Close

જ્યારે મારી માતા’રામપ્યારી’ને રસૂલન બનાવી દેવામાં આવી

કભી કભી | Comments Off on જ્યારે મારી માતા’રામપ્યારી’ને રસૂલન બનાવી દેવામાં આવી
આજે તા.૧૫મી ઓગસ્ટ છે. દેશના ભાગલા વખતેની  અને તે પછીની બે ઘટનાઓ અહીં પ્રસ્તુત છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે હંમેશાં તનાવપૂર્ણ સંબંધો રહ્યા છે પરંતુ એ બધાની વચ્ચે પણ ક્યાંક અવનવી વાતો જોવા મળે છે.
પંજાબના મુક્તસર જિલ્લામાં નેશનલ હાઈવે પર મલોટ શહેર ખાતે લાકડાંનું કામ કરવાવાળાની એક દુકાન છે જ્યાં લાગેલા બોર્ડ પર લખ્યું છે. ‘ભારત-પાકિસ્તાન વૂડવર્કસ’ આ દુકાનના માલિકનું નામ ગુરમીતસિંહ છે. ભારતની કોઈ દુકાન પર આવું બોર્ડ જોઈ કોઈને પણ આૃર્ય અને આઘાત લાગે. કેટલાકને ગુસ્સો પણ આવે છે અને દુકાનના માલિકને ધમકી પણ આપે છે કે, તેઓ તેમની દુકાન પરથી ‘પાકિસ્તાન’ શબ્દ હટાવી દે. પરંતુ ગુરમીતસિંહ કહે છે કે આ તો મારી પુરાણી યાદો સાથે સંકળાયેલો મુદ્દો છે. એમ કહી તેઓ પોતાની દુકાન પર લાગેલા બોર્ડ પરથી ‘પાકિસ્તાન’શબ્દ હટાવવા તૈયાર નથી.
આૃર્ય તો એ વાતનું છે કે આ મુદ્દો ફક્ત દુકાનના બોર્ડ પૂરતો સીમિત નથી. ગુરમીતસિંહે પોતાના બે પુત્રો પૈકી એકનું નામ ‘ભારતસિંહ’ અને બીજાનું નામ ‘પાકિસ્તાનસિંહ’ રાખ્યું છે.
ગુરમીતસિંહ કહે છે કે ‘મારા વડીલો ભારત-પાક.ના ભાગલા વખતે પાકિસ્તાનના પંજાબ ક્ષેત્રમાંથી આવેલા ‘રતી ટિમ્બા’ નામના ગામથી આવ્યા હતા. આ ઘટના બાદ મારું પરિવાર હરિયાણાના હાંસી શહેરમાં આવીને વસ્યું હતું. પરંતુ ૧૯૮૪માં શીખ-દંગા થયા અને મારા પરિવારે એ સ્થળ પણ છોડવું પડયું. ફરી એકવાર ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે થયેલા રમખાણો યાદ આવી ગયાં તે પછી અમે અહીં મલોટ શહેરમાં આવીને વસ્યા. શરૂઆતમાં કેટલાક લોકો અમને પસંદ કરતાં નહોતા. પરંતુ ધીમે ધીમે અમને સ્વીકારી લીધા. અમે શીખ પરિવાર છીએ. જો કે પુરાણી યાદોને અમે ભૂલી શક્યા નથી. અમે રોજ એક જ પ્રાર્થના કરતા હતા ‘હે રબ! અબ ઔર મત ઉજાડના’ અમે હવે આ સ્થળેથી ભટકીને અન્ય કોઈ જગાએ જવા માંગતા નહોતા.
ગુરમીતસિંહના બે પુત્રો પૈકી ભારતસિંહની વય ૧૨ વર્ષ અને પાકિસ્તાનસિંહની વય ૧૧ વર્ષની છે. એ બંનેના  જન્મ મલોટમાં જ થયો છે. ૨૦૦૬માં ભારતસિંહનો જન્મ થયો ત્યારે ઘરમાં ખુશીઓ મનાવવામાં આવી હતી. વડીલો બોલ્યા હતા કે, ભાગલા બાદ આપણા ઘરમાં પહેલી જ વાર આનંદ છવાયો હતો. ૨૦૦૭માં બીજો પુત્ર જન્મ્યો ત્યારે ભારત-પાકિસ્તાનના ભાગલાની યાદમાં બીજા પુત્રનું નામ ‘પાકિસ્તાનસિંહ’ એવું આપવામાં આવ્યું. શરૂ શરૂમાં તો બધાને આ અઘરું લાગ્યું પરંતુ જે નામો રાખવામાં આવ્યા તે નામો જ ઘરમાં બધાની જીભ પર ચડી ગયા. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તનાવપૂર્ણ વાતાવરણની વચ્ચે પણ આ બંને ભાઈઓ-ભારતસિંહ અને પાકિસ્તાનસિંહ એકબીજા માટે જાન કુરબાન કરી દેવા તૈયાર છે.
