Close

જર્મનીની જડતાનો ભોગ બનેલું ગુજરાતી પરિવાર `અમને અમારી દીકરી ક્યારે પાછી મળશે?’

કભી કભી | Comments Off on જર્મનીની જડતાનો ભોગ બનેલું ગુજરાતી પરિવાર `અમને અમારી દીકરી ક્યારે પાછી મળશે?’
જો તમે તમારા નાનકડાં બાળકોને લઈને જર્મની કે યુરોપ-અમેરિકા જાવ છો તો સૌથી પહેલાં આ સંવેદનશીલ ઘટના વાંચી લો. દરેક દેશોમાં બાળકોની સારસંભાળના આકરા, જડ અને અલગ નિયમો છે. તમારા જ પોતાના સંતાનને સાચવવામાં જરા પણ ભૂલ કરી તો જે તે દેશની ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અધિકારીઓ આવીને તમારા બાળકનો કબજો લઈ લેશે અને બાળકને ચાઈલ્ડ પ્રોટેક્શન કાનૂન હેઠળ અનાથાશ્રમમાં મૂકી દેશે તે પછી તમારે જ તમારા બાળકને પાછું મેળવવા માટે મહિનાઓ કે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડશે.
ઘટના એવી છે કે ગુજરાતમાં રહેવાવાળા ભાવેશ શાહ અને તેમનાં પત્ની ધારા શાહ સાથે વર્ક પરમિટ પર એક સોફ્ટવેર એન્જિનિયર તરીકે ૨૦૧૮માં જર્મની ગયા હતા. તેઓ જર્મનીના બર્લિન શહેરમાં રહેતા હતા.૨૦૨૧માં ભાવેશ શાહનાં પત્ની ધારા શાહે એક દીકરીને જન્મ આપ્યો. તેને `અરિહા’ એવું નામ આપવામાં આવ્યું. દીકરીનો જન્મ થતાં ઘરમાં ખુશીનો માહોલ હતો. નાનકડી અરિહાને જોવા તેના દાદા પણ ભારતથી જર્મની ગયા. આ દરમિયાન બન્યું એવું કે મામૂલી અકસ્માતથી નાનકડી અરિહાને ઈજા થઈ અને તેના ડાયપરમાંથી લોહી નીકળવા લાગ્યું. માતા-પિતા તરત જ અરિહાને બર્લિનની હોસ્પિટલમાં લઈ ગયાં. એ હોસ્પિટલના ડૉક્ટરે બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં લોહી જોઈ તરત જ ચાઈલ્ડ પ્રોટેક્શન ટીમના અધિકારીઓને બોલાવી એવો ગલત આરોપ મૂક્યો કે બાળકી અરિહાનું જાતીય શોષણ થયું છે. અરિહાનાં માતા-પિતાએ કહ્યું કે, એક મામૂલી દુર્ઘટનામાં તેમની દીકરીને લોહી નીકળ્યું છે. કોઈ માતા-પિતા તેમની ૭ મહિનાની દીકરીનું જાતીય શોષણ ન કરે.
