Close

જ્યારે એક બાળકને ત્રણ વર્ષની વયે પૈસા પ્રત્યે અનાસક્તિ થઈ

કભી કભી | Comments Off on જ્યારે એક બાળકને ત્રણ વર્ષની વયે પૈસા પ્રત્યે અનાસક્તિ થઈ

જશન.

આ નામના એક બાળકનો જન્મ તા. ૨ ઓગસ્ટ, ૧૯૧૮ના રોજ હાલ પાકિસ્તાનમાં આવેલા હૈદરાબાદમાં થયો હતો. માતાનું નામ ક્રિશ્નાદેવી અને પિતાનું નામ પહલાજરાય. નવજાત શિશુનો રડવાનો અવાજ સાંભળી પિતા અંદરના ખંડમાં ગયા. એમણે બાળકને હાથમાં લીધું. ક્રિશ્નાદેવી ધીમેથી બોલ્યાં : “આ આપણો નાનકડો જશન (સેલિબ્રેશન) છે.” પિતાએ ઈશ્વરનો આભાર માન્યો. છ દિવસ પછી નામકરણ વિધિ માટે બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા. તેમણે જન્મકુંડળી તૈયાર કરી બાળકનું નામ પાડયું ‘વીરુ’, પરંતુ પરિવારે બાળકને ઘરમાં જશન કહીને જ બોલાવવાનું ચાલુ રાખ્યું.

નાનકડા જશનને બે બહેનો પણ હતી. એક દિવસ પડોશમાં દુર્ગાષ્ટમીની પૂજા થઈ રહી હતી. આસપાસમાં રહેતી નાની કુંવારિકાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બીજી કન્યાઓને કહેવામાં આવ્યું હતું કે, પૂજા પછી પ્રત્યેક કુમારિકાને બે આના (તે વખતનું ચલણ) આપવામાં આવશે. જશનની બે બહેનો શકુંતલા અને હરિને થયું કે તેમના નાનકડા ભાઈ જશનને પણ બે આના મળવા જોઈએ. એ હેતુથી તેમણે તેમના ત્રણ વર્ષની વયના નાનકડા ભાઈ જશનને છોકરીનાં વસ્ત્રો પહેરાવ્યા. સ્કર્ટ અને બ્લાઉઝમાં જશન પણ સુંદર કન્યા જેવો લાગતો હતો. બધા પૂજામાં ગયા. પૂજા પછી બધી કુમારિકાઓ બે આનાના સિક્કા લેવા લાઈનમાં ઊભી રહી ગઈ. જશનને સૌથી આગળ લાઈનમાં ઊભો રાખ્યો. તેના હાથમાં બે આનાનો સિક્કો મૂકવામાં આવ્યો, પરંતુ તેની પાછળ ઊભી રહેલી બે બહેનોથી હસવું ખાળી શકાયું નહીં. આ કારણે પૈસા વહેંચી રહેલા પુરુષને શંકા ગઈ. તેમણે ધારીને જોયું અને ખ્યાલ આવી ગયો કે છોકરો છોકરીનાં કપડાં પહેરીને આવ્યો છે. તેને ખખડાવી નાખવામાં આવ્યો : “શું તું અમને મૂર્ખ સમજે છે ? તેં છોકરીનાં વસ્ત્રો પહેરીને આવવાની હિંમત કેવી રીતે કરી ? આ છેતરપિંડી છે.” એમ કહી તેના હાથમાંથી બે આનાનો સિક્કો પાછો લઈ લીધો. એટલું જ નહીં, પણ તે માણસે નાનકડા જશનને એક તમાચ પણ ફટકારી દીધી.