જો કે હવે ખરી મુશ્કેલી સ્કૂલમાં પ્રવેશ વખતે આવી. સ્કૂલવાળાઓએ આ નામવાળાને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો. પરિણામે ગુરમીતસિંહે  પોેતાના બંને પુત્રોને ગુરુદ્વારમાં જઈ ગ્રંથી દ્વારા ‘પાકિસ્તાનસિંહ’નું નવું નામ લખાવ્યું ઃ ‘કરણદીપસિંહ’. ‘પાકિસ્તાનસિંહ’ હવે કરણદીપસિંહ  બની ગયો પરંતુ ઘરમાં તો બોલવા-ચાલવામાં ‘પાકિસ્તાનસિંહ’ જ યથાવત્ રાખ્યું.
એે પછી ગુરમીતસિંહે મગેલામાં જીટી રોડ પર લાકડાંના ધંધાની એક દુકાન ખોલી તો તેનું નામ ‘ભારત-પાકિસ્તાન વૂડવર્કસ’ આપી આ જ નામનું બોર્ડ ચડાવી દેવામાં આવ્યું. આ નામનો જ વિરોધ થયો અને તે સ્વાભાવિક છે પરંતુ ગુરમીતસિંહ કહે છે કે  છેલ્લા ૭૦ વર્ષથી તેમનું પરિવાર એ યાદોથી અને ખાસ કરીને ભારત-પાકિસ્તાનના ભાગલાની ઘટનાઓથી જોડાયેલું છે. પૂર્વજોની તે બધી યાદોને ભુલાવી દેવી કેવી રીતે ?
એ જ રીતે પંજાબમાં મલોટ શહેરથી ૪૮ કિલોમીટર દૂર ફાઝિલ્કામાં એક મીઠાઈની દુકાન છે. તે દુકાનનું નામ છે ‘પાકપરનિયાં દી હટ્ટી’ આ દુકાનમાં તોશા નામની એક મીઠાઈ બને છે.  આ મીઠાઈ પાકિસ્તાનમાં આવેલા શહેર- પાકપરનિયાંમાં બનતી હતી. ભારતના  ભાગલા વખતે પણ  એ પરિવાર પાકિસ્તાન છોડી ફાઝિલ્કા આવીને વસી ગયું હતું પરંતુ ‘પાકપરન’ નામ છૂટયું નહીં. તેઓ કહે છે ઃ ‘૭૦ વર્ષ બાદ પણ અમે વિભાજનનો ડંખ મહેસૂસ કરીએ છીએ. જોકે આવી લાગણી બેઉ તરફ છે. જેઓ ભારત છોડી  પાકિસ્તાન ગયાં છે તેમને પણ આવી જ લાગણી થાય છે.
આ વિસ્તૃત વિગતોનો ઉલ્લેખ કરનાર દેશના જાણીતા પત્રકાર અને લેખક ડૉ. ચંદ્ર ત્રિખા છે. તેેઓ ‘પંજાબ કેસરી’ અખબારમાં લખે છે ઃ ‘મારી પાકિસ્તાનની યાત્રા દરમિયાન મારી મુલાકાત    પાકિસ્તાન લાહોરના  ગુલામ રસૂલ સાથે થઈ હતી. લાહોરની એક નાનકડી રેસ્ટોરાંના એક ખૂણામાં  તે બેઠેલો હતો. એે મારી લાહોરની  બીજી યાત્રા હતી. આમ તો લાહોરની પહેલી મુલાકાત દરમિયાન જ મારી તેની સાથે મુલાકાત થઈ ગઈ હતી.  એ વખતે એણે પાકપરનના એ મકાનનો કોઈ ફોટો ઉપલબ્ધ કરાવવા મેં આગ્રહ કર્યો હતો. ભાગલા પહેલાં મારો જન્મ પણ અહીં જ થયો હતો. તે મને ભાઈજાન કહેતો હતો. એના પિતા પાકપરનના હતા તેથી જ તે મને ભાઈજાન કહેતો હતો. મારી સાથેની પહેલી મુલાકાતમાં જ એણે મને કહ્યું હતું ઃ ‘આપ તો અખબારો મેં લિખતે હૈં. ક્યોં ન ઉસી ઔરતો કે બારે મેં લિખતે  હો જો બટવારે દૌરાન વહશિયત કી શિકાર બન ગઈ થી. આપ સબને યે સારા કામ હમારે પાકિસ્તાન કે સાહિત્યકાર મંટો પર હી છોડ દીયા હૈ. પર મંટો તો અદીબ થા, પત્રકાર  નહીં થા,
