Close

ડાર્વિને કહ્યું હતું: માનવી આજે પણ પૂંછડા વગરનો વાંદરો જ છે

કભી કભી | Comments Off on ડાર્વિને કહ્યું હતું: માનવી આજે પણ પૂંછડા વગરનો વાંદરો જ છે
સુપ્રસિદ્ધ સાહિત્યકાર, નાટ્યલેખક અને વિવેચક જ્યોર્જ બર્નાર્ડ શૉ એક વાર અમેરિકા ગયા. એક યુનિવર્સિટીમાં પ્રવચન આપતી વખતે તેમણે કહ્યું: `પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ સિદ્ધાંતને હું માનતો નથી. હું તો જૂના સિદ્ધાંતને માનું છું કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે.’
બર્નાર્ડ શોનું આ વિધાન સાંભળી એક માણસ બોલી ઊઠ્યો: `આપ શું બોલી રહ્યા છો? શું સૂર્ય પૃથ્વીની આસપાસ ચક્કર લગાવી રહ્યો છે? આપનું દિમાગ તો ઠેકાણે છેને? આપના મંતવ્યનું કારણ આપશો?’
બર્નાર્ડ શૉએ કહ્યું: `કારણ વગરનું હું કાંઈ જ બોલતો નથી. મોટામાં મોટું કારણ એ છે કે જે પૃથ્વી પર બર્નાર્ડ શૉ રહેતો હોય તે પૃથ્વી બીજા કોઈની આસપાસ ફરી શકે નહીં, તેથી સૂર્ય જ પૃથ્વીની આસપાસ ચક્કર લગાવતો હશે, કારણ કે હું પૃથ્વી પર રહું છું.’
ક્રાંતિકારી વિચારક ઓશોએ ઉપરોક્ત દૃષ્ટાંત આપીને આગળ કહ્યું છે કે, `માનવી પૃથ્વી પર વસે છે એટલે એણે પૃથ્વીને જ સેન્ટર માની લીધી હતી. આજે આપણે જાણીએ છીએ કે પૃથ્વી એ ઘણો નાનો ગ્રહ છે. સૂર્ય એનાથી ૬૦ હજાર ગણો મોટો છે અને આપણા સૂર્યથી કરોડ કે અબજ ગણા મોટા બીજા ઘણા સૂર્ય છે, એ હિસાબે પૃથ્વીની કોઈ વિસાત નથી. પૂરા બ્રહ્માંડમાં પૃથ્વીને શોધવી હોય તો ઘણી મુશ્કેલી પડે. પૃથ્વી એટલી નાની છે કે ભાગ્યે જ જડે. આવી પૃથ્વી પર મનુષ્ય રહે છે તેથી તે હંમેશાં પોતાને કેન્દ્ર માનતો રહ્યો છે પરંતુ હવે મુશ્કેલી એ છે કે આજે માનવી જ કેન્દ્રમાં નથી. સહુથી વધુ પૃથ્વી સૂર્યની આસપાસ ચક્કર લગાવે તે સિદ્ધ થયું ત્યારથી માનવીનું પ્રથમ કેન્દ્ર તૂટી પડ્યું. તે પછી ડાર્વિને એક નવો સિદ્ધાંત શોધી કાઢતાં કહ્યું કે મનુષ્ય વાંદરામાંથી ઊતરી આવ્યો છે. ડાર્વિને ઘણાં સંશોધનો કર્યાં. સઘળી શોધ બાદ ડાર્વિને કહ્યું કે, ` આજે પણ માનવી પૂંછડા વગરનો વાંદરો છે. ડાર્વિનની આ શોધે માનવીમાં ઘણી બેચેની પેદા કરી. માનવીની પુરાણી માન્યતાને ભારે ધક્કો લાગ્યો. ડાર્વિનની આ શોધને ખોટી ઠેરવી શકાય તેમ નથી. વાંદરામાંથી મનુષ્ય બનવાના ઉત્થાનમાં કરોડો-અબજો વર્ષ લાગ્યાં. શારીરિક સ્વરૂપમાં થોડો ઘણો ફેરફાર થયો, પરંતુ માનવીની ભીતર ઊંડે `વાંદરો’ તો હયાત જ છે. સર્વસ્વીકૃત એક વિચારધારા છે કે માનવી ભગવાન દ્વારા પેદા થયો. જ્યારે ડાર્વિન કહે છે કે માનવી વાંદરામાંથી ઉત્પન્ન થયો. આ બે હકીકતો આપણી સામે છે ત્યારે વાંદરામાંથી ઉત્પન્ન થવાનું વધુ ગૌરવપૂર્ણ છે કે કેમ? કારણ કે તે ભગવાનથી પેદા થયો હોય તો તેનું આટલું પતન શા માટે? અને વાંદરામાંથી વિકસિત થયો હોય તો તેને વિકાસ-ઉન્નતિ કહી શકાય. માનવીનું પાપ એ હતું કે તે ભગવાનથી વિખૂટો પડી ગયો. એને ઈડનના બગીચામાંથી કાઢી મૂકવામાં આવ્યો, કારણ કે તેનું પતન થયું હતું. એ પાપી હતો. ડાર્વિનની શોધ પછી મનુષ્યનો વિકાસ શરૂ થયો. આપણે પણ જે વિચારધારા ઉપજાવી કાઢી તે પણ પતનની જ હતી. આપણા શ્રેષ્ઠ યુગો ભૂતકાળમાં થઈ ગયા. દા.