ત્રણ વર્ષના જશનને આ અપમાન લાગ્યું. તે ક્ષોભ અનુભવતાં રડવા લાગ્યો. તેની બહેનો પણ હવે નિઃસહાય હતી, પરંતુ એ નાનકડા બાળકે એ ઉંમરે અને એ જ ક્ષણે પૈસાથી એક અંતર રાખવાનું નક્કી કરી નાખ્યું. નાની વયના બાળકના દિલોદિમાગ પર આ ક્ષોભજનક સ્થિતિની જબરદસ્ત અસર થઈ.

પિતા કરાંચીની મ્યુનિસિપલ પ્રાઈમરી સ્કૂલના સુપરવાઈઝર હોઈ ત્રણ વર્ષના જશનને ખાસ કેસ તરીકે ટી. સી. સિંધી મીડિયમ સ્કૂલમાં પ્રવેશ મળ્યો. પ્રાથમિક શિક્ષણનો પાંચ વર્ષનો કોર્સ એણે ત્રણ વર્ષમાં પૂરો કરી નાખ્યો. આઠ વર્ષની વયે બાળકને સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાં પ્રવેશ મળ્યો. એક વાર આ નાનકડા બાળકે એને સહાધ્યાયીઓને પૂછયું : “તમે કદી એ વિચાર્યું છે કે, તમે દુઃખી, અસંતુષ્ટ અને હતાશ કેમ થાવ છો ?”

”ના, તું જ કહે.” બીજાં બાળકોએ પૂછયું.

નાનકડા જશને કહ્યું : “આપણે દુઃખી છીએ, કારણ કે આપણે આ જીવન જેવું છે તેવું સ્વીકારી શકતા નથી. આપણી પાસે જે છે તેનો આપણને સંતોષ નથી. આપણે ભૂતકાળમાં જીવીએ છીએ. ભવિષ્યની કલ્પનામાં રાચીએ છીએ. કોઈ પરિવર્તન આવે તો આપણે તેનો પ્રતિકાર કરીએ છીએ. આપણે આપણી આસપાસની પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ છીએ તેથી દુઃખી થઈએ છીએ.”

નાનકડો જશન થિયોસોફિકલ સોસાયટીમાં એણે જે સાંભળ્યું હતું તે તેના મિત્રોને કહી રહ્યો હતો. પિતાના અવસાન પછી તે દરિયા કિનારે જઈ વિચારવા લાગ્યો. કરાંચીનો દરિયા કિનારો એને ગમતો હતો. એ દૂર દૂરથી આવતા મોજાંને જોઈ રહેતો. એ મોજાં દરિયા કિનારે વિખરાઈ જતાં. કોઈ વાર તે ગાંધી ગાર્ડન જતો. અહીં એક નાનકડું ઝરણું હતું. ઝરણા પર એક જૂનો સસ્પેન્શન બ્રિજ હતો. તે ગમે ત્યારે પડી જાય તેવો હતો. તેનું સમારકામ કરવું જરૂરી હોઈ એક દિવસ બ્રિજની આગળ એક બેરીકેડ મૂકી સૂચના લખવામાં આવી હતી કે, “આ બ્રિજ ભયજનક છે. કોઈએ તેની પરથી પસાર થવું નહીં.” નાનકડા જશને બ્રિજ પાસે જઈ આ બોર્ડ વાંચ્યું. એણે જોયું તે બ્રિજની નીચેના ભાગમાં એક પક્ષીએ એક માળો બાંધ્યો હતો. તેમાં તેનાં નાનાં બચ્ચાં પણ હતાં. જશનને પક્ષીઓ માટે બહુ જ લગાવ હતો. તે માળા પાસે ગયો અને ધીમેથી બોલ્યો : “ઓ નાનકડાં પક્ષી, તને ખબર છે કે, આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડશે ? તારું જીવન ભયમાં છે.”

થોડી વાર પછી બાળકને લાગ્યું કે અંદરથી પક્ષી જાણે કે બોલી રહ્યું છે : “ભય ? શાનો ભય ? બ્રિજ તૂટી પડવા જેવું લાગશે તો અમે અમારી પાંખો પ્રસારી ઊડી જઈશું.”