પરંતુ જર્મનીની ચાઈલ્ડ પ્રોટેક્શન ટીમના અધિકારીઓએ અરિહાનાં માતા-પિતાની વાત માની નહીં અને ૭ મહિનાની અરિહાનો કબજો લઈ તેને બર્લિનના ફોસ્ટર કેર એટલે કે બાળકો માટેના અનાથાલયમાં મોકલી દીધી. પોતાની એકની એક દીકરી છીનવાઈ જતાં ભાવેશ શાહ અને ધારા શાહના માથે આભ તૂટી પડ્યું. તેઓ કહે છે, `અમે તો અમારી દીકરીના ઈલાજ માટે અમે જ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં પરંતુ જર્મનીના ચાઈલ્ડ કેર અધિકારીઓ તેમની વાત સંભળવા તૈયાર નથી. એથી ઉલટું જર્મન સત્તાવાળાઓ દ્વારા ભાવેશ શાહ અને ધારા શાહ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. જોકે પાંચ મહિના બાદ રિપોર્ટ આવ્યો કે બેબી અરિહાનું યૌન ઉત્પીડન થયું જ નથી. કોઈ આકસ્મિક કારણસર તેને થોડી ઈજા જ થઈ હતી. આવા સ્પષ્ટ રિપોર્ટ બાદ પણ જર્મનીના અધિકારીઓના જડ વલણને કારણે અરિહા તેનાં માતા-પિતાને સોંપવામાં આવી નહીં. જર્મન અધિકારીઓએ હવે એવું બહાનું કાઢ્યું કે, પોતાના સંતાનની સંભાળ લેવા માટે અરિહાનાં માતા-પિતા યોગ્ય પાત્રતા ધરાવે છે કે નહીં તેનું પ્રમાણપત્ર જર્મનીના મનોચિકિત્સક પાસેથી લાવો. મનોચિકિત્સકે પણ માતા-પિતાને માનસિક રીતે પરેશાન કરતાં ચિત્ર-વિચિત્ર પ્રશ્નો પૂછ્યા. દા.ત.- તમારો જન્મ ક્યાં થયો હતો? તમારા પરિવારમાં કોણ કોણ છે? તમારો ઉછેર કેવા વાતાવરણમાં થયો હતો? તમારા બાળકને જન્મ આપતા પહેલાં ઘરમાં તેના ઉછેરની બાબતે કોઈ વિચાર કર્યો હતો?’
આવી આકરી મનોયાતનામાંથી પસાર થયા બાદ પણ ધારા શાહ અને ભાવેશ શાહને આજ સુધી જર્મનીના ચાઈલ્ડ પ્રોટેક્શન વિભાગે અરિહાનો કબજો સોંપ્યો નથી. સહુથી ખરાબ વાત તો એ છે કે બાળકને ઉછેરવાની ક્ષમતા ધારા શાહ અને ભાવેશ શાહમાં છે કે નહીં તેનો પેરેન્ટ્સ એબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા એક વર્ષ સુધી ચાલી અને જર્મન સત્તાવાળાઓએ અરિહાનાં માતા-પિતાએ તેમની દીકરીને અનેક બાબતો શીખવી ન હોવાનું ખોટું તારણ કાઢ્યું. પોતાના સંતાનનો કબજો મેળવવા બે વર્ષથી સંઘર્ષ કરી રહેલા આ ગુજરાતી જૈન પરિવારને કોર્ટના ચુકાદાનો ઈન્તજાર હતો પરંતુ બે દિવસ પહેલા જર્મન કોર્ટે તેનો ચુકાદો આપી બાળકીને પાછી સોંપવા ઈન્કાર કરી દીધો છે. જર્મન પ્રશાસનની આ જડતા જ છે.
જર્મનીમાં રહેતા આ ગુજરાતી પરિવારે પોતાની જ બાળકીને પાછા મેળવવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સંવેદનશીલ અપીલ કરી છે. અરિહા તેનાં માતા-પિતાને પાછી સોંપાય તે માટે ભારતના બધા જ પક્ષોના નેતાઓ પણ આ અભિયાનમાં જોડાયા છે. ૧૯ જેટલા રાજકીય પક્ષોના ૫૯ જેટલા સાંસદોએ દિલ્હીસ્થિત જર્મન રાજદૂત ફિલીપ એકરમેનને એક સંયુક્ત પત્ર લખી અપીલ કરી છે કે અરિહા શાહને જલદીમાં જલદી તેનાં માતા-પિતાને સોંપી દેવામાં આવે. આ અપીલ કરનારા નેતાઓમાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી, શશિ થરૂર ભાજપાનાં હેમામાલિની, મેનકા ગાંધી, ડીએમકેનાં કનિમોઝી, એનસીપીનાં સુપ્રિયા સુલે, ટીએમસીનાં મહુઆ મોઈત્રા, સપાના રામગોપાલ યાદવ અને આપના સંજય સિંહનો સમાવેશ થાય છે. ભારત સરકારનું વિદેશ મંત્રાલય પણ આ બાબતમાં રસ લઈ બાળકી તેનાં માતા-પિતાને સોંપાય તે માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. જોકે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિન્દમ બાગચીએ જણાવ્યું છે કે આ મામલો બેહદ સંવેદનશીલ છે. હવે આ મામલો બે દેશો વચ્ચેનો મામલો બની ગયો છે અને ન્યાયાધીન છે. અરિહા શાહને તેનાં માતા-પિતાને સોંપવામાં આવે તે માટે બધા જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ મામલો દિવસે ને દિવસે વધુ જટિલ બનતો જાય છે. આવતા ઓગસ્ટ મહિના સુધીમાં અરિહાને જર્મનીના અનાથાલયમાં બે વર્ષ પૂરાં થઈ જશે. જર્મનીના નિયમ મુજબ અગર કોઈ બાળક બે વર્ષ સુધી ફોસ્ટર કેર એટલે કે અનાથાલયમાં રહે છે તો તે બાળકને તેનાં માતા-પિતાને સોંપી શકાય નહીં. જર્મનીના નિયમ મુજબ બાળક બે વર્ષ બાદ તેનાં માતા-પિતા પાસે જાય તો નવી સ્થિતિએ અેને કલ્ચરલ શૉકનો સામનો કરવો તે અસમર્થ હશે.