 હું એની વાત પર દંગ રહી ગયો. હું એને ફરી મળ્યો એણે ફરીને એની એ જ વાત દોહરાવી. વાત એમ હતી કે, મને ભાઈજાન કહીને બોલાવનાર  ગુલામ રસૂલની મા પહેલાં ‘રામપ્યારી’ હતી. લાહોરમાં તે રહેતી હતી. એક દિવસ તે તેની ત્રણ સહેલીઓ સાથે લાહોરના અનારકલી બજારમાં ઘરનો કોઈ સામાન ખરીદવા ગઈ હતી. અચાનક  દંગો કરવાવાળા કેટલાક તોફાનીઓ આવી ગયા અને એ કટ્ટરપંથીઓએ રામપ્યારીને ઉઠાવી લીધી. એ લોકો એને લઈને એક ગલીમાં જતા રહ્યા. એ લોકોએ રામપ્યારી અને તેની ત્રણેય સખીઓને એક હવેલીમાંથી નીચે પટકી દીધી. એ બધી યુવતીઓ ચીસો પાડતી રહી. એ લોકો બીજી સ્ત્રીઓને શોધવા જતા રહ્યા.
ડૉ. ચંદ્ર ત્રિખા કહે છે ઃ ‘ગુલામ રસૂલની દાસ્તાન લાંબી છે. આ કહાણી એણે જ મને કહેતા ઉમેર્યું હતું કે ઃ મારી એ ટ્રેજેડી છે કે આજ સુધી એ હાદસાની અસરમાંથી બહાર નીકળી શક્યો નથી. મારા પિતા હસમત ખાં એ હવેલીમાંથી રામપ્યારીને મોટી રકમ ચૂકવીને ખરીદી લીધી. અને તે પછી રામપ્યારી એટલે કે મારી માને રામપ્યારીમાંથી ‘રસૂલન’ બનાવી દીધી. આ વાતને વર્ષો થયાં પરંતુ મારી મમ્મી એ ઘટનાના આઘાતમાંથી હજુ બહાર આવી નથી.  મારી અમ્મીએ જ એક વાર મને કહ્યું હતું કે, કેટલાંક વર્ષો બાદ એને અમૃતસરથી આવેલા એક બુઝર્ગ મળ્યા હતા. એ બુઝર્ગ કેટલાંક લોકો સાથે નનકાના સાહબની તીર્થયાત્રા પર આવ્યા હતા. એમણે મારી મમ્મીને કહ્યું હતું કે, મારા નનિહાલના બધા લોકોને દંગાઈઓએ મારી નાખ્યા હતા. હું આજે પણ એ ઘટનાના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. મને ખબર પડતી નથી કે મારી ભીતર રહેલા લાવાને ક્યારે બહાર કાઢું? મારી મા હજુ વૃદ્ધાવસ્થામાં પણ જ્યારે તેને ઘૂંટણનું દર્દ ઊપડે છે ત્યારે તે તેના મોંમાંથી ‘હાય રામ’ શબ્દ જ બોલે છે.  મારા પિતાને આ ગમતું નથી. પણ હવે કરવું શું? મારી મા જ્યારે પણ સ્નાન કરવા બેસે છે ત્યારે દબાતા સ્વરે ‘હનુમાનજીના પાઠ’ કરે છે. તુલસીના પાનનું માહાત્મ્ય કરે છે. તે કહે છે કે તુલસીના પાનવાળી ચા પીવાથી તાવ કદીયે આવતો નથી.
… હવે આવા કિસ્સા ક્યાં દફ્ન કરવા? મને લાગે છે કે  બીજી એક સદી સુધી આ ચાલશે, બસ દુઆઓ કરતા રહો કે એવા દિવસો ફરી કદી ના આવે ફરી ઇતિહાસમાં જવું ના પડે.’
ડૉ. ચંદ્ર ત્રિખાની વાત અહીં પૂરી થાય છે. આ વિસ્તૃત કથા જાણીતા કટારલેખક ડૉ. ચંદ્ર ત્રિખા અને ‘પંજાબ કેસરી’ના સૌજન્યથી અહીં પ્રગટ કરી છે.
ભારત-પાકિસ્તાનના ભાગલાની ભીતર આવી હૃદયદ્રાવક કેટલીયે કહાણીઓ પડેલી છે. ભાગલાની ભીષણ કથાએ રક્ત રંજિત અને હૃદયને ચીરી નાખે તેવી છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!