કેવું આશ્ચર્ય ! એ ક્ષણે જશનને લાગ્યું કે, મારે પણ આવી જ શ્રદ્ધા અને વિશ્વાસથી જીવવું જોઈએ. શું આપણા બધાની સંભાળ રાખવા આપણાથી ઉપર ભગવાન નથી ? આખરે આપણે એમનું તો સર્જન છીએ ? આ વિચારની સાથે જ નાનકડા જશનને પોતાની પાંખો પ્રસારી ઊડી જવાનું મન થયું.

પિતાના મૃત્યુ બાદ જશનને એક બીજો આંચકો લાગ્યો. તેના ૩૦ વિદ્યાર્થીઓના વર્ગમાં તે હંમેશાં પહેલા નંબરે પાસ થતો હતો, પરંતુ આ વખતે તે પ્રથમ નંબર ચૂકી ગયો અને બીજા નંબરે પાસ થયો. નિરાશ જશન ફરી દરિયા કિનારે ચાલ્યો ગયો. એવામાં તેના જ વર્ગનો એક વિદ્યાર્થી હાથમાં મીઠાઈ લઈને ખુશ થતો તેની પાસે આવ્યો. એણે કહ્યું, “જશન ! લે આ મીઠાઈ ખા. હું તો મારી સફળતાને ઊજવી રહ્યો છું.”

જશને પૂછયું : “તું તો છેક છેલ્લા નંબરની નજીક ૨૯મા નંબરે આવ્યો છે. તેમાં સફળતા શું ?”

એના મિત્રએ હસતાં હસતાં કહ્યું : “હું તો પાસ થઈ ગયો તેનો જ મને આનંદ છે. મને તો હતું કે હું નાપાસ જ થવાનો છું. હું નાપાસ થયો હોત તો મારું એક વર્ષ બગડત. બોલ, હવે તને નથી લાગતું કે હું નસીબદાર છું ?”

“હા… હા…” જશને કહ્યું અને એણે મીઠાઈ લીધી. તે પછી જશન બીચ પર ગયો. બેઠા બેઠા તે વિચારવા લાગ્યો કે, કોઈ પણ પરિસ્થિતિને તમે કઈ નજરથી જુઓ છો તે જ મહત્ત્વનું છે. મને પ્રથમ નંબરના બદલે બીજો નંબર મળ્યો તેથી હું દુઃખી હતો અને મારો સહાધ્યાયી માત્ર પાસ જ થઈ ગયો તેના કારણે આનંદમાં હતો. એને એથી વધુ કાંઈ ખપતું જ નહોતું. જશનને આત્મજ્ઞાાન લાદ્યું કે, બહારના સંજોગો તમારું સુખ નથી કરતાં, પરંતુ તે સંજોગોને નિહાળવાનો દૃષ્ટિકોણ જ તમારું સુખ નક્કી કરે છે.

આવો નાનકડો જશન એક વાર તેના ઘરની બહાર પસાર થઈ રહ્યો હતો. તેના બે મિત્રો તેને જોઈ રહ્યા હતા. રસ્તામાં ખૂણા પર એક મોટી વયના સજ્જન વ્યક્તિ ઊભા હતા. જશન અચાનક નીચે નમ્યો અને રસ્તા પરથી કોઈ ચીજ લઈ એણે મુઠ્ઠીમાં મૂકી દીધી. મોટી વયના એક વ્યક્તિ તેની પાસે આવ્યા અને કડકાઈથી કહ્યું : “છોકરા ! તારી મુઠ્ઠી ખોલ.”

જશને મુઠ્ઠી ખોલી નહીં.

