીફના બાર્બરા સ્ટ્રીસાન્ડ સાથેનો અફેર ઈજિપ્તના અખબારોમાં છપાયા બાદ ઈજિપ્તની સરકારે બાર્બરાના ઈઝરાયેલ પ્રત્યેના ખુલ્લા સમર્થનના કારણે ઓમર શરીફનું નાગરિકત્વ લગભગ ખૂંચવી જ લીધું હતું.
રાજનીતિ કેવી ક્રૂર હોય છે જે પતિ- પત્નીને પણ અલગ કરી શકે છે અને પ્રણયના બદલામાં નાગરિકત્વ પણ ખતમ કરી શકે છે, પરંતુ ઈજિપ્ત સરકારને એ વાતની ખબર નથી કે ઓમર શરીફ માત્ર એક્ટર જ નહોતા પરંતુ શ્રેષ્ઠ બ્રિજ પ્લેયર અને શ્રેષ્ઠ માનવી પણ હતા. તેમની ટેલેન્ટને કોઈ સરહદો નહોતી.