ત. સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ એ બધા વીતી ગયા. હવે કળિયુગ આવ્યો છે. કળિયુગમાં માનવીનું રોજેરોજ પતન થઈ રહ્યું છે. ઉત્તમ યુગ તો પહેલાં હતા. હવે તો રોજે રોજ પતન-પતન અને પતન જ છે. કળિયુગ એ છેલ્લું પતન છે. ઈવોલ્યુશન એટલે કે માનવીની ઉત્ક્રાંતિ `વિકાસ’ની કોઈ વિચારધારા જ નહોતી, જે વિચારધારા હતી અને તે માત્ર પતનની જ છે. બધા સુવર્ણયુગો ભૂતકાળમાં થઈ ગયા. રામરાજ્યની વાત ભૂતકાળની બની ગઈ. આપણા માટે સુવર્ણયુગ તો હવે આવશે અને એમ કરવા માટે ચિંતનની વિચારધારા બદલવી પડશે.’
ઓશો કહે છે કે, `માનવીની વિચારધારા પર પહેલો હુમલો કોપરનિક્સે કર્યો. બીજો હુમલો ડાર્વિને કર્યો અને ત્રીજો હુમલો આધુનિક મનોવિજ્ઞાનના પિતા એવા સિગ્મંડ ફ્રોઈડ કર્યો. ફ્રોઈડે જાહેર કર્યું કે જે ચીજોની તમે નિંદા કરો છો, તે બધી ચીજો મનુષ્યમાં ભરેલી છે અને જેની તમે પ્રશંસા કરો છો તે ચીજો કલ્પનાઓ અને સ્વપ્ન સિવાય બીજું કાંઈ નથી. કોઈ માનવી તેના ધર્મનું ધર્મશાસ્ત્ર વાંચતો હોય ત્યારે આપણને એ વાતનો ખ્યાલ જ આવતો નથી કે ભલોભોળો દેખાતો આ માણસ બીજાને છરો પણ ભોંકી શકે છે.’
– આ ઓશોના વિચારો છે.
હવે આપણે જ જો વિચારીએ તો ફ્રોઈડની વાત સાચી લાગે છે. ધર્મના નામે ખંજરબાજી થાય છે. ધર્મના નામે આતંકવાદી પ્રવૃત્તિ થાય છે. ધર્મના નામે ટારગેટ કિલિંગ થાય છે.
ચાલો, ધર્મની વાત છોડો હવે સામાજિક સમસ્યાઓની વાત કરીએ. ભારત જેવા દેશમાં અને ગુજરાત જેવા સભ્ય અને સુસંસ્કૃતિ પ્રદેશમાં પણ એક પિતા તેની બે વર્ષની સગીર બાળકી પર દુષ્કર્મ કરવાની ઘટનાઓ શરમથી આપણું માથું ઝુકાવી દે છે. આવું તો વાંદરાં પણ નથી કરતાં. વાંદરાંમાંથી શારીરિક વિકાસ બની વાંદરો માનવી બન્યો પરંતુ ભીતરથી તે પ્રાણીઓ કરતાંયે બદતર થયો છે. પ્રાણીઓ પોતાનાં સંતાનો પર બળાત્કાર કરતાં નથી. પ્રાણીઓ બેંકો લૂંટતાં નથી. પ્રાણીઓ કોઈની સાથે છેતરપિંડી કરવા ફ્રોડ કરતાં નથી. પ્રાણીઓને નિયંત્રણમાં રાખવા પોલીસ રાખવી પડતી નથી. પ્રાણીઓના ગુના માટે સજા કરવા અદાલતો હોતી નથી. પ્રાણીઓ માટે જેલો પણ નથી. આ બધું માનવી માટે છે તો માનવીએ શું વિકાસ કર્યો? પ્રગતિ કરીકે અધોગતિ? આપણા આંતરમનની તપાસ કરીશું તો માનવી બહારથી જેવો દેખાય છે તેવો નથી. માનવી સાફસૂથરો રહે છે, સારાં વસ્ત્રો પહેરે છે. દેખાવે સુંદર લાગવા પ્રયત્ન કરે છે પરંતુ એ બધું એક પ્રકારનો ઢોંગ જ છે. સારાં વસ્ત્રો પહેરવાથી માનવી `સારો’ બની જતો નથી. મનુષ્ય દેખાય છે તે કરતાં જુદો છે ખરી વાત એ છે કે માનવી ચાલાક પ્રાણી છે. મનુષ્યની ભીતર ઘણી જ વાસનાઓ પડેલી છે જે ખતરનાક છે. એક પતિવ્રતા સ્ત્રી પતિને પરમાત્મા માને છે પણ પતિ બહાર શું કરે છે તેની તેને ખબર નથી. પરમેશ્વર તો એક જ છે તો પતિ પરમેશ્વરનું સ્થાન કેવી રીતે લઈ શકે?