ભાવેશ શાહ અને ધારા શાહે પોતાની બાળકીની દેખરેખ માટે બાળકીને જ્યાં રાખી છે તે સંસ્થામાં રહેવા માટે અનુમતી માંગી પરંતુ જર્મન સરકારે ઈન્કાર કરી દીધો. શાહ પરિવારના સભ્યોએ પોતાની પુત્રીનો કબજો મેળવવા ઓનલાઈન યાચિકા પણ શરૂ કરી છે. આ યાચિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જર્મન બાલસેવાઓ સાંસ્કૃતિક અને ધાર્મિક પહેચાન પ્રતિ અસંવેદનશીલ છે. અમે જૈન પરિવાર છીએ પરંતુ જર્મનીની ચાઈલ્ડ કેર સિસ્ટમ માંસાહાર પર જોર આપી રહી છે. કહેવાય છે કે જર્મનીનું ચાઈલ્ડ કેર ડિપાર્ટમેન્ટ ગમે તે રીતે બાળકી તેનાં માતાપિતાને સોંપવાના બદલે એક જર્મન પરિવાર જ તેને દત્તક લઈ લે તેવી યોજના બનાવી રહ્યું છે. જો આ વાત સાચી હોય તો આ વાત બાલ અધિકારો પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલનના અભિગમનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
શાહ પરિવારનો આરોપ છે કે જર્મન અધિકારી તેમની નાનકડી બાળકી અરિહાને જૈન સંસ્કારો અને જૈન મૂળથી અલગ કરીને એ બાળકીને યુરોપિયન જીવનશૈલીમાં પરિવર્તિત કરવા કોશિશ કરી રહ્યા છે. જે જૈન ધર્મની શિક્ષાથી તદ્દન વિરુદ્ધ છે.
અરિહા શાહની માતા ધારા શાહે પી.એમ. નરેન્દ્ર મોદીને એક વીડિયો અપીલ કરીને મદદરૂપ થવા વિનંતી કરી છે. તેમણે પી.એમ. મોદીને અપીલ કરતાં કહ્યું છે કે અમને અમારી બાળકી પાછી મેળવવી છે, તેમાં આપ અમને મદદ કરો. જર્મન અધિકારીઓએ અમારી જ વિરુદ્ધ બાળકીનું જાતીય શોષણ કરવાનો કેસ દાખલ કર્યો હતો, પરંતુ હોસ્પિટલે બાળકીનું જાતીય શોષણ થયું નથી એવું સ્પષ્ટ રિપોર્ટ આપ્યો હતો. તેમ છતાં અમને અમારી દીકરી અરિહાનો કબજો મળતો નથી.
બાળકોની દેખરેખ માટે જર્મની જેવા યુરોપના કેટલાયે દેશોના નિયમો કેવા જડ અને સખત છે તે વિદેશ જનારા તમામ પરિવારોએ જાણી લેવું જોઈએ.

Be Sociable, Share!