પુખ્ત વયના પુરુષે તેને ખખડાવ્યો : “જો છોકરા ! તેં રસ્તા પર પડેલા કોઈના પૈસા લઈ લીધા છે ને ?તારે કોઈના એ પૈસા ના લેવા જોઈએ જે તારા નથી. આ એક પ્રકારની ચોરી છે. તું સારા ઘરનો છોકરો લાગે છે. તેં આમ કેમ કર્યું ?”

જશને કહ્યું : “મારી મુઠ્ઠીમાં એવું કંઈ નથી.”
“નહીં તારે તારી મુઠ્ઠી ખોલવી જ પડશે.” પુરુષે સખ્તાઈથી કહ્યું.

બાળકે સસંકોચ મુઠ્ઠી ખોલી. તેની મુઠ્ઠીમાં તીક્ષ્ણ કાચનો એક તૂટેલો ટુકડો હતો.

“કાચ ?” પેલા માણસે પૂછયું : “તેં આ કાચનો ટુકડો કેમ લીધો ?”

જશને કહ્યું : “સર, જેના પગમાં જૂતાં નહીં હોય એવો કોઈ ગરીબ માણસ અહીંથી પસાર થાત તો એના પગમાં આ કાચ વાગી ના જાય એટલે મેં એને ઉઠાવી લીધો.” આ કહેતી વખતે બાળકની આંખમાં આંસુ હતા. રસ્તામાં ઊભેલા તેના મિત્રો અને તેને ઠપકો આપનાર પુરુષ મૌન થઈ ગયા.

આ બાળક એક મોટો થઈ અને એક દિવસ મહાન સંતના રૂપમાં પરિવર્તિત થયો અને તેમનું નામ દાદા જે. પી. વાસવાણી.

તેઓ માત્ર ૧૭ વર્ષની વયે બી.એસસી. થયા હતા. માસ્ટર ડિગ્રી માટે તેમણે ‘ધી સ્કેટરિંગ ઓફ એક્સ-રે બાય સોલિડ્સ’ વિષય પર થિસીસ લખી હતી જેનું મૂલ્યાંકન નોબલ પ્રાઈઝ વિજેતા સી. વી. રમને કર્યું હતું. તેઓ કરાંચીની ડી. જે. સિંધી કોલેજના ફેલો તરીકે પણ રહ્યા. તે પછી તેઓ તેમના કાકા અને સંત સાધુ વાસવાણીના અનુયાયી બન્યા. દાદા જે. પી. વાસવાણી આજે ચિંતક, દર્શક અને ધર્મગુરુ તરીકે આખા વિશ્વમાં નામના પામ્યા છે. તેઓ લંડનના હાઉસ ઓફ કોમન્સ (પાર્લામેન્ટ)ને અને ઓક્સફર્ડમાં પણ પ્રવચન આપી ચૂક્યા છે. શિકાગોમાં યોજાયેલી વિશ્વના ધર્મો અને આધ્યાત્મિક વડાઓની પરિષદને પણ સંબોધી ચૂક્યા છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પણ પ્રવચન આપી ચૂક્યા છે. તેમણે ૭૫ જેટલાં પુસ્તકો લખ્યાં છે અને તેમને ‘યુ થાન્ત’ પિસ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેઓ હાલ ૯૭ વર્ષની વયના છે. દેશ અને દુનિયાભરમાં ચાલતી અનેક સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓને તેઓ માર્ગદર્શન આપે છે. અમદાવાદમાં સરદારનગર ખાતે ચાલી રહેલી સાધુ વાસવાણી હાયર સેકન્ડરી સ્કૂલનું સંચાલન પણ તેમના કુશળ માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.

તેમનો એક જ જીવનમંત્ર છે અને સંદેશ છે : ‘ટર્ન બેક ટુ ગોડ.’ તેઓ કહે છે : “આપણે ભગવાનને શાળાઓમાંથી અને ઘરમાંથી બહાર ફેંકી દીધા છે. ભગવાનને સ્કૂલોમાં, ઘરમાં અને તમારા જીવનમાં પાછા લાવો.”

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!