એ જ રીતે પત્ની પૂરા સંસ્કાર વગર આવી હોય તો ઘરની શોભા જેવાં સાસુ-સસરાને ઠંડું ખાવાનું પીરસીને ક્યારેક હડધૂત પણ કરે છે. કેટલાંયે વૃદ્ધોને અનાથાશ્રમમાં આશરો લેવો પડે છે. આમ કેમ?
એ જ રીતે સુસંસ્કૃત ગણાતો માનવી `અહિંસા’ની વાતો તો કરે છે પરંતુ ધર્મના નામે હિંસા અને સ્વાર્થ માટે જ વિશ્વના કેટલાક દેશો આજે યુદ્ધોમાં વ્યસ્ત છે. રશિયાએ કોઈ મહત્ત્વના કારણ વગર યૂક્રેન પર હુમલો કરી હજારો નિર્દોષ માનવીઓને મોતને ઘાટ ઉતારી દીધા. એ દેશના યુદ્ધખોર નેતા વાંદરાથી પણ નિમ્ન સ્તરે પહોંચી ગયા. ચીનના વડા શી જિનપિંગને તો દુનિયાનું નિકંદન કાઢી નાંખવા સિવાય બીજામાં રસ જ નથી. પોતાના જ દેશમાં લાખો લોકો કોરોનાના હાહાકારથી મરી રહ્યા છે પરંતુ શી જિનપિંગને પડોશી દેશો સાથે છમકલાં કરવામાં જ રસ છે.
હવે ફરી ઓશોના વિચારોની વાત કરીએ. ઓશો કહે છે કે, દુનિયાને દર દસ વર્ષે એક યુદ્ધની જરૂર પડે છે, કારણ કે દસ વર્ષ સુધી આપણે ઘણી બેવકૂફીઓ કરીએ છીએ જેના લીધે ઉત્પન્ન થયેલો ક્રોધ બહાર ઉલેચવા માનવી યુદ્ધો કરે છે. દર દસ કે પંદર વર્ષે આપણે કોઈ હિટલર કે માઓ પેદા કરવો પડે છે, એના વગર આપણને ચાલતું નથી. હિટલર કે માઓ આપણા માટે આવશ્યક ચીજવસ્તુ બની ગઈ છે. એનાથી માનવીને તેનો ક્રોધ ઉલેચીને રાહત મળે છે. એ પણ એ હકીકત છે કે જ્યારે યુદ્ધો શરૂ થાય છે ત્યારે ચોરી, હત્યા, આત્મહત્યા કે લૂંટફાટ ઓછાં થઈ જાય છે. આમ કેમ? જર્મનીની ભૂમિ પર યુદ્ધ ચાલતું હતું અને યુરોપની ભૂમિ પર ચાલતું હતું ત્યારે ચીનમાં ચોરીઓ ઓછી થઈ ગઈ હતી. યુદ્ધના સમયમાં ગાંડાઓની સંખ્યા ઓછી થઈ જાય છે. આ પરિણામો બંને વિશ્વયુદ્ધો વખતે જોવા મળ્યાં હતાં. કારણ એ હતું કે જ્યારે સામૂહિક ગાંડપણ ચાલતું હોય છે ત્યારે વ્યક્તિગત ગાંડપણ ઓછું થઈ જાય છે. અંગત ગાંડપણ પેલા સામૂહિક ગાંડપણમાં રસ લઈ સંતોષ અનુભવે છે. સામૂહિક ગાંડપણમાં તેનું અંગત ગાંડપણ ભળી જાય છે. જ્યારે સામૂહિક હત્યાઓ ચાલતી હોય ત્યારે જે તે દેશમાં અંગત અદાવતવાળાં ખૂન ઓછાં થઈ જાય છે.
આ છે ઓશોના વિચારો. તમે તેમની સાથે સંમત થાવ કે ન થાવ પણ તેમની વાતો પર વિચાર કરવા જેવો તો છે જ.
આપણે વાંદરાંમાંથી માનવી ક્યારે બનીશું?

Be Sociable, Share!